બસ્તર (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 26


ગુજરાતી લોકોમાં બહુ પ્રચલિત નહીં એવાં છત્તીસગઢમાં આવેલાં બસ્તર વિસ્તારમાં જવાનું નક્કી કર્યું ત્યારથી ઉત્સાહ બેવડાઈ ગયો હતો. અમદાવાદ સ્ટેશનથી પુરી એક્સપ્રેસમાં સાંજના છ વાગે નીકળ્યાં તો બીજે દિવસે સાંજે સાડાપાંચ વાગે રાયપુર સ્ટેશન ઊતર્યા. સ્ટેશન ઉપર ફ્રેશ થઇ અમે ત્યાંથી સ્લીપિંગ કોચમાં બસમાં જગદલપુર જવા રાતના દસ વાગે નીકળ્યાં.

જગદલપુર એ બસ્તર જિલ્લાનું મુખ્ય શહેર છે. રાયપુરથી જગદલપુર ત્રણસો કિલોમીટરનો રસ્તો ખૂબ ઘાટવાળો અને સુંદર છે. દિવસની મુસાફરી હોત તો વધારે આનંદ મળ્યો હોત. પણ સમય મર્યાદાને કારણે રાતની મુસાફરી કરવી પડી. સવારમાં લગભગ સાડાપાંચ વાગે જગદલપુર પહોંચ્યા. હોટલથી ફ્રેશ થઇ સવારે વહેલાં ટેક્સી કરી અગાઉ ભેગી કરેલ માહિતી પ્રમાણે ટેક્સી ડ્રાઈવર સાથે વાત કરી રસ્તામાં આવતાં પહેલી જગ્યા દલપતસાગર તળાવ જોવાં પહોંચ્યા. તેની સુંદરતા કંઈક વિશેષ લાગી ત્યાં નૌકાવિહારની વ્યવસ્થા પણ છે. થોડો સમય પસાર કરી અમે ઓગણચાલીસ કિલોમીટર દૂર કાંગેરવેલી નેશનલ પાર્કમાં આવેલ કુસુમસર ગુફા અને કૈલાસ ગુફા જોવાં ગયાં પરંતુ અમારા બદનસીબે જાણવા મળ્યું કે ચોમાસાને કારણે આ ગુફાઓ બંધ કરી દેવામાં આવે છે. જે નવેમ્બર મહિનામાં પ્રવાસીઓ માટે ખોલવામાં આવે છે.

તીર્થગઢનો ધોધ કુદરતની બેનમૂન કારીગરી છે, જાણે અમીધારાઓ વરસતી હોય એવો સુંદર નઝારો, ત્રણસો ફીટની ઊંચાઈથી લગભગ સાત લેવલમાં પડતો આ ધોધ ખૂબજ નયનરમ્ય છે. જેમાં નીચે બે લેવલ સુધી ઊતરીને જોઈ શકાય છે. આ તીર્થગઢના ધોધ પાસેથી સુંદર જંગલ દેખાય છે. બીજી બાજુ જાણે અંત વગરની જમીન સીધી ઓરીસ્સા તરફની લાગતી હતી. આ દ્રશ્યથી મંત્રમુગ્ધતા માં કલાક કયાંય પસાર થઈ જાય. ધોધ જોતાં થાય કે શું કુદરતની કરામત છે. ચોમાસું ગયું હતું એટલે ધોધનું પાણી આખું ડહોળાયેલું લાગતું હતું. અમે પણ બે લેવલ નીચે ઉતરીને મોજ કરી. એવું કહેવાય કે આ ધોધની મુલાકાત લેવાનો યોગ્ય સમય ઓક્ટોબર મહિનાથી ફેબ્રુઆરી સુધીનો છે. ત્યારે પાણીનો રંગ અને એનાં લીધે એ ધોધનું સૌદર્ય વિશેષ લાગે છે.

ત્યાંથી આગળ દંતેવાડામાં દન્તેશ્વરી માતાનું પાંચસો વર્ષ પુરાણું મંદિર આવેલું છે ત્યાં જવા નીકળ્યાં. આ દન્તેશ્વરી માતાના દર્શન કરવાં જવા પ્રુરુષોએ લુંગી જ પહેરવી પડે તેવો ત્યાંનો નિયમ છે. જગદલપુરથી એક્સોદસ કિલોમીટરની દૂરી પર બારસુર આવેલ છે. જ્યાં હજાર વર્ષ જૂનાં મંદિર આવેલાં છે. જેમાં ગણપતિ મંદિર, નાના તળાવને કાંઠે આવેલું શિવમંદિર અને મામા ભાંજાનું મંદિર વિશેષ છે. લોકવાયકા છેકે મામા ભાંજાના મંદિરની ઊંચાઈ એક વર્ષમાં ત્રણ સેન્ટીમીટર વધે છે. બીજી લોકવાયકા એવી પણ છે કે મામા જો ભાણીય સાથે દર્શન કરવાં આવે તો તેઓને વિશેષ ફાયદો થાય.

પાછા વળતાં રસ્તામાં થામડઘુમડ આવે છે જ્યાં સો ફીટની ઊંચાઈ પરથી પાણીનો સુંદર ધોધ જોઈ અમે જગદલપુર વિસ્તારનો સૌથી પ્રખ્યાત અને સુંદર ધોધ ચિત્રકુટ જોવાં ગયાં. કહેવાયછે કે એશિયા માં આવેલાં સૌથી મોટાં ધોધમાં આ ચિત્રકૂટ ધોધની ગણના થાય છે. ભારત દેશનો નાયગ્રાનો ધોધ તરીકે પણ ઓળખાય છે અને અમેરિકા અને કેનેડાની વચ્ચે આવેલાં નાયગ્રાના ધોધ સાથે આ ચિત્રકૂટ ધોધની તુલના થાય છે ભલે તે નાયગ્રાના ધોધ કરતાં ત્રણ ગણો નાનો હોય.

ઇન્દ્રાવતી નદી ઉપરથી પડતો આ ધોધ જગદલપુરથી લગભગ આડત્રીસ કિલોમીટરની દૂર આવેલો છે. આ ધોધ સૌથી પહોળો ચોમાસામાં લગભગ ૩૦૦ મીટર થાય છે. તેની પહોળાઈથી તે પહોળી ઘોડાની નાળના આકારનો બહુજ સુંદર દેખાય છે. ઠંડીની મોસમ દરમ્યાન જયારે પાણીનો પ્રવાહ ઓછો હોય ત્યારે પણ તે ૩૦ મીટર પહોળો ઘોડાની નાળના આકારમાં પડતો જોવાં મળે છે.

જયારે ચોમાસા પછી પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યારે લોકલ હોડીમાં ધોધની નીચે જવાની વ્યવસ્થા પણ છે. ચોમાસા સિવાય આ ધોધના પાણીનો રંગ વાદળી દેખાય છે. વિશેષ કરીને વહેલી સવારે સૂર્યના કિરણો આ પાણી પર પડે ત્યારે. આ ચિત્રકૂટ ધોધ નીચે પડતાં ત્યાં નીચે જયાં પાણી એકઠું થાય છે ત્યાં નાના નાના શિવલિંગ સમા પથ્થર રચાયેલા લાગે છે. આ ધોધ સમીસાંજે બહુ નયનરમ્ય લાગે છે. સરકાર દ્વારા રાતે સુંદર લાઈટની ગોઠવણ કરવામાં આવી છે જેના કારણે રાત્રે પણ ધોધની સુંદરતામાં વધારો થાય છે.

આમ આ ચિત્રકૂટ ધોધ જોઈ ચિત્રધારા ધોધ જોવાં ગયાં. એનું નામ છે એજ પ્રમાણે કુદરતનાં એક નયનરમ્ય ચિત્ર જેવો આ ધોધ છે. ચિત્રકૂટ પછીના નંબર પર આ ધોધ આવે. આ ધોધ લગભગ પચાસ ફીટ નીચે સુધી પડે છે એટલે કે ધોધની ઊંચાઈ લગભગ પચાસ ફીટ છે એમ કહે છે. પાસે આવેલું શંકર ભગવાનના મંદિર અને આ ધોધ નું દ્રશ્ય અવર્ણનીય છે. પોટાનાર ગામ પાસે આ ધોધ આવેલો છે. એક પીકનીક સ્થળ તરીકે ઉત્તમ છે. ત્યાંથી પાછા વળતાં સુંદર નમન બસ્તર રિસોર્ટ આવેલી છે ત્યાં અમે રાત રોકાઈ ગયાં.

બીજા દિવસે સવારે ગાઈડ સાથે લઇ ફરવાં જવાનું નક્કી કર્યું હતું. બસ્તર વિસ્તાર ફરવાં સારો ટુરીસ્ટ ગાઈડ કરવો બહુ જરુરી છે કે જે પાછો ત્યાંના આદિવાસીઓની ભાષા જાણતો હોય. સવારમાં ગાઈડ સાથે વાત કરતાં અમારાં શોખ જાણી તેણે અમને બે વિકલ્પ આપ્યાં. એક હતો આદિવાસીની વસ્તીમાં જવું અને બીજો હતો જંગલ જોવાં જવું. અમને થયું કે ગામમાં ફરીશું તો પણ આદિવાસી લોકો જોવાં તો મળવાનાં છે પણ આ વિસ્તારના જંગલને જોવાનો ફરી લાભ નહીં મળે. જો બંને કરવાં જઈશું તો આખો દિવસ પૂરો થઇ જશે. એટલે અમે જંગલ જોવાં જવાનું પસંદ કર્યું.

કાંગેર વેલી નેશનલ પાર્ક ચોંત્રીસ કિલોમીટર લાંબો ખૂબ સુંદર છે. જે જગદલપુરથી સત્યાવીસ કિલોમીટરની દૂરી પર આવેલ છે. લગભગ બસો સ્ક્વેર કિલોમીટર વિશાળ છે જેમાં ભુમીગર્ભિત ગુફાઓ જાણે આપણા આવવાની રાહ જોતી હોય તેવું લાગે. એની ખાસિયતમાં જોઈએ તો વિવિધ પ્રકારનાં વૃક્ષો અને જડીબુટ્ટીના ઝાડ છે. અમે તો જુલાઈ મહિનામાં ગયાં હતાં એટલે જંગલના રસ્તા રીપેર થતાં હતાં. આથી આગળ વધવામાં તકલીફ પડી.રસ્તામાં આવતાં વિશાળ ઝાડ બતાવી અમારાં ગાઈડ રજનીશે કહ્યું કે આ ઝાડની ઉંમર લગભગ પાંચસો વર્ષની હશે. આ ઝાડ અહીંયા દશરથ પુત્રો તરીકે ઓળખાય છે. ઓરીસ્સાની કોલાબ નદી સુધી વિકસેલો આ પાર્ક અવર્ણનીય અને બેજોડ પ્રાકૃતિક અનુભવ થાય તેવો  છે. આ નેશનલ પાર્ક પહેલી નવેમ્બરથી ત્રીસ જુલાઈ સુધી બંધ રહે છે.

આ કોલાબ નદીની સામેના કાંઠે ઓરીસ્સા રાજ્ય આવેલું છે. મહાશિવરાત્રીના દિવસે હજારો આદિવાસી લોકો સામે કાંઠે આવેલાં ઓરીસ્સામાં આવેલાં શિવજીના મંદિર દર્શન કરવાં જાય છે. નદીમાં આવેલાં પથ્થરો વચ્ચે લાકડાનાં પૂલ બનાવી નદી ઓળંગી દર્શનાર્થે જતાં હોય છે. આમ આ નેશનલ પાર્ક જોઈ પાછા આવી જગદલપુર બજાર અને ગામ ફરવાં ગયાં.

ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોએ બનાવેલી વસ્તુઓની ઘણી દુકાનો આવેલી છે. જેમાં એ લોકોનાં જીવનની ઝાંખી આપતી ઘણી વસ્તુઓ જેમકે મેટલના શિલ્પ, વાંસની વસ્તુઓ, હાથ વણાટના કાપડ વગેરે મળતું હતું. એવું જાણવા મળ્યું કે ધાતુની જે મૂર્તિઓ બનાવે છે તેમાં એક સરખાં મોઢાં વાળી તમને જોવાં ના મળે. આદિવાસી લોકો એક મૂર્તિ બનાવી તેનો ફર્મો તોડી નાંખે જેથી એવી બીજી ના બને.

જગદલપુર શહેર બધી બાજુ પહાડ અને જંગલ વડે ઘેરાયેલું છે. એવી લોકવાયકા છે કે પાંડુના વંશજની આ અંતિમ રાજધાની હતી. જગદલપુર જાઓ અને ત્યાનું મ્યુઝીયમ ના જુઓ તો જગદલપુર જવાનો પૂર્ણ અર્થ ના સર્યો કહેવાય. બસ્તર જિલ્લાના આદિવાસી જાતિની ઉત્પતિથી શરુ કરીને તેઓના જીવનને આવરી લઇ સુંદર પ્રદર્શન ગોઠવ્યું છે. આ મુઝીયમમાં આદિવાસી જાતિનાં હથિયાર, ઓજારો,ફોટાઓ વગેરે ઘણું સરસ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

બસ્તર વિસ્તારમાં આટલાં બધાં સુંદર ધોધ, મંદિરો વિવિધ પ્રકારના ઝાડ અને વનસ્પતિ હશે તેની કોઈને કલ્પના ના આવે. આદિવાસી લોકોનું જનજીવન આટલું નજીકથી જોવાનું આકર્ષણ પ્રવાસીઓને અનેરો આનંદ આપે તેવું છે. બધાં લોકોનાં મનમાં તો છતીસગઢ એટલે સુરક્ષાની દ્રષ્ટિ એ યાત્રીને ફરવા માટે એટલે કે ટુરીસ્ટ માટે યોગ્ય નથી તેમ જ ભાવ હોય. પણ ત્યાં જઈએ તો આપણને ખ્યાલ આવે કે જેવું માનતા હતાં તેવો કોઈ ભય નથી. ઘણાં પરદેશી પ્રવાસી પણ આવતાં હોય છે. ખાસ તો તેઓ આદિવાસી લોકોની જીવનશૈલીથી આકર્ષાઈ આવતાં હોય છે. પછીનાં દિવસે વહેલાં ટેક્સી માર્ગે રાયપુર ટ્રેન પકડવા નીકળ્યાં ત્યારે જે રસ્તો માણવો ચુકાઈ ગયો હતો તે માણતાં અંદાજીત છ કલાકે રાયપુર પહોંચ્યા.

આમ જો અનેરી દુનિયા જોવી હોય તો જીવનમાં એકવાર બસ્તર જિલ્લાની અચૂક મુલાકાત લેવી જોઈએ.

 • રહેવાની વ્યવસ્થા– ટુરીઝમ બોર્ડ અને વનવિભાગના ગેસ્ટહાઉસમાં અથવા હવે તો ત્યાં ઘણી હોટલ થઇ ગઈ છે. જેમકે નમન બસ્તર રિસોર્ટ.
 • પહોંચવા માટે
 • હવાઈ માર્ગે- રાયપુર. સૌથી નજીકનું એરપોર્ટ. જ્યાં મુંબઈ,અમદાવાદ,દિલ્હી, નાગપુર, ભુવનેશ્વર, કલકત્તા વગેરે શહેર સાથે હવાઈ માર્ગે રાયપુર જોડાયેલું છે.
 • રેલ માર્ગે – રાયપુર સૌથી નજીકનું રેલ જંકશન.
 • સડક માર્ગે – રાયપુરથી લગભગ બસો પંચાણું કિલોમીટર જગદલપુર. જ્યાંથી બસ, ટેક્સી થી પહોંચી શકાય.
 • વધુ માહિતી માટે – છત્તીસગઢ ટુરીઝમ બોર્ડ, પર્યટન ભવન, ઇન્દિરા ગાંધી માર્ગ, રાયપુર ૪૯૨૦૦૬.

– સ્વાતિ મુકેશ શાહ

સ્વાતિ મુકેશ શાહના અક્ષરનાદ પરનો આ સ્તંભ ‘સફરનામું’ અનેકવિધ અદ્રુત વિસ્તારોના પ્રવાસ વિશેની શૃંખલા છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

26 thoughts on “બસ્તર (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ

 • Dipak L Vankar

  આપની આ બસ્તરની સફર જોરદાર….
  હિન્દીના લેખક રાજેન્દ્ર અવસ્થિ નવલ્કથા जंगल के फूल બસ્તરના જનજીવન ને ઉજાગર કરતી એક આંચલિક નવલકથા મળે તો જરૂર વાંચશો.

 • મૌલિક "વિચાર"

  વાહ, ખૂબ જ સરસ વર્ણન.આ લેખ નથી પણ સાચે જ એક સફર છે..આ સફરનામું વાંચતા એવું જ લાગે કે આપણેઆંખથી ફરવા નીકળ્યા છીએ…ફરવું એ પણ એક કળા છે..એ તમારા આ સફરનામાથી વ્યકત થાય છે..હવે દર પખવાડિયે ફરવા મળશે.

 • પ્રફુલ્લા રશ્મિકાંત શાહ

  ખૂબ સરસ લેખ, કોરોનામાં ઘેર બેઠા ઐતિહાસિક પ્રવાસ થઈ ગયો. બધી જગ્યા તાદ્રશ્ય થાય એવી વિગતવાર માહિતી.
  જવું પડશે બસ્તર

 • Hardha

  સ્વાતિ,અતિ સુંદર અને અવરણિય પ્રવાસ નો અનુભવ તેં કરાવ્યો ્્
  આટલું સુંદર સ્થળ ,આને આવૌ ઇતિહાસ ,છૂપો કેમ રહ્યો ?
  ધોધ ના રંગ,એનું બેનમૂન વહેવુ્…જિણે કાન માં કોઈ ઈતિહાસ કહી ગયુ્
  કેટલું સમરૂધ‌ છે હિન્દુસ્તાન..!
  નસીબદાર છો બંને..એક સરખા ‌શોખ છે.

  બહુ આનંદ થયો તારો લેખ વાંચીને ્્
  ના વાંચ્યો હોત તો કશું ક ખાસ ગુમાવી દેતા.

  • Kiran piyush shah

   ખૂબ સરસ. વાંચતા વાંચતા જાણે ત્યાં પહોંચી ગઈ. શબ્દો સાથેની આ સફર અવિસ્મરણીય રહેશે. એકવાર છતીસગઢ જવું પડશે.

 • Priti Shah

  ખૂબ સુંદર લખાણ અને તેટલી જ સુંદર તસવીરો..પ્રવાસ વર્ણન ની સાથે સાથે વહી જવાયું..પ્રીતિ સેનગુપ્તા યાદ આવી ગયા.

 • Vandan Dalal

  Unexplored આ વિસ્તારનો પ્રવાસ થઈ ગયો હોય તેવો આભાસ થાય તેવું સુંદર વર્ણન કર્યું છે. બસ્તર નો વિસ્તાર જે બહુ ઓછાં લોકોએ ખુંદયો હશે તે ફરવા જવાનું મન થઇ ગયુ. નાયગ્રા ના ધોધ જેવો ચિત્રકૂટ ની તસ્વીર આલહદક લાગી. દર પખવાડિયે હવે પ્રવાસ વર્ણન વાંચવાની રાહ જોઈશું.

 • Trupti Parekh

  સરસ માહિતીસભર લેખ
  ખાસ જાણીતું નહી એવું સ્થળ પણ આ પ્રવાસ વર્ણન વાંચીને આકર્ષક લાગ્યું
  આવા વધુ વર્ણનોની અપેક્ષા

 • swati

  વાહ સ્વાતિ!!!! ખૂબ જ સુંદર વર્ણન!!! જાણે બસ્તર જીલ્લાની દરેક જગ્યા રૂબરૂ જોઈ હોય તેવો અનુભવ થયો!!

  • Parag Shah

   ખુબ સુંદર પ્રવાસ વર્ણન, બસ્તર વિષે ડીસ્કવરી ચેનલે પણ ફિલ્મ બનાવેલી છે. ત્યાંના આદિવાસીઓ ની જીવન શૈલી ખુબ જ વિશિષ્ટ છે. ઊનાળામાં ઉંચા ઝાડ પર માળો બાંધી રહેતી લાલ કીડીઓના રાફડા ને આ લોકો નીચે ઉતારે છે અને સુકાં ઘાસ – પાંંદડા બાળીને કીડીઓને અર્ધી બાળી નાખે છે. ત્યારબાદ અર્ધી બળેલી લાલ કીડીઓને લસણ, ડુંગળી અને બીજા મસાલા સાથે પત્થર પર લસોટીને તેની ચટણી બનાવે છે અને તેઓ ખુબ જ મઝાથી તેનો આસ્વાદ માણે છે. સ્વાદ માં તીખી અને ખાટી એવી આ ચટણી બસ્તર વિસ્તાર ની વિશિષ્ટ વાનગી છે. જો કે શાકાહારી ગુજરાતી તેને ખાવાની હિંમત કરતો નથી.

 • Chandrashekhar Vaidya

  વાતાવરણ અહીં ફરવાને યોગ્ય થતાં જરૂર ફરવાનો , નજરે નિહાળવાનો , તસ્વીરો ખેંચવાનો કાર્યક્રમ ગોઠવીશું . વર્ણન ગમ્યું.

 • Mita mehta

  Thank u so much Swati, છતિસગઢ – બસ્તર જવાનો કોઈ દિવસ વિચાર પણ ના આવે, વણૅન વાંચીને થાય છે કયારે જવાનો લ્હાવો મળશે, કેવી રીતે જવાય, કેટલો ટાઈમ દરેક જગ્યાએ પહોંચતા લાગે, જોવાલાયક સ્થળો નુ સુંદર વણૅન, રહેવાની સગવડ, બધાની રજેરજ માહિતી આપી છે. અને આ એવુ સ્થળ છે જેની ખબર પણ ઘણા ઓછા લોકોને હશે.
  ખૂબ ખૂબ અભિનંદન

 • Sushma Sheth

  સુંદર માહિતી સભર લેખ આપવા બદલ આભાર. ફોટા જોઈને જવાનુ મન થઈ ગયું.

 • latakanuga

  વાંઉ એવો મસ્ત અહેવાલ ને સાથે ફોટા છે કે ક્યારે કોરોના ભાગે ને ક્યારે જગદલપુરનો જંગલ વિસ્તાર.. કાંગેરી નેશનલ પાર્ક જોવા ઉપડીયે. ખૂબ અભિનંદન સ્વાતિબેન.