આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૯)


બુદ્ધં શરણં ગચ્છામિ…

આમ્રપાલીએ ‘બુદ્ધં શરણં ગચ્છામિ…’ ઘોષ સાંભળીને આંખો ખોલી. તેને સમગ્ર વિશ્વ બદલાઈ ગયું હોય તેવું લાગ્યું. હકીકતમાં તેની ભીતર કોઈ જબરદસ્ત પરિવર્તન થયું હતું. તેણે દૂર નજર નાખી. તેણે એક મોહક વ્યક્તિત્વ ધરાવતો યુવક ભિક્ષુ વેશમાં ભિક્ષુ-સંઘની પાછળ પાછળ જતો જોયો. આમ્રપાલીને તે ભિક્ષુનો ચહેરો પરિચિત લાગ્યો. તે તેની પાછળ પાછળ ચાલવા લાગી…

છેવટે સંઘ આમ્રવનમાં આવ્યો. બુદ્ધની આકૃતિ ભવ્ય અને તેજસ્વી હતી. એક વૃક્ષની નીચે તેઓ સ્વસ્થતાથી નિમીલિત નેત્રે બેઠા હતા. ગયામાં પીપળનાં વૃક્ષ નીચે સિદ્ધાર્થને સત્યની પ્રાપ્તિ થઇ ગઈ. તેઓ જે ઈચ્છતા હતા તે તેમણે મળી ગયું. તેમણે ‘માર’ (કામવાસના) ઉપર વિજય મેળવ્યો.

આમ્રપાલી અમુક હદ સુધી જ આગળ વધી, પછી અટકી ગઈ. ઊભી રહી. અને બુદ્ધે નેત્રો ખોલ્યાં…

ભિક્ષુગણ શાંત થઇ ગયો અને ધીરગંભીર સ્વરે બુદ્ધનો અસ્ખલિત વાકપ્રવાહ શરુ થયો…’સર્વં દુઃખં દુઃખં, દુઃખમ સર્વ દુઃખમ’, આ સંસાર આખો દુઃખમય છે. ચારે તરફ દુઃખ જ દુઃખ છે. દુઃખ સિવાય કશું જ નથી. દુઃખનું કારણ તૃષ્ણા છે. વૈરાગ્ય દ્વારા દુઃખ અને તૃષ્ણાથી મુક્ત થઇ શકાય છે. તૃષ્ણા એટલે ઈચ્છા. ઈચ્છાથી મુક્ત થવા માટે નિર્વિકલ્પ ધ્યાન કરવું જોઈએ. એ જ નિર્વાણ છે.’

આમ્રપાલીને થયું બુદ્ધ મને ઉદ્દેશીને જ આ વાત કહે છે. હું દુખી હતી અને મને થોડીવાર પહેલાં શિવ મંદિરમાં એવી ઈચ્છારહિત ધ્યાનની એટલે કે શૂન્યની અવસ્થા પ્રાપ્ત થઇ હતી. તેનાં મનમાં થયું કે તે એકલી બુદ્ધ પાસે જઈને પોતાની એ અવસ્થાની વાત કરે. પણ…તેમના શિષ્યવૃંદોનો વિચાર આવતાં તે અટકી ગઈ. એટલે દૂરથી પણ બુદ્ધની ઓરા આમ્રપાલીને આકર્ષતી હતી. જાણે આમ્રપાલીનાં આંતરવિશ્વનો અંધકાર ઉલેચાઇ રહ્યો હતો. બુદ્ધના વાણીપ્રવાહમાં તે તણાઈ રહી હતી, ‘લાચારીથી કુમાર્ગ સ્વીકાર્યા પછી કાળાંતરે જાગૃતિ આવે અને પોતાના કુમાર્ગ પ્રત્યે ધિક્કારભાવ વધવા લાગે તો તેવી વ્યક્તિનો જરૂર ઉદ્ધાર થઇ જાય છે.’

આ શું? બુદ્ધ મારા ચિત્તને વાંચીને કહી રહ્યા છે! આમ્રપાલીની દ્વિધા ઓગળી ગઈ! તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. બુદ્ધની અસ્ખલિત પ્રભાવશાળી વાણી તેને આપ્લાવિત કરી રહી હતી. તેને સાચું દર્શન મળતું હતું.

‘જીવનનું લક્ષ્ય માત્ર સુખ ભોગવવાનું જ નથી. જીવન તો પરમ નિર્વાણ પ્રાપ્ત કરવા માટે છે.’ આમ્રપાલી પોતાના જીવનનાં સંદર્ભમાં વિચાર કરતી  પશ્ચાતાપ કરવા લાગી અને શુદ્ધ થતી રહી. શુદ્ધ વિચારો આંતરિક શુદ્ધતાની નિશાની કહેવાય.

બુદ્ધના શિષ્યો ઊભા થયા. જે શિષ્ય છેલ્લે બેઠો હતો તે સહુ પહેલા ઊભો થઇ તેની સામે આવતો દેખાયો. અરે! આ અભય તો નથીને…!


એ અભય જ હતો! આમ્રપાલીની નજર તીક્ષ્ણ હતી. તેણે ભિક્ષુવેશમાં અભયને ઓળખી લીધો. અભય તેની સાવ પાસે આવી ગયો હતો. આમ્રપાલીનાં મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ! અને અભય તેની સામે જોઈ જરા ચમક્યો…પરંતુ પછી સ્વસ્થ થઇ આમ્રપાલીને પ્રણામ કર્યા. એટલી વારમાં અન્ય ભિક્ષુઓ ત્યાં આવી પહોંચ્યા અને આમ્રપાલી સહુનું ધ્યાન ચુકાવી ત્યાંથી દૂર જઈ સંતાઈ ગઈ. અભય કાઈ કહે તે પહેલાં જ આમ્રપાલી જતી રહી હતી. સાથી ભિક્ષુઓ આવ્યા ત્યારે હવે તે રાહત અનુભવતો હતો.


બધાં ભિક્ષુઓ ગયા અને કેવળ બુદ્ધ જ રહ્યા. તે જોઈ આમ્રપાલી તેમની પાસે પહોંચી ગઈ. તેને સંકોચ થતો હતો. છતાં તે હિંમત એકઠી કરી તેમની સમ્મુખ આવી. તે અત્યારે પણ નવયૌવના સમી લગતી હતી, તેનું દૈહિક વ્યક્તિત્વ એટલું જ અદભુત અને અકબંધ હતું. બુદ્ધે તેને આવકાર આપ્યો. આમ્રપાલીએ શરૂઆતમાં જ પોતાનો સાચો પરિચય આપી દીધો.

જેમ આમ્રપાલી બુદ્ધથી પ્રભાવિત થઇ હતી તેમ જ બુદ્ધ પણ આમ્રપલીથી પ્રભાવિત થયા હતા. તે અભિજાત અને નિષ્કલંક હતી. પરિસ્થિતિવશ તે વર્તમાન કક્ષાએ પહોંચી હતી. તે કંચન સમી શુદ્ધ હતી.

આમ્રપાલીએ બુદ્ધને બીજા દિવસે પોતાને ત્યાં ભિક્ષા ગ્રહણ કરવાનું આમંત્રણ આપ્યું. બુદ્ધે પ્રેમથી તેનાં આમંત્રણનો સ્વીકાર કર્યો. નગરમાં હાહાકાર થઇ ગયો. બુદ્ધે તેમની વાત સાંભળીને શાંતિથી કહ્યું, ‘હે શ્રેષ્ઠીઓ, તમે જે કહ્યું તે બધું આમ્રપાલી વિષે હું જાણું છું. મારા માટે તે નવી વાત નથી. હું તમને પણ જાણું છું. તેને સહુ જાણે છે. ગણિકા સતી હોવાનો દાવો ન કરી શકે. પણ તમે જે સોનેરી આવરણોમાં લપેટાયેલા છો તે દૂર કરવામાં આવે તો તમે તેનાથી પણ પતિત છો. તમે તો આવરણ થકી જ ઊજળા છો એ પણ હું જાણું છું.’

સહુ નતમસ્તકે સાંભળી રહ્યા. બુદ્ધ અર્હતપદ-પ્રાપ્ત છે તેથી કોઈ તેમની સામે પ્રતિવાદ ન કરી શકે.

બીજે દિવસે બુદ્ધ ભિક્ષુસંઘ સાથે આમ્રપાલીને ત્યાં જમવા ગયા. લોકોને ન ગમ્યું, પણ બુદ્ધે કોઈની પરવા ન કરી. બુદ્ધના જમ્યા પછી આમ્રપાલીએ પોતાનું વિશાળ આમ્રવન બુદ્ધને ચરણે ધરી દીધું અને બધી સંપત્તિ દાનમાં આપી દીધી. બુદ્ધે તેને દીક્ષા આપી. હવે તે ભિક્ષુણી થઇ ગઈ હતી. તેનો નવો જન્મ થયો હતો. માતાની કૂખેથી થનારા જન્મ કરતા જ્ઞાનની કૂખેથી થયેલો નવો જન્મ અતિદિવ્ય હોય છે.

પ્રભાવશાળી દેહયષ્ટિ ધરાવનારી આમ્રપાલી ભિક્ષુણી વેશમાં પણ દીપી ઊઠી!

(ક્રમશ:)

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....