સૂનકાર સમાવીને ચૂપચાપ બેઠેલું ઘર એક સમયે કિલ્લોલ કરતું હતું. ધમાલ અને અતિ વ્યસ્તતા વચ્ચે વીતેલા નીલાના કેટલાક વર્ષો ગુંચળુ વળી અભેરાઈએ ચઢી ગયા અને માળિયેથી ઊતરેલી નિરાંત પલાંઠી વાળીને અડ્ડો જમાવી બેઠી.
“હા પણ હવે, આવી” ફુરસદ નીલાને અકળાવતી હોય તેમ તે ચાર દિવાલને ખૂણે બેઠેલ ખાલીપાને વ્યાકુળ નજરે તાક્યા કરતી. મોટી રીટા પરણીને તેના સાસરે ઠરીઠામ હતી. આગળ ભણવા માટે રાજ અને રેખા વિદેશ ગયા. પાંખો ફૂટતાં પંખીઓ એક પછી એક ઊડી ગયાં અને માળો જેમનો તેમ પડી રહ્યો.
દરરોજ મૂંગી સવાર પડતી. અલયને જગાડી, ભાવ વગરનું ‘ગુડ મોર્નિંગ’ બોલી પોતેય ચાદરની માફક સંકેલાઈ, પલંગ પરથી ઊભા થવું, યંત્રવત્ ચા બનાવવી, છાપામાં ખૂંપેલા અલયને નાસ્તા સાથે તે પીરસવી, પોતે ઠંડી થઈ ગયેલી ચા ફરી ગરમ કરી ગળા નીચે ઊતારી જવી, પતિનો ટુવાલ બાથરુમમાં મૂકી તેના કપડાં પલંગ પર રાખવા, તે તૈયાર થાય ત્યાં સુધી રસોડું આટોપી તેના હાથમાં ટીફીન પકડાવી યંત્રવત્ હાથ હલાવી ‘બાયબાય’ કરવું. સાંજે અલય ઓફિસેથી પરત આવે તેની રાહ જોવી અને પછી ટીવીના હાઈ વોલ્યુમ વચ્ચે અટવાયેલી બે ચાર નીરસ નકામી નિરર્થક વાતો. બસ. આ રોજિંદો ક્રમ હતો. રવિવારે બધેબધું એ જ. ફક્ત તે ક્રિયાઓના સમયમાં સહેજ ફેરફાર થતો. ઓફિસમાં રજા હોવાથી અલય બપોરે ‘હેવી’ જમી સાંજે કંઈક ‘લાઈટ’ બનાવવાનું કહી નિરાંતે ઘોરતો. વિદેશ વસતા દીકરા-દીકરી સાથે ફોનમાં વાતો થતી ત્યારે મન જરાતરા ‘લાઈટ’ થતું પરંતુ એય જાણે એક રુટિન! સાસુ-સસરા રહ્યા નહોતા તેથી સગાંઓની અવર જવર નહિવત્ હતી.
સાસુજી માટે જુદું શાક રાંધવું, સસરાજી માટે ફળ ધોઈને સમારવાં, ત્રણે બાળકોના લંચબોક્સ તૈયાર કરી તેમને શાળાએ મોકલવા, ડબ્બાઓ ભરીને સૂકા નાસ્તા બનાવી રાખવા, મહેમાનોની સરભરા કરવી, અથાણા બનાવવા કે વરસ આખાનું અનાજ ભરવું, ત્રણે બાળકોને શાળાએ અથવા જુદાં-જુદાં વર્ગોમાંથી લાવવા-મૂકવા દોડવું; ખૂટે નહીં તેવા ઢગલો કામ હતાં અને હવે? હવે, આમાંનું ખાસ કશું જ કરવાનું રહ્યું નહોતું.
દોરી પર સુકાતા ટુવાલો, પલંગ પર પાથરેલી ચાદરો, સોફાસેટને સજાવતા કુશન અને કબાટમાંના કપડાં બધું જ જેમનું તેમ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. બંધ રહેતા બાળકોના રુમમાં ખુલ્લા નાસ્તાના ડબ્બા તેમજ વેરવિખેર પુસ્તકોની ગેરહાજરી તો શું લડવાના અવાજો, મસ્તીભરી રકઝક અને ધૂળની રજકણો સુધ્ધાં ગાયબ હતી. ‘શું માંડ્યું છે? ચાલો જમવા બેસો.’ તેવી બૂમો હવે નીલાને નહોતી પાડવી પડતી. હાલરડાં ગાવામાંથી વાર્તા કહેતા હોઠ લેસન અને હોમ-વર્ક કરાવતા થયા બાદ અચાનક ક્યારે ચુપ થતા ગયા તે ખબર જ ન પડી. પછી એક શૂન્યાવકાશમાં નીલાની વજનરહિત વાણી જાણે હવામાં આમથી તેમ ફંગોળાતી રહી.
‘શું ઘર પણ વનપ્રવેશ કરતું હશે?’ વિચારતી નીલા આંખ નીચેના કાળા કુંડાળાને આછી કરચલી પડેલી હથેળીઓથી પસવારતી અરીસામાં પોતાની જાતને નીરખતી. કપાળ પરના વાળની લટોએ શ્વેત રંગ બતાવવા માંડ્યો હતો. તેના રુક્ષ ચહેરા પરની નિસ્તેજ આંખો ચશ્માના કાચ પાછળ લપાઈ જતી.
પતિના ઓફિસે ગયા બાદ કશું જ કામ નહોતું. ‘કામ ન હોય તેનોય થાક લાગે?’ નીલા જાતને પૂછતી. આરામ કરવા ન ટેવાયેલું સદા કાર્યરત શરીર તેની ભીતર વસતા મનથી થાકવા માંડ્યું હતું. ‘ઓહ! આ સમયનું શું કરવું?’ ઘર ખાવા દોડતું. વારંવાર ઘડિયાળ તરફ નજર પડતી છતાંય કંટાળાભરી યંત્રવત્ જિંદગી જીવાયા કરાતી; ઘડિયાળને ટકોરે.
પતિ અલય સ્વભાવે સાલસ હતો. તે અંગે નીલાને ક્યારેય કોઈ ફરિયાદ નહોતી. ગયા વર્ષે અલય-નીલાએ ધામધૂમથી પચ્ચીસમી લગ્નતિથિ ઊજવેલી. ત્રણે સંતાનો આવેલાં. નિર્જીવ ઘરમાં જાણે પ્રાણ ફૂંકાયો હતો અને નીલામાં પણ. તેણે એક દિવસ વેડમી બનાવી, બીજા દિવસે ઊંધિયું, ત્રીજા દિવસે ભેળ, સમોસા અને… લિસ્ટ મુજબ બધું જ.
નીલાના મનની જેમ કેટલાય નાસ્તાના ડબ્બા છલકાઈ ગયા. ઘણા વખતે ઘરમાં હાસ્ય વહેતું થયું. ‘રાંધવા દોને, નહિતર ક્યાંક બનાવવાનુંય ભૂલી જઈશ.’ તે હસીને કહેતી. પંદરેક દિવસ રોકાઈને સૌ પોતપોતાને માર્ગે પરત ગયા. નીલા ફરી એકલી પડી. હૈયે ઊભરાયેલો ઊત્સાહ ઓસરી ગયો અને કંટાળાજનક રોજિંદું કાર્ય મનોમસ્તિષ્કનો કબજો જમાવી બેઠું. નીલાને ઓચિંતો થાક વરતાયો. કશું કરવું ગમતું નહોતું.
અલય તરફથી નીલાને જે કરવું હોય તે કરવાની છૂટ હતી. તે સિતાર શીખેલી, સરસ વગાડતીયે ખરી પરંતુ પરણ્યા બાદ બાળકોના ઊછેરમાં તેમજ સાસુ, સસરા, પતિની સગવડો સાચવવામાં એવી ગુંથાઈ ગઈ કે સિતારને અડકવા તો શું જોવાનોય સમય નહોતો. વળી અલય સંગીતનો ઔરંગઝેબ. તેને ફિલ્મ જોવાનો અથવા બીજો કોઈ શોખ નહિ. ધંધામાં ગળાડૂબ તે લગભગ પોતાના કામકાજમાં જ રચ્યોપચ્યો રહેતો.
એક સવારે રમાનો ફોન આવ્યો, ‘ચાલ હવેલીએ મા’રાજશ્રીનું પ્રવચન છે. આવવું છે?’
‘ના’ એકાકક્ષરી જવાબ આપી નીલાએ ફોનનું રીસીવર નીચે મૂક્યું. પ્રવચન સાંભળવામાં નીલાને ખાસ રસ નહોતો. એકવાર ગયેલી ત્યારે કશું પલ્લે નહોતું પડ્યું. બેઠાં બેઠાં ઝોકાં ખાઈ પાછી આવેલી. ‘આ તે ભજન કરવાની ઊંમર ઓછી છે?’ તે કહેતી.
‘તને મેનોપોઝનું ડીપ્રેશન છે. ઘરમાં ગોંધાઈને ગુંચવાઈ ગઈ છે. બહાર નીકળ. કશુંક પોતાને ગમતું કર.’ માલતી કહેતી પરંતુ નીલાના ગંધાતા મનને કંઈ જ કરવું ગમતું કે સુઝતું નહોતું. “પોતાના માટે કંઈક કરવું” જાણે વિસારે પાડી દેવાયેલું પરગ્રહવાસી વાક્ય.
કામવાળી બાઈને સુચનાઓ આપી તે મેગેઝિન લઈ પલંગમાં આડી પડી. કલાકમાં વંચાઈ ગયું છતાંય પાના ફરી ઉથલાવી થોડો સમય પસાર કર્યો. આળસ મરડી ઊભા થઈ તેણે ટીવી. ઓન કર્યું. જોતાં જોતાં બગાસાં આવ્યાં. બંધ કરી પાછી આડી પડી પણ ઊંઘ ન આવી. ઊભા થઈ વરંડામાં મૂકેલા કુંડાઓમાંના છોડને પાણી પાયું ત્યાં ફોનની રીંગ સાંભળી અંદર દોડી આવી.
‘હેલ્લો?’ પૂછતી નીલાને ફરી એક બગાસું આવ્યું.
‘હાય, નીલુડાર્લિંગ શું કરે છે? ચિઠ્ઠી મળી?’ એક મજાકિયો પુરુષ સ્વર કાને અથડાયો. નીલા હસવું માંડ રોકી શકી. આ અવાજ અલયનો નહોતો. ‘તે આ સમયે ફોન ન કરે.’ વિચારતી નીલા જવાબ આપે તે પહેલાં આગળ બોલાયું, ‘તારી રાહ જોઈશ. સાંજે તળાવ આગળ મળવા આવશેને સ્વીટહાર્ટ?’ ધીમા સ્વરમાં ભારોભાર લાગણી ભળેલી હતી, મીઠી મધ જેવી.
‘કોણ? કોણ બોલે છે?’ નીલા પૂછે તે પહેલાં ફોન મૂકાઈ ગયો.
‘ચિઠ્ઠી? મળવાનું? હશે કોઈ. મારે શું?’ બબડતી નીલાએ છાપું વાંચવામાં મન પરોવ્યું. આજેય જેમતેમ સાંજ પડી. રસોડામાંથી પરવારી ત્યાં અલયની પધરામણી થઈ. દરરોજની માફક યંત્રવત્ જમવું, ‘કઢીમાં ગળપણ ઓછી નાખજે. મને ડાયાબિટીસ આવ્યું છે, તને ખબર છેને.’ અલયનું કહેવું, ટીવી. જોવું અને પડખાં ઘસ્યા બાદ પડખું ફરી ઊંઘી જવું. સામી દિવાલે લટકતી ઘડિયાળનેય આ ઘટમાળ મોઢે હોય તેમ ટકોરા પાડી કહેતી, ‘દસ વાગ્યા. ચાલો ઊંઘી જાઓ.’
બીજો દિવસ દરરોજની જેમ જ ઊગ્યો. ઊગેજને વળી. તેમાં શી નવાઈ? એ જ અલય, એ જ નીલા અને એ જ રોજિંદો ક્રમ. એક ઘરેડમાં જીવાતી જિંદગીને જોવા સદીઓથી સૂરજ પૂર્વમાં ઊગતો અને પશ્ચિમે આથમતો.
ગઈકાલના સમયે આજે ફરી ફોન રણક્યો.
‘કેમ ન આવી?’ અધીરાઈભેર પૂછાયું.
નીલાને સાંભળવું ગમ્યું. ગઈકાલે સાંભળેલો તે જ લાગણી નીતરતો ભીનો સ્વર. નીલા કંઈ ન બોલી. તે સાંભળતી રહી.
‘તું મને ગમે છે. આવીશને મળવા?’ પ્રેમ ઘૂંટાયેલા સ્વરે ફરી પૂછાયું. સામે છેડે પ્રત્યુત્તર સાંભળવાની તલબ હતી.
‘હા.’ કહી નીલાએ ફોન મૂકી દીધો. કોઈ તેને મળવા, સાંભળવા આતુર હતું! તે કોઈકને ગમતી હતી?
‘કોણ હશે?’ નીલાનું મન ચગડોળે ચઢ્યું. સાંજે અલય આવ્યો ત્યારે ખૂબ જ થાકેલો હતો. જમી પરવારી તે ઊંઘી ગયો. બપોરે આવેલા ફોનની વાત કરવી હતી પણ…
ત્રીજા દિવસે ચાર વાગે નીલા ફોનની રાહ જોઈ રહી હતી અને બરાબર એ જ સમયે ફોન રણક્યો. છાપું પડતું મૂકી નીલા રીતસર દોડી.
‘બહુ રાહ જોવડાવી. શું હું તને નથી ગમતો? કંઈક તો બોલ.’ એ જ પૌરુષી મધુર સ્વર.
નીલાને થયું બસ આ મધઝરતી વાતો સાંભળ્યા જ કરું.
‘ગમે છે.’ બોલ્યા પછી નીલાને ભાન થયું કે તે અજાણ્યાને સંબોધી રહેલી. તેણે ફોનનું રીસીવર હેઠે મૂક્યું. આવું શાથી બોલાઈ ગયું તે તેને પોતાને ન સમજાણું.
પછી તો દરરોજ એ નિશ્ચિત સમયે ફોનની રાહ જોવાતી. ‘તું સુંદર છે.’ ‘તને ચાહું છું.’ ‘ક્યારે મળવા આવીશ? હું રાહ જોઈશ.’ ‘તું મને ગમે છે.’ ‘તારો મીઠો અવાજ સંભળાવ.’ ‘વાતો કરને પ્લીઝ.’ ‘આમ શરમાઈશ નહીં.’ ‘તું મને નહીં મળે ત્યાં સુધી ફોન કરતો રહીશ.’ ‘જાણું છું, તું પણ મને ચાહે છે.’ વગેરે, વગેરે.
કર્ણપટલ પર રેડાતું અમૃત લોહીમાં ભળી જઈ રગેરગમાં વહેતું. આખાય શરીરમાં એક ઝણઝણાટી અને મનમાં થનગનાટ ફેલાવી ન સમજાય તેવાં સ્પંદનો જગાવતું. જવાબમાં લીના ફક્ત ‘હા’ કે ‘ના’ એટલું જ બોલતી. તેને દહેશત હતી કે વધુ બોલવા જતાં પેલી વ્યક્તિ સમક્ષ તેની ઓળખ છતી થઈ જશે તો કદાચ તે આ અમુલ્ય ક્ષણો ગુમાવી દેશે. પેલોય જાણે ધીરજના મીઠાં ફળ ચાખવાની નેમ લઈ બેઠો હોય તેમ થાક્યા વગર ફોન કર્યા કરતો. ‘જબરો આશિક છે.’ શરમાતી નીલા મનોમન બોલી.
જિંદગીના ફિક્કા પડી ગયેલા રંગોમાં નવેસરથી મેઘધનુષી રંગો પૂરાયા. કોણ જાણે એવું તે શું જાદુ થયું કે હવે નીલા સરસ વાળ ઓળી તૈયાર થતી. તેણે વાળ વ્યવસ્થિત કપાવી કાળા રંગે રંગવા માંડ્યા. તે હોઠ પર લિપસ્ટીક લગાવી, આછો મેકપ કરી સુંદર વસ્ત્રો પહેરતી. દુપટ્ટો સરકાવી છાતીના ઊભારને ફરીફરીને અરીસામાં જોઈ લેતી. ઘડપણ બારણે ટકોરા દેતું ઊભું હતું પરંતુ નીલાએ તેને હજુ તનમાં પ્રવેશવા નહોતું દીધું ‘તો પછી મન શાને થાકે?’ તેના પાતળા ગુલાબી હોઠ મરક્યા. તે શરીરે પરફ્યુમનો સ્પ્રે છાંટી મહેક મહેક થતી. ફોનમાં વાતો કરતાં બેતાળાં નડતા હોય તેમ તેણે ચશ્મા એક બાજુ ફગાવી દીધાં. તેનું મન ખિલખિલાટ હસતું. તાજા ફુલ લાવી સુંદર રીતે ગોઠવતી. તેને આસપાસનું વાતાવરણ રંગીન ભાસતું. વર્ષો બાદ તેના હોઠે ગણગણવા માંડ્યું, ‘આજમેં ઊપર, આસમાં નીચે..’ કબાટના ખૂણે પડેલી અસ્પૃશ્ય સિતાર તેણે બહાર કાઢી. તેની પર ચડેલી ધૂળ ખંખેરી, પ્રેમથી સાફ કરી તેણે તાર જોડવા માંડ્યા. વર્ષો બાદ સિતારના જીવમાં જીવ આવ્યો. ‘હું સુંદર છું. કોઈકને ગમું છું. મધુર સૂર રેલાવી શકું છું.’ જાણે સામે પડેલી સિતાર આળસ મરડી સજીવન થઈ. કોણ જાણે કેમ પણ બપોરના ફોનના સિલસિલાની વાત અલયથી છુપાવી રાખવી નીલાને વધુ યોગ્ય લાગી, કદાચ ગમી.
‘મારે નવી સરસ ફ્રેમ ખરીદવી છે.’ તેણે અલયને કહ્યું.
‘નંબર બદલાયો છે?’ પૂછી તે ફરી ટીવીમાં ચાલતી ક્રિકેટ-મેચ જોવામાં તલ્લીન થઈ ગયો.
‘ના. નંબર બરાબર છે, જોવાની દ્દષ્ટિ બદલાઈ ગઈ છે. બહાર નીકળવા ધમપછાડા કરતી હતાશા નજરકેદ છે.’ છતને તાકતી નીલા મનોમન બોલી. તેનાથી મરકી પડાયું.
એક સાંજે તે બગીચામાં પહોંચી. કોઈનીયે સાડીબાર રાખ્યા વગર હરિયાળી લોન પર ચત્તીપાટ પડી. ઊપર આકાશ, નીચે ધરતી, આસપાસના સુંદર પુષ્પોની સુગંધ લેતી તે પહેલા ક્યારેય ન અનુભવેલ આનંદ માણતી રહી. એ ફક્ત પોતાની જાત સાથે હતી. આ અવની આટલી સુંદર હશે તે વિચારવાની કે જોવાની ફુરસદ પહેલા ક્યાં હતી? પતંગિયા પાછળ દોડતી તે જાણે બાળપણમાં પ્રવેશી ગઈ.
ઘરે જઈ તેણે પોતાને ભાવતા ભરેલા રીંગણ ‘ફક્ત પોતાના માટે’ રાંધ્યાં. અલય માટે નવીન વાનગી બનાવી. અલય આવતા તેને વળગીને એક ચૂમી ભરી લીધી. અલય આંખો ફાડી આ બદલાયેલી નવી નીલાને જોતો રહ્યો.
નીલાના રોજિંદા ક્રમમાં કંઈક અનેરું ઊમેરાયું એ હતું, નિયત સમયે ફોનમાં વાગતા મધુર ઘંટારવની પ્રતિક્ષા કરવી. ઘડિયાળમાં ચારના ટકોરે ફોન રણકે તે પહેલાં નીલા સોફા પર કાળા ડબલાની બાજુમાં ગોઠવાઈ ગઈ હોય.
‘મને નીલુ કહી સંબોધનાર એ કોણ હશે? શા માટે તે દરરોજ મને ફોન કરતો હશે? શું તે મને ઓળખતો હશે? તેણે મને ક્યાંક, ક્યારેય જોઈ હશે? તે મળવા માંગે છે. હું તેને શાથી ગમું છું? શું એ મારો કોલેજકાળનો કોઈ ચાહક હશે? કયાં રહેતો હશે? તેની ઊંમર કેવડી હશે? શું કરતો હશે? એ મારી સાથે મજાક કરી રહ્યો છે અથવા કોઈ ગેરસમજ! હું તેનું નામેય નથી જાણતી.’ આવા અનેક સવાલોના સરવાળા નીલાના મનમાં થતા ગયા.
જાણવાની ઉત્કંઠા અધીરાઈમાં ફેરવાઈ ત્યારે નીલા પૂછી જ બેઠી. ‘તમે કોણ? આમ શા માટે મને ફોન કરો છો?’
‘કેમ આવું પૂછે છે નીલુ? તમે? તતત તું? કોણ? હું પ્રતીક.’
‘કોણ પ્રતીક? મારે તમને મળવું છે.’
‘મળવું તો મારેય છે. તું… તું નીલુ? નીલકમલ ને?’
‘ના.’
‘આ નંબર ચોંત્રીસ વીસ પાંસઠ જને?’
‘હા. બરાબર!’
‘મને તેણે આ નંબર આપેલો.’
‘કોણે?’
‘નીલકમલે. અમે એક જગ્યાએ અલપઝલપ મળ્યા હતા. બોલ્યા વગર ચાર આંખોએ ઘણી વાતો કરી. કેટલુંક સમજાયું, કેટલુંક સમજવાનું બાકી છે. તેણે ઊતાવળે એક ચબરખીમાં મને નંબર લખી આપ્યો હતો.’
‘નીલકમલ? એ કોણ?’
‘તું નીલકમલ નથી? નીલુ? હું તેને નીલુ કહું છું. જોતા જ પ્રેમમાં પડ્યો. મારી સામે કેવું મીઠું હસેલી. પણ તો તતમે કોણ?’
‘હું નીલા.’
‘કોણ નીલા?’
‘મારો નંબર એ જ છે. ચોંત્રીસ વીસ પાંસઠ. મારું નામ નીલા.’
‘કદાચ એકાદ આંકડો લખવામાં ભૂલ થઈ લાગે છે. જબરો ગોટાળો થયો. ઓહ! સોરી.’
‘સોરી?’
‘ઊફફ. આટલો વખત હું નીલુ સમજીને તમારી સાથે વાતો કરતો હતો. અને તતત તમે…? આયેમ સો સોરી.’
‘સોરી ન કહો પ્રતીક, તમે મને ફોન કરશો? મને તમારી વાતો સાંભળવી ગમે છે. હું પ્રતીક્ષા કરીશ. આ રોંગ નંબર નથી. હું શી રીતે સમજાવું કે તમે મને શું આપ્યું. એક નવું જોડાણ, જીવનને રસમય રીતે જીવવાનું બળ, જાતને ચાહવાનું કારણ. મને સપનાં જોતાં શીખવ્યું, તમારી પ્રેમભરી વાતોએ. તમને હું તુંકારે સંબોધી શકું? મારું મન ગીત ગાય છે, પેલું.. ઊલાલા.. ઊઊલાલા. તેં મારી સુતેલી ચેતનાને જાગૃત કરી. શરીરમાં પડેલા સુષુપ્ત રસાયણો માટે તારો ફોન ઉદ્દીપક બની આવ્યો…’ નીલા બોલતી રહી. બોલતી જ રહી.
‘હા, પણ હવે…’ પ્રતીકની જીભ થોથવાઈ અને સામે છેડેથી ફોન કપાઈ ગયો. સંપર્ક તૂટી ગયા પછી…
પછી ચારને ટકોરે રણકતો ફોન ક્યારેય ન વાગ્યો પરંતુ નીલાના જીવનને ઝંકૃત કરતો ગયો. નીલાનો જાત સાથે સંપર્ક જોડતો ગયો. તેની સિતારે એક નવો રાગ છેડ્યો, ‘ઊઊલાલા.’ અને આખા ઘરમાં ખુશનુમા સંગીતમય સૂર ગુંજી ઊઠ્યા.
આશ્ચર્યમાં ગરકાવ અલયે નીલાને પૂછ્યું, ‘આ કયો રાગ છે?’ તો એ શું કહે ખબર છે? કહે ‘ઊઊલાલા!’ અલય બોલ્યો, ‘ચાલ તૈયાર થા. આજે ફિલ્મ જોઈ હોટલમાં જમીશું. ફક્ત હું અને તું.’ અને બંધ થતા ઘરના દરવાજા પાછળ ફોનની ઘંટડી રણકતી રહી. ‘ટ્રીનનન..’
– સુષમા શેઠ
‘વ વાર્તાનો વ’ સ્તંભ અંતર્ગત એકતા નીરવ દોશીએ આ વાર્તાના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કર્યો છે, એ વિવેચન અહીં ક્લિક કરીને વાંચી શકશો.
ખૂબ સરસ
ખૂબ સુંદર આલેખન, નવીનતમ વિષય સુષ્માજી!
વાહ
ઊલાલાલા…
મજા પડી