આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૭)


આમ્રપાલી ક્યાં?

બિંબિસારને એ ન સમજાયું કે આમ્રપાલી ફરી કેમ મૂર્ચ્છિત થઇ ગઈ. તેણે દાસી પાસે થોડું જળ મંગાવ્યું અને તે આમ્રપાલીના મુખ પર છંટકાવ કરવા લાગ્યો. જળના શીતળ સીકર સ્પર્શથી આમ્રપાલીએ આંખ ઉઘાડી. પોતે શય્યામાં સુતી છે અને દેવેન્દ્ર પ્રેમપૂર્વક તેના કરકમલો વડે તેના ચહેરાની લટને મુખ પરથી મસ્તક પર સરખી રાખી રહ્યો છે. તેને લજ્જા આવી અને તરત બેઠી થઇ ગઈ.

‘દેવી, આરામ કરવો ઉચિત છે.’

આમ્રપાલી હવે સ્વસ્થ થઇ ચુકી હતી. તેણે ન સમજાય તેવી દૃષ્ટિએ દેવેન્દ્ર સામે જોઇને કહ્યું, ‘તમે…તમે…મગધનરેશ?’ મગધ નરેશ પ્રેમથી મંદ મંદ સ્મિત કરતા રહ્યા. આમ્રપાલી તેમની સામે  તિરસ્કાર અને ઘૃણાથી જોઇને મોટા અવાજે બોલી, ‘તમે પણ મારી સાથે દગો કર્યો?’

આ દેવેન્દ્ર… તેના જીવનમાં આવેલો તેનો પ્રણય-મિત્ર જ મગધનરેશ હતો. તે જ પૃથ્વીવલ્લભ હતો. આમ્રપાલીનાં મનનું સમાધાન કરતા બિંબિસાર બોલ્યો, ‘દેવી, શાંત થાઓ, મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો. હું તો આવ્યો હતો તમને જોવા અને તમે મને તમારા હૃદયમાં સ્થાન આપ્યું, અને તમે પણ મારા હૃદયમાં વસી ગયા હતા. આપણે સાથે રહ્યા. જીવન માણ્યું. આપણો અભય…’

અને આમ્રપાલી ક્રોધિત અને કંપતા સ્વરે બોલી, ‘અભય…, હા તે આપણું જ બાળક છે. તમારા થકી જ તેનો જન્મ થયો છે. પરંતુ આજે તે તમારું બાળક નથી કારણ કે તે લિચ્છવી છે અને લિચ્છવી જ રહેશે. હું તેને ક્યારેય મગધનું સંતાન નહીં બનવા દઉં.’

બિંબિસારે જોયું કે કક્ષ બહાર સહુ આવી વાતો સાંભળે તે ઠીક નહીં, વળી આમ્રપાલી અત્યારે ક્રોધિત અવસ્થામાં છે. તેથી તેણે મૌન સેવવું ઉચિત માન્યું. માનસિક અને શારીરિક રીતે ભાંગી પડેલી આમ્રપાલીનો રોષ હળવે હળવે હળવો થયો…તે અવશ બની નિદ્રાધીન થઇ ગઈ.

ધીમે રહી મગધનરેશ ઊભો થયો અને તેના રસાલા સાથે માયા મહેલ બહાર નીકળી ગયો.

બિંબિસાર અને વર્ષકાર ચુપચાપ છાવણીમાં આવ્યા અને સૂઈ ગયા…પણ તેમને તેમનાં સ્વપ્નાં સૂવા દેશે?

***

સૂર્યોદય થતા પહેલાં જ આળસ મરડીને ઊભી થઇ જતી, ધમધમવા લાગતી  વૈશાલી નગરી શાપિત નગરી જેવી નિર્જીવ ભાસતી હતી. પણ આ શું…દૂર દૂરથી નજીક આવતો જતો મંગલ ધ્વનિ છેક વૈશાલીની સીમામાં સૂર્યોદય સાથે, સૂર્યના કિરણો સાથે પ્રવેશ્યો. સાધુ-સાધ્વીઓનો એક સમૂહ લયબદ્ધ ઉચ્ચારણ કરતો કરતો વૈશાલીમાં પ્રવેશ્યો:

[સમૂહગાન-કોરસ]

બુદ્ધં શરણં ગચ્છામિ,

ધંમં શરણં ગચ્છામિ,

સંઘં શરણં ગચ્છામિ.

અને એ મંગલ ધ્વનિ માયા મહેલની બહાર આવેલી એક આમ્રકુંજ પાસે અટક્યો.

આમ્રપાલી જાગૃત થઇ…

***

એકપછી એક નાટ્યાત્મક બનતા જતા બનાવોએ આમ્રપાલીની વિચારશક્તિને કુંઠિત કરી નાખી હતી. તે જાગૃત થઇ અને પ્રાતઃકાર્ય આટોપી મહાદેવના મંદિરે આવી. અને વાતાવરણની શાંતિમાં ખોવાઈ ગઈ. પોતાની ભીતર ઊતરી ગઈ. પ્રગાઢ શાંતિ. તેનાં મનનાં દ્વાર જાણે આજે ખૂલી ગયા હતા. તે સઘળું વિસરી ગઈ. તેની બધી દ્વિધાઓ શાંત થઇ ગઈ. તેના સવાલોનું સમાધાન થઇ ગયું હોય તેમ લાગ્યું. અને તેનું મન હળવું ફૂલ થઇ ગયું. હવે તેને સંકલ્પ વિકલ્પ કરવાની જરૂર ન રહી. હવે તેને કોઈ પ્રશ્નો પજવતા ન હતા. તેનાં મનમાં વૈશાલી વિષે કોઈ વિચાર ન હતો. તેના મનોપ્રદેશ પર હંમેશાં છવાયેલો રહેતો દેવેન્દ્ર પણ અત્યારે ન હતો. અભય માટે મનમાં ઉચાટ કે ચિંતા રહેતી તે પણ ગાયબ થઇ ગઈ હતી. જાણે તે નિર્વિચાર થઇ ગઈ હતી. શું તેને નિર્વિકલ્પ સમાધિ લાગી ગઈ હશે? એક પ્રહર પસાર થઇ ગયો. મંદિરમાં સ્તુતિગાન નહીં, ન ઘંટારવ, ન કીર્તન કે ભજન. પક્ષીનો કલરવ પણ તેને સંભળાતો ન હતો.

***

ગુપ્તચરોએ વિશાખાને જે માહિતી આપી તે માની ન શકાય તેવી હતી પણ તેમાં તથ્ય હતું એ વિશાખા સમજી ગઈ હતી. મગધનાં સૈન્યે સમગ્ર વૈશાલી ઉપર કબજો જમાવી દીધો છે. અત્યારે નગરમાં સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. બધા યોદ્ધાઓ હણાઈ ગયા છે. મૃતદેહોને ગંગામાં પ્રવાહિત કરી દેવામાં આવી રહ્યા છે.

ધનિકા પારેવાની જેમ ફફડતી હતી. એમ લાગતું હતું કે હમણાં જ તેનું હૃદય બંધ પડી જશે. વિશાખા પણ ગભરાવા લાગી હતી છતાં તેણે ધનિકાને કહ્યું, ‘તું હિંમત રાખ. કોઈને કોઈ રસ્તો જરૂર મળશે.’

ધનિકાએ કહ્યું, ‘પણ દેવી મંદિરેથી હજુ સુધી અહીં આવ્યા નથી, એક પ્રહાર થઇ ગયો છે. મને  અમંગળ વિચારો આવે છે.’

‘શું કહ્યું તેં, દેવી હજુ સુધી મંદિરેથી આવ્યા નથી?’ વિશાખાએ અધીરતાથી પૂછ્યું. પછી વિશાખા કહે, ‘ચાલ આપણે મંદિરે જઈને તપાસ કરીએ…’

બંનેનાં ચિત્તમાં ચિંતા સળવળવા લાગી…આમ્રપાલી ક્યાં હશે?

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....