ઉંબરો – નરેન્દ્રસિંહ રાણા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 14


લેખકનો પરિચય :

સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ હળવદમાં રહેતા નરેન્દ્રસિંહ રાણા, માઇક્રોબાયોલોજીમાં અનુસ્નાતક થઈ પેથોલોજી લેબોરેટરી ચલાવે છે. સાયન્સ સ્ટ્રીમમાં ભણેલા નરેન્દ્રસિંહને નાનપણથી જ વાંચનની લગની લાગેલી, જે આગળ જતાં ગુજરાતી સાહિત્યથી આગળ વધી વર્લ્ડ લિટરેચર સુધી પહોંચી. વાંચન ઉપરાંત દેશ-વિદેશની ફિલ્મો જોવાના શોખ અને ટેક્નોલોજીની રુચીએ તેમના જ્ઞાનમાં વધારો કર્યો.

થોડા સમયથી પોતાના લેબોરેટરીના કામ સાથે કલમ પણ ઉપાડી છે. લેખનકાર્યને ગંભીરતાથી લઈ, શીખવા અને શીખવાડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.  વિવિધ ઓનલાઈન મીડિયા ઉપરાંત પ્રિન્ટ મીડીયામાં પણ તેમની વાર્તાઓની નોંધ લેવાય છે. 2018માં તેમની વાર્તા મમતાસ્પર્ધામાં નોંધનીય સ્થાન પામી હતી અને 2019માં બંને વાર્તાઓ નોંધપાત્ર બની છે. આજની આ વાર્તા ‘ઉંબરો’ મમતા વાર્તાસ્પર્ધા ૨૦૧૯માં તૃતીય ક્રમે વિજેતા થઈ છે. આ વાર્તા વાંચવા અહીં ક્લિક કરો.

તો આવો તપાસીએ આજની વાર્તા “ઉંબરો” મનના માઇક્રોસ્કોપથી :

ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તાના કેન્દ્ર સ્થાને દેખીતી રીતે શ્રેયા અને તેનામાં આવતો હોર્મોનલ બદલાવ છે પરંતુ હકીકતમાં એ અવસ્થામાં પસાર થઈ ચૂકેલી ‘મા’ આ વાર્તાનું કેન્દ્રવર્તી પાત્ર છે. કિશોર અવસ્થાથી લઈ મુગ્ધાવસ્થામાં આવી રહેલું પરિવર્તન ખૂબ ઓછો ખેડાયેલો વિષય છે લેખકે એ વિષયને રૂપક અને વ્યંજના સ્વરૂપે ખૂબ બહેલાવ્યો છે. સીધી સરળ ભાષામાં એકવારમાં વંચાઈ જતી આ વાર્તામાં દેખીતી રીતે કશું કહેવાયું નથી છતાં પણ ઘણું કહેવાઈ ગયું છે. અવસ્થાના બદલાવ અને તે બદલાવને કારણે આવતી આડઅસર રોકવા માટે વાર્તાનું શીર્ષક ઉંબરો ખૂબ સરસ રીતે પ્રતીક બન્યું છે.

વાર્તાની થીમ : પરિવર્તનએ સતત છે અને જીવનમાં આવતા પરિવર્તનો માણસે અંતે સ્વીકારવા જ પડે છે.

વાર્તાનો પ્લોટ : કિશોરી શ્રેયાના મનમાં પોતાના શરીરમાં આવેલાં પરિવર્તનથી અનુભવાતા પતંગિયા જોઈ, દીકરીને દીકરા સમાન ગણતી માતા એ ફેરફારને કેમ સંભાળાવો એ વિચારતી થઈ જાય છે.

પરિવેશ:  ઘર ઉંબરાવાળું છે, સફેદ દુપટ્ટાવાળો યુનિફોર્મ છે, ઝાડ ઉપર ચડીને ચકલીઓ જોવાય છે એટલે મોટું શહેર નથી વળી છોકરા-છોકરીઓ સાથે ભણે છે અને શ્રેયા જીન્સ પહેરી પાર્ટીમાં જાય છે એટલે સાવ નાનું ગામડું પણ નથી. આમ, ખૂબ જ ઓછા શબ્દોમાં એક નાનકડું શહેર ગણી શકાય તેવા ગામનો માહોલ અને શાળાના વાતવરણનું સુરેખ અને પ્રતીકાત્મક લેખન થયું છે.

પાત્રાલેખન :

શ્રેયા : આખી વાર્તા આ પાત્રની આસપાસ રચાઈ છે. આઠામા ધોરણમાં ભણતી નિર્દોષ કોશોરી જે પોતાનામાં આવતાં પરિવર્તનથી નવાઈ પામે છે પણ અન્યની દ્રષ્ટિમાં પ્રસંશા પામતાં પોતે ખાસ છે એવી અનુભુતી કરતી મુગ્ધા નજર સામે તરી આવે છે.

વિશાલ : શ્રેયાનો બાળગોઠીયો. એક નાના શહેરના કિશોર તરીકે તેનું પાત્ર બરોબર ન્યાય આપે છે. જે શ્રેયાનો ખાસ મિત્ર છે. શ્રેયાના શારીરિક બદલાવો સાથે વિશાલમાં પણ હોર્મોનલ ચેનજીસ્ આવી રહ્યા છે જેને એ બરોબર સમજી રહ્યો છે.

શારદાબેન : શ્રેયાની મા એક ઉમદા મા છે, દરેક પરિસ્થિતિમાં તેને પોતાનું બાળક નાનું અને નિર્દોષ જ લાગે છે. તે દીકરી- દીકરાનો ફર્ક કરવા નથી માંગતી. તે દરેક પરિસ્થિતિમાં દીકરીને લાડ કરવા જ ઈચ્છે છે

 “પોતાનો વાંક મારી દીકરી પર નાખવાનો? એવું હોય તો સફેદ યુનિફોર્મ જ ન રખાય. છોકરી બિચારી વરસાદમાં પલળે પણ નહીં. કાલથી દુપ્પટો પહેર્યાં વગર ન જતી.” આ સંવાદ માના પક્ષપાતી વલણને દર્શાવે છે.

પરંતુ યુવાનીમાં પ્રવેશતી દીકરીના માનસિક ફેરફાર નોંધતી મા એક મજબૂત પાત્ર બની ઉપસે છે.

ગણિતના સર, સમાજવિદ્યાના નિતાબેન સાવ નાનકડા પણ સહૃદયી પાત્રો બની સામે આવ્યાં છે.

મનોમંથન : આખી વાર્તામાં એક અબુધ કિશોરીનું મનોમંથન સરસ રીતે નીપજ્યું છે. વરસાદ આવ્યો એમાં મારો શું વાંક? કાલ સુધી મન ભરી પલળતી છોકરીને આજે બીજાની નજરોને કારણે અનાવૃત કેમ અનુભવવું પડે? દરેક વ્યક્તિની તેની તરફ બદલાયેલી દ્રષ્ટિને નોંધતી શ્રેયા પોતાને ખાસ અનુભવવા લાગે છે ત્યાં તેની મંથન યાત્રા પૂર્ણ થાય છે પરંતુ અત્યાર સુધી પોતાની દીકરીને બાળક માનતી માનું મનોમંથન અહીંથી શરૂ થાય છે. એને દુનિયાની દ્રષ્ટિથી કેમ બચાવવી, વાર્તા પૂરી થતાં આ ઉંમરની અને બહારની બદીઓથી શ્રેયાને બચાવવા માટેનો માનો મનોસંઘર્ષ શરૂ થાય છે.

સંઘર્ષ -પાત્ર પરિવર્તન : આ વાર્તામાં ત્રણ પાત્રના પરિવર્તન નોંધવામાં આવ્યાં છે.

  1.  કિશોરીમાંથી યુવાની તરફ જતી શ્રેયા શરૂઆતમાં પોતાના તરફ જોવાતી દ્રષ્ટિથી સંકોચ અનુભવે છે. પરંતુ પછી મુગ્ધઅવસ્થામાં બાળમિત્રનો જ સ્પર્શ તેને રોમાંચિત કરે છે અને અબુધ કિશોરી અલ્લડ યુવતીમાં પરિવર્તિત થાય છે.
  2. વિશાલનું પાત્ર એક પ્રોટેકટિવ મિત્રમાંથી રોમાંચ અનુભવતા યુવકમાં પરિવર્તન પામે છે. તેનો સંઘર્ષ શ્રેયા સાથેની દોસ્તીને એક મર્યાદામાં રાખવાનો છે. પરંતુ મુગ્ધસ્પર્શ અને અન્ય કિશોરોની મીઠી ઇર્ષાને કારણે તે શ્રેયાને દૂર રાખવાનો પ્રયત્ન છોડી દે છે.
  3. માના પાત્રનું પરિવર્તન આ વાર્તાનો મુખ્ય સંઘર્ષ છે:  એક લાડ કરતી મમ્મીમાંથી દિકરીમાં આવેલા પરિવર્તનને અવગણતી મા અને પછી એ પરિવર્તન સ્વીકરી દીકરીને બદીઓથી સાચવવા ઉંબરો ઉંચી કરતી મા. આ આખી વાર્તાને વિજેતા વાર્તા બનવા માટેની ઉંચાઈ આપે છે.

ભાષાકર્મ :

ખૂબ જ સરળ ભાષામાં લખાયેલી આ વાર્તામાં ભાષા વૈભવ તો ન કહી શકાય પણ વ્યંજનાનો બહુ જ અદભુત રીતે છંટકાવ થયો છે. ઓછા શબ્દોમાં ગોપીત રાખીને વાત કહેવાઈ છે.

1. “તને ખબર છે કે ઉંબરો ઊંચો છે તોય દર વખતે ઠોકર ખાય છે. ઘર નિચાણમાં છે એટલે ઉંબરો તો ઊંચો લેવો જ પડે નહીંતર ચોમાસામાં બહારના પાણી અંદર આવી જાય. તને ઉંબરો ઓળંગતા જ નથી આવડતું.” – વાર્તાની શરુઆતમાં જ આવતો આ સંવાદ વાર્તાની દિશા નક્કી કરે છે. ઉંમરનો ઉંબરો ઓળંગવાની વાત છે, સ્ત્રીને બહારની બદીઓથી બચવું પડે, એ આગળ જતાં સંદર્ભ સમજાય છે.

2. આજે તેને વર્ગનું વાતાવરણ બદલાયેલું લાગ્યું. ઘણી નજરો તેના પર મંડાયેલી હોય તેમ તેણે અનુભવ્યું. અરે ! વર્ગનો મોનીટર પણ તેની સામે કોઈ વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો – અહીં શ્રેયામાં આવેલા શારીરિક ફેરફાર તરફ નિર્દેશ કરવામાં આવ્યો છે.

3. છોકરાઓના વિભાગમાંથી આવતી નજરોમાં તેના પ્રત્યેનો અહોભાવ સ્પષ્ટ હતો. તેને પોતે જાણે કોઈ દેવીની અર્ધઅનાવૃત પ્રતિમા હોય એમ લાગ્યું – અહીં શ્રેયા પોતાનામાં આવેલા ફેરફાર પ્રત્યે સભાન બની છે, પરંતુ છોછ અનુભવવાને બદલે પોતાને દેવીની પ્રતિમા સાથે સરખાવી ગર્વ અનુભવે છે.

4. જાણે શ્રેયા કોઈ ગરમ વસ્તુ હોય અને તે દાજી જવાની બીકે તેને અડકવા માંગતો ન હોય તેમ થોડીવાર ડાળીના ટેકે ઉભો રહ્યો. –  અહીં બાળપણની મિત્રતા મુગ્ધ અવસ્થામાં નિર્દોષ- સામાન્ય નથી રહી શકતી એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે.

5. “તે દિવસે સમાજના ટીચરે મોકલેલી ચિઠ્ઠી મેં વાંચી હતી. તને નથી લાગતું કે આપણે બજારમાં ખરીદી કરવા જવું જોઈએ. મારા વર્ગની બધી જ છોકરીઓ…” – શ્રેયા દ્વારા અધૂરાં મુકાયેલા આ સંવાદમાં ભાવક અને શારદાબેન બંને સમજી જાય છે કે શ્રેયા પોતાના પરિવર્તનને સ્વીકારી ચુકી છે.

6 .“મા ! તને ક્યારેય એવું લાગ્યું છે કે જાણે તું આખા જગતની રાણી હોય અને આખું જગત તારી અમિદ્રષ્ટિ મેળવવા તલપાપડ હોય. જાણે તું કોઈ નવું ફૂલ હોય અને દુનિયા તને પ્રશંસાભરી નજરે જોતી હોય. દુનિયા જાણે તારી આસપાસ ફરતી હોય. એવું તને ક્યારેય લાગ્યું છે?” – આ સંવાદ દરેક મુગ્ધાના મનમાં ફરતો જ હોય છે, જેને લેખકે આબાદ વાચા આપી છે.

6. ‘ઘરમાં શેરીના પાણી ન આવી જાય એ માટે હજુ ઉંબરો વધુ ઊંચો કરાવવો પડશે.’ – આ વાક્યથી શારદાબેન આવેલા પરિવર્તન માટે ખુદને અને દીકરીને તૈયાર કરશે એમ લેખક બતાવે છે.

સારાંશ :

ઉંબરો – ઘરમાં આવતાં બહારના પાણી રોકવા, ઉંબરો – ઉંમરની મર્યાદાનું પ્રતીક, ઉંબરો- એક મા. સીધા સરળ શબ્દોમાં લખાયેલી આ વાર્તા એક પરિપક્વ કલમમાંથી અવતરી છે. રોજિંદા જીવનના વિષયને બિલકુલ નાટકીય વળાંકો વગર કે ગૂંચ વગર વાર્તા કેવી રીતે  બનાવી શકાય તે શીખવા માટે આ વાર્તાનો અભ્યાસ કરવો જ રહ્યો. ઉંબરો શીર્ષક અને વાર્તામાં તેનો વ્યંજનાત્મક પ્રયોગ વાર્તાના અભ્યાસુઓ માટે ઉદાહરણ રૂપ બને છે. જો કે લેખકે ભાષા વૈભવ વધારવાની જરૂર છે એવું કહું તો ખોટું નહીં ગણાય.

આજ માટે “અચ્છા ચલતી હું દુઆઓ મેં યાદ રખના, મેરે વિવેચનકા ઝબાં પે સવાદ રખના.” મળીશું આવતાં પખવાડિયે ફરી એક નવી વાર્તાની છણાવટ કરવા.

– એકતા નીરવ દોશી


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “ઉંબરો – નરેન્દ્રસિંહ રાણા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી