બસ જરાક ધ્યાન બીજે શું ગયું એ બીલ્લીપગે લેપટોપમાંથી બહાર નીકળ્યા અને મારી પીઠમાં છરો ખુંપાવી દીધો!
અચરજની વાત છે ને? મારા જ શબ્દો, મારી જ પીઠ. અચરજની વાત છે જ!
શબ્દો ધારદાર હોય છે. અત્યંત ધારદાર! એમનો વાર કરવાનો અંદાજ અલગ હોય છે એ વાત નાનપણથી આ સાંભળતા આવ્યા છીએ. તે છતાં ક્યારેક બેધ્યાન થઈ જવાય છે. કાયમથી મારું માનવું રહ્યું છે કે મેં કોઈનું કશું ખરાબ કર્યું નથી કે ઈચ્છયું પણ નથી એટલે મારી સાથે પણ કશુંય અજુગતું નહીં જ થાય. પરંતુ એવું થાય છે અને ત્યારે મને ભારોભાર અચરજ થાય છે. એટલે જ શબ્દો ધારદાર હોય છે એ વાત યાદ રાખવી અત્યંત જરુરી છે. આમ તો યાદ રાખવા કરતાં જે ભૂલી જવું જોઈએ એવું થોકબંધ છે. પરંતુ તે ભૂલી જવાનું છે એ પણ યાદ રહેતું નથી. છતાં કામના રાખવી જરુરી છે અને હું રાખું છું!
જો જીવનનું નીરીક્ષણ જમણી તરફથી કરવામાં આવે તો ધ્યાનમાં આવશે કે આપણને સતત કોઈક ને કોઈક કામના રહેતી જ હોય છે.
પગના તળિયા એટલે સૌથી વધુ બેદરકારી ભોગવતું શરીરનું એક અંગ. મોટાભાગના લોકો સ્નાન કરતી વખતે એને બે પાંચ સેકન્ડ પણ ફાળવવાનું જરૂરી નથી સમજતા. એવા તદ્દન ઊપેક્ષા ભોગવતા અંગને પણ કામનાઓ હોય છે. ક્યારેક એને ગામડાગામના ધૂળિયા રસ્તાને સ્પર્શવાની કામના જાગે છે તો ક્યારેક સમુદ્રકિનારાની ભીની ભીની રેતીના સ્પર્શની. મારા પગને થોડા થોડા સમયે નવા નવા શહેરોના અજાણ્યા રસ્તાઓની ધૂળને સ્પર્શવાની તલબ લાગતી હોય છે. ક્યારેક એ તલબ સંતોષાય છે અને ક્યારેક એને ડામવી પડે છે. અનેકો વખત આવી રીતે ડામી દેવાઈ છે છતાં એને માઠું નથી લાગતું અને સમયાંતરે એ ફરી જાગી જતી હોય છે. એને એમાં અપમાન જેવુંય નથી લાગતું. કેટલી અચરજની વાત છે. ઘણીવાર એ સમજાયું છે કે જીવન પ્રત્યે થોડાક વધુ ઉદાર થવાની સખત જરૂરત છે પણ ઉદારતાનું તો એવું કે જેટલી પોસાય એટલી જ દાખવી શકાય.
આખો દિવસ ઉદારતાથી તડકો વેર્યા પછી જ્યારે સાંજ ઉતરી આવે ને સૂરજ ક્ષિતિજને પેલે પાર સરકી જવા ઊતાવળો થયો હોય ત્યારે સૂરજમુખીની જેમ હું જમીન પર વેરાયેલા પાછોતરા તડકાના થોડાઘણાં ચોસલા વીણી લેતી હોઉં છું. એ ચોસલા છેક બીજે દિવસે ફરી સૂર્યોદય થાય ત્યાં સુધી મારા ગાલને રતુંબડા રાખવામાં કામ લાગે છે. એકવાર આવી જ એક ઢળતી સાંજે મહાબળેશ્વરથી પાછા ફરતી વખતે રસ્તા પર ઉતરી આવેલા ધુમ્મસના ઢગલા વચ્ચેથી પસાર થવાનું બન્યું હતું. તે વખતે ગાડીમાંથી ઉતરીને એ રૂ જેવા મુલાયમ ધુમ્મસને હથેળીઓમાં ભરીને ચહેરા પર ચાંપી દેવાની તીવ્ર કામના થઈ આવી હતી. પરંતુ કમને એને ડામવી પડી હતી. ગાડીની હેડલાઈટમાં માંડ ચાર પાંચ ફૂટ આગળનો રસ્તો જોઈ શકાતો હોય ત્યાં રસ્તા પર ઉતરવું સુરક્ષિત નથી એવું મનને સમજાવવામાં જરાય મહેનત કરવી પડી નહોતી. અલગ અલગ સમયમાં આ હથેળીઓની ત્વચાને અલગ અલગ ઈચ્છાઓ જાગી છે. ક્યારેક ધુમ્મસનો ખોબો ભરી લેવાની તો ક્યારેક કોક પુરાણા કિલ્લાની મુલાકાત વખતે એના પથ્થરમાં રહેલી ઊષ્માને આત્મસાત કરી લેવાની. એ ઊષ્મા માટે મિનિટો સુધી એમની ખરબચડી દિવાલો પર હથેળીઓ ઘસી છે. તો એકાદ વખત પ્રવાસમાં સામેની બર્થ પર બેઠેલા પ્રવાસીને તલ્લીન થઈને માવો મસળતો જોઈ એની પાસેથી એક પોટલી માંગી લઈ હથેળીઓને એ નશાનો રસાસ્વાદ કરાવવાનું મન થઈ ગયું છે. કોક અજાણ્યા સાથે માત્ર ફોર્માલિટી ખાતર કરેલા હસ્તધનૂન વખતે થયેલો રોમાંચ હજુ ક્યારેક એ મમળાવ્યા કરે છે. આવા એકલદોકલ અનુભવો સ્મૃતિઓને મઘમઘતી રાખવા પૂરતાં હોય છે. સ્પર્શ એક એવો અનુભવ છે કે જે કલ્પનાઓને મૂર્ત સ્વરૂપ આપે છે. કેટલાક લોકો સ્પર્શ વગર ચલાવી લેતા હોય છે. એ લોકો જીવંત છે અને જીવે છે એવું ખાતરીપૂર્વક કહી શકાય નહીં. મોટા ભાગના લોકો પૂર્ણપણે કશું કરતા નથી. પૂર્ણપણે જીવવું તો બહુ મોટી વાત છે. એ લોકો માત્ર શ્વાસ લે છે. શ્વાસનો આનંદ નથી લેતા.
એમ તો આખો દિવસ આપણી આંખો જોવા જેવું કે ન જોવા જેવું બધું જ જોતી રહે છે. પણ ક્યારેક ક્યારેક એવા દ્રશ્યો જોવા મળે છે જે અપરંપાર સુખ આપે છે. ધારોકે તમે દરિયા કિનારે બેઠા છો. દિવસ ઢળી ગયો છે. આખું વાતાવરણ લગભગ જંપી ગયું છે, માત્ર પવન અને દરિયાના મોજાં સંચરી રહ્યાં છે. એક જુદા જ પ્રકારનું એકાંત માણવાની તક મળી છે. અત્યારે આ ઘડીએ તમારા ફેફસાંમાં નિસંકોચ આવ જા કરતાં શુદ્ધ પવનને માણવો અને મોજાંના કર્ણપ્રિય રવને સાંભળવો આ બે જ કાર્ય મહત્વના હોવા જોઈએ. ક્યાંક દૂર બળતાં બલ્બ અંધારાનું સૌંદર્ય વધારી રહ્યાં છે. અંધારું બહુ બોલકણું હોય છે. અજવાળું તમારી આંખોને જે હોય એના જ સ્પષ્ટ દર્શન કરાવે છે, જ્યારે અંધારું તમારી કલ્પનાશક્તિને ખૂલવા મોકળું મેદાન આપી દે છે. એના માટે આંખો ખેંચી ખેંચીને જોવાનો પ્રયત્ન કરી ત્રાસ આપવાની જરૂર નથી. એને ફક્ત થોડીક પળો દાનમાં આપી દો. એ અંધારાને આત્મસાત કરી લેશે પછી બધું જ સ્પષ્ટ દેખાવા લાગશે. અંધારાનું સુત્ર છે છે – વિચારો. કલ્પો. જુઓ. જીવો! અને એવી અદ્દભૂત ઘડીએ એ ઘુઘવતા દરિયાની સામે મોબાઇલમાં ડાચું ખોસીને બેસી રહેલું કોઈ દેખાઈ જાય ત્યારે ખરેખર અચરજ થાય છે. તેઓ શું ગુમાવી રહ્યાં છે એની એમને ખુદને ખબર હોતી નથી. જો કે આપણે એ બધી પંચાત કરવાની જરુર હોતી નથી પણ એ તરફ ધ્યાન ગયા વગર રહેતું નથી. હ્રદયના અટપટા ખૂણે પડેલી ‘પંચાત’ કરવાની ચટપટી ભાવના આ રીતે પણ બહાર આવી જતી હોય છે. કેવી અચરજની વાત છે ને કે પ્રત્યેક ભાવને વ્યક્ત થવા માટે કોઈ ને કોઈ નિમિત્ત મળી જ રહેતું હોય છે! જો કે ‘અચરજ’ નામની ચકલીની હાજરી જીવનને ચોક્કસપણે રસપ્રદ બનાવે છે એ તો નિર્વિવાદ હકીકત છે. અને રસપ્રદ જીવનમાં બધા જ રસની હાજરી હોય છે.
ખોવાઈ જવાની આદત માત્ર વસ્તુઓમાં કે માણસોમાં જ નથી હોતી. બીજું પણ ઘણું ખોવાઈ જતું હોય છે. જેમ કે આ અચરજનો ભાવ. આવા ગુમ થઈ જતાં ભાવને કાળજીથી સંકોરી રાખવો જરૂરી છે. એ હશે તો જ લેપેટોપમાંથી બહાર નીકળીને રખડવા નીકળી પડતાં શબ્દોને ઓળખી શકાશે. નાથી શકાશે. બધાં જ પહોરનો શૂન્યવકાશ ટાળી શકાશે. એકાદું નિર્ઝર શોધી શકાશે. આ નિર્ઝરને શોધી શકાય એવી કામના સતત કરી છે. ક્યારેક તો જડી જ જશે!
આને જીવનનું ડાબી તરફથી કરેલું નીરીક્ષણ કહી શકાય?
હે મારી હયાતી માટે સતત લડતાં મનોસૈનિકો! મારી ઈચ્છા કે અનિચ્છાની દરકાર કર્યા વગર તમને યોગ્ય લાગે તો અને યોગ્ય લાગે એ ક્ષણે મારી અચરજ સાથેની આ નાળ કાપી નાખજો.
મારે નવા નવા ભાવ શોધવા છે.
– રાજુલ ભાનુશાલી
રાજુલબેન ભાનુશાલીના અક્ષરનાદ પરના ‘સિંજારવ’ સ્તંભના બધા લેખ
અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
Thanks for brilliant manifestations of minds and senses, i revere on some of those situations which brought contrarian thoughts – especially felt similar feelings on spending time at sea face while on my visit to Murbad Janjira sea resort – incredible
Thank you સાહેબજી.
વાહ. સુંદર નિબંધ. હથેળીમાં અને હ્રદયમાં આ ચકલીની હરફર એ આપણા જીવંતપણાની સાબિતી છે.
ખૂબ ખૂબ આભાર Sabdipbhai.
એક એક વર્ણન જાણે અનુભવ્યું. અચરજ સુધ્ધા
ખૂબ ખૂબ આભાર.
અચરજ – કુતૂહલ
એમાંથી નીપજે શોધ .
એની ઉપજ કલ્પના
એની ઉપજ – નવસર્જન
અચરજ – બધી કર્મઠતા અને સર્જકતાનું મૂળ .
ખૂબ ખૂબ આભાર.
આ લેખ વખાણવા શબ્દો ખૂટી પડે… અફલાતૂન …. રાધાપો શબ્દની જેમ મનોસૈનિકો !! ખૂબ ગમ્યું……. લેખકની સબળી બાજુ કે એક થી વધુ punch છે લેખમાં….. મારી અપેક્ષાઓને આસમાને ચડાવી છે તમે રાજુલ હવે કશું ઓછું ન ખપે….
ખૂબ ખૂબ આભાર. Kusum.
ખૂબ સુંદર, ડાબી તરફ થી કરેલ “ambidextrous” નિરીક્ષણ
ખૂબ ખૂબ આભાર..
Areee wah.moj
વાહ!, કુછ પલ ગુજારિયે અપને આપ કે સાથ! સરસ!
ખૂબ ખૂબ આભાર..
ડાબી તરફથી કરેલું નિરીક્ષણ! ખૂબ સરસ!
અભિનંદન રાજુલબેન…સાચા અર્થમાં ચિંતન નિબંધ!
દરેક વાક્ય અર્થસભર!
આપણા યુવાનો નવનીત બહારનું લખવા અને વાંચવા પ્રેરાશે.
ખૂબ ખૂબ આભાર..
રાજુલબેન, બહુ સરસ લખ્યું છે. બીજા લેખની રાહમાં….
Too good Rajulben. Each word perfectly chosen
ખૂબ ખૂબ આભાર..
ખૂબ ખૂબ આભાર..
અચરજ …. જીવન છે ત્યાં સુધી એ ચકલી જીવશે અથવા તો કહી શકાય કે એ ચકલી છે ત્યાં સુધી જીવન રહેશે. બહુ જ સરસ લેખ.
ડાબી તરફથી કરેલું નિરીક્ષણ ! ખૂબ સરસ.
ખૂબ ખૂબ આભાર..
વાહ
સુંદર નિબંધ
સરસ કલ્પન શક્તિ
ખૂબ ખૂબ આભાર..