લેખકનો પરિચય:
હાલ અમદાવાદમાં રહેતા, મહેસાણામાં જન્મેલા શ્રી મનહર ઓઝાના પિતાજીએ તેમને વાંચનનો શોખ ગળથૂથીમાં પીવડાવ્યો છે. પિતા પ્રખર વાચક હોવાથી દીકરાને પણ વાંચવાની લગની લાગી. મનહરભાઈ કોલેજમાં કવિતા કરતા થયા, ત્યાર બાદ નાટકો પણ કર્યા.
લેખનને જ શોખ અને વ્યવસાય બનાવ્યા. 1997 સુધી ઇસરો- દૂરદર્શનમાં પેનલ રાઇટર તરીકે કામ કર્યા બાદ અનેક સમાચારપત્રમાં કોલમો, મેગેઝીનમાં લેખો, નવલકથા, બાળ સાહિત્ય, પદ્ય- ગદ્ય વગેરે લખ્યું અને બધે સતત છપાયું. સાહિત્યના લગભગ દરેક પ્રકાર ઉપર તેમણે અવિરતપણે કામ કર્યું. બધા પ્રકારના સાહિત્યને આવરી લેતા તેમના 23 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને તેઓ અનેક સાહિત્ય પુરસ્કારથી સન્માનિત થયા છે. અહીં લેવામાં આવેલી તેમની વાર્તા 2016માં કેતન મુન્શી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા બની છે. આ વાર્તા વાંચવા અહીં ક્લિક કરો.
ચાલો તો તપાસીએ મનના માઇક્રોસ્કોપ દ્વારા 2016ની કેતન મુન્શી વિજેતા વાર્તા “ન્યુઝ-સ્ટોરી” :
વાર્તાની ઉપર લખેલી પંક્તિ જ વાર્તાની દિશા બતાવી દે છે. સંપૂર્ણપણે ઘટનાલક્ષી, ત્રીજા પુરુષમાં લખાયેલી ‘ન્યુઝ-સ્ટોરી’ નામ પ્રમાણે જ મીડિયા ઉપર ચાબખા વિંઝતી કટાક્ષિકા છે. એક સફળ પત્રકાર બનવા માટે કેવી રીતે, કઈ વાતને મોટી કરવાની આવડત જોઈએ એ વિશે સરસ ચિતાર આપવામાં આવ્યો છે. પાર્થ નામનો યુવા પત્રકાર ઝડપથી સફળ થવા માંગે છે, જે અંગે પોતાના ચીફ સાથે ચર્ચા કરવાથી તેને માર્ગ સૂઝે છે. એક વસુકી ગયેલી બીમાર ગાયના કુદરતી મોતને ગંદુ રાજકરણ રમવામાં કેવી રીતે વાપરવામાં આવે છે તે વાતનો પાર્થ સાક્ષી બને છે. પાર્થ અનાયાસે પોતાના હાથમાં આવી ગયેલી તકનો ફાયદો કેવી રીતે ઉઠાવે છે, એ મુદા આસપાસ આખી વાર્તા રચાઈ છે. વાર્તામાં પાર્થ પોતાને મળેલી તકનો ઉપયોગ કેવો કર્યો, એ મોઘમ રીતે કહેવામાં આવ્યું છે.
શરૂઆતની પંક્તિ અને ત્રણ વૈવિધ્યપૂર્ણ બોલીનો ઉપયોગ લેખકના શબ્દો ઉપરની પક્કડનો બરોબર પરિચય કરાવે છે.
વાર્તાની થીમ :
“રાઇનો પહાડ બનાવવો” કહેવતને આ વાર્તાની થીમ ગણી શકાય.
આ ઉપરાંત પીળું પત્રકારત્વ, રાજકરણ અને ભારતની ગાયમાતા પ્રત્યેની ભક્તિને થીમ બનાવી આ વાર્તા બહેલાવવામાં આવી છે.
વાર્તાનો પ્લોટ :
એક સામાન્ય સારો પત્રકાર બે વર્ષ સતત સારું કામ કરવા છતાં પ્રસિદ્ધ નથી થઈ શકતો. પરંતુ એક દિવસ તે મોટા કરી શકાય તેવા ન્યુઝ શોધવા નીકળે છે. નસીબજોગે ‘જાતે થે જાપાન પહોંચ ગયે ચીન’ની જેમ અજાણતાં જ એક પ્રપંચનો સાક્ષી બને છે. નાની એવી નકામી વાત લઈને રાજકરણીઓ ભારતીયોની ધાર્મિક લાગણીને ઉશ્કેરી, કઈ રીતે કોમી રમખાણો કરાવે છે. તે ઘટના તેના કેમેરામાં ક્લિક કરે છે, એ ફોટોનો લાભ ઉઠાવી તે રાતોરાત સફળતા મેળવી લે છે.
પરિવેશ :
અત્યારની અન્ય આધુનિક વાર્તાઓની જેમ આ વાર્તામાં પણ પરિવેશને ખાસ મહત્વ આપવામાં આવ્યું નથી. અમદાવાદ શહેર, તેના અમુક ફક્ત ભણેલા અને અમુક ફક્ત ગણેલા લોકો બતાવવામાં આવ્યા છે. છતાંય લેખક સંવાદો વડે ન્યુઝ પેપરની ઓફિસ અને ઓઢવ વિસ્તારના હરિજન સમાજનો ચિતાર આપવામાં સફળ રહ્યા છે.
પાત્રાલેખન :
વાર્તામાં યુવા પત્રકાર પાર્થ, ચીફ રિપોર્ટર મચ્છરસર, રીસેપ્શનીસ્ટ શીતલ, ગોવો રબારી, ગાયને ઉપાડનાર સોમો હરિજન અને મૃત ગાય જેવા પત્રોની ભરમારવાળી વાર્તામાં પાત્રોને બહુ ખોલવાનો અવકાશ નથી રહ્યો.
તેમ છતાંય નવા કર્મનિષ્ઠ પત્રકાર તરીકે પાર્થ ઉપસે છે.
મચ્છર સર એક ખંધા પત્રકાર તરીકે પીળા પત્રકારત્વના પ્રતિનિધિ તરીકે ઉપસ્યા છે.
શીતલનું પાત્ર મારધાડવાળી ફિલ્મોમાં હીરોઇનની હાજરી જેટલું જ જરૂરી. છતાંય પાર્થને એની મંજિલ સુધી પહોંચાડનાર કડી ગણી શકાય.
ગોવો રબારી થોડીકવાર હાજર થાય છે પણ એ થોડીક હાજરીમાં એક રબારીની વ્યથા સમજાવી જાય છે.
સોમો હરિજન આખી વાર્તાનું ધ્યાન ખેંચનાર પાત્ર છે. એ છેવાડાના સમાજના લોકો કેવી રીતે જીવે છે અને એ અભણ ગણાતી પ્રજા કેટલી ગણેલી હોય છે એનું ઉદાહરણ બને છે.
મરેલી ગાય આ વાર્તાનું મુખ્ય પાત્ર છે. વસુકી ગયેલી, મરેલી ગાયને રૂપક તરીકે રાખી લેખકે આ વાર્તામાં બહુ મોટું નિશાન તાક્યું છે. વસુકી ગયેલી ગાય જે રબારી ઉપર બોજ જ હતી અને ખર્ચા કરાવતી હતી, મૃત હતી તે ગાય..એટલે કે એક વ્યક્તિ માટે નકામી અને ખર્ચાળ ચીજનો ઉપયોગ એક વર્ગે રૂપિયા બનાવવામાં તો બીજો વર્ગ કોમી રમખાણો માટે કરે છે તો પાર્થ જેવો ત્રીજો વર્ગ પોતાની સફળતા વટાવી ખાવા કરે છે.
મનોમંથન :
દેખીતી રીતે વાર્તામાં કોઈ મનોમંથનને અવકાશ નથી. એક પછી એક ઘટના બનતી રહે છે, જેનો સાક્ષી પાર્થ બને છે અને વાચક પણ. પરંતુ અંતે આ વાર્તા વાચકના મનમાં મંથન ઉભું કરે છે. દેશમાં કેટલા કેટલા પ્રકારનું રાજકરણ અને લાલચ ચાલે છે એ વિશે અરીસો ધરે છે.
સંઘર્ષ -પાત્ર પરિવર્તન:
એક સરળ સાચો પત્રકાર, જે સંનિષ્ઠ પ્રયાસ પછી પણ તેનો પોતાની ઓળખ બનાવવાનો સંઘર્ષ કરે અંતે તે પાત્ર પણ પીળા પત્રકારત્વના રંગમાં રંગાઈ જાય છે.
સોમાનું પાત્ર વાર્તામાં આવે ત્યારે મરેલાં ઢોર ઉપાડનાર જાતથી લાચાર હરિજન લાગે છે જે પોતાના જીવનનિર્વાહ માટે કેવા કામ કરવાનો સંઘર્ષ કરે છે તેવુ ભાવકને લાગે પરંતુ એ પાત્ર જે રીતે તકસાધુ તરીકે પલટી મારી સામે આવે તે માણવાલાયક બન્યું છે.
એક વસુકી ગયેલી મૃત ગાય નકામા બોજમાંથી કોઈને માટે આર્થિક સુખનું કારણ બને છે તો રાજકરણીના હાથનું હથિયાર બની આખા અમદાવાદને ભડકે બાળવા કારણભૂત બને તો અંતે કોઈની પ્રગતિનું કારણ બને છે.
ભાષાકર્મ:
ભાષા વૈવિધ્ય આ વાર્તાનું મુખ્ય જમાપાસું છે.
- “યુ વોન્ટ બીલીવ પાર્થ, તે દિવસે સ્ટોરી માટે હું ભૂખ્યો તરસ્યો આખીરાત રખડ્યો હતો.” – વર્તમાન પત્રના ઉચ્ચ શિક્ષિત લોકોની અંગેજી છાંટની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- “અલ્યા…એક ગાય ઉપાડવાના પાંચ હજાર હોતા હસે? કાંક વાજબી બોલો. મારા હાળા…… ફાટી જ્યાં સ!” ગોવાએ કક્કાના ચૌદમા અક્ષરને બેવડાવીને જાતિ વાચક ગાળ દેતાં કહ્યું. – અહીં અભણ રબારીની બોલી બરોબર ઉપસી આવે છે.
- “કુને તારા બાપને વેચીશ? આ મરેલા ઢોરનું માંસ કુણ ખરીદસે?” – અહીં ફરી અભણ પણ છેલ્લી પાટલીની ભાષાનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઠેકઠેકાણે લેખકે કડવી વાસ્તવિકતા દર્શાવતા બીભત્સ રસમાં તરબોળ સંવાદોનો ઉપયોગ કર્યો છે. જે રોજીંદા સત્યની એટલી બધી નજીક છે કે તમે કશું અણછાજતું વાંચતા હો તેવું લાગતું નથી. ગાળોનો ઉપયોગ થયો હોવા છતાં તેને સાહિત્યમાં ગણી શકાય તેવી રીતે ઉપયોગ કરવો એ બહુ અચંબાની વાત છે.
સારાંશ :
મારી દ્રષ્ટિએ આ વાર્તા સંપૂર્ણપણે અભિધામાં લખાયેલી કટાક્ષિકા છે. જેમાં એક ફિલ્મની ગતિએ દ્રશ્યો બદલાય છે. આ વાર્તા હજુ ધીમી અને લાંબી થઈ શકવાની ક્ષમતા ધરાવે છે. જેમાં દરેક પાત્રના મનોમંથનનો અવકાશ હતો. જેને કારણે પાત્રના ઘડતરને પણ મજબૂતી મળી શકત. હજુ વધારે ઘૂંટી શકાય તેવી વાર્તા ચોક્કસપણે સામાજિક નિસબત ધરાવે છે. સામાજિક નિસબત અને ભાષા વૈવિધ્યએ આ વાર્તાને કેતન મુન્શી જેવી ધરખમ વાર્તા સ્પર્ધામાં જીત અપાવી હશે એવું માની શકાય.
મળીશું આવતા મહિને ફરી એક વિજેતા વાર્તાની છણાવટ કરવા. આપની દ્રષ્ટિએ આ વાર્તા અને તેનું વિવેચન કેવા લાગ્યાં તે જણાવજો જરૂર!
તો આવતા પંદર દિવસ માટે દાસ્વીદાનીયા.
– એકતા નીરવ દોશી
વાર્તા અગાઉ વાંચી હતી પણ આજે ફરી તમારી નજરે વાંચવાનો સરસ અવસર મળ્યો.
આભાર
Ektaben ખૂબ સરળ ભાષા માં વિવેચન કરો છે વાચવામાં એકદમ રસ પડે છે
આભાર …
સુંદર છણાવટ. વાર્તા વાંચી નથી છતાં કલ્પના કરી શકાય.
વાર્તાની લિંક સાથે જ છે.
વાર્તા તો ગમી જ હતી અને વિવેચન પણ એકદમ સરળ સચોટ.
સરસ વાર્તા અને વિવેચન
આભાર
આભાર
બહુ સરસ છણાવટ…
આભાર