સીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)


બન્યું એવુું કે જેલમાં રહેલા એક એંસી વર્ષના ગરીબ આરોપીની જામીન અરજી મફત લડવા જેલરે મને વિનંતી ક્રરેલી. એંસી વર્ષનો બાપ અને ત્રીસ વર્ષનો પુત્ર, હત્યાના આરોપમાં જેલમાં હતા. ચાર્જશીટ જોતાં સમજાતું હતું કે આ હત્યા પુત્રએ કરેલી છે પણ બાપને ખોટો ફસાવી દેવાયો છે, આ અરજી પર હું દલીલ શરૂ કરું તે પહેલા જજ સાહેબે મને કહ્યું, જીતુભાઈ, જેટલી લાંબી દલીલો કરવી હોય એટલી કરો, હું હત્યાના કેસમાં જામીન આપતો જ નથી. મેં તે છતાં પૂરેપૂરા દિલથી પૂરેપૂરી દલીલો કરી. મને આશા હતી કે આ જામીન અરજી તો ચોક્કસ મંજૂર થશે કારણ કે બનાવના દિવસે બાપની હાજરી બીજે હતી તેવું પોલિસ રેકોર્ડ ઉપરથી જ પુરવાર થતું હતું. સાંજે પાંચ વાગ્યે ચુકાદો આવ્યો કે જામીન નામંજૂર. અને એ જ રાત્રે એ એંસી વર્ષના આરોપીએ જેલમાં આત્મહત્યા કરી લીધી.

સવારે અખબારમાં આ સમાચાર વાંચ્યા અને ન્યાયમંદિર ગયો. થોડી વારમાં જજ સાહેબનો પટાવાળો મને બોલાવવા આવ્યો. હું સાહેબની ચેમ્બરમાં ગયો, મને જોઈને સાહેબની આંખમાં આંસુ આવી ગયા. સાહેબે મને કહ્યું, “જીતુભાઈ આઈ એમ રોંગ, કાલે તમારી દલીલો મારે ગળે ઉતરી પણ હતી, પણ માત્ર હત્યા કેસમાં જામીન ન આપવી જોઈએ એવી મારી જીદને કારણે એક વૃદ્ધ માણસને આત્મહત્યા કરવી પડી. આઈ એમ ગિલ્ટી.” સાહેબનો પશ્ચાતાપ સાચો હતો પણ હવે કશું થઈ શકે એમ નહોતું. હું સાહેબની ચેમ્બરમાંથી બહાર આવ્યો અને સીધો મારે ઘરે પહોંચી ગયો. મેં મારી પત્ની હર્ષાને કહ્યુ6 કે મારી પાસે જે બે મર્ડર કેસ બાકી છે તે પૂરા થયા પછી હું વકીલાત નહીં કરું અને એક મહીનામાં મારી વકીલાત પૂરી થઈ ગઈ. આ બનાવ પછી મેં મારી જાતને મારા ઘરના ઉપરના માળમાં કેદ કરી લીધી. ભાગ્યે જ હું નીચે આવતો. આમ એકાદ વર્ષથી મારા ઘરમાંથી બહાર જ નીકળ્યો નહોતો તે સમયે હું વડોદરાના મકરપુરામાં રામબાગ સોસાયટીમાં રહેતો.


આ તો ફક્ત જીતુભાઈ પંડ્યાએ તેમના પુસ્તકની પ્રસ્તાવનામાં લખેલો એક પ્રસગ માત્ર છે, તેમણે વડોદરાના દીપ ટી.વી પર આપેલ ટી.વી ટૉક અને ન્યૂઝ પ્લસ ચેનલ પરની સીધી વાત કાર્યક્રમમાંથી કેટલીક પસંદગીની વાત આ પુસ્તકમાં સંકલિત કરાઈ છે. પુસ્તકના અનુક્રમના મુદ્દાઓ રસપ્રદ છે..

 • એક બનાવ એવો બન્યો કે જીતુ પંડ્યાએ આત્મહત્યા ન કરી.
 • ઉર્મિલાનું વરદાન – રામાયણમાં જેને પૂરતો ન્યાય મળ્યો નથી તે ઉર્મિલાની કથા
 • હિંદુ ધર્મમાં કન્ફેશનની પ્રથા કેમ નથી?
 • નસીબ સંંયોગ અને સંજોગ કથા સચિન તેંદુલકરની.
 • શું સમય જ ઈશ્વર છે?
 • તારી પાસે જ નહીં, મુકેશ અંબાણી પાસે પણ માંગનારા બહુ ઉઘરાણી કરે છે.
 • વેપારમાં સફળ થવાની ત્રણ ચાવીઓ
 • તમને બે આયામી પતિ કે પત્ની તો મળશે નહીં.
 • સમાજના ઘડતરમાં અસામાજિક તત્વનો ફાળો
 • ઝાડ તું સૂકાઈ જા – મનની તાકાતની અદભુત વાત.
 • શ્રેષ્ઠ ગાયક કોણ? તાનસેન કે હરિદાસ સ્વામી?
 • મારા પતિ પેલીની પાછળ કેમ ગાંડા થઈ ગયા છે?
 • ના, ભારતમાં ક્યારેય પણ સ્ત્રીઓનું શોષણ થયું નથી.
 • શિક્ષકોને વિદ્યાર્થીઓને મારવાનો હક્ક હોવો જોઈએ.
 • શું ઋષિઓ દાનવોના જન્મદાતા હતા?
 • ભારતનાં ન્યાયતંંત્રમાં આટલા ફેરફારો ન થઈ શકે?

આવા તો હજુ ઘણાં અનેકવિધ બહુઆયામિ વિષયો આ પુસ્તકમાં સમાવિષ્ટ છે.

આ પુસ્તક આજથી અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં ડાઉનલોડ માટે નિ:શુલ્ક ઉપલબ્ધ છે. (અક્ષરનાદ ઈપુસ્તક ક્રમ ૯૪)

આપનો પ્રતિભાવ આપો....