પ્રેમજીભાઈ પટેલનું નામ લઘુકથાના રસિકો માટે અજાણ્યું નથી જ! તલોદ પાસેનું નાનકડું ગામ ખેરોલ એમનૂં વતન, તલોદની કોલેજમાં વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના અધ્યાપક તરીકે કાર્યરત રહી હમણાં થોડા વર્ષ પહેલા જ નિવૃત્ત થયા છે. આજે પ્રસ્તુત છે તેમની પાંચ શૃંગારરસમાં તરબોળ રતિરાગની અદ્રુત લઘુકથાઓ..
પ્રેમજીભાઈનો પ્રથમ લઘુકથા સંગ્રહ ત્રેપનમી બારી (૧૯૯૫) પછી અમૃતવર્ષા (૨૦૦૩), સ્પર્શમણી (૨૦૧૦), અવેર (૨૦૧૩), કીડીકથા (૨૦૧૬) ટશિયાભર સુખ (૨૦૧૮), અને હજુ ગ્રંથસ્થ ન થઈ હોય એવી એમ કુલ મળીને પાચસોથી વધુ લઘુકથાઓ તેમણે આપી છે. એ લઘુકથાઓમાંથી રતિભાવને આલેખતી ૭૮ જેટલી લઘુકથાઓનું સંકલન ગણપતભાઈ સોઢાએ ૨૦૨૦માં આપ્યું છે. આદરણીય સ્વ. મોહનલાલ પટેલને સમર્પિત આ પુસ્તક ‘પ્રેમજી પટેલની રતિરાગની લઘુકથાઓ’ આદરણીય પ્રેમજીભાઈએ ખૂબ સ્નેહથી પાઠવ્યું અને એમાંથી લઘુકથાઓ પ્રકાશિત કરવાની પરવાનગી આપી એ બદલ તેમનો ખૂબ આભાર. સ્વ. મોહનલાલ પટેલ સાહેબ પ્રેમજીભાઈની લઘુકથાઓ વિશે કહે છે, ‘આ પુસ્તકના કારણે હઘુકથા સ્વરૂપની પ્રતિષ્ઠા દ્રઢ થશે અને અભ્યાસીઓને તેમજ લઘુકથા સર્જકોને આ પુસ્તક અત્યંત ઉપયોગી નીવડશે. આ પુસ્તકમાંથી અત્રે પાંચ લઘુકથાઓ પ્રસ્તુત કરી છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.
ઘરમાં વાયરો ગૂંચવાતો હતો. એ ગૂંચવણમાં બેસી રહ્યો. હજીય ‘ઓટલા પરની વાતો’ એ એનો પીછો છોડ્યો નહોતો.
ખાટલાની સામે ભીંત પાસે ‘સમુડી’નો કબજો પડી રહ્યો હતો. વાયરો આવ્યો તેથી ખૂંટી પરથી રમણિયા નું બુશર્ટ પડ્યું. કબજો અડધો ઢંકાઈ ગયો ને… ફરી એ ‘ઓટલા પરની વાતો’ વાગોળી રહ્યો.
કરસને કાનમા કહેલા એ શબ્દો હજુય ગરમ લાગતા હતા – ‘તમારા રમણિયાની વઉ સમુડી લગાર આડે પાટે.. તમે કશુંય કે’તા નથી?’
શું કહેવું? શું કરવું? – એ ગૂંચવાતો રહ્યો.
વાયરાનો એક જોરદાર હેલારો આવ્યો. ખૂંટી પર ભરાવેલું પોતાનું ખમીસ પડ્યું – કબજો, બુશર્ટ બંને ઢંકાઈ ગયાં.
..એકદમ પોતાના વિચારોનો તાળો મળ્યો હોય એમ એ ચમક્યો.. ઊઠ્યો.
અંગત મિત્રએ કાનમાં ગરમ પ્રવાહી રેડ્યું હોય એમ એની અસર થઈ – ભૂલવા મથું એમ ગણતરી મંડાતી જાય//!
– વરસ પહેલાં ગોરાણીએ ડોસાને જૂના ઘેર મારા ભેગું રાખવાની સલાહ દીધેલી. એ સલાહથી જ મેં બાપાને મારા ભેરું રાખેલા. જો કે એ વખતે અને આજે ય સીધી શંકા તો ન જ આવે?
– બાપો, તો ય શું? કંઈક કરવું પડે, ઘરે આવીને ખાટલે બેઠો પણ શું કરવું એની ગતાગમ જ પડી નહીં. કોઈ અંદરથી ઠપકો દેતું, ‘કંઈક કર’ મને એકદમ સવારની વાત યાદ આવી. પત્નીને પિયર જવા દેવાની ઈચ્છા નહોતી તે ના પાડી, ઝગડો કર્યો. પણ વાસનાં અને ગોરાણીએ વચ્ચે પડી જવા રજા અપાવેલી. = ‘દા’ડો તો કામમાં જાય પણ રાત..?’ મન મારીને ખેતર નીકળેલો. કેટકેટલાં વિચાર મોજાંની જેમ અથડાયા કરે છે!
‘દિયોર બૈરી વગર તમારાથી એક રાતેય કઢાતી નથી તો – ડોહા તો વિધુર છે.. પાંચ વરહથી!’ નવું મોજું અથડાયું.
‘ગોરાણી ય દહકાથી રાંડેલાં હશે -‘ ચિત્તમાં નવો તરંગ પ્રવેશ્યો..
— મૂવા આપણે બે વિશે જાણતા જ નથી ઇમ રાખવું! મનમાં ગાંઠ પડી, જેમ પેચોટી ઠેકાણે આવી જાય એમ હળવો ફૂલ થઈ ગયો.
અંધારામાં પેટી શોધતી પત્ની નીતાએ બૂમ મારી. ‘વંદો..’ એના મનમાં વંદાપુરાણ શરૂ થઈ ગયું.
…. વાચાની ચીસ સાથે જ લખવાનું છોડી, બાથરૂમ તરફ દોડ્યો… ને બારણું ખોલતાંક વાચા બાઝી પડી ફફડતી ફફડતી. ઘડીભર સમજાયું નહીં કે શું થયું! પછી સમજાયું હતું કે નહાવા બેઠેલી વાચાના પગ પર વંદો ચડ્યો તે જોતાં જ ચીસ પાડતી… પણ છોલેલા ફળ જેવી એમનેમ.. ચોંટી પડી, માંડ માંડ ‘વંદો’ બોલી શકેલી.
ટુવાલ માટે બેય અંદર ગયાં ને… ઝાપટ મારી બાથરૂમમાંથી વંદો દૂર કર્યો. દરમ્યાન એની સામે વંદાવૃત્તિ મૂછો ફફડાવા લાગી અને…. ય
નાની બેન સૂર્યાની સાથે કોલેજ કરતી વાચા સ્નાન કરી લે એટલામાં શાક પાંદડું ખરીદવા ગયેલી સૂર્યા અડધા કલાકે પાછી પ્રવેશી.
‘વાચા?’
‘સ્નાન કરતી હશે..’ એણે જવાબ આપ્યો.
અને.. વંદાકથા એ બે જ જાણતાં હતાં, વંદાપુરાણ ભરાતું રહ્યું…
– ‘વંદો ચડ્યો, પેટી ન લાવ્યા?’ પત્નીના શબ્દોથી એ જાગ્યો હોય એમ પેટી લેવા ગયો.
‘જુઓ માડી.. દલાભા જેવી પાઘડી..’
મધીએ ટી.વી ઉપરના ચહેરાને બતાવ્યો.
‘પઘડી એવી ખરી પણ આ તો મડદાલ છે જ્યારે એ તો બળકમદાર..’ બોલી ટી.વી સ્ક્રીન પર જોવાનો ડોળ કરી બાકીનું ગળી ગઈ : ‘એ ઉંમરે ય પટ્ટ દઈને ઉંચકી લે.. પૂરો દશકો તો.. હજીય.. જલુને નવ વરસ થવા આવ્યાં! એ પહેલાં… આમેય એમને તો ટી.બી તે દલાકાકાને લીધે તો ભવ જતો રહ્યો તો ય ખબેર્ય ન પડી!’
પછી જલુંને હસતાં હસતાં કહ્યું, ‘તને તો રોજ ચણા – ગોળીઓ – મમરા ગમે તે ગલ્લેથી લેતા જ આવે નંઈ?’
જલુનું માથું હકારમાં હલ્યું. ‘કાલે જ બિસ્કુટનું પડીકું…’ કહેતી જલુ રાજી થઈ, જોડે એની મા કાંતા ય.. એ ખસી..
‘કેમ મા જોવું નથી?’ જલુએ પ્રશ્ન કર્યો.
‘મને બઉ મજા..’ કહી ખસી પણ જીવ તો..!
‘કન્યાનો હાથ લાવો અને તમારો ય..’
ગોર મહારાજ હસ્તમેળાપનો સમય સાચવવા પ્રયાસ કરતા હતા પણ હસ્તાયણ ખૂલી ગયું..
‘મારો હાથ જુઓ.. હું પાસ થઈશ પણ કેટલા ટકા આવશે એ કહી દો તો બસ જોશી ખરા!; પપ્પાના સ્ટાફના એક શિક્ષક હાથ જોતા એ ઘેર આવતા જ સીમાએ કહેવા માંડ્યું.
‘હાથ તો સરસ છે, અને આંગળીઓ પણ..;
‘બહારની નહીં, હસ્તરેખાઓ વિશે કહો.’
‘લાડવા ખવડાવવા હોય તો વિચારું.’
‘એક નંઈ બબ્બે ખાજો.. પણ ખોટું ના પડે તો ખાવા મળશે હોં!’
લાડવા ખાધા ય ખરા.. પણ છાનામાના.
‘કન્યાનો હાથ’ કહેતાં ગોર મહારાજે હાથ ખેંચ્યો ત્યારે એ સભાન થઈ અને બીજા હાથમાં તેનો હાથ ગોઠવાયો.
— પ્રેમજી પટેલ
પુસ્તક : પ્રેમજી પટેલની રતિરાગની લઘુકથાઓ. સં. ગણપત સોઢા; અરાવલી પ્રકાશન, હિંમતનગર. મૂલ્ય ૨૫૦ પુસ્તક પ્રાપ્તિ માટે પ્રેમજીભાઈનો મો. ૯૪૨૬૩ ૬૫૮૦૨ પર સંપર્ક કરી શકાય છે.
આપણી ભાષામાં લઘુકથા ક્ષેત્રે થયેલા બૃહદ કામની સંકલિત યાદી, એના સર્જકોનો વિગતે પરિચય અને એમના કામની ઓળખ સહેલાઈથી મળતી નથી એનો વસવસો રહ્યો છે અને એટલે જ હવે ગુજરાતી લઘુકથાકારોનું એક કેન્દ્રિય સંકલન કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. શરૂઆત કરી દીધી છે અને અનેક વડીલોનો સાથ સહકાર પણ સતત મળી રહ્યો છે. ઘણી માહિતી એકત્રિત કરવાની થશે અને એ રીતે ઘણાં લઘુકથા સર્જકોની રચનાઓ માણવાનુંં સૌભાગ્ય મળશે એ આ પ્રયાસનો આડલાભ હશે.
અદભુત વાર્તાઓ -લઘુકથા ક્ષેત્રે પ્રેમજી પટેલે ઘણું નોંધનીય કામ કર્યું છે એ સ્પષ્ટ છે.