લઘુકથા સ્વરૂપપરિચય : મોહનલાલ પટેલ; પુસ્તકસમીપે – અંકુર બેંકર 7


એક ઘટના ચિત્તક્ષોભ કરનાર સિચ્યુએઅશન કેવી રીતે બની રહે તે કેટલું સરળ ભાષામાં સમજાવ્યું છે.

“આકાશમાં ચઢેલો મેઘ એક ઘટના છે. એક સ્થિતિમાત્ર. પણ એને જોઈને કોઈ વિરહી પ્રેમી નિ:શ્વાસ મૂકે તો એ ઘટના ચિત્તક્ષોભ કરનાર પરિસ્થિતિ અર્થાત્ સિચ્યુએઅશન બની રહે.”

ગદ્યના કોઈ પણ સ્વરૂપમાં કામ કરતાં દરેક વ્યક્તિએ આ પુસ્તકના બીજા પ્રકરણનો છેલ્લો ફકરો વાંચવા જેવો છે.

મણકો: ૦૨
પુસ્તક સમીક્ષા: લઘુકથા– સ્વરૂપ પરિચય
લેખક: મોહનલાલ પટેલ

મોહનલાલ પટેલ, ગુજરાતી સાહિત્યમાં આ નામ અજાણ્યું નથી. વીસ નવલકથા, અગિયાર વાર્તાસંગ્રહો, ત્રણ લઘુકથાસંગ્રહ તથા ચાર નિબંધસંગ્રહ, અનુવાદ, સંપાદન, પ્રવાસવર્ણન, વિવેચન વગેરેના પુસ્તકો આપીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. અંગ્રેજી ભાષામાં પણ ત્રણેક પુસ્તકો આપ્યાં છે. તેઓ ગુજરાતી ભાષામાં લઘુકથા સ્વરૂપનાં જનક મનાય છે. ગુજરાતી ભાષાને ઘણી મોટી સંખ્યામાં અને ગુણવત્તાસભર લઘુકથાઓ આપી છે. તેમના આ અનુભવના નિચોડ સ્વરૂપે અને તેમની પહેલી લઘુકથા ‘ડબલ સોપારી’ (કુમારના, ઑગસ્ટ ૧૯૫૧ના અંકમાં પ્રગટ થયેલ) લખાયાના સતાવનમા પાકટ વર્ષે, લઘુકથાના અભ્યાસુઓ માટે એના સ્વરૂપનો પરિચય કરાવતું આદર્શ પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત પુસ્તક “લઘુકથા સ્વરૂપપરિચય” વર્ષ ૨૦૦૭માં સાહિત્યગંગામાં તરતું મૂકે છે.

Laghukatha Swarup parichay Mohanlal Patel 
લઘુકથા સ્વરૂપ પરિચય મોહનલાલ પટેલ

૧૪૦ પાનામાં વહેંચાયેલ આ પુસ્તકમાં લગભગ ૭૦ પાનાં આ પુસ્તકનાં નામ મુજબ લઘુકથા સ્વરૂપનો પરિચય કરાવે છે. બાકીના પાનાઓમાં લઘુકથા સ્વરૂપનાં અભ્યાસીઓ અને આ સ્વરૂપમાં કામ કરવા ઇચ્છતાં સર્જકોને ઉપયોગી થઈ શકે તે હેતુથી કેટલીક નમૂનારૂપ લઘુકથાઓ અને તેમનો આસ્વાદ આપેલ છે. અંતે ત્રણ પરિશિષ્ટ છે. જેમાં પહેલાંમાં ગુજરાતી લઘુકથાનો અડધી સદીનો પ્રવાસ આલેખ્યો છે, બીજામાં હિંદી ભાષામાં લઘુકથા સ્વરૂપ વિશે વાત કરી છે જ્યારે ત્રીજામાં લેખકશ્રીની કુમાર માસિકમાં ‘લઘુકથા’ સંજ્ઞા હેઠળ છપાયેલી પ્રથમ કૃતિ ‘શાળાનો ર્રિપોર્ટ’ મૂકેલી છે.

લઘુકથાસ્વરૂપના પરિચય માટે સંપૂર્ણ વિષયને તેમણે અગિયાર પ્રકરણમાં વહેંચ્યો છે. અનુક્રમણિકા વાંચીને જ આ વિષય પર તેમની પકડ કેટલી છે અને આ પુસ્તક કેટલું ઉપયોગી થશે તે સમજાઈ ગયું હતું.

પ્રથમ પ્રકરણ ‘ઘટના અને સિચ્યુએશનની’ શરૂઆત તેઓ લઘુકથાના જન્મ માટેના કારણથી કરે છે. તેઓ લખે છે, “આકસ્મિક રીતે પ્રગટેલી કોઈ ક્ષુદ્ર ઘટના દ્વારા ક્ષુબ્ધ થયેલાં ચિત્તમાં નિર્માણ પામેલી ભાવપરિસ્થિતિ લઘુકથાના જન્મનું કારણ બને.” આ લખતાંલખતાં ફરીથી પુસ્તકમાંથી પસાર થતો હતો ત્યારે એ સમજાયું કે પ્રથમ પ્રકરણનો પૂરેપૂરો સાર પહેલા ફકરામાં જ સમાઈ ગયો છે. એક ઘટના ચિત્તક્ષોભ કરનાર સિચ્યુએઅશન કેવી રીતે બની રહે તે કેટલું સરળ ભાષામાં સમજાવ્યું છે.

“આકાશમાં ચઢેલો મેઘ એક ઘટના છે. એક સ્થિતિમાત્ર. પણ એને જોઈને કોઈ વિરહી પ્રેમી નિ:શ્વાસ મૂકે તો એ ઘટના ચિત્તક્ષોભ કરનાર પરિસ્થિતિ અર્થાત્ સિચ્યુએઅશન બની રહે.”

બીજા પ્રકરણ ‘સાહિત્યપદાર્થ’માં ગમી ગયેલી અને સીધેસીધી શીરાની જેમ ગળે ઊતરી ગઈ હોય તે વાત છે, “લઘુકથાને જે સાહિત્યપદાર્થ સાથે નિસ્બત છે તે શુદ્ધ ફિલસૂફી છે.”

અહીં લેખકશ્રી એમ પણ કહે છે કે, “લઘુકથા જીવન-ફિલસૂફી સંદર્ભે જે સનાતન છે, જે કોઈ પણ યુગે અને કોઈ પણ સંસ્કૃતિમાં અવિકારી રહે એવા માનવરહસ્યને અભિવ્યક્ત કરે છે.” આ વાત સાહિત્યના અન્ય સ્વરૂપોને પણ લાગુ પડે છે. કૃતિ જ્યારે માનવજીવનના કોઈ રહસ્યને પ્રગટ કરે ત્યારે તે ચિરંજીવી બની જાય છે. બીજા પ્રકરણના અંતમાં માનવીની મૂળભૂત વૃત્તિઓ તથા તેમના મેળથી લાગણીઓની જે માયાજાળ ઊભી થાય છે તેની વાત કરી છે. ગદ્યના કોઈ પણ સ્વરૂપમાં કામ કરતાં દરેક વ્યક્તિએ આ પુસ્તકના બીજા પ્રકરણનો છેલ્લો ફકરો વાંચવા જેવો છે.

‘સવેદન’ નામનાં ત્રીજા પ્રકરણના એક નિવેદનમાં લેખક જણાવે છે કે જે રચનામાં સંવેદન ન હોય એ લઘુકથા હોઈ શકે નહીં. આ પ્રકરણમાં લઘુકથાસ્વરૂપમાં સંવેદનની મહત્તા પર ભાર મૂકાયો છે. લઘુકથામાં સંવેદન કે લાગણીનું એટલું પ્રાધાન્ય હોય છે કે સાહિત્યના આ સ્વરૂપને સંવેદનકથા કે ઊર્મિકાવ્યની જેમ ઊર્મિકથા તરીકે પણ ઓળખી શકાય. તીવ્ર સંવેદનના આધારે રચાયેલી શ્રી મહેન્દ્રભાઈ જાવિયાની લઘુકથા “હાથ” દ્વારા આ સ્વરૂપમાં સંવેદનના મહત્વની વાત ખૂબ સારી રીતે મૂકી છે.

ચોથા પ્રકરણ ‘પરખ’ મુજબ સાહિત્યના કોઈ પણ સ્વરૂપને સ્થાપિત થવામાં તથા સ્વિકૃતિ મળવામાં થતાં વિલંબનું એક કારણ તે સ્વરૂપની પૂરેપૂરી સમજણ વિના કે તે સ્વરૂપને આત્મસાત્ કર્યા વિના તેમાં વિપુલ પ્રમાણમાં થતું ખેડાણ છે. તેમણે એ પણ નોંધ્યું છે કે જાણીતા સામયિકના જાણીતા સંપાદકો પણ ભળતી કૃતિથી છેતરાઈ જાય છે. કદાચ એટલે જ એના ઊગમના છ દાયકા પછી પણ ગુજરાતી સાહિત્યમાં લઘુકથા સ્વરૂપને જેવું મળવું જોઈએ તેવું સ્થાન નથી મળ્યું. લઘુકથાના નામે થોકબંધ નિ:સત્ત્વ રચનાઓ પ્રકાશિત થતી રહે છે તેને લેખકશ્રી લઘુકથાના ભાવિ માટે ચિંતાજનક બાબત ગણાવે છે.

પાંચમા પ્રકરણને પુસ્તકનું અગત્યનું પગથિયું ગણી શકાય. વસ્તુ કે થીમ નામના આ પ્રકરણમાં લઘુકથામાં ઓછી ઘટનાઓ દ્વારા સાહિત્યપદાર્થને ભાવક સુધી કઈ રીતે પહોંચાડી શકાય એની વાત આલેખી છે. આ પ્રકરણમાં “માણેક ગુજરી ગઈ” લઘુકથા દ્વારા ઘટનાલોપની સરસ સમજૂતી આપી છે. આ સિવાય વસ્તુ સંરચનામાં ઘટનાનું બાહુલ્ય ટાળવા માટેની યુક્તિઓની સમજ આપી અને લઘુકથાલેખકને કલાકસબ અજમાવવાનું પણ જણાવાયું છે.

છઠ્ઠા પ્રકરણમાં લઘુકથાનું પુદ્ગળ એ મર્યાદિત ફલકવાળું હોવાથી લાઘવ એ લઘુકથાનું અવિભાજ્ય અંગ છે એ વિશે વિસ્તારથી વાત કરી છે. આ સિવાય સામાન્યપણે આપણી લેખનશૈલીમાં પુનરાવર્તનનો દોષ છે એ વિશે એના કારણસહિત ચર્ચા કરી છે.

તે રીતે સાતમું પ્રકરણ લઘુકથામાં ‘પાત્રાલેખન’ની વાત કરે છે. લઘુકથામાં પાત્રાલેખન માટે ‘ઘડતરનો અવકાશ’ ઓછો છે પણ અશક્ય નથી. લઘુકથામાં ઘટનાસંખ્યાની મર્યાદા હોવાથી પાત્રોના પરિચય હેતુ લેખક માટે ઘટનાપસંદગીનું કામ કસોટીરૂપ બની રહે છે. ઓછી ઘટનાઓથી પાત્રના વ્યક્તિત્વના એકાદ સબળ પાસાનો પરિચય આપવાનું કામ સર્જકે કરવું પડે છે.

આઠમા પ્રકરણમાં ભાવકની સજ્જતા વિશે વાત કરવામાં આવી છે. લઘુકથામાં ઘટનાસંખ્યાની મર્યાદાને કારણે તથા ચિત્તના ઊંડાણને સ્પર્શવાની વાત હોવાથી લઘુકથાકાર કલ્પન, પ્રતીક, પુરાકલ્પન, વ્યંજના વગેરેનો ઉપયોગ કરે છે. આવે વખતે ભાવકની વિશિષ્ટ સજ્જતા આવશ્યક છે.

‘સમગ્ર છાપ’ નામના નવમા પ્રકરણમાં કોઈ પણ સાહિત્યકૃતિનું ચરમ લક્ષ્ય માનવજીવનના કોઈ રહસ્યને છતું કરી ભાવકાના ચિત્તમાં સંક્રાન્ત કરવાનું છે. એ વાત કરી છે. આ ઉપરાંત એ પણ નોંધ્યું છે કે લઘુકથામાંથી પ્રગટ થતું માનવજીવનનું રહસ્ય જેટલું પ્રભાવક તેટલું એ છાપનું દીર્ઘત્વ હોવાનું અને એટલી એ કૃતિ દીર્ઘજીવી રહે છે.

દસમા પ્રકરણમાં લધુકથાસ્વરૂપમાં કામ કરતાં લેખકોને તથા આ પુસ્તકનો અભ્યાસ કરનાર  વાચકોને ઉપયોગી થઈ શકે તે હેતુથી ત્રણ લઘુકથાઓનો આસ્વાદ કરાવ્યો છે. છેલ્લા પ્રકરણમાં આ પુસ્તકમાં ઉદાહરણો તરીકે ચર્ચામાં પરોવેલી લેખકશ્રીની પંદરેક કૃતિઓ મૂકી છે. ભાવક સીધો જ તેની પ્રત્યક્ષ થઈ શકે છે.  

ત્યારબાદ લઘુકથાએ એક સ્વરૂપ તરીકે વિસ્તરવામાં/વિકસવામાં જે તડકી-છાંયડી અનુભવી, તેની વિસ્તારથી વાત કરી છે. એક સ્વરૂપ તરીકે પાંચ-છ દાયકાઓ બાદ પણ તેને વેઠવો પડતો સંઘર્ષ લેખકને વ્યથિત કરે છે. તેઓએ અનુભવ્યું છે કે, “આરંભકાળથી જ બર્ફીલા વાતાવરણમાં ફૂટેલા અંકુર (Thaw)ની જેમ ટકી રહીને ગુજરાતી લઘુકથાએ પ્રતિકૂળ સંજોગોમાં સંઘર્ષ વેઠીને વિકાસ સાધ્યો છે.” આ વિકાસમાં કડી સાહિત્ય વર્તુળ, ભાવનગરની ગદ્યસભા, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ તથા અન્ય જાણીતા સામયિકોના યોગદાનનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત લઘુકથાના સ્વરૂપના ખેડાણમાં કાર્યરત લેખકોની નોંધ પણ એમણે લીધી છે.

કોઈપણ છબી વગરનાં બે રંગબેરંગી પૂઠાંઓ વચ્ચે લઘુકથાના વિવિધ રંગો લઈને લેખકશ્રીએ શબ્દપીંછીથી પુસ્તકને સુંદર રીતે સજાવ્યું છે. પુસ્તકમાં દરેક પ્રકરણની શરૂઆતમાં પ્રકરણનો ક્રમ મૂકવા આપેલ સ્તંભ અને એ સ્તંભના મૂળમાં ફૂલોનું રેખાચિત્ર પુસ્તકને આગવી શોભા બક્ષે છે. પુસ્તકમાં વપરાયેલ અક્ષરો અને એનું કદ પ્રમાણસર છે, વાંચતી વખતે સરળતા રહે છે. પણ એક સવાલ થાય કે, લઘુકથાની ‘પરખ’ માટેનું પ્રકરણ અંતે હોવું જોઈએ, એને ચોથા ક્રમે કેમ મૂક્યું હશે? બીજું એક પ્રકરણ ‘ભાવકની સજ્જતા’ પણ છેલ્લે હોવું જોઈએ, જો આમ હોત તો કદાચ એ વધારે યોગ્ય ક્રમ હોત એમ લાગે છે.

સરળ ભાષામાં લઘુકથાના મુખ્ય પાસાઓની ઊંડાણપૂર્વકની સમજ વાચક સુધી પહોંચાડવામાં લેખક સફળ રહ્યા છે. દરેક પ્રકરણમાં જે તે પાસાની સમજણ વિસ્તારવા પોતાની તથા અન્ય લઘુકથાલેખકોની લઘુકથાઓનો સંદર્ભ આપ્યો છે. પણ સાથેસાથે આ પુસ્તકમાં લઘુકથા સ્વરૂપમાં કામ કરતાં અન્ય લેખકોના નિવેદન, મંતવ્યો કે પછી તેમનો આ સ્વરૂપ સાથેનો અનુભવ વહેંચાયો હોત તો કદાચ લેખકની વાતને પીઠબળ મળત. પુસ્તકની ૨૦૧૯ની બીજી આવૃત્તિમાં છેલ્લા બે પાનામાં (પૃ. ૧૩૯ અને ૧૪૦) લેખકના અન્ય પુસ્તક ‘વાર્તા મીમાંસા’ વિશે જાણીતા વાર્તકારો અને જાણીતા સંપાદકોના અભિપ્રાયો આપેલ છે. આ અભિપ્રાયોની સાથેસાથે તેમના લઘુકથા સ્વરૂપ વિશેના તથા આ પુસ્તક વિશેના અભિપ્રાયો મૂકાયા હોત તો સોનામાં સુગંધ ભળી જાત.

ધોરણ દસ પછી ગુજરાતી ભાષા વિષય તરીકે ભણ્યા જ નથી એટલે સાહિત્યના વિવિધ રૂપ એક ભાવક તરીકે વાંચેલ પણ તેનાં માળખાકીય બંધારણ વિશે કોઈ માહિતી નહોતી ત્યારે આ પુસ્તક લઘુકથાના મૂળભૂત પાસાઓની સમજ માટે ખૂબ ઉપયોગી રહ્યું.

પુસ્તક ફક્ત વાંચવા જેવું જ નહિ, ખરીદવા જેવું અને તેના પર ચર્ચા કરી શકાય એવું બન્યું છે એ માટે લેખકને અભિનંદન તથા લઘુકથાના સ્વરૂપને સરળ રીતે ભાવકો સુધી પહોંચાડવા બદલ એમનો આભાર પણ.

તો મિત્રો ફરી મળીશું આવા જ કોઈક પુસ્તકનાં પાને પાને પગલાં પાડવા.
મા ગુર્જરીની જય!
નર્મદે હર!

— અંકુર બેંકર


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “લઘુકથા સ્વરૂપપરિચય : મોહનલાલ પટેલ; પુસ્તકસમીપે – અંકુર બેંકર