ચાલો આજે આપને કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના ગામ હમ્પી લઈ જઉં. હમ્પી તુંગભદ્રા નદીના તટ ઉપર વસેલું સુંદર ગામ છે. મધ્યકાલીન યુગમાં વિજયનગર રાજ્યની રાજધાની કિશ્કિંધા એટલે કે અત્યારનું હમ્પી. વર્ષોથી હમ્પી વિષે ઘણું સાંભળ્યું હતું પણ જ્યારે ખરેખર હું હમ્પી પહોંચી ત્યારે એનો આનંદ કંઇક જુદોજ હતો.
જો કે પૂર્વતૈયારી ઘણી કરી હતી કારણ મોટું એ હતું કે અમે બેઉ અમદાવાદથી અમારી ગાડીમાં નીકળ્યાં હતાં. બપોરે પહોંચ્યા તેવાં ટુરીઝમની ઓફીસ પહોંચી સ્થાનિક ગાઈડની તપાસ કરી અને અમને વ્યવસ્થિત ભાઈ ગાઈડ તરીકે મળ્યાં.
કોઈપણ ઐતિહાસિક વારસો ધરાવતી જગ્યાએ જો સ્થાનિક ગાઈડ સારા મળી જાય તો પથ્થરમાં પણ જીવ આવી જતો લાગે. હમ્પીને યુનેસ્કો દ્વારા વિશ્વની ધરોહરના સ્થળ તરીકે શામેલ કરવામાં આવ્યું છે. હમ્પી ગોળ ખડકોની વચ્ચે લગભગ ૪૧૦૦ હેક્ટર જગ્યામાં વિશાળ વસેલું છે. જ્યાં પાંચસોથી વધુ સ્મારક ચિન્હો આવેલાં છે. જેમાં મંદિરો, મહેલ, ભોંયરા, જુના બજાર, શાહી મંડપ, ગઢ, ચબૂતરા, રાજ ભંડાર વગેરે ઈમારતો આવેલી છે. જેમાં જોવાલાયક અમુક ઇમારતોમાં જઈ શકાય છે. બાકીની અમુક ખંડેર હાલતમાં છે. આખો વિસ્તાર પથ્થરાળ જોવામળે છે. જાણતા ખબર પડીકે રામસેતુ બનાવતી વખતે હનુમાનજીએ જે પથ્થર ભેગાં કર્યાં હતાં તેમાંથી વધેલા પથ્થરનો આ વિસ્તાર છે.
વિવિધ મંદિરોનાં એવાં હમ્પીનો ઐતિહાસિક વારસાસમા વિઠ્ઠલ મંદિર, ગણેશ મંદિર જેમાં અડધું શરીર ગણેશજીનું છે અને અડધું પાર્વતીનું, કૃષ્ણ મંદિર, હ્ઝારારામ મંદિર, હાથી ઘર, સર્યુંકૂટ મંદિર, ચંદ્રમૌલેશ્વર મંદિર, ગગન મહેલ એવી વિવિધ જગ્યાઓના નામ મળ્યાં કે મનમાં થયું શું કરવું? ક્યાંથી શરુ કરવું? બરાબર માર્ગદર્શકની અહીં જરુર દેખાઈ આવી અને અમે જે ગાઈડ ભાઈને મળ્યાં હતાં તેમની અગત્યતા કામમાં આવી.
હમ્પી ઐતિહાસિક સ્મારકની ફોટોગ્રાફી કરનાર શોખીન માટે તો જાણે એક ખજાના બરાબર લાગે. અમને બંનેને બહુ શોખ એટલે સાંજના પ્રકાશમાં દિશા મુજબ કયા સ્મારક તરફ જવું તે નક્કી કરી રુમમાં ફ્રેશ થઇ નીકળ્યાં. સૌ પહેલાં અમને વિઠ્ઠલ મંદિર તરફ ગયાં.
વિઠ્ઠલ મંદિર પરિસર ભવ્ય ગણાતા સ્મારકમાંથી એક છે. તેનાં મુખ્ય મંડપમાં છપ્પન સ્તંભ એવાં છે કે જેને થપથાપવતા તેમાંથી જુદાજુદા વાજિંત્રોના અવાજ ખૂબ સરસ નીકળી અને સંગીતની કર્ણપ્રિય લહેરો ઉત્પન્ન થાય છે. ખંડના પૂર્વ ભાગમાં સુપ્રસિધ્ધ શિલા-રથ છે. જે પથ્થરનાં પૈડાઓ પર ચાલતો હતો.તે જોતાં ખુબ આશ્ચર્ય થયું કે આટલો ભારે રથ આમ પથ્થરના પૈડાથી કેમનો ચાલતો હશે? મંદિરની અંદર, રથ ઉપર બધે સુંદર નકશીકામ જોવાં મળ્યું. આથમતા સૂર્યને માણી હોટલ પાછા ફર્યા અને અમારાં ગાઈડ ભાઈને સવારે વહેલાં આવી જવાનું કહી અમે આરામ કર્યો. સવારે સૂર્યોદયનો સમય જાણી લીધો હતો અને રસ્તો પણ. એ સમયે ગુગલભાઈ હતાં નહી એટલે નકશાના આધારે ગાડી ચલાવવાની હતી. સવારે વહેલાં ઊઠીને અમે સૂર્યોદય જોવાં નીકળી ગયાં. કયા સ્મારક પર જવું બધું જાણી લીધું હતું. સ્મારકોનાં ઝૂમખાંની વચ્ચે બહુજ અંતર હોય તેવું નહોતું અમુક નજીક નજીક પણ હતાં. ફોટોગ્રાફીની રીતે ક્યાંથી સારા ફોટા પડશે તે એ દિવસનાં સૂર્યના કિરણ પર ખબર પડે એટલે અમે એમ ફરવાં લાગી અમારું ફોટોગ્રાફીનું કામ કરતાં રહ્યાં.
આગલે દિવસે અમને અમારાં ગાઈડ ભાઈએ એક રસ્તામાં આવતી જગ્યા બતાવી કીધું હતું કે ત્યાં સવારનો નાસ્તો કરશો તો બહુ મજા પડશે, એટલે અમે થાકી ને નાસ્તો કરવાં ત્યાં પહોંચ્યા. તેમણે કીધું હતુંકે એક લારી ઊભી હશે. અમે ત્યાં પહોંચી જોયું તો લારીની આસપાસ થોડાં લોકો ઈડલી ચટણી લેવાં ઊભાં હતાં. સૌ લઈને રસ્તાની બાજુમાં આવેલી પથ્થરની પાળી પર બેસી મસ્તીથી નાસ્તો કરતાં હતાં. અમે પણ લાઈનમાં ઊભા રહી કાગળમાં ઈડલી ચટણી લઇ મજાથી પાળી ઉપર બેસી નાસ્તો કર્યો. જિંદગીમાં ના ખાધી હોય તેવી ઈડલી ખાધી. જે જગ્યાએ જઈએ તે જગ્યાની સ્થાનિક ખાવાનાની મઝા ના લઈએ તે કેમ ચાલે!!
આમ આનંદથી સવારનો નાસ્તો કરી અમે હોટલ પર પાછા પહોંચ્યા. ફ્રેશ થઇ ગાઈડ ભાઈ સાથે સવારના નવ વાગ્યાનો સમય નક્કી હતો તે પ્રમાણે તે આવી ગયાં. અમે બાકીનાં સ્મારક જોવાં આગળ વધ્યાં. આજનાં જોવાલાયક સ્થળો માં ઘણાં આશ્ચર્ય પમાડે તેવાં અનેક સ્થાપત્યો આવેલ છે. તે જોતાં આપણને થાય કે આ કેમ કરી આવું પથ્થરમાં કામ કરી શક્યાં હશે! આપણા દેશનાં કારીગરોનું કાર્ય જોઈ ગૌરવની લાગણી જન્મે.
રાણી મહેલમાં રાણીઓ માટે બનાવેલા સ્નાનાગરનો પ્રવેશદ્વાર કમાન આકારના હતાં. પથ્થરમાં કોતરણી કરી શણગારેલા ઝરૂખા સુંદરતામાં વધારો કરતાં જોયાં સાથે તેમાં વિવિધ પ્રકારનું કામ જોવામળે. ફુવારાને કમલાકાર આપી સજાવેલાં હતાં.
બીજા જોવાલાયક સ્થળમાં કમલમહેલ અને જનાનાખાનાનો સમાવેશ થાય છે. ઘણાં હિન્દુ મંદિર સાથે જૈન મંદિર પણ જોવાં મળ્યાં. લોકવાયકા મુજબ રામાયણ અને એમાં પણ ખાસ હનુમાન સાથે હમ્પીનું જોડાણ વિશેષ છે. આખો દિવસ ફરવામાં બહુ મજા આવી. બપોરે ત્યાંની બજારમાં આવેલી રેસ્ટોરાંમાં આલ્હાદક સ્થાનિક ખાવાનું ખાઈને મજા કરી. અમારે નક્કી હોય, દિવસે બહાર સ્થાનિક ખાવાનું ખાઈને ફરવાનું અને રાત પડે હોટલમાં જમી વહેલાં વહેલાં સુઈ જવાનું.
અમારે જયારે હમ્પી આવવાનું ફાઈનલ થયું ત્યારે પૂર્વ તૈયારીમાં નકશામાં જોતાં જાણ્યું હતું કે હમ્પીથી વીસ કિલોમીટરની દૂરી પર ‘દારોજી બેર સેન્ચુરી’ આવેલી છે. હવે જો રીંછ જોવાં મળતાં હોય તો તે કેમ ચૂકાય! મેં એનાં ફોટા નેચર વોચ વેબસાઈટ પર જોયાં તેમાં ખબર પડી કે એક મિસ્ટર.પોમ્પાયા કરીને ભાઈ હમ્પીના રહેવાસી છે જે દારોજીમાં રીંછની જાતિને બચાવવા ખુબ કામ કરે છે. ઈન્ટરનેટ પર તો તેઓ અમારાં મિત્ર હતાં એટલે અમે તેમને વાત કરી કે અમે હમ્પી આવવાનાં છીએ અને પ્રોગ્રામ કરવામાટે પણ તેમની સલાહ લીધી હતી.
તેમણે અમને ખુબ સરસ આવકાર્યા હતાં. પહેલાં દિવસે પહોંચીને એમને રાત્રે મળી નક્કી કર્યું હતું કે હમ્પી જોઈ લઈએ એટલે દારોજી જઈશું. તેઓ અમને લઇ જશે. મેં તો જીવનમાં ક્યારેય કોઈ પણ જંગલમાં રીંછ જોયાં નહોતાં એટલે મારાં આનંદની કોઈ સીમા નહોતી. અમારે જે થોડું જોવાનું બાકી હતું તે જોવાં વહેલાં નીકળી ગયાં. પાછા આવી બપોરે દોઢ વાગ્યાનું પોમ્પાયા સાથે નક્કી કર્યું હતું તેમ તેઓ આવી ગયાં. તેમની ગાડીમાંથી કેટલોક સામાન અમારી ગાડીમાં ગોઠવી અમે દારોજી જવા નીકળ્યાં.
જંગલ માં જવાની એન્ટ્રી ફોર્માલીટી પતાવી અમે અંદર ગયાં. ચારે બાજુ વિશાળ પત્થરોની બનેલી ટેકરીઓ ને વચ્ચે વચ્ચે ઝાડીઝાંખરાં. અત્યાર સુધીમાં જોયેલાં જંગલમાં આ જંગલ કંઇક જુદું લાગ્યું. રસ્તામાં વાતો કરતાં જાણ્યું કે ઓગણીસો ચોરાણુંમાં ભારત સરકાર દ્વારા ‘દારોજી બેર સેન્ચુરી’ નામ આપવામાં આવ્યું હતું. બપોરે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લી રહેતી આ સેન્ચુરીમાં અંદર વચ્ચે મોટી મચાન (વોચ ટાવર) બનાવેલી છે. જેના ઊપર ઊભાં રહી ચારે બાજુ વિશાળ જગ્યામાં આવેલી પથ્થરની ટેકરીઓ પર આવતાં રીંછ જોઈ શકાય.
સેન્ચુરીની બહાર આજુબાજુમાં આવેલી પથ્થરની ખાણ પાસેની વસ્તીથી રીંછને બચાવવા પોમ્પાયા જેવાં લોકો ઘણું સારું કામ કરી રહ્યાં છે. સમયાંતરે રીંછને ખાવાનું યોગ્ય મળે તેની પણ વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
અમે અંદર ગયાં પછી અમારી ગાડી પર કેમોફલેજ કવર ઢાંકી અમે એક વિશાળ પથ્થરની બનેલી ટેકરી પાસે ઊભા રહ્યાં. કવરમાં આગળ અને પાછળની બારી જેટલી બારી બનાવેલી હતી તેમાંથી બહાર જોવાનું. અમે બરાબર ગોઠવાઈ ગયાં. બોલ્યા ચાલ્યાં વગર કેમેરા તાકી અને રીંછની રાહ જોતાં બેઠાં. મારી રીંછ જોવાની ઉત્તેજના વધતી જતી હતી. થોડાક સમયમાં જ એક બે કાળા ઓળા દેખાયા અને તે પથ્થરની પાછળથી નીકળી આગળ આવ્યાં ને તે બંને રીંછ ને જોતાં મારી ઉત્તેજનાની કોઈ સીમા નારહી.
કહેવાય છેને કે લોભને થોભ નથી, મારી હાલત એવી જ થઇ હતી. તે જાણે રીંછ સમજી ગયાં હોય તેમ વારાફરથી બે વાગ્યાથી છ વાગ્યા સુધીમાં છ થી સાત રીંછ જોવાં મળ્યાં. એકવાર તો રીંછ અને મોર એક ફોટામાં આવે તેવાં જોવાં મળ્યાં. આમ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી અમે બેઠાં. સેન્ચુરી બંધ થવાનો સમય થયો એટલે મનને મારી હમ્પી જવા પાછા નીકળ્યાં. આજે અમારો છેલ્લો દિવસ હતો હમ્પીમાં એટલે મિસ્ટર પોમ્પાયા સાથે શાંતિથી સમય વિતાવી રાત્રે વહેલાં સુઈ ગયાં. બીજે દિવસે વહેલાં હમ્પીની મીઠી યાદ અમારાં મનમાં અને કેમેરામાં કેદ કરી નીકળી ગયાં.
રહેવાની વ્યવસ્થા – કર્ણાટક ટુરીઝમ ગેસ્ટહાઉસ, બીજી ઘણી હોટલ પણ આવેલી છે.
પહોંચવા માટે –
હવાઈ માર્ગ-
સૌથી નજીકનું એરપોર્ટ વિજયનગર ૩૫ કિલોમીટર, હુબલી એરપોર્ટ લગભગ ૧૬૫ કિલોમીટર, બેંગ્લોર ૨૩૪ કિલોમીટર જે અમદાવાદ,મુંબઈ, દિલ્હી, વગેરે મુખ્ય એરપોર્ટ સાથે જોડાયેલ છે.
રેલ માર્ગ-
૧૩ કિલોમીટરની દૂરી પર હોસ્પેટ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન.
ફોટો કર્ટસી – મુકેશ શાહ
– સ્વાતિ મુકેશ શાહ
સ્વાતિ મુકેશ શાહના અક્ષરનાદ પરનો આ સ્તંભ ‘સફરનામું’ અનેકવિધ અદ્રુત વિસ્તારોના પ્રવાસ વિશેની શૃંખલા છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
waah swati ben.. khub j maja padi.. hampi javu j padshe
બહેન સ્વાતિ અને મુકેશભાઇની સાથે હમ્પીની યાત્રા કરી હોય એવું લાગ્યું. એ બંને સરસ તંદુરસ્તી સાથે વિવિધ સ્થળે ફરતા રહે અને આપણને એમના પ્રવાસ વર્ણનની પ્રસાદી નિયમિત રીતે મળતી રહે એવી હાર્દીક શુભકામનાઓ… Mahesh Yagnik 98790 65207
ઘણો આભાર
Thank you so much Swatibahenji. We travelled through many countries. It is still interesting to read about your unique experience. Best wishes.
Kind regards,
Arvind Dullabh (Papakura, Auckland, New Zealand since 22 May 1969)) originally from Navsari, Gujarat, India.
Thanks for your wishes.
‘હંપી’ જેની યુનેસ્કો ધ્વારા પણ નોંધ લેવામાં આવી છે, પણ ઘણા ઓછા લોકો જાણતા હશે, પહેલાં ‘બસ્તર’ વાંચ્યું આજે ‘હંપી’. બંને સ્થળો ખૂબ ઓછા જાણીતા, અને અતિ સુંદર સ્થળો એને પ્રકાશમાં લાવવા માટે સ્વાતિ તેમજ અક્ષર નાદને ખૂબ ખૂબ અભિનંદન. આવીજ રીતે નવા નવા સ્થળો ની માહિતી આપતા રહેશો.
Congratulation & keep it up
Really an excellent, interesting and informative article.Very Well Researched article. Bharat Patel
saras jaankari..
મજાનો પ્રવાસ..
ભારત માં આવી કેટલી સુંદર જગ્યાઓ છે જે unexplored રહી છે, આના પહેલા ના લેખ માં બસ્તર અને આ વખતે હમ્પી ની આંખે દેખ્યા જેવો અહેસાસ થયો. જે ઈડલી માં મઝા આવી એમાં મોમાં પાણી આવી ગયું:)
Thanks
સ્વાતિબેન, ખૂબ જ રસપ્રદ વર્ણન, તમારી સાથે અમે ફર્યા અને ખાધું પણ ખરું.
ચિત્રો પણ કેટલાં સરસ! મન પંખી પહોંચે સીધું હમ્પી.
Good information With pictures & bonus of bare sanctuary!!
સરસ વર્ણન.
અમે બેંગલોર રહીએ છીએ અને અહીંથી હમ્પી ગયેલા. તમારા વર્ણને યાદ તાજી કરાવી દીધી. સાઈકલ પર અને ૨-૩ દિવસમાં નિરાંતે હમ્પી ફરવાની મજા જ અલગ છે. પણ લાગે છ હવે દારોજી બેઅર સેન્કચ્યુરી પણ જલ્દી જવું પડશે.
I had recently visited there, in November 2019 to be precise. Now entry on temples with musical pillars not allowed. Many pillars are damaged and under restoration.
Check about bears and how are many are seen now before going to that senctuary. I was advised not to waste time for that. I went from Mumbai to Bangalore by flight and by train from there but later I came to know Bangalore to Vijay Nagar flights would have been better.
અરે વાહ
હમણાં પહોંચી જઈએ…. એવું મન થઈ ગયું
સરસ વર્ણન