વરસાદી રચનાઓ – મીરા જોશી 7


મીરા જોશી સંવેદનશીલ સર્જક – લેખક અને કવયિત્રી છે, એમની કવિતાઓ, એમના પ્રવાસ વર્ણનો, નિબંધો એ બધું સતત લાગણીથી છલકતું જોવા મળે છે. અક્ષરનાદને એમણે પાઠવેલી આ સુંદર વરસાદી કવિતાઓમાંની ભીનાશ એ વાતની સાક્ષી પૂરે છે. સુંદર રચનાઓ બદલ મીરાને ખૂબ શુભકામનાઓ.

આ વરસાદે,
માટીની ભીની ગંધ,
‘માસ્ક’ની આરપાર થઈ હવામાં જ રહી ગઈ..
વરસાદની વાછટ
બારીમાં જ અથડાઈને અટકી ગઈ…
આ વરસાદે,
અગાસી ભીની તો થઈ,
પણ ભીના પગલાની છાપ અધુરી રહી ગઈ..
મોરનો ટહુકાર, કાગડાનું કા-કા
આ વરસાદે
કોઈ મહેમાન લાવ્યું નહિ…!
આ વરસાદે,
મોસમ હરિયાળી લીલીછમ થઈ,
પણ ચોમાસાનો રોમાંચ
‘સેનીટાઈઝર’માં વહી ગયો..!


ચાર દિવસથી પડું પડું કરતા
વરસાદી વાદળો,
આખરે વરસી પડ્યા એક બપોરે
વરસાદી વીજળી ને ગેબી અંધકાર બાદ,
નીકળેલા સોનેરી તડકે,
શરીરને તો મૂકી દઉં
પણ તારી યાદોથી ભીંજાતા
હ્રદય,
નયનો,
ક્યા તડકે મુકું?!


મારા ઉરોજ
અને તારી છાતીની ભીંસમાં..
આપણા શ્વાસની લગોલગ,
પસાર થતી એકમાત્ર
આ વરસાદની બુંદો..
જાણવા મથે,
હ્રદયે રચાતી
આપણી
મૌન કવિતા..!


લાગણીથી તરબોળ રહેતા હ્રદયો
ક્યાંક ખોવાઈ ગયા છે…
હવે વરસાદ મળે તો
ભેટીને રડવું છે…!


વરસાદ અને તું….
બન્ને મોડા પડ્યા, આ વખતે
રિસાયેલી ધરતીને મનાવવામાં…!


તારું ને મારું
એકાંત
ડહોળાઈ ગયું..
જયારે વરસાદ આપણો
નોખો થઈ ગયો..!


તું
મઘમઘતી સુગંધ છે?
યાદનું વાદળ છે કે
રમઝમતો વરસાદ..?
તું વરસાદ નથી,
વરસાદ તો રોજ
બારીએ વાછટ બની આવે છે..
પણ
તારી યાદનું વાદળ
આંગણે જ અટકી જાય છે..
ક્યારેય ઝરમરતું નથી..!
વરસાદ આવશેની આગાહી તો મળે છે
પણ તું આવીશ
એની આગાહી જો મળે તો?
તો બચેલી જિંદગીમાં
થોડા પ્રેમના બીજ વાવી લઉં!
મુઠ્ઠીમાં વરસાદ ભરી કવિતા રચી લઉં..!
ડૂબતા શ્વાસોનો પીછો કરી લઉં..
‘તું આવે છે’ની આગાહી જો મળે તો..
હસ્તરેખામાં ફરીવાર તારું નામ કોતરી લઉં..
અનાયાસ ખરી પડતા આંસુઓને ઝીલી લઉં..
ચીમળાયેલા સમયને ખંખેરી તાજો કરી લઉં..
પણ ‘તું આવીશ’
એવી આગાહી મળશે ક્યાંયથી?!
કહેને..

– મીરા જોશી


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “વરસાદી રચનાઓ – મીરા જોશી