ધ રામબાઈ : જીતેશ દોંગા – હીરલ વ્યાસ 10


જેમ દરેક માણસને અલગ ચહેરો, અલગ ગંધ, અલગ સ્પર્શ હોય એમ દરેક પુસ્તકનું પણ હોય. પાઠ્યપુસ્તક વાંચતાં-વાંચતાં લાગે કે આ બે પૂઠાંની બહાર પણ દુનિયા છે. જ્યારે ગમતું પુસ્તક વાંચીએ ત્યારે લાગે કે આ બે પૂઠાંની વચ્ચે એક આખું નવું વિશ્વ ઊઘડે છે.

હવે પુસ્તકો સોફ્ટ કોપી કે ઓડિયો સ્વરુપે પણ ઉપલબ્ધ છે. પણ સોફ્ટકોપી તમે હાર્ડકોપીને તોલે ન આવો. પુસ્તક વાંચતાં ક્યારેક સ્વજનની જેમ છાતીએ વળગાડીને રડી શકાય કે પછી મિત્રની જેમ તાળી આપીને હસી શકાય. મારા માટે તો નાના બાળકને માથે પ્રેમથી હાથ ફેરવો કે પુસ્તકને, સરખું જ છે!

આપણા ગમતાં પુસ્તક વિશે કે પછી પુસ્તક વિશે શું ગમ્યું એ વિશે પોતીકા શબ્દોમાં કહેવાનો ઊમળકો જ નોખોં છે. સારું પુસ્તક તો ઘેર બેઠા મળેલી ગંગા છે. બસ આપણી ડૂબકી મારવાની કેટલી તાકાત છે એના પર બધો આધાર છે.

અક્ષરનાદના માધ્યમથી હું પુસ્તકોના દરિયામાં ડૂબકી લગાવું છું અને નવાં નવાં મોતી તમારા સૌ સાથે વહેંચી રહી છું એ અંતર્ગત આજે જે પુસ્તકની વાત કરું છું એ છે શ્રી જીતેશ દોંગાનું ‘ધ રામબાઈ’

લેખક પરિચય – શ્રી જીતેશ દોંગા બી.ટેક. ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે. તેમણે ત્રણ નવલકથા લખી છે. અને ‘ધ રામબાઈ’ એમાંથી એક છે. તેઓ સાયન્સ ફિક્શન અને સ્પેસ સાયન્સના ખૂબ જ મોટા ચાહક છે. પુસ્તકો વાંચવા એમને ખૂબ જ ગમે છે. એમની ઈચ્છા આઠ-દસ જબરદ્સ્ત નવલકથાઓ લખવાની છે. એમને વાદ્ય સંગીત અને સિનેમાનો પણ શોખ છે.

પુસ્તક વિશે

‘ધ રામબાઈ’નું મુખપૃષ્ઠ જોઈએ તો એમાં ‘ધ’ નાનો લખાયો છે અને રામબાઈ મોટા અક્ષરોમાં. પહેલી નજરે આ અજુગતું લાગશે. પણ જેમજેમ પુસ્તક વાંચતા જઈએ તેમતેમ સમજાશે કે ખરેખર રામબાઈ સામે ‘ધ’ ઘણો નાનો છે. નવલકથાનું મુખ્ય પાત્ર એટલે રામબાઈ અને રામબાઈ જેની સાથે જોડાયેલી છે તે દરેક વસ્તુ અહીં દર્શાવી છે. ઘોડો, પતંગ, પુસ્તક, હોડી અને સ-વિશેષ અંતરીક્ષ. રામબાઈ જેવી ગામડાંની સ્રીને વળી અંતરીક્ષ જોડે શું લેવાદેવા? પણ વાર્તા વાંચીએ ત્યારે સમજાય કે રામબાઈ એટલે જાણે અંતરીક્ષ જેવું જ વ્યક્તિત્વ. ‘ધ રામબાઈ’ એટલે અનેક સત્ય ઘટનાઓનો સરવાળો અને લાગણીઓનો ગુણાકાર. બધું જ સુખદુઃખ પોતાનામાં સમેટીને, ખુલ્લા હાથે એણે જીવનને જીવ્યું અને માણ્યું છે.

જેમ સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે એમ રામબાઈની આસપાસ બધાં જ પાત્રો રમે છે. જો સૂર્યનું તેજ ઓછું થાય તો અંતરીક્ષમાં વિક્ષેપ પડે એવી જ રીતે જો વાર્તામાંથી રામબાઈ જતી રહે તો બધાં જ પાત્રો નિર્જીવ લાગે. નવલકથા વાંચતાં વાંચતાં વાચક રામબાઈ, ગાવડી, વીરજી, વીરજીના ઘોડા, ડેલી, ગ્રામ્ય સભ્યતા, ગ્રામ્ય વ્યવહારો બધા સાથે જાણે એકરુપ થઈ જાય. એવું જ લાગે કે જાણે રામબાઈ ખાટલાની કોરે બેઠી છે ને એની વાર્તા કહે છે. એક હાથમાં લીલી અને બીજા હાથમાં પીળી બંગડી પહેરીને ટપટપ રોટલા ટીપે છે. ભાઈભાંડુને સાચવે છે ને જીવનના કડવા ઘૂંટડા પીવે છે.

માંડ ગાડીએ સીધા રસ્તા પર સ્પીડ પકડી હોય ને અચાનક વળાંક આવે એમ વાર્તામાં બધું બરાબર થઈ રહ્યું છે એમ લાગે ને એક શોર્ટ બ્રેક લાગે. એ શોર્ટ બ્રેકનો ધક્કો વાચક પણ અનુભવે જ! પુસ્તકનું પાન ફરે એમ રામબાઈનું જીવન બદલાતું રહે છે પણ રામબાઈ બદલાતી નથી. એ તો અટલ વિશ્વાસના સહારે જીવતી રહે છે, વીરજીને સ્મરતી રહે છે.

‘વુમન એમ્પાવરમેન્ટ’ વિશે તો આપણે હમણાં થોડાં વર્ષોથી જાગૃત થયા કે માહિતગાર થયા. પણ સાવ નાના ગામડામાં, આઝાદીના ચાર વર્ષ પૂર્વેથી રામબાઈએ આવું જીવવાની શરૂઆત કરી હતી. રામબાઈ પૈસા નહોતી કમાતી, ભણેલી નહોતી પણ આખા ઘરને ઊભું રાખતી હતી. રામબાઈને દુઃખમાં ડિપ્રેશન નહોતું આવતું, બમણા જોરથી ઊભી થતી હતી. ઈશ્વરે હિંમત અને ખુમારી, સાહસ અને સંવેદના બધું જ જાણે સમાવીને એક રામબાઈ નામનું પેકેજ બનાવેલું. રામબાઈ સિત્તેર વર્ષે અક્ષરજ્ઞાન લેવાનું શરુ કરે છે. કાગળને પેન્સિલ વગર, ડેલીની ભીની માટીમાં અક્ષરો પાડે છે. મણકાઘોડીની જેમ જ કાંસકાના દાંતા ગણીને ગણિત શીખે છે. સમય જતાં પત્ર વ્યવહાર કરે છે. શીખવાડનાર છોકરડાને ગુરુ ગણીને પ્રણામ પણ કરે છે. અંતરીક્ષના અગણિત તારાઓને જોવાનો લાહ્વો લે છે. રાહ જોનારી, સપનાં જોનારી, પ્રેમ નીતરતી આંખો ધીમેધીમે અંધકારમય બનતી જાય છે.

“તમને સરખું સૂઝતું નથી મા?”, આવા પુછાયેલા પ્રશ્નમાં કેવો ફિલોસોફીથી ભરેલો ઉત્તર મળે છે ખબર છે?

“ના દીકું. હવે લાંબુ નથ દેખાતું. સૂઝતું કાંઈ નથ, પણ ભાળુસું બહું’ય.”

આખી નવલકથામાં સૌથી સબળ ભાગ, જ્યારે બાળક વગરની રામબાઈને રામજી મંદિરના પગથિયે બેઠાબેઠા પોતાના ખોળામાં બાળક દેખાય. પોતાના મૃત પતિ વીરજી પોતાની દીકરી સાથે હસીને રમતો દેખાય. જાણે વીરજીની ઈશ્વરને કરેલી પ્રાર્થના

“કાં તો આ બાઈને બાળક દે કાં બધે બાળક દેખાય એવી દ્રષ્ટિ દે” સાંભળી હોય. માત્ર રામબાઈને દેખાતી એની દીકરી, જેને રામબાઈ ધવડાવે, નવડાવે. બાળક વગરની સ્ત્રી પાસે કોઈ પોતાના બાળકોને જવા પણ ન દે. શુભ કાર્યોમાં આમંત્રણ ન આપે ત્યારે થતી પીડા, બાળક દેખાતાં રામબાઈ ભૂલી જાય. એક નવું જ વિશ્વ એની સામે ખૂલે અને એમાં જ એ રમમાણ રહે. બાળકનું સુખ મળતાં જ રામબાઈ અંદરથી બદલાતી જાય.

નવલકથાના પ્રવાહમાં તમે રીતસરના તણાતા જાઓ, રામબાઈની વાર્તામાં વણાતા જાઓ. નવલકથા વાંચતાં વાંચતાં આંખો નદી બની જાય એ મન અંતરીક્ષ. ક્યાંક રુંવાંટાં ઊભા થઈ જાય તો ક્યાંક હ્રદય ધબકારો ચૂકી જાય. પ્રેમ, સમર્પણ અને સંઘર્ષની આખી યાત્રા રોચક અને રોમાંચક છે. આ સાથે આખી વાર્તામાં લેખકની પણ વાત છે. એમના મનની મૂંઝવણ અને પીડા છે તો એમાંથી ભાગવાના સૌથી સરળ રસ્તાની વાત પણ છે. રામબાઈનો ગેબી અવાજ લેખકને એ રસ્તે જતાં રોકે છે ને જીવવાની હામ આપે છે. 

આખી નવલકથામાં મને સૌથી વધુ ગમેલો સંવાદ, “જી આ બધુંય ભાળી ગયો, ઈ એમાં ભળી ગયો.” આખી નવલકથા સત્ય ઘટનાઓ પર આધારિત છે એટલે એમાં કલ્પનોને અવકાશ નથી. પણ શબ્દો પાસે લેખકે એવું કામ લીધું છે કે રોટલા ટીપતી કે પિતાના શબને કૂવામાંથી કાઢતી કે પછી વીરજીના ઘોડા પર બેઠેલી રામબાઈ વાચકને આંખ સામે અનુભવાય.

વિશેષતા – આ પુસ્તકના દરેક પ્રકરણ પર એક ક્યુઆર કોડ છે, જે આપણને સુંદર વાદ્ય સંગીત ખોલી આપશે. જે એ પ્રકરણનાં પાત્રોનાં ઊંડાણ અને ઊંચાઈને અનુભવવા માટે મદદરુપ થશે.

પ્રકાશન વર્ષ – ૨૦૨૦, પુસ્તક કિંમત – રુ. ૨૫૯, પ્રાપ્તિ સ્થાન – ગુજરાત પુસ્તકાલય એસ.એસ. મંડળ લિમિટેડ, ૧/૧૧, ઈલોરા કોમર્શિયલ સેન્ટર, રીલિફ સિનેમા, મિર્ઝાપુર રોડ, લાલ દરવાજા. આ ઉપરાંત એમેઝોન, ફ્લીપકાર્ટ બૂકપ્રથા, નવભારત સાહિત્ય મંદિર, બૂક શેલ્ફ, ગુજરાતી બૂક્સ પરથી અથવા 9409057509 નંબર પર વોટ્સએપ કરીને પણ મેળવી શકાય છે. લેખક સંપર્ક – jiteshdonga91@gmail.com

— હીરલ વ્યાસ


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ધ રામબાઈ : જીતેશ દોંગા – હીરલ વ્યાસ