અવાજ, સૂર, સ્વર, ઘોષ – શબ્દો અલગ અલગ પણ દરેકનો ભાવાર્થ એક! ભગવદ્ગોમંડલ અનુસાર આ બધા જ શબ્દો અંતે તો એક શબ્દના અર્થને વ્યાખ્યાયિત કરે છે. એ શબ્દ છે નાદ. સંસ્કૃત શબ્દ ‘નદ’ પરથી આવ્યો ‘નાદ’. નદ એટલે બોલવું, અવાજ કરવો. નદનો અન્ય એક અર્થ છે – વહેવું. એના પરથી જ આવ્યો શબ્દ નદી, જે સતત ગતિશીલ છે.
નાદનો સૌથી સરળ અર્થ થાય – બોલવું. બોલવા માટે તો આપણી પાસે અક્ષરો છે જ , પણ આ અક્ષરોના ઉચ્ચારણ માટે જેની જરૂર પડે છે એ જ છે નાદ. નાદના બે પ્રકાર છે – આહત અને અનાહત. આહત એટલે એવો અવાજ જે કોઈ પણ બાહ્ય પદાર્થના ઘર્ષણથી ઉત્પન્ન થાય. બે કે બેથી વધુ વસ્તુ અથડાય, આ અથડામણથી કંપન થાય અને એને લીધે જે અવાજ સંભળાય એને કહે આહત નાદ. જેમ કે, બે હાથથી પાડેલી તાળીનો અવાજ એ આહત નાદ છે. અનાહત નાદ એટલે જ્યાં અથડામણ નથી, છતાં અવાજ છે! ઘર્ષણ માટે જરૂરી એવા બાહ્ય પદાર્થની સદંતર ગેરહાજરી છે અને છતાં ય અવાજ સંભળાયા કરે છે! આહત થયા વિના ઊઠેલા સૂર એટલે અનાહત નાદ. અક્ષરોથી ઉપર ઊઠી ફક્ત ધ્વનિને આત્મસાત કરવાની અનુભૂતિ એટલે જ નાદ. અશક્ય લાગે એવી વાત છે, નહીં? કંઈ બોલાયું જ ન હોય તો સાંભળવાનું શું? આપણે સૌ સતત અક્ષરોથી અને એના અવાજોથી ઘેરાયેલા જ હોઈએ છીએ. સતત સંવાદ ચાલતો જ રહેતો હોય એવી સ્થિતિમાં અક્ષરોને સાવ જ વિસરી જઈએ એ કઈ રીતે બને? આપણને સૌને આહત નાદ – ઘર્ષણ ઉત્પન્ન થાય તો જ અવાજ સંભળાય – આ થીયરીની એટલી તો આદત પડી છે કે અનાહત નાદ જેવી કોઈ સ્થિતિ હોઈ શકે એના વિશે આપણે અજાણ જ છીએ.
આજે વાત અનાહત નાદના મૂળ મંત્રની. હા. અનાહત નાદ સુધી પહોંચવા માટેનો એકમાત્ર આધાર એક અક્ષર છે! વિરોધાભાસ લાગે છે ને? અક્ષરોને વિસારે પાડવા માટે મદદ લેવાની અક્ષરની જ! વળી આ અક્ષર કંઈ અજાણ્યો નથી. આપણે સૌ એનાથી પરિચિત છીએ. એ અક્ષર છે – ઓમ (ૐ). ૐ છ માત્રાનો બનેલો એક સંયુક્ત શબ્દ છે. ખરેખર તો અહીં બનેલો એમ કહેવું ખોટું ગણાશે કેમ કે ૐ એ શબ્દ નથી, અનુભવ છે.
ઓમની પહેલી માત્રા છે – અ. ‘અ’ ના ઉચ્ચારણ વખતનું કંપન નાભિમાંથી શરૂ થઇ છાતી સુધી પહોંચે છે. અકારનો અર્થ છે આવિર્ભાવ અથવા ઉત્પત્તિ. અકાર નિર્માણનો કારક છે. ઓમની બીજી માત્રા છે – ઉ. ‘ઉ’ના ઉચ્ચારણનું કંપન છાતીથી શરૂ થઇ ગળા સુધી પહોંચે. ઉકારનો અર્થ છે ઉઠવું એટલે કે વિકાસ. ઉકાર ભરણપોષણનું સૂચક છે. ત્રીજી માત્રા છે – મ. ‘મ’ નું કંપન નાસિકાથી શરૂ થઇને મસ્તિષ્કમાં અનુભવાય. મકાર મૌન સૂચવે છે. શાંત, બ્રહ્મલીન અવસ્થા એટલે જ અંતમાં આવતો મકાર. મકાર નિર્મળ છે. શુદ્ધિકારક છે. અ + ઉ + મ = આ ત્રણ માત્રા સિવાયની બીજી માત્રાઓ છે – બિંદુ અને ૐના ઉચ્ચારણ વખતનો નાદ. સૌથી અગત્યનો છે આ નાદ. તમે જોશો કે ઓમના ઉચ્ચારણ વખતે અનુભવાતું કંપન નાભિથી શરૂ થઈને હ્રદય માર્ગે આગળ વધી મન સુધી પહોંચે છે. ઓમનો નાદ શરીરની સમગ્ર ઉર્જાને સંકલિત કરી ઉર્ધ્વ માર્ગે દોરી જાય છે.
ૐ બ્રમ્હાંડની ઉત્પત્તિ પછીનો અથવા તો બ્રમ્હાંડની ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ છે એવી માન્યતા છે. ૐ ના સાક્ષાત્કારની વાત કંઈક આવી છે. ઋષિઓને પ્રશ્ન થયો – મારું મૂળભૂત સ્વરૂપ કયું? હું કોણ? कोङहम् . (क: अहम). આ શોધની પૂર્ણાહુતિ થઈ – सोङहम् (स: अहम) માં એટલે કે હું પરમાત્મા છું અથવા પરમાત્મારૂપ છું. મારામાં વસેલી આંતરિક ચેતના જે પરમાત્મા રૂપ છે એ જ છે મારું સાચું સ્વરૂપ. આ બહુ મોટો ફેરફાર હતો. સમસ્ત ભારતીય તત્વજ્ઞાનનો આત્મા सोङहम् માં સમાયેલો છે. અને ૐ એનું મિતાક્ષરી, સંક્ષિપ્ત રૂપ છે. સોઙહમ્ માંથી આગળના સ તથા વચલા હને કાઢી નાખો એટલે કેવળ ૐ બાકી રહેશે. પોતાનું સત્ય સ્વરૂપ જાણવું એનાથી વિશેષ આનંદ કઈ વાતનો હોય? અનાહત નાદના મૂળમાં પણ આ જ છે. ઘર્ષણ વિના સતત ગૂંજતો નાદ એ જ અનાહત નાદ. ૐ નું અવિરત ઉચ્ચારણ અનાહત નાદના શ્રવણ માટેની એકમાત્ર જરૂરીયાત.
એક માન્યતા મુજબ ૐના આ ત્રણ અક્ષર ત્રિદેવનું પ્રતિનિધિત્વ કરે છે. અ – ઉત્પત્તિ એટલે કે બ્રહ્મા. નાભિથી એનો ઉચ્ચાર શરૂ થાય અને હ્રદયમાં છૂટે. ઉ – પોષણ એટલે વિષ્ણુ. કંઠમાં એનો ઉચ્ચાર છૂટે. મ – મૌન અવસ્થા એટલે મહેશ. લંબાતો જતો ‘મ’નો સૂર શાંતિ પ્રદાન કરતો મનની અવસ્થાએ પહોંચી છૂટે.
ૐકારની પાંચ માત્રા આપણે જોઈ ગયા. અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદ. અહીં ૐકારનો આ નાદ આહતમાંથી અનાહત તરફની ગતિ કરે છે. ૐનું સ્થૂળ શરીર દ્વારા થતું ઉચ્ચારણ એ બાહ્ય પરિબળ. આહત નાદમાંથી અનાહત તરફ જવું એટલે શું? આ પશ્નનો જવાબ છે ૐ શબ્દની છઠ્ઠી અને છેલ્લી માત્રા. ફક્ત અડધી માત્રા જ છે એ છતાંય ૐના ધ્વનિને પૂર્ણ કરવામાં એનો મહત્વનો ભાગ છે અને એટલે જ એને આખી સ્વતંત્ર માત્રા તરીકે સ્થાન મળ્યું છે. ૐના મુખ્ય ત્રણ ભાગ અ ઉ મ – આ છેલ્લી માત્રામાં સમાઈ જાય છે પણ આ છેલ્લી માત્રાનો પોતાનો સ્વતંત્ર કોઈ જ ધ્વનિ નથી. ધ્વનિ રહિત માત્રા એટલે શૂન્ય. સંપૂર્ણ શાંતિ.
ૐના ઉચ્ચારણની પ્રેક્ટીસ કરતી વખતે શરૂઆતમાં જે નાદ સંભળાય એ છે ૐની પ્રમુખ ત્રણ માત્રાનો અવાજ. આ અવાજ સતત તમારી સાથે જ રહે છે. જેમ જેમ અભ્યાસ થતો જાય તેમ તેમ ૐનો નાદ ધીમો પડતો જાય. પછી શરૂ થાય અલગ અલગ પ્રકારના નાદનું શ્રવણ. યોગની એક શાખા નાદયોગ તરીકે ઓળખાય છે. બોલાતા સ્વરના આરોહ અવરોહ પર ધ્યાન કેન્દ્રિત કરી ધીરે ધીરે સ્વરથી ઉપર ઊઠી ફક્ત ધ્વનિ સાથે જોડાણ કરવાની ક્રિયા એટલે નાદયોગ. નાદબિંદુ ઉપનિષદમાં કહ્યું છે કે નાદયોગના અભ્યાસીને ધ્યાનકાલે દશ પ્રકારના નાદ અનુભવાય છે. પહેલો ચિણી એટલે તમરા જેવો. બધા જ અંગોમાં તમારા ફાટવા જેવા શબ્દની પ્રતીતિ થાય છે. બીજો ચિંચીણી એટલે કે ચકલા જેવો. ત્રીજો ઘંટ જેવો. ચિત્ત ખિન્ન થઇ જાય આ નાદ સાંભળતાં. ચોથો શંખનાદ જેવો હોય છે. શિર કંપે છે આ નાદ સાંભળતાં. પાંચમો નાદ વીણા જેવો. છઠ્ઠો તાલ જેવો. જાણે અમૃતનું પાન કરતાં હોઈએ એવી અનુભૂતિ આ નાદ સાંભળતાં થાય છે. સાતમો વાંસળીના સૂર જેવો. સૂક્ષ્મ શરીરનું જ્ઞાન આ નાદના શ્રવણથી થાય છે. આઠમો તબલા જેવો. નવમો ભેરી જેવો. એ નાદ સાંભળતાં નિર્મળ દિવ્યદ્રષ્ટિ તથા અંતર્ધાનની શક્તિ પ્રાપ્ત થાય છે. દશમો મેઘ જેવો. એ નાદ સાંભળતાં જીવનું શિવ સાથેનું જોડાણ શક્ય બને છે. આ છે પરમ શાંતિની અવસ્થા. જ્યાં કોઈ જ ઘર્ષણ નથી, કોઈ જ ધ્વનિ નથી. છે ફક્ત અનાહત નાદ જે બધા જ શબ્દોથી પરે છે.
ૐકારને એટલે જ નાદબ્રહ્મ કહ્યો છે. સ્થૂળ અક્ષરનો નાદ જયારે પોતાનું અસ્તિત્વ ત્યાગીને શૂન્યને આત્મસાત કરી લે ત્યારે એ અનાહત નાદની કક્ષાએ પહોંચે! જેનો ક્ષર શક્ય નથી એ એટલે અક્ષર. જે અખંડ છે એણે પણ આત્મા સુધી પહોંચવા પોતાપણું છોડવું પડે છે! ૐ – અક્ષર દેહે બધે જ વિદ્યમાન છે. પણ એ જયારે પોતાનો અક્ષર દેહ છોડી શૂન્યમાં વિલીન થાય છે ત્યારે જ એના થકી મારા તમારા જેવા નાશવંત મનુષ્ય ભીતરને સમૃદ્ધ કરી શકે છે!
~ અંજલિ ~
ओ ओंकार आदि मैं जाना।
लिखि औ मेटें ताहि ना माना ॥
ओ ओंकार लिखे जो कोई।
सोई लिखि मेटणा न होई ॥
— કબીર
સ્થૂળ અક્ષરનો નાદ જયારે પોતાનું અસ્તિત્વ ત્યાગીને શૂન્યને આત્મસાત કરી લે ત્યારે એ અનાહત નાદની કક્ષાએ પહોંચે! જેનો ક્ષર શક્ય નથી એ એટલે અક્ષર. જે અખંડ છે એણે પણ આત્મા સુધી પહોંચવા પોતાપણું છોડવું પડે છે!
શ્રદ્ધા ભટ્ટના અક્ષરનાદ પરના આ સ્તંભ ‘આચમન’ અંતર્ગત ધર્મ અને અધ્યાત્મ વિશેની આપણી પરંપરા અને સમજણને ઊંડાણપૂર્વક પરંતુ બહુ સરળતાથી ચર્ચાની એરણે મુકવાનો પ્રયત્ન છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
સ્થૂળ અક્ષરનો નાદ જયારે પોતાનું અસ્તિત્વ ત્યાગીને શૂન્યને આત્મસાત કરી લે ત્યારે એ અનાહત નાદની કક્ષાએ પહોંચે! જેનો ક્ષર શક્ય નથી એ એટલે અક્ષર. જે અખંડ છે એણે પણ આત્મા સુધી પહોંચવા પોતાપણું છોડવું પડે છે!
અદભૂત! આહત, અનાહત અને ૐ નો ત્રિવેણી સંગમ કરીને પણ એકે એકનો ગૂઢાર્થ સમજાવ્યો છે.
Thanks a lot
ૐ નાદ ઉર્ધ્વ યાત્રા શરૂ કરાવી સહસ્ત્રાર સુધી પહોંચાડે છે અને પછી અનાહત નાદ આતમ તત્વ સુધી પહોંચાડે છે અને સચ્ચિદાનંદ અનુભવાય છે .
આવો સરસ અને સહજ રીતે સમજાઈ જાય એવો લેખ લખવા અને વંચાવવા બદલ આભાર .
બહુજ સરસ મને કાનમા સતત તમરા જેવો અવાજ આવતો હતો… તેનાથી હું ગભરાઇ ગયો હતો… પરંતુ આ લેખનથી ઘણી ગુંચ ઉકેલઇ ગઇ….નમન
નાદબર્હ્મ વિષે સરસ સમજણ, આટલી વિસ્તૃત માહિતી કયાંયથી નહતી મળી. વાંચવામાં એટલું લીન થઈ જવાયું કે બીજે ક્યાંય ધ્યાન જ જતું નહતું.
પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર.
બહુ સરસ લખ્યું છે
Thank you so much.
સરસ.. તરબોળ થઈ જવાયું.
વાહ! આભાર.
ૐ અને નાદ વિશે સમજણ આપવા આભાર
Thank you so much.
કમાલનું ગહન જ્ઞાન.
પ્રતિભાવ માટે આભાર
બહુ સરસ લેખ.
ૐ અને નાદ વિષે સવિસ્તર જાણકારી મળી.
Thank you so much.
ખૂબ સરસ રીતે ૐકાર નો પરિચય આપ્યો.
અભિનંદન શ્રદ્ધાબેન…
Thank you so much.
Superb. સુંદર સ્પષ્ટ સમજણ આપી.
Thank you so much.
બહુ સરસ લેખ
ખૂબ જ સુંદર. આટલી બધી સમજણ ૐ માટે ન હતી. આભાર શ્રધ્ધા બેન.
Thank you so much.