ઘણીવાર વાર્તાના પાત્રો મારી રજા લીધા વિના ફરવા નીકળી પડે કે કવિતાનો લય ક્યાંક આડા હાથે મૂકાઈ જાય ને અંજુરીમાં માત્ર થોડાક રડ્યાંખડ્યાં શબ્દો બચ્યાં હોય ત્યારે એ શબ્દો પાસેથી હું મનફાવે એવું કામ લેતી હોઉં છું.
(સ્તંભ ‘સિંજારવ’ અંતર્ગત ચોથો મણકો)
જે લોકો આપણને ગમતાં હોય છે, એમના અવાજ સાથે પણ આપણને મોહ થઈ જતો હોય છે. એમને સન્મુખ મળવાનું તો ગમતું જ હોય છે પણ ક્યારેક જ્યારે દિવસો સુધી એ શક્ય ન બને ત્યારે ફોન આશીર્વાદ સમાન સાબિત થાય છે. એમની સાથે વાત કરતી વખતે કલાકો ક્યાં પસાર થઈ જાય એ પણ ઘણીવાર ખબર પડતી નથી. ફોનનાં ડબલામાંથી રેલાતાં ગમતી વ્યક્તિના અવાજમાં તણાતાં જવાનું સૌભાગ્ય જોકે બધાને મળતું નથી.
હું જ્યારે પણ આ રીતે ફોન પર વાત કરું ત્યારે પાંચેક મિનિટ પછી ચશ્મા કાઢી નાખું છું. કારણકે ત્યાં સુધી સંવાદ કેટલીવાર ચાલશે એ નક્કી થઈ ગયું હોય. લાંબો ન ચાલવાનો હોય એ ફોન પાંચમી મિનિટ પુરી થાય એ પહેલાં જ પુરો થઈ જાય. છઠ્ઠી મિનિટે ચશ્મા કાઢી નાખ્યા પછી દુનિયા થોડીક વધુ ગમવા લાગે છે. કોઈ ધારદાર રેખાઓ નહીં. કોઈ તીક્ષ્ણ ખૂણાઓ નહીં. પહેલાં ધૂંધળી થઈ અને પછી તો જાણે અલોપ જ થઈ જાય. બધું જ ‘આઉટ ઑફ ફૉકસ!’ કાનમાં જ્યારે મિસરી ઘોળાતી હોય ત્યારે બીજું કશું જોવાની જરૂર પણ રહેતી નથી.. બસ હું હોઉં, ફોન હોય અને અવાજ હોય. ગમતી વ્યક્તિનો. મિસરી જેવો મીઠો. ચશ્મા વગરની આંખો પર પાંપણોના પરદા ઢાળીને એ અવાજને ઘુંટડેઘુંટડે પીવાની મજા છે. ફોન પુરો થાય એટલે ચશ્મા પાછા પહેરાઈ જાય અને એ સાથે જ ફરી દુનિયા એની ધારદાર રેખાઓ અને તીક્ષ્ણ ખૂણાઓ સાથે પરત આવી જાય! હું રાહ જોતી રહું છું એવી પળોની જે દરમિયાન દુનિયાને અલોપ થઈ જવાની ફરજ પાડી શકાય!
કેટલીક એવી વાતો હોય છે કે જે આપણને ક્યારેય સમજાતી નથી. અનેક પ્રયત્નો કરવા છતાં. કેટલાક ઉત્તરોની આપણે જીવનભર રાહ જોતાં રહીએ છીએ. ખાસ કરીને એ ઉત્તરો જેના પ્રશ્નો કદી પૂછાયા જ હોતા નથી. પરંતુ એનો અર્થ એ નથી કે એ પ્રશ્નો હતાં જ નહીં. એ હતાં અને એક ખૂણામાં પોતાનો પણ વારો આવવો જોઈએ એવી અરજી લઈને મોઢું વકાસીને ઉભાં રહેતાં. આપણે એ તરફ દુર્લક્ષ સેવીને એવી રીતે રાજીના રેડ થઈ જતાં. જાણે મોટો મીર ન મારી નાખ્યો હોય! એ પ્રશ્નો પછી કાયમ ઉધારી ખાતે ડોકાયા કરવાના છે એ જાણવા છતાં એના તરફ લક્ષ આપવાનું ચૂકાઈ જવાતું કારણકે આપણને આવી સાવ ક્ષુલ્લક જેવી બાબતોમાં રાજી થઈ જવાની આદત છે. કશુંક, કંઈક, કોઈકની અવજ્ઞા કરીને રાજીના રેડ થઈ જવું એટલે પ્રશ્નો વિનાના ઉત્તરો અને ઉત્તરો વિનાના પ્રશ્નોને જન્મ આપવો. આવું ત્યારે જ બને જ્યારે ‘જીવન ઑટો પાયલટ મોડ’માં જતું રહ્યું હોય. ઑટો પાયલટ મોડમાં ચાલ્યું ગયેલું જીવન પછી ખદડુક ખદડુક ચાલ્યા કરે છે. ધીમી અને એકસરખી ચાલનો મોહ સારો નથી. ટાળવો! જીવનની ડોર તો પોતાના જ હાથમાં રાખવી. કારણકે આ ઑટો પાયલટ મોડવાળું ઊપરથી શાંત અને સ્થિર દેખાતું જીવન ક્યાંક, ક્યારેક કંટાળાજનક બની જાય એવું બને. સર્જકને તો એ જરીક પણ ન પોસાય. એને તો સતત નવાનવા ભાવ, કલ્પનો, ઘટનાઓની શોધ હોય.
એક કિસ્સો યાદ આવે છે. મે મહિનાની કાળઝાળ ગરમી હતી. આખો દિવસ સૂર્યના આથમવાની રાહ જોઈ હતી કે ક્યારે તે એના તડકાની પલટન લઈને સિધાવે અને વાતાવરણમાં થોડીઘણી ઠંડક પ્રવેશવાની હિંમત કરે. બળબળતો દિવસ માંડ પુરો થયો હતો. સૂર્ય તો આથમી ગયો પરંતુ પાછળ કડપ એટલી મુકતો ગયો કે ન ઠંડક પ્રવેશી શકી કે ન પવન વહી શક્યો. અમે અગાસીમાં બેઠાં હતાં. આકાશમાં અસંખ્ય તારા ટમટમી રહ્યાં હતાં. ચંદ્રને ત્યાં તે દિવસે કાદાચ કોઈ ખટપટ થઈ હશે તે ચાંદની પણ રિસાઈ હતી. ઉકળાટે માઝા મૂકી દીધી હતી. પવનદેવ ક્યાંકથી એકાદ લહેરખી પણ મોકલી દે તો થોડીઘણી રાહત થાય. મેં આશાભરી નજરોએ ઉપર આકાશમાં જોયું. આકાશગંગા પોતાની ધરી પર કોઈ ઉદાસ નદીની જેમ ફરી રહી હતી. અચાનક વિચાર આવ્યો કે જો આ નદીમાં ઓઢણી ભીંજવીને ઓઢી લીધી હોય તો ઉકળાટ શમી જાય કે નહીં? ને બીજી પળે ચમત્કાર થઈ ગયો. ઉકળાટ તદ્દન શમી ગયો. મને એક અત્યંત સુંદર કલ્પના જડી આવી હતી. આ એની જાદુઈ અસર હતી. એક સર્જક માટે આથી વધુ શાતાદાયક કોઈ પળ ન હોઈ શકે. એ ખુદની જ કલ્પના પર મોહી પડવાની પળ હતી!
પછી તરત જ સરસ ઊંઘ આવી ગઈ. સુંદર સપનાં પણ આવ્યાં. સામે ઊંચાઊંચા પર્વત હતાં. લીલોતરીથી ભરેલા. બધું જ એટલું બધું લીલુંછમ હતું કે જાણે કોઈક અદ્રશ્ય ગળણીમાંથી ચળાઈને આવી રહ્યું હોય. પર્વત પર ચડવા માટે પથ્થર કોતરીને પગથિયાં બનાવવામાં આવ્યાં હતાં. એના પર ક્યાંક ક્યાંક લીલ જામી ગઈ હતી. ઠંડો પવન વહી રહ્યો હતો. આંખોને ધરવ થઈ ગયો. મનને ધરવ થઈ ગયો. હું મુગ્ધ બનીને ઊભી હતી. ક્યાંય નહોતું પહોંચવું. કશું જ નહોતું પામવું. ફક્ત માણવું હતું. માણ્યું. બીજી સવારે ઊઠી ત્યારે ખબર પડી કે ત્યાંથી હું પુરી પાછી નથી આવી! થોડીક ત્યાં જ એ લીલોતરી પાસે રહી ગઈ છું. કે પછી એણે જ મને પોતાની પાસે રાખી લીધી છે!
આ ‘મોહ’ ગઝબનો ભાવ છે. એનો આભાર માનીએ તો એને ગમતું નથી અને જો પ્રશંસા કરીએ તો એ રિસાઈ જાય છે. પણ એક વાત તો નક્કી છે કે જીવન ઘડિયાળમાં એ સેકન્ડનો કાંટો ઉમેરે છે. કલાકોના કોષ્ટકમાં જીવાતું જીવન પળોમાં જીવાતું થાય છે. સૌંદર્ય મઢેલી પળોમાં. એ છે તો મનુષ્યપણું છે. એ ન હોય તો પછી માણસ માણસ રહેતો નથી, સંત બની જાય છે! મને માણસ બની રહેવા આવી અનુપમ પળોની જરૂરત સતત પડતી રહે છે. એના કારણે સમયાંતરે મારો જીર્ણોદ્ધાર થતો રહે છે.
કોયલને વસંતઋતુ સિવાય બીજી કોઈ ઋતુનો મોહ હોતો નથી. મેઘધનુષ્યને વર્ષાઋતુ સિવાય કોઈ ઋતુની ગરજ હોતી નથી. પોતાને શું ગમે છે એ બાબતનું જેને ભાન હોય એ માણસ પોતાની આસપાસ મનગમતી ઋતુ સર્જી શકે છે. ઘણીવાર વાર્તાના પાત્રો મારી રજા લીધા વિના ફરવા નીકળી પડે કે કવિતાનો લય ક્યાંક આડા હાથે મૂકાઈ જાય ને અંજુરીમાં માત્ર થોડાક રડ્યાંખડ્યાં શબ્દો બચ્યાં હોય ત્યારે એ શબ્દો પાસેથી હું મનફાવે એવું કામ લેતી હોઉં છું. મોટેભાગે તો ત્યારે સાવ અવશપણે લખાતું હોય પરંતુ ક્યારેક એમાંથી સરસ મજાનું કૉલાજ બની જાય. આ એવો જ એક કૉલાજ છે. મોહક. સુગંધિત. જાણે વસંતઋતુ જતાંજતાં વાતાવરણમાં ભીની સુગંધ મૂકીને ગઈ છે. મને મારી આ અવશતા પણ ખૂબ ગમે છે.
~ રાજુલ ભાનુશાલી
રાજુલબેન ભાનુશાલીના અક્ષરનાદ પરના ‘સિંજારવ’ સ્તંભના બધા લેખ
અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
મજાનું તાજગીસભર આલેખન
Thank you.
વાહ રાજુલ, લેખના વાક્યો સાથે તારી અનુભૂતિ પણ ખૂબ માણી, ભાવુક વાંચકો આ રીતે જ કોઈની લેખીની પર મોહી પડતાં હોય છે, મોજ પડી ગઈ.
ખૂબ સુંદર લેખન
ખૂબ ખૂબ આભાર Jigarbhai.
ખૂબ ખૂબ આભાર Usha.
મોહી પડાય એવી પળો માણી. ઘુંટડે ઘુંટડે માણી. વાહ..
ખૂબ ખૂબ આભાર SG
વાહ સુંદર પળો.. આ લેખનું વાચન
ખૂબ ખૂબ આભાર
વાહ! સુંદર.. મોહી પડવાની પળને શબ્દોમાં આબાદ કેદ કરી.
ખૂબ ખૂબ આભાર
…અને આવું વાંચન મળે એ બદલ મોબાઈલ પર પણ મોહી પડાય…
ખૂબ ખૂબ આભાર
મોહ જીવનમાં સેકન્ડનો કાંટો ઉમેરે છે !
ખૂબ ખૂબ આભાર
ખૂબ જ સુંદર, મોહી પડાય એવું. આપણી પાસે એક સર્જક તરીકે આપણને ગમે એવી ઋતુ જીવવાની આઝાદી છે. અને એ આઝાદી જ આપણને સર્જક બનાવે છે.
ખૂબ ખૂબ આભાર Hiral.
ખૂબ જ સુંદર
ખૂબ ખૂબ આભાર sahebji.
આહાહા
વાહ! બહુ જ મસ્ત. આકાશગંગામાં ઝબોળેલી ઓઢણી…
ખૂબ ખૂબ આભાર Shraddha.
ખૂબ ખૂબ આભાર
આહાહ!
ખૂબ ખૂબ આભાર
Very nice, રાજુલબેન વાંચવાની મજા આવી
aabhar swatiben
સરસ
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ
ખૂબ ખૂબ આભાર