ઉંબરો (મમતા વાર્તા સ્પર્ધા ૨૦૧૯ વિજેતા) – નરેન્દ્રસિંહ રાણા 7


શ્રેયા ઉઠી ત્યારે નિશાળે પહોંચવામાં મોડું થઈ ગયેલું. બાજુમાં માને સુતેલી નહિ જોઈને ખ્યાલ આવી ગયો કે આજે તે મોડી ઉઠી છે. મા તેને ક્યારેય ઉઠાડતી નહિ. એ માને સમયસર ન ઉઠાડવા માટે ફરિયાદ કરતી તો મા કાયમ તેને કહેતી કે, ‘હા, પણ હવે… કેટલીવાર ફરિયાદ કરીશ? તું મારો રાજા દીકરો છે. તને મારે વહેલી ઉઠાડીને પાપમાં નથી પડવું. બાળકોને ઊંઘમાંથી ઉઠાડીએ તો બ્રહ્મહત્યાનું પાપ લાગે.’ આ કારણે જ શ્રેયા જાતે ઉઠતા શીખી ગયેલી. તેને મોડું થયાનું ભાન થતા જ તેણે પલંગ પરથી રીતસર ઠેકડો માર્યો.

શ્રેયા ઓરડામાંથી ઉતાવળે બહાર નિકળવા ગઈ ત્યાંજ પગમાં કશુંક આવ્યું અને ધડામ…!

“મા તારે આ ઉંબરો આટલો ઊંચો કરાવવાની શું જરૂર હતી? રોજ મને ઠોકર લાગે છે.” શ્રેયા પગ પકડીને બેસી ગઈ.

“તને ખબર છે કે ઉંબરો ઊંચો છે તોય દર વખતે ઠોકર ખાય છે. ઘર નિચાણમાં છે એટલે ઉંબરો તો ઊંચો લેવો જ પડે નહીંતર ચોમાસામાં બહારના પાણી અંદર આવી જાય. તને ઉંબરો ઓળંગતા જ નથી આવડતું.” મા શારદાબેને રસોડામાંથી છણકો કર્યો.

શ્રેયા પાસે તેને જવાબ દેવાનો સમય નહોતો. બહાર વરસાદી વાતાવરણ જામ્યું હતું અને તેને જલ્દી નિશાળે પહોંચવાનું હતું. તે ઝડપથી બાથરૂમ તરફ દોડી. મોડું થયું હોવા છતાં શ્રેયા બાથરૂમમાં સાબુના ફીણ સાથે રમવાનો રોજીંદો ક્રમ ન ચૂકી.

woman in red and black dress posing for a photo

શ્રેયા નિશાળે પહોંચી ત્યારે પંદરેક મિનિટ મોડી હતી. રસ્તામાં વળી અચાનક આવેલા વરસાદે તેને મનભરીને પલાળી હતી. આઠમાં ધોરણના વર્ગમાં એ પલળેલી હાલતમાં પહોંચી ત્યારે તેના સિવાય બીજા બે વિદ્યાર્થીઓ પણ મોડા હોવાના કારણે વર્ગખંડમાં એકબાજુ ઉભા હતા. શ્રેયાને પણ સજા માટે ના છૂટકે એ લાઈનમાં બધા સામે જોડાવું પડ્યું. તેને વર્ગમાં ચાલુ પંખાના કારણે ઠંડી લાગી રહી હતી.

શ્રેયાની આગળ ઉભેલા બન્ને છોકરા તેની સામે ટગર ટગર જોઈ રહ્યા હતા. આજે તેને વર્ગનું વાતાવરણ બદલાયેલું લાગ્યું. ઘણી નજરો તેના પર મંડાયેલી હોય તેમ તેણે અનુભવ્યું. અરે ! વર્ગનો મોનીટર પણ તેની સામે કોઈ વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. છોકરીઓના વિભાગમાંથી પણ ઘણી દ્રષ્ટિઓ તેના પર ફરી રહી હતી. એમાંની ઘણી નજરોમાં આશ્ચર્ય હતું.

શ્રેયાને ધીરે ધીરે પોતાના સહાધ્યાયીઓની નજરોમાં રહેલા ભાવો વંચાઈ રહ્યા હતા. છોકરાઓના વિભાગમાંથી આવતી નજરોમાં તેના પ્રત્યેનો અહોભાવ સ્પષ્ટ હતો. તેને પોતે જાણે કોઈ દેવીની અર્ધઅનાવૃત પ્રતિમા હોય એમ લાગ્યું. તે સ્કૂલબેગ નીચે મુકવા માટે પસ્તાઈ રહી હતી. તેને એ નજરો નહોતી ગમી રહી. વિશાલ પણ એ બધામાં સામેલ હતો. જો કે તેના તરફ નજર કરતા તેની આંખોમાં શ્રેયાને કોઈક ખૂણે ગુસ્સો પણ દેખાયો.

‘વિશાલ કેમ ગુસ્સે થયો છે? મારો શું વાંક? મેં થોડું વરસાદને કહેલું કે મને પલાળ? આમ તો ચોથા-પાંચમા ધોરણમાં વરસાદમાં બધા કેટલીય વાર સાથે નહાયાં છીએ ત્યારે આ બધાએ મને પલળેલી નહીં જોઈ હોય શું?’ શ્રેયા વિચારતી ઉભી રહી.

અંતે તેણે અદબવાળી.

ગણિતના સાહેબ આવ્યા. તેમણે સજા મેળવવા ઉભેલા ત્રણેય તરફ નજર કરી. તેમની નજર શ્રેયા પર આવીને અટકી. એક ક્ષણ માટે તેમની નજર શ્રેયાની ડોકની નીચે ફરી આવી. બીજી જ ક્ષણે તેઓ વર્ગખંડ છોડી ગયા.

થોડીવાર પછી સમાજવિદ્યાના શિક્ષિકા નીતાબેન વર્ગખંડમાં આવ્યા. તેમણે આવતાવેંત જ શ્રેયા તરફ ગુસ્સાભરી નજર ફેંકી.

“શ્રેયા ! બેગ લઈને મારી સાથે આવ.” હુકમ છૂટ્યો.

શ્રેયાને નાછૂટકે બેગ ઉઠાવીને તેમની પાછળ ચાલવું પડ્યું. શ્રેયાને અડધા વર્ગના નિસાસા વળાવવા આવ્યા હોય એમ લાગ્યું.

શ્રેયા ચૂપચાપ નિતાબેન પાછળ ખાલી સ્ટાફરૂમમાં પહોંચી. નિતાબહેને ફટાફટ એક કાગળ કાઢીને ચિઠ્ઠી લખી.

“આ તારા મમ્મીને આપી દે જે.” નિતાબેને ચિઠ્ઠી શ્રેયાના હાથમાં આપતા કહ્યું. “આજે તારે રજા. હવેથી દુપટ્ટો ભૂલ્યા વગર નિશાળે આવી તો સજા કરીશ.” શ્રેયા ચૂપચાપ સ્ટાફરૂમની બહાર નીકળી ગઈ.


પલળેલી શ્રેયા ઘરે પહોંચી ત્યારે એક ક્ષણ માટે શારદાબેન તેને આશ્ચર્યથી જોઈ રહ્યા. તેમને શ્રેયા કેમ પાછી આવી એ ન સમજાયું. શ્રેયાએ પેલી ચિઠ્ઠી તેમને પકડાવી.

શારદાબેને ચિઠ્ઠી વાંચી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમણે ચિઠ્ઠી ફાડી નાખી.

“પોતાનો વાંક મારી દીકરી પર નાખવાનો? એવું હોય તો સફેદ યુનિફોર્મ જ ન રખાય. છોકરી બિચારી વરસાદમાં પલળે પણ નહીં. દુપ્પટો ભૂલ્યા વગર કાલથી ન જતી.” શારદાબેન બબડતા બબડતા રસોડામાં ચાલ્યા ગયા.

શ્રેયા ચુપચાપ તેમને જતા જોઈ રહી.


“વિશાલ ! ચાલ આપણે થપ્પો રમીએ.” શ્રેયા વિશાલનો હાથ ખેંચતા બોલી. વિશાલે મહામુશ્કેલીએ તેનો હાથ છોડાવ્યો. તેણે આસપાસ નજર કરી. દૂર તેના મિત્રોનું ટોળું તેની સામે ઈર્ષાથી જોઈ રહ્યું હતું. બીજી બાજુ છોકરીઓનું ટોળું હસી રહ્યું હતું.

“ના, તને ખબર તો છે કે સાહેબે હવે છોકરા-છોકરીઓને સાથે રમવાની ના કહી છે.” વિશાલે કહ્યું.

“તું ક્યારથી સાહેબની વાત માનવા લાગ્યો? ચાલ આપણે પેલા ઝાડ પર રહેલા ચકલીના બચ્ચા જોઈ આવીએ.” શ્રેયાએ વિશાલનો હાથ ખેંચ્યો. વિશાલે જાતને ખેંચાવા દીધી. બન્ને ટોળાઓ જાણે કોઈ વિચિત્ર નજરે બન્નેને જોઈ રહયા.

શ્રેયા તો સીધી જ તેમના કાયમી ઝાડની ડાળીએ લટકી ગઈ. એ ઝાડની મજબૂત ડાળી પર લટકીને હિંચકા ખાવા એ બન્નેની કાયમી પ્રવૃત્તિ હતી. વિશાલ પણ તેને લટકતી જોઈને હસ્યો.

“વિશાલ, ચાલ મને કેચ કર.” શ્રેયા હિંચકા વચ્ચે જ બોલી.

વિશાલ ખચકાયો. તેણે બે હાથ વડે ડાળી પકડીને જુલતા શ્રેયાના શરીર પર નજર કરી. તેને જાણે શ્રેયાનો ભાર વધી ગયો હોય એમ લાગ્યું.

“ના… મારે તને કેચ નથી કરવી.” વિશાલ પોતાની અંદર કોઈને ના કહેતો હોય એમ બોલ્યો.

“કેમ? કાયમ તો તું મને કેચ કરે છે. કોઈ વાંધો નહિ. ચાલ, ચકલીના બચ્ચા જોઈએ.” શ્રેયા બોલીને સીધી જ ઝાડના થડ તરફ આગળ વધી. તેણે દુપટ્ટો કેડની આસપાસ વીંટીને ગાંઠ મારી. એક અનુભવીની જેમ તે ફટાફટ ઝાડ પર ચડવા લાગી. વિશાલ તેની પાછળ ચડવું કે નહીં એમ વિચારતો ઉભો રહ્યો.

શ્રેયા સૌથી ઉપરની ડાળીએ પહોંચીને અટકી.

“આવ ને… કોની રાહ જુએ છે?” શ્રેયાએ વિશાલને ઈશારો કર્યો.

વિશાલ કમને ઝાડ પર ચડ્યો. શ્રેયાથી દુર એક નાની મજબૂત ડાળી પર બેસી ગયો. શ્રેયા હજુ ઉભી જ હતી. તેનો એક પગ ચકલીનો માળો હતો એ ડાળી તરફ હતો. તેણે માળામાં નજર કરી.

“બચ્ચા ઉડી ગયા લાગે છે. મારે નજીકથી જોવું પડશે. વિશાલ ! મને પકડ. હું નજીક જઈને જોઈ લઉં.” શ્રેયાએ કહ્યું.

વિશાલ ખચકાયો. તે એક ડાળી પકડીને ઉભો થયો. તેણે શ્રેયાના ખભે હાથ મુક્યો.

“અરે! મારી કમર પકડ. તું કમર પકડે તો જ હું વાંકી વળીને નજીકથી જોઈ શકું ને!” શ્રેયાએ આગ્રહ કર્યો.

વિશાલ ફરી ખચકાયો. તે જાણે શ્રેયા કોઈ ગરમ વસ્તુ હોય અને તે દાજી જવાની બીકે તેને અડકવા માંગતો ન હોય તેમ થોડીવાર ડાળીના ટેકે ઉભો રહ્યો.

“શું વિચારે છે જલ્દી કર.” શ્રેયાએ આગ્રહ કર્યો.

વિશાલે શ્રેયાને કમરેથી પકડી. વિશાલના શરીરમાં એ સ્પર્શના કારણે જાણે વીજળી પસાર થઈ ગઈ. શ્રેયાને પણ એક ક્ષણ માટે જાણે કરંટ લાગ્યો. વિશાલે તેને અનેકવાર પકડી હશે. ઝાડની ડાળીઓ પર લટકાઈને હિંચકા ખાતા અનેકવાર તે રીતસર વિશાલ પર કૂદકો જ મારતી. ઘણીવાર બન્ને આ કારણે પડતા, વિશાલ આમ કરવા માટે તેને પકડીને ક્યારેક ધબ્બા પણ મારતો. એકબીજાને સ્પર્શવું એ તેમના માટે મોટી વાત નહોતી પણ આ સ્પર્શ શ્રેયાને અલગ લાગ્યો. તે વાંકી વળીને બચ્ચા ઉડી ગયા કે નહીં એ જોવાનું ભૂલી ગઈ. તે એકાદ ક્ષણ શું કરવું એ નક્કી ન કરી શકી. શું આ અલગ સ્પર્શ તેને ગમતો હતો? તેના હૃદયમાં ઊંડે ઊંડે પેલા જુના સ્પર્શની ભૂખ જાગી. ‘કેમ વિશાલ બદલાઈ ગયો? કેમ હવે તે મારાથી અંતર રાખે છે? કેમ તેણે હજુ હાથ મારી કમર પર જ રહેવા દીધો છે?’ આવા વિચારો ધસમસતા આવ્યા અને ચાલ્યા ગયા.

શ્રેયાએ અંતે વિશાલનો હાથ પોતાની કમર પરથી હટાવ્યો. બચ્ચા કદાચ ઉડી જ ગયા હશે એમ વિચારીને તે ધીરે ધીરે ઝાડ પરથી ઉતરી. વિશાલ પણ તેની પાછળ ઉતર્યો. શ્રેયાએ દૂર ઉભેલા છોકરીઓના ટોળાં તરફ જતા પહેલા વિશાલને એક સ્મિત આપ્યું. વિશાલે પણ જવાબમાં સ્મિત આપ્યું. વિશાલની આંખોમાં પ્રશંસાનો ભાવ હતો જે શ્રેયાએ આંખો ઢાળીને ઝીલ્યો. બન્ને પોતપોતાના ટોળામાં જઈને ભળ્યા.


શ્રેયા ઓરડામાંથી બહાર આવી ત્યારે શારદાબેન તેના પોશાકને જોઈને ચોકયાં. શ્રેયાએ વાદળી રંગનું જીન્સ પહેરેલું હતું જે શરીરના વળાંકો પર જાણે બીજી ચામડી હોય તેમ બેસી ગયેલું.

“મા ! હું કેવી લાગું છું? આજે મારી ફ્રેન્ડનો જન્મદિવસ છે એટલે અમે બધા છોકરા-છોકરીઓ બહાર જમવા જઈએ છીએ.” શ્રેયાએ કહ્યું. શારદાબેન થોડીવાર દીકરીને જોઈ રહ્યા. શ્રેયાએ જવાબની રાહ ન જોઈ. તે સીધી જ શારદાબેન પાસે બેસી પડી.

“મા ! તને ક્યારેય એવું લાગ્યું છે કે જાણે તું આખા જગતની રાણી હોય અને આખું જગત તારી અમિદ્રષ્ટિ મેળવવા તલપાપડ હોય. જાણે તું કોઈ નવું ફૂલ હોય અને દુનિયા તને પ્રશંસાભરી નજરે જોતી હોય. દુનિયા જાણે તારી આસપાસ ફરતી હોય. એવું તને ક્યારેય લાગ્યું છે?” શ્રેયા દૂર ક્યાંક જોતી આવું બોલી ગઈ. તેને વર્ગમાં પલળીને ઉભી હતી ત્યારની બધાની નજરો યાદ આવી ગઈ. અંતે વિશાલનો સ્પર્શ પણ યાદ આવ્યો. શ્રેયાના ચહેરા પર રતુંબડી ઝાંય પથરાઈ ગઈ. તેનો ચહેરો ખીલી ઉઠ્યો.

શારદાબેનને તે કારણ વગર ભેંટી પડી. શારદાબેને તેના ચહેરાના ભાવો વાંચ્યા. તેમની અનુભવી આંખોએ દીકરીના મનમાં કોઈની અદ્રશ્ય હાજરી નોંધી. તેઓ કંઈ બોલે એ પહેલાં જ દીકરી ઉત્સાહભેર બહાર જવા નીકળી. ખબર નહીં કેમ પણ આજે શારદાબેન પણ તેને ઝાંપા સુધી વળાવવા ઉભા થયા. ઝાંપાની બહાર નીકળેલી શ્રેયા પર સામેવાળા શાંતિકાકાની નજર ચોંટી હોય એવું શારદાબેનને લાગ્યું. શાંતિકાકા શ્રેયાને જ જોઈ રહ્યા હતા પણ શારદાબેનને બહાર આવતા જોઈને ઘરમાં ચાલ્યા ગયા. પછી તો શારદાબેન શ્રેયા જ્યાં સુધી પેલો પાનનો થડો ન વટી ગઈ ત્યાં સુધી ઝાંપો પકડીને ઉભા રહ્યા. તેમને ન જાણે કેમ શ્રેયા ત્યાંથી પસાર થઈ ત્યારે હસવાના અવાજો આવ્યા હોય એમ લાગ્યું. તેમનાથી એક નિસાસો નખાઈ ગયો.       


શારદાબેન જ્યારે સવારની ચા લઈને શ્રેયાના રૂમમાં આવ્યા ત્યારે શ્રેયા હજુ હમણાં જ જાગીને બેઠી હતી.

“મારો રાજા દીકરો ઉઠી ગયો! ચાલ તારા માટે ચા તૈયાર છે. બ્રશ કરી લે.” શારદાબેન બોલ્યા. શ્રેયા પલંગમાંથી ઉભી ન થઈ. શારદાબેન તેની પાસે જ ગોઠવાયા.

“ચાલ જલ્દી કર. નિશાળે જવાનું મોડું થાય છે.” શારદાબેને યાદ દેવડાવ્યું.

“મા, એક વાત કહું?”

“બોલને…!”

“તે દિવસે સમાજના ટીચરે મોકલેલી ચિઠ્ઠી મેં વાંચી હતી. તને નથી લાગતું કે આપણે બજારમાં ખરીદી કરવા જવું જોઈએ. મારા વર્ગની બધી જ છોકરીઓ…” શ્રેયા ડરતા ડરતા બોલી. તેને શારદાબેને ચિઠ્ઠી ફાડી નાખી હતી એ યાદ આવ્યું. શારદાબેન થોડીવાર માટે દીકરીના નમણા ચહેરાને જોઈ રહ્યા.

“ભલે. જઈ આવશું.”

શ્રેયાના ચહેરા પર સ્મિત આવ્યું. તે ધીરેથી પલંગમાંથી ઉતરી. તેંણે નાઈટડ્રેસ સરખો કર્યો. તે રૂમમાં રહેલા અરીસા તરફ ગઈ. તેણે વાળ સરખા કર્યા. પ્રતિબિંબ સામે એક સ્મિત ફેંક્યું. શારદાબેનની નજર તેના પર જ ચોંટેલી હતી. તેમણે અરીસા ઉપર રહેલા ફૂલની માળા પહેરાવેલા ફોટા તરફ નજર કરીને એક નિસાસો નાખ્યો. તે ફોટામાં તેમણે અરીસા સામે ઉભેલી દીકરીનું પ્રતિબિંબ નિહાળ્યું. શ્રેયા અરીસો જાણે તેનો જૂનો મિત્ર હોય એમ જોઈ રહી. શારદાબેન એના નખરા જોઈને બોલ્યા,”નખરા તો જુઓ ! હિરોઈન જેવા…”

શ્રેયા એમની વાત સાંભળીને અરીસા સામે જોઇને, એ તો શું કહે ખબર છે ! ‘ઉ-લાલા.’ આવું બોલીને વળી તેણે મા સામે આંખો પણ નચાવી. એ પછી હસીને ધીરે ધીરે ચાલતી ઉંબરો ઓળંગી ગઈ. ‘ઘરમાં શેરીના પાણી ન આવી જાય એ માટે હજુ ઉંબરો વધુ ઊંચો કરાવવો પડશે.’ શારદાબેને વિચાર્યું.

: નરેન્દ્રસિંહ રાણા


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ઉંબરો (મમતા વાર્તા સ્પર્ધા ૨૦૧૯ વિજેતા) – નરેન્દ્રસિંહ રાણા

  • Meera Joshi

    પાત્રોના મનોભાવોનું ચિત્રણ વાસ્તવિક થયું છે, પણ વાર્તામાં કશુંક ખૂંચ્યું, આઠમાં ધોરણમાં ભણતી શ્રેયા સામેથી કહે છે મા આપણે બજારમાં ખરીદી કરવા જવું જોઈએ. મને લાગે છે, કોઈપણ માતા એટલી બેજવાબદાર ના હોય કે તેને પોતાની દીકરીની શું જરૂરિયાત છે અને તેને કઈ રીતે પહેરવું ઓઢવું જોઈએ એની સમજ ન હોય.

    • Narendra Rana

      પાત્રની પરિસ્થિતિ એવી છે કે એણે સામેથી કહેવું પડે છે. પ્રતિભાવ આપવા બદલ આભાર.