સહુ પોતાની ખીચડી પકાવવાની ક્ષમતા રાખે છે,
લાલચ વિના અમથી જ ક્યાં કોઈ મમતા રાખે છે!
પાર્થને આ છાપામાં રિપોર્ટર તરીકે જોડાયે આજે બે વર્ષ પૂરાં થયાં હતાં. આ બે વર્ષમાં તેણે સારું એવું કામ કર્યું હોવાછતાં હજું સુધી તેના કોઈ કામની નોંધ લેવાઈ ન હતી, કોઈ રીવોર્ડ કે એવોર્ડ પણ મળ્યો ન હતો. પાર્થની ઈચ્છા હતી કે તેના કામની નોંધ લેવાય, તેનાં વખાણ થાય. એટલાં માટેજ તે આજે મચ્છર સર પાસે બેસીને તેમની સફળતાની ગાથા સાંભળતો હતો. તેને આશા હતી કે કદાચ તેમાંથી તેને સફળતાની ચાવી મળી જાય.
“યુ વોન્ટ બીલીવ પાર્થ, તે દિવસે સ્ટોરી માટે હું ભૂખ્યો તરસ્યો આખીરાત રખડ્યો હતો. બસ, મનમાં નક્કી કર્યું હતું, કે સવારે એક સરસ સ્ટોરી લઈને જ ઓફિસે જઈશ.”
“પછી સર, સ્ટોરી મળી?” પાર્થે મચ્છર સાહેબની વાતને ધક્કો મારતાં પૂછ્યું.
“કેમ ના મળે? મળે જ. આટલી બધી મહેનત કરીએ તો કૈકતો હાથમાં આવેજ. તે દિવસે હું અસારવા પુલ પાસેથી જતો હતો. મે જોયું તો પુલ નીચે એક સ્ત્રી બેઠી બેઠી રડતી હતી. સ્કુટર સાઈડમાં ઉભું રાખીને હું તેની પાસે ગયો. તેની બાજુમાં કોઈ સુતું હતું, જેના ઉપર ફાટેલી સાડી ઓઢાડેલી હતી. તેની બાજુમાં પાંચેક વર્ષનો તેનો છોકરો તેના ખોળામાં માથું મુકીને ઊંઘતો હતો. તેની સાથે વાત કરીને મે બધું જાણી લીધું. થયું’તું એવું કે આ સ્ત્રીનો પતિ અચાનક ગુજરી ગયો હતો. તે સ્ત્રી એટલી ગરીબ હતી, કે તેના પતિનું કારજ કરવાના તેની પાસે પૈસા ન હતાં. તેઓ પુલ નીચેજ રહેતાં હતાં અને મજુરી કરીને ગુજરાન ચલાવતાં હતાં. છોકરો રડી રડીને ભૂખથી ઊંઘી ગયો હતો. મે તે સ્ત્રીને સો રૂપિયા આપીને કોઈને મદદે મોકલવાનું આશ્વાસન આપ્યું. તેમના થોડાંક ફોટા પાડ્યા અને ત્યાંથી હું નીકળી ગયો.”
“સર, પછી શું થયું?” પાર્થે અધીરાઈથી પૂછ્યું.
“પછી તો મે એક સંસ્થાને ફોન કરીને તે સ્ત્રીની માહિતી આપી અને તેને મદદ કરવા જણાવ્યું. હું ઘરે પહોંચ્યો ત્યારે સવારનાં સાડાપાંચ થઇ ગયાં હતાં. શરીરમાં થાક અને આંખોમાં ઊંઘ ભરાઈ હોવા છતાં, પેલી સ્ત્રીના ચહેરાએ મને ઊંઘવા ન દીધો. હું સ્ટોરી લખવા બેસી ગયો.”
“સખત, બહુ સરસ સ્ટોરી બની હશે નહિ!”
“હા, મારા બોસ તો તે સ્ટોરી વાંચીને ખુરશીમાંથી ઉભાં થઇને મને ભેટી પડ્યા. એકદમ લાગણીસભર સ્ટોરી બની હતી. વાચકોના રીવ્યુ પણ સારા આવ્યાં. બસ, પછી તો મારો સિક્કો ચાલવા લાગ્યો.”
“વાહ સર, મારે પણ તમારા જેવાં રિપોર્ટર બનવું છે.”
“હા, ચોક્કસ બની શકાય પણ તેના માટે સાચી લગન અને મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ.”
“યસ સર, તમારી વાત સાચી છે.” મચ્છર સરની વાત સાંભળીને પાર્થને પણ તેમના જેવાં રિપોર્ટર બનવાનો અભરખો જાગ્યો હતો. એક સફળ રિપોર્ટર બનવાનું સપનું વાગોળતો વાગોળતો તે સરની કેબિનમાંથી બહાર આવ્યો. બહાર રિસેપ્શનીસ્ટ શીતલ કોઈની સાથે મોટેથી ફોન ઉપર વાત કરતી હતી.
“ભાઈ તમે સમજતાં કેમ નથી, આ ન્યુઝપેપરની ઓફીસ છે… અરે પણ તમારી ગાય મરી ગઈ તેમાં અમે શું કરીએ? તમે મ્યુનિસિપાલિટીને ફોન કરો… સોરી.. હું તમારી કોઈ મદદ નહિ કરી શકું.” કહીને શીતલે ફોન લગભગ પછાડ્યો અને પાર્થને કહેવા લાગી.
“અરે યાર, ક્યારનોયે માથું ખાતો હતો. તેની ગાય મરી ગઈ છે, તેના માટે અહી ફોન કરે છે. એમાં હું શું કરું?” શીતલ હજું પણ ચિડાયેલી હતી.
“મને એ ભાઈનો ફોન નંબર મળી શકે?”
“તારે એના નંબરનું શું કરવું છે? એની ગાયની અંતિમક્રિયા કરવા જવું છે?” ચીડાયેલા સ્વરમાં જ તે બોલી.
“તું આપ તો ખરી, મારે એનું કામ છે.” શીતલે અનેક પ્રશ્નો મનમાં દબાવીને પાર્થને નંબર આપ્યો. થેંક્યું કહીને પાર્થ ત્યાંથી ચાલ્યો ગયો.
સીટીથી દૂર આવેલાં ઓઢવ વિસ્તારમાં રહેતાં ગોવા રબારીના ઘેર પાર્થ પહોંચ્યો, ત્યારે ઘર પાસે આઠ દસ માણસોનું ટોળું ઉભેલું હતું. એક પાક્કા નાનકડા મકાનની બાજુમાં વળીઓ ઉભી કરી તેના ઉપર પતરાં નાખીને ગમાણ બનાવેલી હતી. ગમાણ પાસે બધાં ઊભાં હતાં. એક માણસ બીજાં માણસોને કઈક કહી રહ્યો હતો. તેણે સફેદ લેંઘો, પહેરણ અને માથે લાલ ગમછો બાંધેલો હતો. તે જ ગોવો રબારી હોવો જોઈએ. પાર્થે અનુમાન કર્યું.
“અલ્યા… એક ગાય ઉપાડવાના પાંચ હજાર હોતા હસે? કાંક વાજબી બોલો. મારા હાળા.. ફાટી જ્યાં સ!” ગોવાએ કક્કાના ચૌદમા અક્ષરને બેવડાવીને જાતિ વાચક ગાળ દેતાં કહ્યું.
“કાકા, બોલવામાં જરા ભાન રાખો.. કઈ દઉં છું હા..” સોમો ડોળા કાઢીને બોલ્યો.
“આ ગાયે તો મને બહુ નુકસાન કરાયું સ. ગોગાના હમ…” ઢીલા થઈને ગોવાએ ગળા ઉપર હાથ મૂકતા કહ્યું અને ઉમેર્યું.
“પેલો દિયોર ઢોરોનો ડોક્ટર દવાના બે હજાર લઇ જ્યો. તોયે ઢોર તો ના બચ્યું અને હવે ઈને ઉપાડવાના રૂપિયા આલવાના..? આટલા રૂપિયા તો માણહને બળવાનાયે નહિ થતાં.”
“કાકા, વધારે નહિ કીધા. આ ગાયને લારીમાં ઉપાડીને લઇ જવાની મજુરી જ અમે તો માગીએ છીએ. એક માણસથી ગાય થોડી ઉપડે?” બચુ બોલ્યો.
“પણ લ્યા, કાંક તો હમજો..? મારે તો ચેટલું નુકસાન ભોગવવાનું? ગાયની વાંહે ઈની આવકેય બંધ થઇ જઈ. આ મુનસીપાલટીવાળા એ દિયોર લઇ જતાં નહિ.”
“મુનસીપાલટીવાળા થોડાં મફત લઇ જશે? હારું કાકા, ચાર હજાર આપજો, બસ?”
“તૈણ હજાર આલીસ બસ? આ ગાય તો મરતી જઈ ને મારતી જઈ.”
“લે હેંડ સોમા, લારીમાંથી દોરડું લાય.”
બચુ અને સોમાએ ગમાણમાં પડેલી મરેલી ગાયના ચારેય પગ અને તેનું માથું બરાબર કસકસાવીને દોરડેથી બાંધ્યું. દોરડાની વચ્ચે લાકડાની વળી નાખીને ગાયને થોડીક ઉંચી કરીને પરાણે હાથલારીમાં ચઢાવી. આટલું કરવામાં તો એ પાંચેય માણસો પરસેવાથી રેબઝેબ થઇ ગયાં. પાર્થ આ બધું પહેલીવાર જોઈ રહ્યો હતો. ગાયને ચાર પગ અને બે સિંગડા વાળો નિબંધ તેને યાદ આવી ગયો. તે સ્કુલમાં ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે ટીચરે ગાયનો નિબંધ લખવા આપ્યો હતો.
તે સમયે એવી ખબર ન હતી, કે ગાય મરી જાય ત્યારે તેનું શું કરવામાં આવે છે? આજે પણ તે ગાય ઉપર જ સ્ટોરી કરવા નીકળ્યો હતો! ગોવાનું ઈન્ટરવ્યું પડતું મુકીને પાર્થ હાથલારીમાં ગાય લઇ જતાં લોકો તરફ ખેંચાયો.
ત્રણેક કિલોમીટર દૂર ગયાં પછી તે લોકોએ ખરાબાની ઉજ્જડ જગાએ લારી ઉભી રાખી. પાર્થે તેમનાથી થોડે દૂર લીમડાના ઝાડ નીચે બાઈક પાર્ક કર્યું. તેણે મોબાઈલમાં જોયું. સાંજના સાડા ચાર વાગ્યા હતાં. ભાદરવાની ગરમી હજુપણ દઝાડતી હતી. એક જણે બીડી સળગાવી. બીજો ખીસામાંથી તમાકુની પડીકી કાઢીને તમાકુ મસળવા લાગ્યો. બે જણ થોડેદુર ઉંધા ફરીને પેશાબ કરવા લાગ્યાં.
થોડે દૂર મહોલ્લો હોય તેવું લાગતું હતું. એક જણ એ તરફ ગયો અને બીજાં ત્રણ જણને બોલાવી લાવ્યો. તેમની પાછળ થોડાંક છોકરાંઓ પણ આવ્યાં. કોકાકોલાની પ્લાસ્ટીકની બોટલોમાં લાવેલું પાણી પીને બધાંએ તરસ છીપાવી. દૂર ઉભેલા છોકરાંઓ કોઈ ખેલ શરુ થવાનો હોય તેમ રાહ જોઇને ઊભાં હતાં. તેમની આંખોમાં કુતુહલ રમતું હતું.
“રાજીયા તું લારી ઉંચી કર, અમે ખેંચીને નીચે નાંખીએ.” બચુંએ લારીમાં બાંધેલી ગાય છોડતા કહ્યું.
“હા હા, લો, હવે ખેચો તમતમારે..” બધાંએ ભેગાં થઈને ગાયને ખેંચીને જમીન ઉપર નાખી.
“લો હેંડો હવે કરો કંકુના.” રાજીયો લારીને એક બાજુ મૂકતા બોલ્યો.
“બચુ અલ્યા માલ મંગાયો છ, કે પછી લુખેલુખું?”
“આપણે નેકળ્યાં ત્યારેજ મે સેંધાને ફોન કરી દીધો હતો. આપણે ચાલુ કરીએ, એ આવતો જ હશે.”
“બચુ ઈંગ્લીશ મંગાયો છ કે દેશી?”
“પોટલી પી પીને તો ઘૈડો થ્યો, ન હવે ઇંગ્લીશની મા ફાડ છ?”
“અલ્યા કોક દાડો તો પીવાય, આતો આજે હારા પૈસા મળવાના છ એટલે કહું છું.”
“પેલા રબારીએ તો તૈણ હજાર જ આલ્યા, ઈમાં તો પાંચ ભાગ પડશે, એટલામાં સું થાય?”
“આજે બધું માંસ મેલ્લાના લોકોને મફતમાં વેચી કાઢવાનું નહિ. ઇના પૈસા ઉપજાવવાના છ.”
“કુને તારા બાપને વેચીશ? આ મરેલા ઢોરનું માંસ કુણ ખરીદસે?”
“હવે તો શેરના લોકો ગાયનું માંસ ખાતા થયાં છ, એટલે હોટલવાળાઓ હોધતા જ હોય છ. મારે એક હોટલવાળા હારે વાત થઇ સ, ઈને પચીસ કિલો માંસ આલવાનું છ. બે હજાર આલશે.”
“હું વાત કરછ બચુડા, તું તો પાકો વેપારી નેક્ળ્યો?”
“અને ગાયના હાડકામાંથી ચરબી નેકળશે ઇનાયે પૈસા આવશેને?”
“હાસ્તો, ઇના માટે તો પેલો બેકરી વાળો ગફુર બાંધેલો જ છન.”
“હારું, હવે કામ ચાલુ કરો એટલે વેલુ પતે.”
“હા હા, પાછો હમણાં દાડોયે આથમી જશે.”
બધાં હસી મઝાક કરતાં કરતાં ગાયને ચીરવાના કામમાં લાગ્યાં. પાર્થે તેના મોબાઈલમાં છુપાઈને ફોટા પાડી લીધા. થોડીવારમાં સેંધો દેશીદારૂની પોટલીઓ લઈને આવ્યો. કામમાં વિરામ રાખીને બધાંએ પોટલીઓ ગટગટાવી અને ફરી પાછાં કામે લાગી ગયાં. હજું સોમાએ હાથમાં છરો પકડ્યો જ છે, ત્યાં તેના મોબાઈલની રીંગ વાગી. સોમાએ છરો મુકીને ખીસામાંથી મોબાઈલ કાઢીને ઉઠાવ્યો.
“હલો કોણ? ..હા. ઓળખું… હા હા… હા ગાય તો છ પણ મારે પુસવું પડે… તમે ફોન ચાલુ રાખો હું પુસી લઉં… હા..” સોમાએ મોબાઈલ ઉપર હાથ દાબીને કહ્યું.
“અલ્યા હાંભળો, એક જણને ગાયના સેંગડાં, આંચળ, પૂંછડી અને થોડું માંસ જોવસ, હા પાડું?”
“ચેટલા રૂપિયા આપશે?” બચુએ ધીમા અવાજે પૂછ્યું.
“હલો…. હા… કહુંસું… તમે માગોસો એ મળી જસે, પણ પૈસા કેટલાં આલસો? સું.. હા હા એક મિનીટ… ચાલુ રાખો….” સોમાએ ફરીથી મોબાઈલ ઉપર હાથ દબાવીને પૂછ્યું.
“બચુડા.. એ લોકો પાંચ હજાર આલવા તૈયાર છ, સું કરવું સ?”
“તું તારે હા પાડી દે, આતો લછમી હામેથી આઈ કેવાય…”
“હા હા, તમે કો છો, એ બધું મળી જસે… જુઓને એક કલાક પછી મોકલજો.. પણ પૈસા રોકડા મોકલજો… હા, હા….” ફોન પૂરો થતાં સોમો ગેલમાં આવીને ગાયનું પુંછડું વિંઝોળીને નાચતાં નાચતાં બોલ્યો.
“જો જો અલ્યા, આજે મારી મેલડી મેરબાન થઇસ. લ્યો હેંડો એક કોથળામાં આ બધું પેક કરવા માંડો.”
“કુનો ફોન હતો? તું એ લોકોને ઓળખ સ..?” રાજીયાએ પૂછ્યું.
“ના, ચમ? ઈને ઓળખીને તારે હું કામ છ?” સોમાએ અકળાઈને કહ્યું.
“કોઈ ગાયનું ચામડું કે માંસ લઇ જાય એ તો હમજાય પણ આને તો પુછડું, સેંગડા, આંચળ ન એવું બધું જોવ સ. જોજે મારો હાહરો ચાંક ફસાવે નહિ!” રાજીયાએ શંકા વ્યક્ત કરતાં કહ્યું.
“હા હોં, આ રાજયો હાચું કે’છ.”
“અલ્યા હવે તમે ચુથ્યા વના કામ કરો ને! એ ઈની ગાંડમાં જ ના ઘાલે, તમારે ચેટલા ટકા?” બચુએ ગુસ્સે થઈને સંભળાવી દીધું.
તે પછી ચુપચાપ બધાં કામે વળગ્યા. ગાયના બધાં અંગો જુદા પાડીને પ્લાસ્ટીકના બે કોથળામાં ઓર્ડર પ્રમાણેનો માલ તૈયાર કરવામાં આવ્યો. થોડીવારે એક હોટલવાળો રિક્ષા લઈને આવ્યો અને પૈસા આપીને માંસ લઈ ગયો. તેના ગયાં પછી અડધો કલાક પછી દૂર બ્લેક કલરની એક એસયુવી ગાડી આવીને ઉભી રહી. ગાડીના બોનેટ ઉપર એક ભગવા કલરની નાનકડી ધજા ફરકતી હતી. ગાડીમાંથી બે જણ નીચે ઉતર્યા. પાર્થ તે ગાડીની થોડોક નજીક સરક્યો અને પેશાબ કરતો હોય તેમ નીચે બેસીને મોબાઈલથી ફોટા પાડવા લાગ્યો.
હાઈટ બોડીવાળા એક જણે મોબાઈલ જોડ્યો. સોમાના મોબાઈલમાં રીંગ વાગી. પેલાએ સુચના આપ્યાં પ્રમાણે સોમો અને બચુ કોથળો ઉપાડીને ગાડી પાસે આવ્યાં. આધેડ ઉમરના લાગતાં બીજા માણસે બંને સાથે વાત કરીને એક કવર આપ્યું. સોમો અને બચુએ કોથળો ઉપાડીને પાછળ ડીકીમાં મુક્યો. પેલાં બંને ગાડીમાં બેઠાં, ગાડી રીવસ થઈને સડસડાટ ચાલી ગઈ.
પાર્થની જેમ આ બધો ખેલ જોતો સુરજ પણ થાક્યો હોય તેમ ઢળવા માંડ્યો હતો. અંધારું થાય તે પહેલાં ઘરે પહોંચી જવા માટે પાર્થે તેનું બાઈક સ્ટાર્ટ કર્યું. આજે તેને એક સરસ સ્ટોરી મળી ગઈ હતી, મચ્છર સાહેબ ખુશ થઇ જાય તેવી. ‘આજેજ સ્ટોરી લખીને પ્રેસમાં આપી આવું? ના ના આ સ્ટોરી જરા શાંતિથી લખાય તો મઝા આવશે. પણ મચ્છર સાહેબને એકવાર વાત તો કરવી પડશે. ના ના લખ્યા પછી જ તેમને બતાવીશ.’ બાઈકની સ્પીડ કરતાંયે વધારે ઝડપથી તેના વિચારો દોડતાં હતાં. છેવટે તેણે બીજા દિવસે સવારે મચ્છર સાહેબને સ્ટોરી આપવાનો નિર્ણય કર્યો.
મોબાઈલની રીંગ વાગવાથી પાર્થ ઉઠી ગયો. કાલે રાત્રે મોડેસુધી સ્ટોરી લખી હોવાથી તે ઊંઘતો હતો. તેણે જોયું તો શીતલનો ફોન હતો. તેણે ફોન રીસીવ કરતાં કહ્યું.
“હેલો…!” સામેથી શીતલનો મધુર અવાજ સંભળાયો.
“હલો પાર્થ તું હજું ઊંઘે છે?”
“હા યાર, રાત્રે મોડેસુધી લખતો હતો એટલે….બોલ શું હતું?” ઊંઘરેટીયા અવાજે પાર્થે પૂછ્યું.
“વેક્પ પાર્થ, અમદાવાદ ભડકે બળે છે અને તું ઊંઘે છે?”
“બે તુંયે શું સવાર સવારમાં મઝાક કરે છે?”
“અરે..હું મઝાક નથી કરતી! સાચું કહું છું. વિશ્વાસ ન હોય તો ટીવી ચાલુ કરીને જોઇલે.”
“એટલે તું વહેલી ઓફિસે પહોંચી ગઈ છે?”
“નાના ઓફિસે તો હવે જઈશ. હું પ્રેસની ગાડીની રાહ જોઉંછું, કેમકે અમારા વિસ્તારમાં પણ તોફાનો ચાલે છે. બાય ધ વે, મચ્છર સરે કહ્યું છે, કે તું તાત્કાલિક જમાલપુર પહોંચીને ત્યાંની પરિસ્થિતિનો રીપોર્ટ કર. જરૂર પડે તો પ્રેસની ગાડી બોલાવી લેજે, ઓકે?”
“અરે પણ થયું છે શું એ તો કહે..?”
“આજે વહેલી સવારથી કોમી રમખાણો ફાટી નીકળ્યાં છે.”
“વોટ..? કેવીરીતે?”
“એ બધી લાંબી વાત છે. ટુંકમાં કહું તો કોઈએ ગાયની કતલ કરીને તેનું માંસ અને બોડી પાર્ટ્સ મંદિરમાં નાંખ્યા હતાં. જેના કારણે…..યુ નો? મારે હજું ઘણું કામ છે. ઓકે બાય..”
શીતલની વાત સાંભળીને પાર્થને આંચકો લાગ્યો. તેને ગઈકાલની ઘટના યાદ આવી. તે ગઈકાલની અને આજની ઘટનાનો તાળો મેળવતો થોડીવાર સુધી બેસી રહ્યો, પછી મનોમન કશોક નિર્ણય કરીને ઉભો થયો. તેણે ટીવીની લોકલ ન્યુઝ ચેનલ ચાલુ કરીને જોયું તો તેમાં જમાલપુરમાં થયેલાં કોમી રમખાણોના સમાચાર આવતાં હતાં. વાયરસની જેમ રમખાણ બીજાં વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાતાં જતાં હતાં. એકલદોકલ વ્યક્તિનું સ્ટેબિંગ, પથ્થરમારો, જાહેર વાહનો તથા મિલકતની તોડફોડ અને આગચંપીના બનાવો બન્યા હતાં. બહુ લાંબા સમય પછી, આજે અમદાવાદમાં ફરીથી કોમી રાક્ષસ આળસ મરડીને બેઠો થયો હતો. પાર્થ ઝડપથી તૈયાર થઈને બહાર નીકળી ગયો.
સૌથી પહેલાં તો તેણે એક સ્ટુડીઓમાં જઈને ગઈકાલે પાડેલાં ફોટાની ફોર બાય સીક્સની બે બે કોપીઓ કઢાવી. સ્ટેશનરીની દુકાનેથી બે કોરાં કવર ખરીદ્યાં અને તેમાં ફોટા મુકીને પોતાની બેગમાં કવર સાચવીને મૂક્યાં. જમાલપુર જવાને બદલે તે નવરંગપુરાની એક સીસીડીમાં આવીને બેઠો. તેણે કેપેચીનો કોફી અને ફ્રુટ મફીનનો ઓર્ડર આપીને કોઈકને મોબાઈલ જોડ્યો.
કેટલાંયે વ્યક્તિઓને ફોન જોડ્યાં ત્યારે, તેને જેની સાથે વાત કરવી હતી તે વ્યક્તિનો નંબર મળ્યો. બે કલાકે તેની વાત યોગ્ય વ્યક્તિ સાથે થઇ હતી. તેણે ધાર્યો હતો તેવોજ સામેની વ્યક્તિ પાસેથી રિસ્પોન્સ મળ્યો હતો. તેના ચહેરા પર ચમક આવી. પેલી વ્યક્તિને તેણે મળવા બોલાવી હતી. પાર્થ તેની રાહ જોતો છેક બપોર સુધી સીસીડીમાં જ બેસી રહ્યો, અત્યાર સુધીમાં તે છ કોફી પી ગયો હતો.
આજે પ્રેસ કોઈ કારખાનાની જેમ ધમધમાટ ચાલતો હતો. શહેરમાં ચાલતાં તોફાનોના સમાચાર એટલાં બધાં હતાં, કે પ્રેસના તંત્રીએ એડિટર મચ્છર સાહેબને તોફાનોની બે પાનાની સ્પેશીયલ પૂર્તિ છાપવા કહેવું પડ્યું. કીડીઓના ટોળામાં કોઈ મીઠાની ચપટી નાખે અને કીડીઓમાં જે ખળભળાટ મચી જાય તેવો ખળભળાટ અમદાવાદના લોકોમાં મચી ગયો હતો. એકાદ કોલમ કે સ્પેશીયલ આર્ટીકલ લખતાં મચ્છર સાહેબને પણ રીપોર્ટ લખવા બેસી જવું પડ્યું હતું. ફોન કરીને તેમણે બીજાં જાણીતાં અને નવોદિત રિપોર્ટરોને પણ કામે લગાડી દીધાં હતાં. પ્રેસમાં માણસોની અવરજવર પણ વધી ગઈ હતી. બપોર સુધી મચ્છર સાહેબ લખવામાં વ્યસ્ત રહ્યાં.
રીસેપ્શનીસ્ટ શીતલનો આજે મરો હતો. તે ફોન ઉપર સતત બીઝી રહેવાથી થાકી ગઈ હતી. આજે તેને લંચ કરવાનો સમય પણ મળ્યો ન હતો. શીતલ કોઈની સાથે ફોન ઉપર વાત કરતી હતી તેવામાં મચ્છર સર શીતલ પાસે આવીને ઉભાં રહ્યાં. તેમને જોતાંજ શીતલે રીસીવર ઉપર હાથ રાખીને પૂછ્યું.
“સર, કંઈ કામ હતું?”
“શીતલ તારે પાર્થ સાથે વાત થઇ? હજુસુધી તેનો કોલ આવ્યો નથી.”
“ના સર, મારે સવારે તેની સાથે વાત થઇ હતી, તે પછી તેના કોઈ સમાચાર નથી કે કોન્ટેક્ટ પણ થયો નથી.”
“એણે કોન્ટેક્ટ કેમ નહિ કર્યો હોય? પાર્થ ઈઝ વેરી સિન્સિયર એન્ડ રિસ્પોન્સીબલ રિપોર્ટર. તેં એને કહ્યું હતુંને, કે પોલીસની મદદ વીના સેન્સીટીવ જગાએ ન જાય?”
“હા હા સર, કહ્યું હતું.”
“તું એને ટ્રેસ આઉટ કરને, મને તેની ચિંતા થાય છે.”
“ઓકે સર, હું ટ્રાય કરું છું. તેની સાથે વાત થાય, કે લાઈનપર આવે ત્યારે હું તમારી સાથે વાત કરાવું છુ. બીજું કઈ સર..?”
“નથીંગ.. થેંક યુ..” મચ્છર સરે તેમની કેબીન તરફ જતાં કહ્યું. તેમના ચહેરા ઉપર ચિંતા વર્તાતી હતી.
શીતલે પાર્થને મોબાઈલ લગાવી જોયો પણ તે સ્વીચ ઓફ આવતો હતો. તે થોડી થોડીવારે પાર્થનો કોન્ટેક્ટ કરતી રહી પણ તેને કોઈ જવાબ મળતો ન હતો. તેણે બીજાં જુનીયર અને સીનીયર રિપોર્ટરોને પૂછી જોયું પણ પાર્થ કોઈની સાથે ન હતો કે કોઈને તેની માહિતી ન હતી. શીતલને પણ પાર્થની ચિંતા થવા લાગી હતી.
છેક સાંજે સાત વાગ્યા સુધી શીતલ પાર્થને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતી રહી. મચ્છર સર ચારવાર આવીને પાર્થ વિષે પૂછી ગયાં હતાં, તેમને પણ ચિંતા થતી હતી. શીતલ કોઈની સાથે ફોનપર વ્યસ્ત હતી તેવામાં એક માણસ આવીને એક કવર આપી ગયો. કવર મચ્છર સરના નામનું હતું. શીતલે પીયુન સાથે તે કવર મચ્છર સરને મોકલાવ્યું.
મચ્છર સરે આર્ટીકલ પૂરો કરીને કવર ખોલ્યું. કવરમાંથી નીકળેલો કાગળ વાંચીને તેઓ ખુરશીમાંથી ઉભાં થઇ ગયાં. તેઓ દોડતાં કેબીનની બહાર આવ્યાં. મચ્છર સરને જોઇને શીતલ ઉભી થઇ ગઈ.
“શું થયું સર..?”
“મૂરખ છે આ છોકરો. એ તેના મનમાં સમજે છે શું? અત્યારે ખરા કામના સમયે આ બધું….બુલશીટ…ગો ટુ હેલ..! આપણે સવારનાં એની ચિંતા કરીએ છીએ અને આ જો, તેણે શું મોકલાવ્યું છે.” શીતલ મચ્છર સરના હાથમાંથી લેટર લઈને વાંચવા લાગી. લેટર વાંચીને તેને પણ આશ્ચર્ય થયું.
“ઓહ.. ઈટ ઈઝ રીડીક્યુલસ. સર આ પાર્થનું મગજ ફરી ગયું લાગે છે.”
“તું જો, હવે તે મારા પગમાં પડીને કરગરશે તો પણ હું તેને નોકરીએ રાખવાનો નથી.” કહીને તેઓ પોતાની કેબીનમાં ચાલ્યાં ગયાં અને બધોજ ગુસ્સો દરવાજા પર ઉતરતા હોય; તેમ જોરથી દરવાજો પછાડ્યો.
પાર્થે રાજીનામું મોકલાવ્યા પછી મચ્છર સરનો મિજાજ ઠેકાણે ન હતો. કામમાં તેમનો જીવ ચોંટતો ન હતો. ધુંઆફુઆ થયેલાં મચ્છર સર ઉપરા ઉપરી બે સિગારેટો ફૂંકી ગયાં હતાં. લગભગ પોણો કલાક પછી તેમના કેબીનના ફોનની રીંગ વાગી. તેમણે ફોન ઉઠાવ્યો.
“હેલો સર…!!” બીજાં છેડેથી પાર્થનો અવાજ સાંભળીને તેઓ ભડક્યા.
“તું..? તારું રાજીનામું મને મળી ગયું છે. હવે તારે મને ફોન કરવાની કે મળવાની જરૂર નથી.” મચ્છર સર ગુસ્સામાં હતાં પણ સામેથી પાર્થે તેમને જે કહ્યું તે પછી તેમનો ગુસ્સો, ફુગ્ગામાંથી હવા નીકળે તેમ સડસડાટ ઉતરી ગયો.
પાર્થ સાથે વાત કર્યા પછી તેઓ અપસેટ થઇ ગયાં. પાર્થને બીજાં એક અમદાવાદના જાણીતાં છાપામાં ચીફ રિપોર્ટર તરીકે નોકરી મળી ગઈ હતી. મચ્છર સરને સમજાતું ન હતું, ‘જે પોસ્ટ ઉપર પહોંચતાં તેમને વર્ષો લાગ્યાં હતાં, તે પોસ્ટ ઉપર બે જ વર્ષમાં પાર્થ કેવીરીતે પહોંચી શક્યો?’ જયારે તેમણે પાર્થને આ સવાલ પૂછ્યો હતો, ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું હતું.
“સર, સમજોને કે મને ગાયમાતા ફળી ગઈ.”
– મનહર ઓઝા
(૨૦૧૬માં નર્મદ સાહિત્યસભા સુરત દ્વારા યોજાયેલ ‘કેતન મુંશી વાર્તા સ્પર્ધા’માં કુલ ૩૬૭ વાર્તાઓમાંથી ‘ન્યુઝ સ્ટોરી’ વાર્તાને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.)
જબ્બર જ્સ્ત વાર્તા. એક નાનકડી ઘટનાનો દરેકે કેવી રીતે લાભ લીધો એનું સરસ નીરુપણ
આના પરથી એ સાબિત થાય છે કે પત્રકારો બ્લેકમેલ કરીને પૈસા કમાય જ છે,. જે લોકો પૈસા ના આપે તેની વિરુદ્ધ સમાચારો રોજે રોજ છાપીને તેના ધજાગરા
ઉડાડતાજ રહે છે. અને જે પૈસા પહોચાડે તેના સમાચારો બંધ થઈ જાય.