આમ્રપાલીએ જેટલી સહજતાથી વૈશાલીનું જનપદકલ્યાણીનું પદ સ્વીકાર્યું હતું એટલી જ સહજતાથી કેવળ તે પદ જ નહીં સઘળું ત્યાગી દીધું. બિંબિસાર ગયો તે પછી માયા મહેલમાં દેખાયો જ નહીં. આમ્રપાલીએ માયા મહેલ છોડતા પહેલાં ઘણી વ્યવસ્થા કરી. વિશાખા અને ધનિકાએ આમ્રપાલી સાથે જ રહેવાનો નિશ્ચય કર્યો હતો અને તેઓ પણ બુદ્ધનાં સંઘમાં જોડાઈને ભિક્ષુણી બની ગઈ.
આમ્રપાલીએ મોહ-માયાનો ત્યાગ કર્યો. મગધથી જયારે બિંબિસારનો પુત્ર આમ્રપાલીને મળવા આવ્યો ત્યારે આમ્રપાલી તેને તરત જ ઓળખી ગઈ કે તે ભૂતકાળમાં વેશપલટો કરીને ઘણીવાર તેની પાસે આવી ચુક્યો છે! બિંબિસારનો પુત્ર અજાતશત્રુ આમ્રપાલીની દીક્ષાની વાત સાંભળી સંકોચથી જતો રહ્યો.
વર્ષકારે જખમી હાલતમાં પણ અજાતશત્રુને આમ્રપાલી પાસે ન જવા સમજાવ્યો હતો. પણ તે તેના પિતા કરતા વધારે જીદ્દી અને મહત્વાકાંક્ષી હતો. છેવટે વર્ષકારે તેને કહ્યું હતું કે, ‘મને બહુ પહેલાંથી ખબર હતી કે તમે અને મહારાજ બન્ને અલગ અલગ સમયે આમ્રપાલીને મળવા ઘણી વાર આવતા હતા! મહારાજને તો હું તરતજ ઓળખી ગયો હતો પણ તમે જયારે બીજીવાર વેશપલટો કરીને આવ્યા હતા ત્યારે મેં તમને ઓળખ્યા હતા!’ પરંતુ મારે વૈશાલીને પરાસ્ત કરવા સાથે નિસબત હતી.’
કારણ કે ભગવાન બુદ્ધના વચનોથી આમ્રપાલીને જીવનનું સત્ય અને જીવનનો અર્થ સમજાયો હતો તેથી બુદ્ધે તેને ભિક્ષુણી સંઘનું સર્વોચ્ચ પદ ગ્રહણ કરવા કહ્યું. આમ્રપાલીએ ત્યાં પણ પોતાનો સમાજ-ધર્મ નિભાવ્યો. હવે તેના હાથ નીચે એક સહસ્ત્રથી વધારે ભિક્ષુણીઓનો સંઘ હતો.
અભય બહુ ડાહ્યો અને સમજુ હતો. તે વૈશાલીની અને આમ્રપાલીની રજેરજ માહિતી જાણતો હતો. પરંતુ અભ્યાસ સાથે તેને વિહાર કરવાનો પણ શોખ હતો. તેના નજીકના સહાધ્યાયી મિત્રે જયારે દીક્ષા લીધી ત્યારે તે બુદ્ધને સાંભળવા જતો હતો. ધીમે ધીમે તે તેમના તરફ ઢળવા લાગ્યો હતો અને અંતે તેણે દીક્ષા લઇ લીધી હતી.
સંઘમાં અભયને તેના મિત્ર પાસેથી જે જાણવા મળ્યું હતું તેનો સાર તેણે આમ્રપાલીને જણાવ્યો. બિંબિસાર પણ બુદ્ધને શરણે આવ્યા હતા. પણ અજાતશત્રુએ પિતા બિંબિસારને કેદ કરી લીધા હતા અને તે મગધનો રાજા બની બેઠો હતો. પછી એમ પણ જાણવા મળ્યું કે બિંબિસારને કેદમાં આહારના અભાવે પ્રાણ ત્યાગવા પડ્યા હતા. અજાતશત્રુએ તેમને આહાર પહોંચાડવાની મનાઈ ફરમાવી હતી.
આ સાંભળી આમ્રપાલી જરા વિચલિત થઇ ગઈ હતી. તેની આંખમાંથી અશ્રુબિંદુઓ સર્યા હતા.
વર્ષકારને ઊડો ઘા લાગ્યો હતો અને રાક્ષસને ભરોસો હતો કે હવે તે નહીં બચે. પણ તે બચી ગયો. તેનો ઘાવ હજુ સાવ મટ્યો ન હતો પરંતુ હવે તેને લાગ્યું હતું કે તેના પ્રાણ બચી જશે. રાક્ષસને મગધનો દેશદ્રોહી ગણીને તેનો વધ કરવામાં આવ્યો હતો.
વર્ષકાર નદીમાં મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. એ તેનો નિત્યક્રમ હતો. તેનું સ્વાસ્થ્ય થોડું સુધર્યા પછી તે ફરી નિત્યક્રમ તરફ વળ્યો હતો. નદીનાં પાણી ખળખળ વહી રહ્યાં હતાં અને અચાનક એક મગર ત્યાં ધસી આવ્યો અને વર્ષકારનો પગ પકડીને તેને પાણીમાં ખેંચી જવા લાગ્યો…વર્ષકાર ‘બચાવો…બચાવો’ જેવા પોકારો પણ ન કરી શક્યો…કારણ કે મગર તેનો પગ પકડી એકદમ પાણીમાં ઊડો ઊતરી ગયો અને વર્ષકાર જળમાં જ તરફડીને, ફેફસામાં પાણી ભરાઈ જવાથી મૃત્યુ પામ્યો અને મગરનો આહાર બની ગયો! આ રીતે મહાઅમાત્ય બ્રહ્મણ વર્ષકારનો અતિ કરુણ અંત આવ્યો.
બુદ્ધે આમ્રપાલીને દીક્ષા આપી. આમ્રપાલીએ ધન્યતા અનુભવી. હવે તે સ્ત્રીઓને તૃષ્ણા મુક્ત થવાનો ઉપદેશ આપતી હતી. અનેક સ્ત્રીઓ આમ્રપાલીથી આકર્ષાઈને સંઘમાં જોડતી હતી. સહુ જાણતી હતી કે આમ્રપાલીએ તેની સઘળી ભૌતિક સંપત્તિનું દાન કરી દીધું છે. માયા મહેલ અને આમ્રવન પણ ભિક્ષુઓ માટે બુદ્ધને દાનમાં આપી દીધું છે. તેમને અસર કરે તેવી સહુથી મોટી વાત એ હતી કે તેણે પોતાના પુત્રને પણ ભિક્ષુ બનાવી દીધો છે.
આમ્રપાલી મગધમાં ભળી ગયેલા વૈશાલીમાં આવી! તે એ આમ્રવનમાં પ્રવેશી જે એક વખત તેનું હતું. પરંતુ હવે તે નિર્લેપ અને નિસ્પૃહ થઇ ગઈ હતી. તે ભિક્ષુણી બની ભિક્ષા માટે ભિક્ષુણીઓના સંઘ સાથે વૈશાલીનાં રસ્તા પર ચાલવા લાગી. મગધના લોકો આમ્રપાલીને અને તેના સંઘને જોઈ રહ્યા! આમ્રપાલીનાં મધુર સ્વરે ઘરમાં રહેલા લોકો પણ બહાર આવીને જોવા લાગ્યા…વાતાવરણમાં એ મહાસ્વર પ્રસરતો જતો હતો
[સમૂહગાન]
બુદ્ધં શરણં ગચ્છામિ,
ધમ્મં શરણં ગચ્છામિ,
સંઘં શરણં ગચ્છામિ.
ઇતિ
‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.
ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.
VERY NICE READ 1-40 PARTS. WHOLE ‘AMRAPALI’ STORY . CONGRATULATION FOR HARD WORK TO PRAKASH BHAI & HARSHAD BHAI. BUDHAM SHARNAM GACHAMI. DHAMAM SHARAN GACHAMI.
Thank you for your response. I am thankful to Aksharnaad.com also for publishing this novel.
Adbhut