નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે.
प्रसह्य मणिमुद्धरेत् मकर-वक्त्र-दंष्ट्रान्तरात्
समुद्रमपि सन्तरेत् प्रचलदुर्मिमालाकुलम्।
भुजंगमपि कोपितं शिरसि पुष्पवद्धारयेत्
न तु प्रतिनिविष्ट मूर्खजनचित्तमाराधयेत् ।।४।।
અર્થ : મગરમચ્છની દાઢોમાં ફસાયેલ મણિને કાઢી લાવી શકાય, સમુદ્રના પ્રચંડ ઉછળતાં મોજાં વચ્ચે પણ સમુદ્રને પાર કરી શકાય, કુપિત થયેલા સર્પને પણ પુષ્પની જેમ મસ્તક પર ધારણ કરી શકાય, પરંતુ મૂર્ખ માણસના મનને પ્રસન્ન કરી શકાય નહીં.
વિસ્તાર : પૃથ્વી છંદમાં રચાયેલા પ્રસ્તુત શ્લોકમાં ભર્તૃહરિએ મૂર્ખ માણસની મન:સ્થિતિની વાત કરી છે. મૂર્ખતા એકલી નથી હોતી, તેની સાથે હઠયોગ અને જક્કીપણું પણ હોય છે. આ શ્લોકમાં ભર્તૃહરિ કહે છે કે મૂર્ખ લોકો સાથે ધર્મ ચર્ચા કે શાસ્ત્ર ચર્ચા કરવી નહીં. અશક્ય એવા તમામ કાર્યો થઈ શકે, પણ મૂર્ખ માણસના મનને પ્રસન્ન કરી શકાય નહીં. આથી આવો વ્યર્થ પ્રયત્ન આપણે કરવો જ ન જોઈએ. લોવેલ નામના વિદ્વાને કહ્યું છે કે માત્ર મૂર્ખ અને મૃતક જ સ્વયંનો અભિપ્રાય બદલતા નથી. “The foolish and the dead alone never change their opinion” – Lovell. અન્ય લેવેટર નામના વિદ્વાન જણાવે છે કે જે મનુષ્ય કોઈ વાત પર અડગ રહેનાર મનુષ્યના ચિત્તને યુક્તિ કે તર્કથી બદલવા ઈચ્છે છે તે માનવજાતિના સંબંધમાં બહુ ઓછું જ્ઞાન ધરાવે છે. “He knows very little about mankind who expects by fact of reasoning, to convince a determined party man” – Lavator. તો વળી, ગોસ્વામી તુલસીદાસજી કહે છે
जो मूरख उपदेश के, होते योग जहान।
दुर्योधन कह बोध किन, आये श्याम सुजान।।
लभेत सिकतासु तैलमपि यत्नतः पीडयन्
पिबेच्च मृगतृष्णिकासु सलिलं पिपासार्दितः।
कदाचिदपि पर्यटन्शशविषाणमासादयेन्
न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥ ५॥
અર્થ : રેતીને પીલીને તેમાંથી તેલ મેળવી શકાય, મૃગજળથી તરસ્યા મનુષ્યની તરસ છીપાવી શકાય, પર્યટન કરતા કરતા ક્યારેક સસલાનું શીંગડું પણ મેળવી શકાય પરંતુ મૂર્ખ માણસના મનને પ્રસન્ન કરી શકાય નહીં.
વિસ્તાર : પૃથ્વી છંદમાં રચાયેલા આ શ્લોકમાં પણ ભર્તૃહરિ અગાઉના શ્લોકને જ સમર્થન આપે છે. જે શક્ય નથી એવું બધું જ કરી શકાય પરંતુ જે જન્મજાત મહામૂર્ખ છે તેના ચિત્તનું સમાધાન ક્યારેય પણ કરી શકાય નહીં. અહીં ભર્તૃહરિનો આ ચર્ચા સાથેનો સંબંધ શાસ્ત્ર ચર્ચા સાથે છે. શાસ્ત્ર ચર્ચાનો હેતુ સત્યની શોધ છે. જ્યારે બંને પક્ષ જિજ્ઞાસુ હોય ત્યારે સત્ય શોધાય પરંતુ એક પંડિત અને એક મહામૂર્ખ હોય ત્યાં વાદસભા નહીં પણ વિવાદસભા યોજાય છે. આથી આવી વ્યર્થચર્ચા કરવી નહીં એવું ભર્તૃહરિ જણાવે છે. તુલસીદાસજી પણ કહે છે,
साहस ही कै कोप वश किए कठिन परिपाक।
सठ संकट भाजन भए हठि कुजाति कपि काक।।
व्यालं बालमृणालतन्तुभिरसौ रोद्धुं समुज्जृम्भते
छेत्तुं वज्रमणीं शिरीषकुसुमप्रान्तेन सन्नह्यति।
माधुर्यं मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरीहते
नेतुं वाञ्छति यः खलान्पथि सतां सूक्तैः सुधास्यन्दिभिः ॥ ६॥
અર્થ :-મદોન્મત્ત હાથીને કમળના તંતુઓ દ્વારા બાંધી શકાય, કમળના તંતુઓથી વજ્રમણિને વીંધી શકાય, મધના એક ટીપાંથી સમુદ્રને મધુર બનાવી શકાય પરંતુ મધુર વાક્યોથી ખલ પુરૂષોને સન્માર્ગે વાળવાની ઈચ્છા રાખી શકાય નહીં.
વિસ્તાર : શાર્દૂલવિક્રીડિત છંદમાં રચાયેલા આ શ્લોકમાં ભર્તૃહરિ ખલ લોકોને સન્માર્ગે વાળવાનો વ્યર્થ પ્રયત્ન ન કરવા જણાવે છે. મૂર્ખ લોકોમાં પણ ઉત્કૃષ્ટ મૂર્ખ એટલે ખલ, જે માત્ર મૂર્ખ જ નહીં પરંતુ ડંખીલા પણ હોય છે. અર્થના અનર્થ કરનાર, અપ્રામાણિક અને અન્યને દુઃખી કરવાના હેતુથી જ કાર્ય કરે એવા મનુષ્યો મૂર્ખ કરતાં પણ વધુ ભયંકર છે, આ પ્રકારના મનુષ્યોને અહીં ભર્તૃહરિ ખલ કહે છે. રામ રાવણને, કૃષ્ણ કંસને કે ભીષ્મ દુર્યોધનને કદી સુધારી શક્યા નહીં. જ્ઞાની ન હોય તેવા લોકોના ત્રણ પ્રકાર પાડી શકાય. ૧. અજ્ઞાની – જેને જ્ઞાન નથી તે. ૨. મૂર્ખ – જેને જ્ઞાન નથી પરંતુ અજ્ઞાનનું ભાન પણ નથી તે. ૩. ખલ – જેને સ્વયંના ઘોર અજ્ઞાનમાં પણ સ્વયં જ્ઞાનના દર્શન થાય છે, જે સ્વયંને બ્રહ્મથી પણ ઉચ્ચ સમજે છે તે. આવા ખલ લોકોને જ્ઞાન આપવું કે સન્માર્ગે વાળવા એ વ્યર્થપણે અતિ કઠોર પરિશ્રમ કરવા સમાન છે. તુલસીદાસજી પણ કહે છે,
फूले फलै न बेत, यद्यपि सुधा बरपहिं जल्द।
मूरख-हृदय न चेत, जो गुरु मिले विरंचि-सम।।
આમ, અશક્ય એવા તમામ કાર્યો કરવા પણ ખલ કે દુષ્ટ લોકોને સમજાવવાનો પ્રયત્ન ક્યારેય પણ ન કરવો.
स्वायत्तमेकान्तगुणं विधात्रा
विनिर्मितं छादनमज्ञतायाः।
विशेषतः सर्वविदां समाजे
विभूषणं मौनमपण्डितानाम् ।। ७ ।।
અર્થ : બ્રહ્માએ સૃષ્ટિ રચના સમયે અજ્ઞાનના ઢાંકણરૂપ મૌનનું સર્જન કર્યું. જ્યારે પંડિતોની વચ્ચે કોઈ અજ્ઞાની હોય ત્યારે મૌન જ તેના માટે આભૂષણ રૂપ હોય છે.
વિસ્તાર : પ્રસ્તુત શ્લોક ઉપેન્દ્રવજ્રા છંદમાં રચાયેલ છે. ભર્તૃહરિ અજ્ઞાની, મૂર્ખ અને ખલ લોકોની ચર્ચા કર્યા બાદ તેમના માટે વરદાનરૂપ વિષયની અત્રે ચર્ચા કરે છે. સભામાં સ્વયંના અજ્ઞાનને કઈ રીતે આચ્છાદિત કરવું તે શીખવે છે. અજ્ઞાની વ્યક્તિ ચર્ચાના વિષયને જાણતા ન હોય અને સભામાં ગૌરવહીન ન થવું હોય તો મૌન તેમના માટે આભૂષણ રૂપ છે. શ્રવણ કરવું અને ગુણગ્રાહી બનવું. મૂર્ખ વ્યક્તિને સ્વયંના અજ્ઞાનનું ભાન હોતું નથી. આથી તેઓ આ પ્રકારના સમયે મૌન કેળવી શકતા નથી. પરંતુ અજ્ઞાની લોકોએ પંડિતોની સભામાં મૌન જાળવવું જોઈએ. ટૂંકમાં આ શ્લોકમાં જ્ઞાન હોય તો જ પ્રગટ કરવું નહિંતર મૌન રહેવું એમ કહી મૌનનો મહિમા જ સમજાવવામાં આવ્યો છે.
અંગ્રેજીમાં કહેવત છે કે Even a fool is considered wise when he keeps silent. લા રોચેએ કહ્યું છે કે “જેનામાં આત્મવિશ્વાસ નથી તેના માટે મૌન સર્વોત્તમ ઉપાય છે. – Silence is the safest course for any man to adopt who distrust himself.” બોર્નાડે કહ્યું છે કે “મૌન મૂર્ખોની બુદ્ધિમત્તા અને બુદ્ધિમાનોનો એક ગુણ છે. – Silence is the wit of fools, and one of the virtues of the wise.” બર્ન નામના વિદ્વાને કહ્યું છે કે “મૌન રહેવાની આદત સેવો અને તેને સ્વયંનો આદર્શ માનો. – Learn taciturnity and let that be your motto!” મહાત્મા રૈલએ કહ્યું છે કે સાંભળો વધુ અને બોલો ઓછું કારણ કે સંસારમાં સૌથી વધુ ભલાઈ અને સૌથી વધુ બુરાઈ જીભથી જ થાય છે. – Hear much, and speak little; for the tongue is the instrument of the greatest good and greatest evil that is done in the world.” કવિ સુધીર પટેલ પોતાના કાવ્ય ‘મૂંગામંતર થઇ જુઓ’ માં આ પ્રમાણે કહે છે : “પુસ્તક સઘળાં બંધ કરી દો, આંખોને પણ મીંચી દ્યો. મેળે મેળે મળશે ઉત્તર, મૂંગામંતર થઈ જુઓ. દર્પણ દર્પણ ભટકો નહીં ને બિંબ બધાં ફોડી નાખો, ખુદને મળશો ખુદની અંદર, મૂંગામંતર થઈ જુઓ.”
(ક્રમશ:)
ડૉ. રંજન જોશીના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘નીતિશતકના મૂલ્યો’ ના બધા લેખ અહીં ક્લિક કરીને માણી શકાશે.