આપણે આપણાં બાળકોને શિસ્તમાં રાખી ડાહ્યાં ડમરાં બેસાડી દેવાને બદલે તેને ધમાચકડી કરતાં, નવું શીખતાં, જુસ્સો વ્યક્ત કરતાં ને થનગનાટ કરતાં કરી દઈએ. તેનું અમૂલ્ય બાળપણ સૌ સાથે મળીને ઉજવીએ!
(‘અલ્લક દલ્લક’ સ્તંભ અંતર્ગત ચોથો મણકો)
જપન ક્યારનો બેઠો બેઠો છાપાં કાપી રહ્યો હતો. એક કાગળ હાથમાં લે, ધાર્યું ન થાય તો એનો ડૂચો કરે ને ફરી નવો કાગળ લે. એ પણ અનુકૂળ ન આવે તો ફરી ડૂચો અને ફરી પાછો ઘા!
એમ કરતાં કરતાં પોતાની કલ્પના મુજબનો આકાર થયો. એ સાથે જ તે બોલી ઊઠ્યો, “યેસ.. મારાથી હોડી બની ગઈ!” ને તે ઊભો થઈ ગયો. નાચવા લાગ્યો અને પછી “મમ્મી… મમ્મી” કરતો દોડ્યો. તેની પાસે જઈને કહે, “જો.. જો મમ્મી, મેં કેવી મસ્ત મજાની હોડી બનાવી!”
મમ્મી પોતાના કામમાં વ્યસ્ત હતી. તેણે હોડી સામે સરખું જોયું ન જોયું ને બોલી ઊઠી, “જપુ… તને કંઈ ભાન છે? છાપામાંથી કંઈ હોડી બનાવાતી હશે… તું એને પાણીમાં મૂક તો એ કાગળ તરત પલળી જાય. ને નહીં જેવા કામમાં ભણવાનું છોડી તેં કેટલા કલાકો બગાડ્યા તે અલગ!”
“વાહ! વાહ! સાંભળવાની અપેક્ષા સાથે મમ્મી પાસે દોડી ગયેલો જપન ઢીલોઢસ થઈ ગયો. તેનો સઘળો ઉત્સાહ, સઘળો થનગનાટ શાંત થઈ ગયો. અને તે ચુપચાપ ટીવી સામે ગોઠવાઈ ગયો.
મિત્રો,
વાત અહીં પૂરી થતી નથી પણ શરૂ થાય છે. હોડી તો એક ઉદાહરણ માત્ર છે. સમજવાની વાત એ છે કે આપણે શા માટે સાધનને આટલું મહત્વ આપીએ છીઅે? અગત્યતા અહીં એક બાળકના થનગનાટને પોષવાની હતી..તેને પ્રોત્સાહન આપવાની હતી.
જો બાળકને એ સમયે પ્રોત્સાહન મળ્યું હોત તો એક નવું સર્જન કર્યાનો તેને કેટલો આનંદ થાત? આજે જ્યાં એની સર્જનાત્મકતા હતી ત્યાંથી આગળ જવાનો પ્રયત્ન કરત. પણ આપણે…તેના કહેવાતા વડીલો ક્યારેક (કે મોટે ભાગે) બાળકને વિકાસપંથે લઈ જવાને બદલે પાછળ પાછળ ધકેલતા હોઈએ એવું બને છે.
ખરી વાત તો એ છે કે ઈશ્વરે બધાં ટાબરિયાંઓમાં એટલી બધી શક્તિ ભરી દીધી હોય છે કે એ પોતાનો જુસ્સો વ્યક્ત કરવા નાચે છે, કૂદે છે, ગાય છે, ચડે છે, ઊતરે છે, ભાગે છે, દોડે છે, તોડે છે, ફોડે છે, ખોલે છે, ભરે છે…ને પછી એમાંથી જ કંઈ કેટલુંયે શીખે છે! અને આપણે સૌ માની લઈએ છીએ કે બાળકો તોફાન કરે છે, ધમાલ કરે છે, ધીંગામસ્તી કરે છે!
બાળકોમાં રહેલી સર્જનાત્મકતા ખીલે તે હેતુથી શાળામાંથી બાળકોને ઘેરથી કોઈ પ્રોજેક્ટ મુજબ નાનકડું સાધન કે કોઈ નમૂનો બનાવી લાવવાની સૂચના અપાય છે. ત્યારે આ કામ મોટાભાગનાં વાલીઓ પોતે જ કરી આપતાં હોય છે. બાળકને જ્યારે આ બાબત પૂછવામાં આવે ત્યારે તે નિર્દોષ ભાવે કહે છે, “મને કીધું કે તારાથી એ સરખું નહીં થાય. અમે કરી દઈશું.”
આ શબ્દો બાળકના કાને પડે છે ને ત્યાંથી હ્રદય સોંસરવા ઉતરે છે. કહેનાર ભૂલી જતાં હોય છે પણ બાળક ભૂલી શકતું નથી. આવા શબ્દો તેનો વિકાસ રુંધે છે, તેના આત્મવિશ્વાસને તોડે છે, નવું નવું શીખવાની તમન્ના કે ધગશ તે છોડે છે…ને પછી ખરેખર જ તેનાથી કશું થતું જ નથી!
આજે સારી સારી પ્રતિષ્ઠિત કંપનીઓના હોદ્દેદારોને તેમના અનુભવ પૂછવામાં આવે તો એમ જ કહેશે, કહેશે.. નવાં આવેલાં યુવાનો ઉચ્ચ ડીગ્રીઓ અને સારા માર્ક્સ સાથે અભ્યાસ પૂર્ણ કરીને આવે છે. પોતાની જવાબદારી સારી રીતે સંભાળે છે. પરંતુ પોતાના મૌલિક આઈડિયા વાપરી કશુંક રચનાત્મક કરવાનું કે સંશોધન કરી નવા નવા આયામો સુધી પહોંચવાનો હોવો જોઈએ તેવો અને તેટલો ઉત્સાહ કોઈમાં દેખાતો નથી.
મને લાગે છે કે બાળપણમાં તો તેનામાં ઉત્સાહ ને થનગનાટ ઠાંસી ઠાંસીને ભર્યો હશે પણ એને ક્યારેય પ્રોત્સાહિત કરવામાં આવ્યા નહીં હોય!
આમ પણ આપણે બાળકની ટીકા બહુ સરળતાથી, બાળક પર તેની શું અસર થશે તે વિચાર્યા વગર અને ક્યારેક તો કોઈ હેતુ વગર માત્ર આપણો રોષ બાળક પર ઉતારવા કરી દેતા હોઈએ છીએ. પણ જ્યારે તેને પ્રોત્સાહિત કરવાની વાત આવે ત્યારે આપણે કરકસર કરી જતાં હોઈએ છીએ.
આવી કરકસરને બદલે બાળકને “અરે! તારાથી તો આ થાય જ!” “વાહ! સરસ બન્યું છે!” “તું એ કરી જ શકે!” કહી પ્રોત્સાહન આપવામાં આવે તો તેના થનગનાટને જોરદાર બળ પૂરું પડે છે.
દુલા કાગ કહે છે તેમ,
“મોંઢે બોલું મા, ત્યાં તો મને સાચે જ નાનપણ સાંભરે,
ઈ આ મોટપની મજા મને કડવી લાગે, કાગડા!”
મોટેરાંઓને પૂછવામાં આવે કે તમારાં જીવનનો સૌથી યાદગાર તબક્કો કયો? તો જવાબ એક જ મળશે. બાળપણ!
બાળપણ જો આટલું અગત્યનું અને યાદગાર બનવાનું હોય તો ચાલોને અત્યારે જેઓ બાળપણ માણી રહ્યાં છે તેઓનું બાળપણ આપણે સૌ સાથે મળીને ઉજવીએ.
તમને થશે બાળપણની ઉજવણી કઈ રીતે વળી? ~ આપણો અભિગમ બદલાવીને…
બાળકોને “તું આમ કર.” કે “તું તેમ કર.” એવી સૂચના નથી પસંદ પડતી..પણ તમે એમ કહી જોજો
“ચાલને આપણે આમ કરીએ.” તો તે હોંશે હોંશે તમારી સાથે જોડાશે. બાળપણ ઉજવવાનો આ સૌથી વધુ ઉત્સાહિત રસ્તો છે.
~ બાળકની કલ્પનાના રંગોની માવજત કરીને… બાળક કોઈ ચિત્ર દોરે, કોઈ નમૂનો બનાવે, કંઈ ગોઠવણી કરે, કશુંક પોતાની રીતે નવું કરે તે તમારી દૃષ્ટિએ કદાચ નબળું હોય તો પણ તુરંત ટીકા કરવાને બદલે “તેં આ કર્યું એ બરાબર છે પણ જો આને બદલે આમ હોય તો વધારે સુંદર લાગે કે નહીં?” એમ કહેજો..કેમ કે એ દરેક કાર્યમાં એણે પોતાના કલ્પનાના રંગો ભર્યા હોય છે..એ રંગો એના માટે અત્યંત કિંમતી હોય છે. આપણે એ રંગોની માવજત કરવી જ રહી!
~ બાળકના અસ્તિત્વનો સ્વીકાર કરીને…
યાદ કરો. તમે તમારાં બાળક સાથે આ પ્રકારનો સંવાદ કર્યો છે?
“આજે મારે ઓફિસે કામ છે..કદાચ આવવામાં થોડું મોડું થશે. પણ જમીશું સાથે.. ઓકે?”
“સાંભળ, આજે તો તું મને બૂટની દોરી બાંધી આપ.”
“ચાલો.. આજે સાથે બેસી ક્રિકેટ મેચ જોઈએ.”
“આજે તો તું વાર્તા કહે..હું સાંભળું.”
“નાની બાલદી લઈલે..છોડવાને પાણી પાઈએ.”
આવી તો અનેક વાતો. આમ નાની પણ બાળકના આત્મવિશ્વાસને બહુ ઊંચે લઈ જાય છે!
પછી એ ટાબરિયાં ભલેને ગાતાં…
ધમાચકડી… ધમાચકડી.. ધમાચકડી મારું નામ,
ડાહ્યું ડાહ્યું કરવાનું એ તારું કામ.
સીધા રસ્તે વાંકાચૂંકા, પગલાં માંડું લાંબાંટૂંકા,
પાન વીણું ભીનાંસૂંકા, ભેગાં કરું ડાળીઠૂંઠાં,
પૂછો નહીં એ બધાંનું શું છે હવે મારે કામ.
ધમાચકડી.. ધમાચકડી..ધમાચકડી મારું નામ,
ડાહ્યું ડાહ્યું કરવાનું એ તારું કામ…
– નીતા રામૈયા
ઇચ્છનીય નથી….
|| સદાય વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો જ રહેતો પુસ્તકોનો કબાટ.
|| તાળામાં સચવાયેલાં બાળકોનાં રમકડાં અને
|| કડક શિસ્તમાં ચૂપચાપ મોં પર આંગળી રાખીને બેઠેલાં બાળકો.
— ભારતીબેન ગોહિલ
ભારતીબેન ગોહિલના અક્ષરનાદ પરના સ્તંભ ‘અલ્લક દલ્લક’ અંતર્ગત બાળ સાહિત્યનું સુંદર ખેડાણ શરુ થયું છે, સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
Children are the living messages we send to a time we will not see. – John W. Whitehead
નાનકડી પરંતુ સમજવા જેવી મોટી વાત. વાંચવું ગમ્યું. સરસ.
આભાર બેન.
nice teaching lessions for PARENTS
આભાર ભાઈ.
ખૂબ સરસ અને સચોટ લેખ.
sunder
Thanks
બહુ જ સરસ વિષય લીધો અને સરસ રીતે ઉતાર્યો.
વાહ. એકદમ સાચી વાત સરળ રીતે. સરસ
વાહ! દરેક માતાપિતા અને નાના ધોરણનાં શિક્ષકો માટે ઉપયોગી લેખ.
અત્યારે મેઘને ધમાલમસ્તી અને બેડ-સોફા પર કૂદાકૂદ કરવી બહુ ગમે. અમે એને ટોકીએ પણ ઢીલું ઢીલું, ખબર નહીં કેમ પણ અમનેય એને મસ્તી કરતો જોવામાં આનંદ આવે.
તમારી વાત સાચી, એમણે કરેલાં સર્જનને વખાણી એમના આત્ત્મવિશ્વાસમાં વૃદ્ધિ જરૂર કરવી જોઈએ.
એમની અંદર ઠાંસીઠાંસીને ભરેલો ઉત્સાહ જાળવવો જ રહ્યો.
સાચી વાત… વધુ પડતી શિસ્ત બાળકોને સુસ્ત બનાવી દે છે.
ખરેખર સાચી વાત. બાળકોને અતિશય શિસ્તના કે ચોખ્ખાઈના આગ્રહી બનાવીને એમનું બાળપણ છી નવી લેવાનો આપણને કોઈ અધિકાર નથી.
બાળકો માટેનો શ્રી સદગુરુનો એક વિડિયો મેં જોયેલો… એમાં સદગુરુ કહે છે કે આપણે આપણા દ્વારા બાળકને પૃથ્વી પર લાવી રહ્યા છીએ. આપણે એક માધ્યમ છીએ, એના મલિક નથી. એ આપણી ઈચ્છાઓ સંતોષવાનું સાધન નથી. આપણે મા-બાપ બનીએ છીએ કારણ કે આપણા દ્વારા બાળક જન્મે છે. આપણે માતા-પિતા તરીકે જન્મ આપીને ઉપકાર દર્શાવતા હોઈએ છીએ પણ ઉપકાર તો બાળક કરે છે કે એ આપણને માતા-પિતા બનાવે છે.
બાળદેવો ભવઃ બાળકો ના હ્રદય સુધી પહોચવા નો રસ્તો એટલે બાળ વાર્તા..ખુબ સરસ લેખ…..ખુબ ખુબ અભિનંદન..
ખૂબ સરસ. નાની પણ કામની વાતો કરી.
Thanks