રાક્ષસ અને વર્ષકાર
અમાત્ય રાક્ષસ વર્ષકારને વૈશાલીના કિલ્લાનો દરવાજો સોંપીને આવ્યા પછી વૈશાલીના લિચ્છવીઓને એકત્રિત કરવા મારતે ઘોડે સેનાપતિના આવાસે પહોંચ્યો. પરંતુ ‘જેનો સેનાપતિ આંધળો તેનું કટક કૂવામાં’ જેવી પરિસ્થિતિ તેણે સેનાપતિને ઘરે જોઈ. સેનાપતિના હાથમાં દારૂની બોટલ હતી… તેણે આખી રાત દારૂ ઢીંચ્યો હશે એમ લાગતું હતું.
રાક્ષસે અત્યંત ક્રોધિત થઈને સેનાપતિને હચમચાવીને કહ્યું, ‘સેનાપતિ… આ શું? તમને કાંઈ ભાન છે કે નહીં… આપણી સેનાને તત્કાલિક તૈયાર કરો… અત્યારે જ યુદ્ધ લડવાનું છે… મગધની વિરાટ સેના આંગણે આવીને ઊભી છે… ખૂબ જ જલ્દી પહોંચો…’
રાક્ષસનાં શબ્દોની નશામાં આકંઠ ડૂબેલા સેનાપતિનાં કાનમાં ‘યુદ્ધ’ સિવાય કોઈ શબ્દ ગયો નહોતો. તે લવારો કરવા લાગ્યો, ‘અમાત્યજી, તમે ખાલી ચિંતા કરો છો…યુદ્ધ થવાનું જ નથી, લો આ પીઓ…વૈશાલીનો વિનાશ…વર્ષકાર દુશ્મન છે…બધા…હા હા હા…તમે ભાગો…હું મગધનો…હ…હ…સેનાપતિ…’ સેનાપતિના મુખમાંથી ત્રૂટક ત્રૂટક નીકળતા શબ્દનો સાર પામી ગયેલા રાક્ષસે જોયું કે તે નશામાં બે હાથ-પગ પહોળા કરીને પડી ગયો…અને દારૂનો શીશો ગબડતો ગબડતો રાક્ષસનાં પગ પાસે આવીને અટક્યો.
રાક્ષસને થયું વર્ષકાર વૈશાલીનો દુશ્મન! પોતે તો તેને કિલ્લો સંભાળવાનું કહીને આવ્યો છે…હવે શું થશે? તેને પરસેવો વળી ગયો. તે ત્વરાથી સેનાપતિને છોડી બહાર આવ્યો, મનમાં વિચાર કરતો હતો કે આ તો સર્વનાશની નિશાની છે…વૈશાલીની રાત્રીની અને દિવસની અવદશા જોઇને તેને કોઈ રસ્તો સૂઝતો નહોતો. તેણે પોતાના અવાસે પહોંચી ખાસ માણસોને પોતાના પરિવાર સાથે અબઘડી વૈશાલી છોડી જવા કહ્યું. એટલી વારમાં તો તેને પ્રવેશ દ્વાર પાસે ઘર બહાર તેને અનેક અશ્વોની હણહણાટી સંભળાઈ!
તે ઝડપથી બખ્તર પહેરી શસ્ત્રો, તલવાર, ભાલો, કટારી, મુદ્રાઓ વગેરે લઇ પાછલા બારણેથી બહાર નીકળી ગયો. તે છૂપા રસ્તે અશ્વ વગર જ જીવ બચાવી ભાગ્યો. તે વૈશાલીની ગલીએ ગલીનો ભોમિયો હતો. તેનું મગજ ઝડપથી વિચારવા લાગ્યું. તેણે એક ઊંચી અટ્ટાલિકા પરથી સંતાઈને જોયું તો વૈશાલીમાં મગધનું સૈન્ય બેફામ બની ધસી આવ્યું હતું અને દરેક ઘરમાં ઘૂસી જતું હતું, રસ્તામાં જે મળે તેને તલવારથી મારતું જતું હતું. રાક્ષસને આ જોઈ તમ્મર આવી ગયા, પરંતુ ગમે તેમ પોતાને સંભાળી લઇ તે ગુપ્ત માર્ગે વૈશાલીની ભાગોળે આવી ગયો. તેણે વર્ષકારને ગણપતિનાં ઘરમાંથી બહાર નીકળતો જોયો. વર્ષકાર રથમાં બેઠો અને રથ ચાલવા લાગ્યો. રથ માયા મહેલની દિશામાં આવતો હતો. તે બધું સમજી ગયો. તે માયા મહેલમાં જઈ છુપાઈ ગયો. તેણે કેસરિયા કરવાનો સંકલ્પ કરી લીધો. તેણે દગાબાજ અને વિશ્વાસઘાતી વર્ષકારને મારી નાખવાનો સંકલ્પ કર્યો અને તે યોગ્ય તકની રાહ જોતો માયા મહેલના પ્રવેશદ્વારનાં એક સ્તંભ પાછળ તૈયાર થઈને ઊભો રહ્યો…
આગળની જ્યોતથી પ્રકાશિત દૂર દૂર એક રથ માયા મહેલ તરફ આવતો દેખાયો…
***
માયા મહેલમાંથી વિશાખા અને ધનિકા આમ્રપાલીને શોધવા મંદિર તરફ ગયા હતા. દાસ દાસીઓ અને ચોકિયાતોને જાણ થઇ ગઈ હતી કે વૈશાલી પર મગધે કબજો કરી લીધો છે. રાત્રે દૂરથી દેખાતી અગનજ્વાળા જોઈ તેઓ પોતાના કુટુંબીજનોની સલામતીની ચિંતા કરવા લાગ્યા હતા પરંતુ પોતાની સલામતીનું શું એ વિચારે માયા મહેલમાં ભયભીત થઈને બેઠા હતા. અને રાત વધારે ને વધારે બિહામણી બનતી જતી હતી…
***
વૈશાલી ભડકે બળતું જોઇને વર્ષકારના હૃદયમાં ટાઢક વળતી હતી. ચારે તરફ કાપાકાપી ચાલતી હતી. બિંબિસારે અનેક યુદ્ધોમાં આવાં દૃશ્યો જોયાં હતાં તેથી તે નિર્લેપભાવે, મનમાં આમ્રપાલી વિષે વિચારતો હતો. પણ વર્ષકારને અચાનક યાદ આવ્યું કે રાક્ષસનું શું થયું? તેણે ગુપ્તચરને બોલાવી પૂછ્યું, ‘અમાત્ય રાક્ષસ હણાયો કે નહીં?’ ગુપ્તચરે ભય પામી કહ્યું, ‘તેમના આવાસમાં કોઈ ન હતું અને અન્ય કોઈએ હણ્યો હોય તેવા સમાચાર હજુસુધી મને મળ્યા નથી. હવે વર્ષકારનાં મનમાં ભય પેઠો. તે રાક્ષસને સારી રીતે જાણતો હતો. તે ખંધો અને ભયાનક હતો. તે બધું સમજી ગયો હશે, કદાચ મારું રહસ્ય પણ તે જાણી ગયો હશે. શું તે જીવિત હશે? જો તે જીવિત હોય તો તેનાથી સાવચેત રહેવું પડશે.
અને રથ માયા મહેલનાં પરિસરમાં પ્રવેશ્યો…
દાસ-દાસીઓ બધા કામકાજ પડતા મૂકી માયા મહેલને આંગણે આવેલા રથને જોઈ રહ્યા.
રથની આસપાસ રક્ષકો હતા. સહુ પ્રથમ સેનાપતિ ઉતર્યા, ત્યાર બાદ વર્ષકાર ઉતર્યો, અને મગધનરેશ બિંબીસાર ઉતર્યા…
સોપાનશ્રેણી ચડતા તેઓ આગળ વધતા હતા ત્યાં જ એક ત્રાડ સંભળાઈ, ‘ખબરદાર…વર્ષકાર!’ અને અચાનક રાક્ષસ વર્ષકાર પર ત્રાટક્યો…બીજા રક્ષકો સાબદા થાય તે પહેલા રાક્ષસે વીજળી જેવી ત્વરાથી તેની તલવાર ઉગામી અને વર્ષકાર ઉપર પ્રહાર કર્યો… વર્ષકાર પ્રહારથી બચવા આગળ ઝૂક્યો અને તલવાર તેની પીઠમાં ભોંકાઈ…તે ચીસ પાડી ઉઠ્યો…એટલીવારમાં મગધનરેશનાં રક્ષકોએ હુમલાખોરને ઘેરી લીધો અને ત્રણચાર સૈનિકોએ તેને પકડી લીધો.
મગધનરેશ સફાળા પાછા ફર્યા…વર્ષકારની સામે જોયું. વર્ષકારે કહ્યું, ‘મહારાજ…રાક્ષસ…વૈશાલીનો અમાત્ય…બચી ગયો…’ તે વધુ ન બોલી શક્યો અને મૂર્છિત થઇ ગયો. મગધનરેશે આદેશ આપ્યો, ‘વર્ષકારને તરત સારવાર માટે લઇ જાઓ.’
‘રાક્ષસને પ્રાણદંડ આપવામાં આવે છે…’ ‘જાઓ…’
ઊંચા અવાજે મગધનરેશનો અવાજ સાંભળી સહુ ફટાફટ દોડાદોડી કરવા લાગ્યા. વર્ષકારને ઝડપથી વૈદ્યરાજ પાસે લઇ જવામાં આવ્યો. રાક્ષસને કેદ કરી પડાવ તરફ રવાના કરવામાં આવ્યો…પણ એક સૈનિકની તલવાર તેને લાગી ચૂકી હતી, તે ઘા મરણતોલ હતો…બે ડગલાં ચાલી તેણે અંતિમ શબ્દો ઉચ્ચાર્યા: ‘વૈશાલીનો…જ..ય…’
શું વર્ષકાર બચી જશે?
‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.
ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.