હરિના હસ્તાક્ષર – જગદીપ ઉપાધ્યાયની ગઝલનો જીતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ


શ્રી જગદીપ ઉપાધ્યાયની ગઝલ ‘હરિના હસ્તાક્ષર’ નો શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમના પદ્ય આસ્વાદના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ અંતર્ગત આજે આસ્વાદ કરાવ્યો છે.

હરિના હસ્તાક્ષર

અમથું અમથું વ્હાલ વરસતું ઝરમર લાગે છે, 
શ્યામ ભલે હો મેઘ છતાં એ મનહર લાગે છે. 

શિલા  બદલે  ડાળે  લેખ  લખેલો  કોનો  છે ? 
ફૂલો  જોતાં  થાય  હરિના  અક્ષર  લાગે  છે. 

સુંદર  ઝરણાં, પંખી, ફૂલો, વૃક્ષો, ઈશ્વર પણ 
કમાલ છે, આ સૌથી ય મા  સુંદર  લાગે  છે. 

જૂઈ, મોગરા, ચંદન કરતા સુગંધ છે નિરાળી 
ધરતી પર  ફોરાંએ  છાંટયું  અત્તર  લાગે  છે. 

ગાય  કોયલો,  પીળા જામા વૃક્ષોએ પહેર્યા, 
આજ ઘરે ફાગણના કોઈ અવસર લાગે છે. 

– જગદીપ ઉપાધ્યાય

ગુજરાતી સાહિત્યમાં પદ્ય એ એક એવો પ્રકાર છે જે લોકગીતના લયમાં ઢળ્યો છે. ગીત એને જ કહેવાય જે ગાઈ શકાય. ગીતની આ વ્યાખ્યા આપણે ત્યાં વર્ષોથી ચાલી આવે છે, પણ અત્યારે અગેય ગીતો પણ લખાય છે. પ્રવર્તમાન ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ગઝલ સારા એવા પ્રમાણમાં ખેડાઈ રહી છે. ગઝલના આ યુગમાં કેટલાક ગીત કવિઓની કલમે ગઝલ પણ ઉત્તમ રીતે ખેડાણ  પામેલી જણાય છે. જગદીપ ઉપાધ્યાય આવા કેટલાક ગીત કવિઓમાંના કવિ છે. ગીતની સાથે સાથે ગઝલ પણ ખૂબ જ સુંદર રીતે લખે છે. વાંકાનેરમાં વસતા આ કવિ પાસેથી 2008માં ‘શબ્દધનું’ અને 2018માં ‘પ્રણયાખ્યાન’ નામે બે સંગ્રહો આપણને પ્રાપ્ત થયા છે. ગીતનો ગુલાબી લય આમ તો કવિને કોઠે પડી ગયો છે. છતાં ગઝલ પણ સારી લખી જાણે છે. ‘છાલક’ સામયિકનું સંપાદન પણ વર્ષોથી કરી રહ્યા છે. ગીતના લયમાં લખાયેલી એમની એક ગઝલને ઉઘાડીએ.          

અમથું અમથું વ્હાલ વરસતું ઝરમર લાગે છે,      
શ્યામ ભલે હો મેઘ છતાં એ મનહર લાગે છે.                   

વ્હાલનો પણ એક વરસાદ હોય છે. પોતાના બાળકને ચૂમ્મીઓથી નવડાવતી માતાની મમતાના વરસાદની તોલે તો કોઈ જ ન આવે. પ્રસ્તુત શે’રમાં વરસતા વ્હાલના વરસાદની ઝરમર કવિને ખૂબ જ મોહક લાગે છે. આકાશમાં છવાયેલા કાળાડિબાંગ વાદળમાંથી વરસતા વરસાદની સરખામણી કવિએ શ્યામ સાથે કરી છે. ભગવાન કૃષ્ણનો રંગ કાળો હતો છતાં એ મનમોહક હતા. એ વાત કવિએ શ્યામ રંગના વાદળના વર્ણનથી કરીને આપણને તેની મ્હેકથી પરિચિત કર્યા છે. 

શિલા બદલે ડાળે લેખ લખેલો કોનો છે?
ફૂલો  જોતાં  થાય  હરિના  અક્ષર  લાગે  છે. 

કવિકર્મની પ્રમાણભૂતતા સિદ્ધ કરતું સંવેદન અતિશય નમણાશથી અવતર્યું હોય એવું લાગે છે. કવિ ફૂલોથી લચી પડેલી સૌ ડાળીઓને શિલા તરીકે કલ્પે છે અને ડાળીઓ પર લચી પડેલા ફૂલોને કવિ હરિના હસ્તાક્ષર ગણાવે છે. લયના કવિ રમેશ પારેખના ગીતનું સંવેદન અહીં ટાંકવાનું મન થાય છે.

કે કાગળ હરિ લખે તો બને      
અવર લખ્યા  એકે અક્ષર નથી ઉકલતા મને.              

હરિના હસ્તાક્ષરને માણવાની મજા આ બંને કવિઓએ લીધી હોય એવું લાગે છે. 

સુંદર ઝરણાં, પંખી, ફૂલો, વૃક્ષો ઈશ્વર પણ
કમાલ છે, આ સૌથી ય મા સુંદર લાગે છે.

પ્રત્યેકની લાગણીને સ્પર્શતી વાત કરીને કવિએ અહીં પોતે માણેલી, અનુભવેલી, મમતાને ઉજાગર કરી છે. મા વિશે જેણે પણ લખ્યું છે એ હંમેશાં વાસ્તવદર્શી લાગ્યું છે. પ્રસ્તુત શે’રમાં કવિને ઈશ્વરની બનાવેલી આ દુનિયા અને એ દુનિયામાં વસતાં જીવ ઉપરાંત ખુદ ઈશ્વરથી પણ મા  વધારે સુંદર લાગે છે. કવિશ્રી બોટાદકરને આ પળે ન સ્મરીએ  તો આ સંવેદન અધુરું લાગે.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ!
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ!

માની મમતા કદી પણ મરતી નથી. એ વાત કવિશ્રી બોટાદકરે જે શબ્દોથી વર્ણવી છે તે જ વાતને જગદીપ ઉપાધ્યાય આપણી સમક્ષ એમની ભાષામાં લઈને આવ્યા છે. કવિ કાગે પણ માનો મહિમા અદ્ભુત રીતે ગાયો છે.                  

જૂઈ, મોગરા, ચંદન કરતા સુગંધ છે નિરાળી,      
ધરતી પર  ફોરાંએ  છાંટયું  અત્તર  લાગે  છે. 

પહેલા વરસાદની મીઠી મહેક જેણે અનુભવેલી છે. તેને આ શે’રનું સંવેદન તરત જ સ્પર્શી જશે. ઈશ્વરે બનાવેલી આ રૂપાળી દુનિયામાં તેણે બનાવેલા ફૂલો અને ચંદન હંમેશાં મહેક આપતા આવ્યા છે, પણ કવિને આ સુગંધ કરતાં ય  પહેલા વરસાદથી મહેકતી માટીની સોડમ વધારે મીઠી લાગે છે.        

ગાય  કોયલો, પીળા જામા વૃક્ષોએ પહેર્યા,
આજ ઘરે ફાગણના કોઈ અવસર લાગે છે.

ફાગણનું આગમન થાય એટલે ઉત્સવો પોતાની કૂંપળો  કાઢે એ વાતને કવિએ પ્રસ્તુત શે’રમાં વિસ્તારથી વર્ણવી છે. કોયલ પોતાના કંઠને છૂટ્ટો મૂકીને ગાઈ રહી છે એ વાતને કવિએ ફાગણ સાથે સાંકળીને સુંદર બનાવી છે.

– જિતેન્દ્ર પ્રજાપતિ

કવિ શ્રી જીતેન્દ્ર પ્રજાપતિના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ના બધા આસ્વાદ લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

આપનો પ્રતિભાવ આપો....