અઢી અક્ષર વિશે વધુ તો શું લખાય? – નેહા રાવલ 11


ના,આ શબ્દથી સામાન્ય રીતે પ્રેમપત્રો શરુ નથી થતા. તમે જેવો વિચાર્યો હતો એવો આ પત્ર પણ નથી. પણ આજે હું તમને સહુને લખી રહી છું. આ પ્રેમ પત્ર જ છે, પણ મારા પ્રેમ વિશે છે, પ્રેમીને સંબોધીને નહિ! પછી તમે નક્કી કરજો, એ પ્રેમપત્ર છે કે નહિ?

પ્રેમ, ખૂબ વિશાળ અર્થને પોતાનામાં સમાવી લેતા અઢી અક્ષર! એના વિશે શું લખાય તો પુરતું થઇ રહે? શું ગમે તેટલું લખાણ એ સમજાવી શકે? પણ મારે તો આજે તમારી સાથે ફક્ત વાત જ કરવી છે ને, કશુય કહેવું કે સમજાવવું ક્યાં છે?

જીવનમાં ઘણુંખરું ત્યારે જ મળે છે જ્યારે આપણે એના વળગણોથી મુક્ત થઇ જઈએ. પણ પ્રેમથી કોઇ મુક્ત થઇ શકે? હા, પ્રેમથી નહી, એની પ્રતીક્ષાથી… એની વિહવળતાથી.! રણમાં રખડીને ઝાંઝવા પાછળ દોડતા દોડતા પોતાની પાણી માટેની યાત્રા ચાલુ રાખતા પથિકને એક સમયે તરસ પણ નથી લાગતી. એવા અનુભવે પહોંચીને પાણી મળે છે, ત્યારે એને શું કહી શકાય? ગમે તે કહો, પાણી તો પાણી જ રહે છે ને! એમ પ્રેમ તો પ્રેમ જ…

હા, મેં પ્રતીક્ષા કરવાની છોડી ભલે દીધી હતી, પણ અંદર એક વિશ્વાસની જ્યોત ઝળહળતી હતી. એવો વિશ્વાસ કે,

એક દિવસ એવો આવશે મારા જીવનમાં કે એ પ્રેમ મારી મીઠી ચાનું વધારાનું ગળપણ બની જશે, અને પછી લોકો જેને માપની કહે છે, એવી ચા મને ભાવતી થઇ જશે.

એક દિવસ એવો આવશે મારા જીવનમાં જ્યારે મારા શબ્દોને એના રણકારની ક્ષિતિજ મળી જશે, પછી મને બોલવા કહેવાની જરૂર જ નહિ પડે!

એક દિવસ એવો આવશે મારા જીવનમાં જેની એક પળ માટે હું વર્ષોની પ્રતીક્ષા કે જન્મોની પીડાની મઝા લઇ શકીશ.

એક દિવસ આવશે મારા જીવનમાં, જ્યારે એ પ્રેમ સવારે આંખ ખુલ્યા પહેલાનો વિચાર બની બંધ આંખોમાં ઝબકશે., જે ઊંઘમાં સરી જતા પહેલાનો વિચાર બની સાથે રાત ભર સાથે રહેશે…

અને એ એક દિવસ એટલે જ્યારે પ્રેમનો પગરવ થયો એ દિવસ. પછી તો મારી આખી દુનિયા જ બદલાઈ ગઈ. એ એક નામ, એ એક ચહેરો.. એ નામ જે હૃદયના ધબકારા સાથે સતત ધબકતું રહેતું હોય, એનો રવ ગુંજતો રહેતો હોય અને બોલવાની ય જરૂર ન પડે છતાં સામે સંભળાઈ જતું હોય…. એવા મૌનરવની આપ લે હૃદય અને મન વચ્ચે થયા કરે છે. મને ક્યારેક ખબર ન હતી કે કોઈ એક નામ પણ એટલું સુરીલું હોઈ શકે છે! જેના ગુંજનથી બધુજ બદલાઈ જાય..એવું કોઈ… એવું કોઈ છે મારો પ્રેમ!

હું એના વિશે વિચારતા ભાવુક થઈ જાઉં છું. એનું નામ લખી હજુ ય આંગળીઓ અટકી જાય છે. શબ્દોની પાછળ એનો ચહેરો એકીટશે જોઈ રહું છું. સ્થિર થઈ જાઉં છું. જાણે ટ્રાન્સ…! અને પછી શબ્દો પાછળથી દેખાતા એ ચહેરાની સંમોહિત કરતી જાદુઈ આંખો મને બહાર લાવે છે આ સંમોહનમાંથી… જે સતત મને પૂછતી હોય છે, એય, શું જોયા કરે છે?

ખરેખર આવામાં કોઈ કશું જોતું હોય? જોઈ શકે? અને જોવા માંગે તો પણ શું દેખાય? એજ નામ, એ જ ચહેરો…. અને ફરી એ જ વાતો! હવે તમે જ કહો, આવામાં હું શું કહું? કયો જવાબ સાચો હોઈ શકે? એની સાથે થતી વાતો ન જાણે કેટલીય વાર વાગોળતી રહુ છું. એનો અવાજ મનમાં ઓટોસેવ મોડ પર હોય, આંખ બંધ કરતા જ ઓટો પ્લે પણ થવા માંડે! એના અસ્તિત્વના કોઈ પણ પાસાને, — એની તસ્વીર, એના વિચાર કે પછી એના અક્ષરો — માત્ર આંખોથી સ્પર્શવું ઓછું પડે છે, ક્યારેક આંગળી તો કયારેક હોઠથી પણ સ્પર્શી લઉં છું. એને વિચારું ને…તો..આ સભરતા આંખમાંથી પણ છલકી પડે છે..! વધારે શું કહું? ક્યારેક મારી જ ઈર્ષ્યા કરી ન બેસું, એવો ય વિચાર આવે!

હવે કાર્ડ્સની આપ-લે કે પછી ‘લવ યુ’ જેવા શબ્દોથી તો ઉપર ઉઠી ગયા, પણ ગુડ મોર્નિંગ જેવા સાદા શબ્દો પણ આટલો આનંદ આપે એ અનુભવો હવે થઇ રહ્યા છે. ઊંઘતા પહેલા ગુડનાઈટ ન કહેવાયું હોય તો રાત ટુકડામાં વિખરાઈ જતી હોય છે. ક્યારેક કહી દેવાયું હોય કે વ્હાઈટમાં તું બહુ મસ્ત દેખાય, પછી એ જ રંગનો મોહ વધી જતો અનુભવાય. ક્યારેક એનો ફોટો ખોલી ક્યાય સુધી મૌન મૌન રમીને ય કેટલી બધી વાતો કરી લીધા જેવું લાગે. ક્યારેક ડર લાગે, ક્યારેક અનહદ સભરતા….

પણ આજ તો છે પ્રેમ!

તમે સહુ મિત્રો છો તો કોઈને લખેલો પત્ર તમને શું વંચાવવો! લખવું તો એવું કે દરેક વાંચનારને પોતાનું લાગે. બસ, એટલેજ એક સંબોધન કરી જે વાતો ફક્ત એને કહેતા કદાચ શબ્દ સાથ ન આપે, કે પછી પાંપણ ઝુકી જાય, એ તમારી સામે કહી રહી છું. તમને કહી રહી છું. વાત ભલે ‘એ’ ની છે, મને વિશ્વાસ છે, તમને પહોંચી છે.

હું એને બહુ પ્રેમ કરું છું. ચાહું છું એને… અને જ્યારે જયારે આ કહું, વિચારું કે અનુભવું… આ ઝળઝળિયાં…

બસ, આટલી સીધી વાત છે.

અઢી અક્ષર વિશે વધુ તો શું લખાય?

– નેહા રાવલ

નેહા રાવલની કલમે સંવેદનાસભર પત્રો દર પખવાડિયે તેમની કૉલમ ‘વાયા લેટરબૉક્સ’ અંતર્ગત અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહ્યાં છે, અહીં ક્લિક કરીને એ પત્રગુચ્છ વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “અઢી અક્ષર વિશે વધુ તો શું લખાય? – નેહા રાવલ