નવી પેઢી વેદ અને ટેકનોલોજીનો સમન્વય કરશે – ચેતન ઠાકર 20


વેદ એ ઋષિ મુનીઓનું સ્વયંનું રિસર્ચ છે જે ને આપણે કાંં તો નકામું સમજયું અને કાંં તો ધાર્મિક લોકો માટેનું સમજયું વાસ્તવમાં ઋષિ મુનીઓએ તેનું સર્જન સમસ્ત માનવ જાતના કલ્યાણ અર્થે કરેલું છે જેથી માનવ માત્ર જીવનમાં રહેલા દિવ્ય આનંદનો અનુભવ કરી શકે ટૂંકમાં વિજ્ઞાન રૂપી,  આનંદ રૂપી અમૃતને દરરોજ ખોબે-ખોબે પી શકે તેવી જીવન શૈલીની વાત સમજાવી છે.

ખૂબ જ સભાનતાથી મેંં આ  લેખનું શીર્ષક આપ્યું છે. આપ સૌને એક નરી વાસ્તવિકતાથી વાકેફ કરુંં તો વ્યકિતગત રીતે મારી કોઈ લાયકાત નથી, વેદો વિશેનો ઊંડો અભ્યાસ પણ નથી. કે હું વેદ વિષે કઈ પણ લખી શકું પરંતુ  આ લેખનું શીર્ષક અચાનક એક દિવસ મારા મનના ઊંડા ખૂણામાં ઝબકી ગયું અને આ લેખનું સર્જન થયું.

બ્રાહ્મણ હોવાના નાતે ઘરના સંસ્કારમાં થોડા પૂજા-પાઠ હોય, રામાયણ, મહાભારત અને ભગવદ ગીતાનું પ્રાથમિક જ્ઞાન હોય તે સ્વાભાવિક છે. પરંતુ વેદ અને ઉપનિષદની વાત આવતા ઘરના વડીલો એમ કહેતા તે આપણાં ગજાની વાત નથી ટૂંકમાં તેના માટે તો બહુ વિદ્વાન હોવું અનિવાર્ય છે. બીજુંં એમ પણ કહેતાંં કે ઘર-બાર છોડી ધર્મને સમર્પિત થયેલ સાધુ સંતો માટે આ બનેલું છે. સામાન્ય માણસ માટે નથી; આ જવાબ સાંભળીને હું ચૂપ થઈ જતો પરંતુ મને એવું સતત લાગ્યે રાખતું કે રામાયણ અને મહાભારત જેવા અદભૂત ગ્રંંથોનું સર્જન સામાન્ય માણસ માટે કરે અને વેદો કેવળ વિદ્વાનો કે સમાજના કોઈ એક ચોકસ વર્ગ માટે હોય એવું માની શકાય નહીં. આપણાં ઋષિ મુનિઓ આવો અન્યાય કરે નહીં. મે જ્યારે જિજ્ઞાશા સહજ એમ કહેલું કે મારે વેદો કેવળ જોવા છે ત્યારે મને એવો પ્રત્યુતર આપેલો કે તે કેવળ મોટી લાઇબ્રેરીઓમાં અને મોટા વિદ્વાનો પાસે હોય. પરંતુ મારી જે તે સમયની જિજ્ઞાશા અને સમજણ એટલી તીવ્ર ન હતી કે હું તે ને મેળવવા માટે લાગી જાવ  હું તો મારા નિત્ય અભ્યાસમાં અને ત્યાર બાદ નોકરી ધંધામાં લાગી ગયો અને જીવનનો ખાસ્સો એવો સમય પણ પસાર થઈ ગયો. પરંતુ વાંચનની અને મનન કરવાની મારી નિત્ય આદતને લીધે તેમજ વર્ષો પહેલા અંદર ધરબાએલી મારી વેદ અને ઉપનિષદો વિષે જાણકારી મેળવવાની જીગ્નાશા એ બહાર ડોકું કાઢયું અને બાળપણમાં મરણ પામેલી મારી વેદ અને ઉપનિષદ વિષે જાણવાની યાત્રાની ધીમી શરૂઆત થઈ પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા સંસ્કૃત ન આવડવાનો અફસોસ ભૂતકાળમાં ઘણી વાર થયેલો પરંતુ  આ વખતે તો ઘોર પાપ કર્યું હોય એવો ભયાનક અફસોસ થયો પણ હવે યાત્રા ચાલુ રાખવાનું નક્કી હતું એટલે માર્ગ એવો કાઢ્યો કે કોઈ એવા વિદ્વાન મારફત જાણકારી મેળવવી કે જે ગુજરાતીમાં શુધ્ધ અને સાચી જણાકારી આપે.

શરૂઆતમાં મને વેદ અને ઉપનિષદની પાયાની સમજણ મારા ફૂઆ સ્વ.કનૈયાલાલ જોશી તરફથી મળી તેમણે મને શરૂઆતી મુંજવતા પ્રશ્નોનું સમાધાન આપ્યું સાથે-સાથે આનો અભ્યાસ કરવાનું પ્રોત્સાહન પણ આપ્યું તેઓ ખરા અર્થમાં વેદોના અભ્યાસુ હતા. બીજા મારા માર્ગદર્શક કે જેઓ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે રહયા  તે આપણી ગુજરાતી ભાષાના સમર્થ લેખક અને ચિંતક ડો.ગુણવંતભાઈ શાહ. અચાનક એક દિવસ મારા અંગત પુસ્તકોના સંગ્રહમાં નજર નાખતા હાથમાં ડો.ગુણવંત શાહ નું એક પુસ્તક આવ્યું જેમાં તેમણે લખેલ અન્ય પુસ્તકોની સૂચિ પ્રત્યે મારુ ધ્યાન ગયુ જેમાં બે-ત્રણ પુસ્તકોના નામો એવા હતા કે મારા વાચવામાં ક્યારેય આવેલ ન હતા તે નામો હતા “પતંગિયાની અવકાશ યાત્રા”, “પતંગિયાની આનંદ યાત્રા”, “ઈશાવાસ્યમ”. એક વાચક તરીકે  હું ગુણવંતભાઈનો ડાઈ હાર્ડ ફેન છુ. મે તે પુસ્તકો મેળવીને વાંચવાની શરૂઆત કરી અને તે પુસ્તકો મારા માટે ખુબજ અમૂલ્ય સાબિત થયા આમ મારી આ વર્ષો જૂની યાત્રાની ધીમી પણ મક્કમ શરૂઆત થઈ આ વેદ અને ઉપનિષદો વિશેના પુસ્તકોમાં ગુણવંતભાઈએ પોતાની રસાળ શૈલીમાં યુવા પેઢીને કેવળ વેદ અને ઉપનિષદોનો પરિચય નથી આપ્યો પરંતુ તેમાં કેટલું વિજ્ઞાન તત્વ, આત્મ તત્વ અને આનંદ તત્વ રહેલું છે તેની ઊંડી સમજ આપી છે. વેદ અને ઉપનિષદોના અભ્યાસનો ઠેકો કેવળ સાધુ, સંતો કે સમાજના ટીલ્લા-ટપકા વાળાઓ પૂરતો મર્યાદિત નથી. આનો અભ્યાસ તો દરેક વિદ્વાન અભ્યાસુઑ માટે પડકારરૂપ છે આ માહિતીનો નહીં પરંતુ જ્ઞાનનો કદી ન ખૂટે તેવો ભંડાર છે. આના અભ્યાસમાં કોઈ પણ એકનું સંપૂર્ણ જીવન પણ ઓછું પડે.   આતો એવું સમુદ્ર મંથન છે કે આને ઉલેચનાર દરેક અભ્યાસુઓને આમાંથી નિત્ય મૂલ્યવાન મોતિઑ મળ્યેજ રાખે.

હવે આપણે આ લેખના શીર્ષક વિષે વાત કરીએ શ્રીગુંણવંતભાઈના ઉપરોક્ત  પુસ્તકો વાચ્યા પછી મને પણ એવો મનમાં અફસોસનો ભાવ જાગ્યો કે સાલું મોડુ થયું આપણે વેદો વિષે જાણકારી બહુ વહેલી લઈ લેવા જેવી હતી નાહકના અત્યાર સુધી ખાબોચયાને ઊંડો દરિયો સમજી બેઠા જ્યારે સમુદ્રતો આપણને વારસામાં આપીને ગયા છે આપણાં પૂર્વજો એટલે કે આ અદભૂત વેદોના સર્જકો આપણાં ઋષિ મુનિઓ. વેદ એ ઋષિ મુનીઓનું સ્વયંનું રિસર્ચ છે જે ને આપણે કાંં તો નકામું સમજયું અને કાંં તો ધાર્મિક લોકો માટેનું સમજયું વાસ્તવમાં ઋષિ મુનીઓએ તેનું સર્જન સમસ્ત માનવ જાતના કલ્યાણ અર્થે કરેલું છે જેથી માનવ માત્ર જીવનમાં રહેલા દિવ્ય આનંદનો અનુભવ કરી શકે ટૂંકમાં વિજ્ઞાન રૂપી,  આનંદ રૂપી અમૃતને દરરોજ ખોબે-ખોબે પી શકે તેવી જીવન શૈલીની વાત સમજાવી છે. હવે ફરી પાછા શીર્ષક ઉપર આવીએ તો મારી કેરિયરના લગભગ 22 કરતાં વધારે વર્ષો મે એક યુનિવર્સિટીના કોમપ્યુટર સાયન્સ અને રિસર્ચ ભવનમાં કામ કર્યું છે આ સમય મે અનેક વિદ્યાર્થીઓ કે જેઓ કોમપ્યુટર સાયન્સના વિષયના ઉચ્ચ અભ્યાસમાં હોય અથવાતો રિસર્ચ એટલેકે Ph.d. કરતાં હોય તેમની સાથે પસાર કર્યો છે.  

આ સદીને આપણે ઇન્ફોર્મેશન એન્ડ ટેકમોલોજીની સદી માનીએ છીએ કારણ તેમણે સમગ્ર વિશ્વની વસ્તુઓને કદમાં નાની કરી દીધી જડપમાં અને સંગ્રહ શક્તિમાં  અનેક ગણો વધારો કરી દીધો જેને લઈને વિશ્વ આપણને નાનું લાગવા માંડયું એક દેશ માથી બીજા દેશમાં જવું તે આપણને નજીકના એક ગામ થી બીજા ગામ જવા જેવુ સહેલું લાગવા માંડયું તેવીજ વાતો અને વિજ્ઞાનનો ઉલ્લેખ વેદ અને ઉપનિષદમાં ઋષિ મુનિઓ દ્વારા કરવામાં આવ્યો છે. વેદો અને ઉપનિષદોની સૌથી મહત્વની વાત એ છે કે તેમાં માહિતી નથી પરંતુ તેમાં રહેલું જ્ઞાન એ ઋષિઓનું સ્વ્યમનું સંશોધિત કરેલું જ્ઞાન છે. એટલે આ જ્ઞાન સનાતન અને સાશ્વત છે. તેમાં બ્રહમાંડની વિશાળતાનો ઉલ્લેખ છે તો સાથે સાથે તેનો સંબંધ પૃથ્થવીના કણ-કણ સાથે કેવો અભિન્ન રીતે જોડાયેલો છે તે ખુબજ વૈજ્ઞાનિક રીતે સમજાવામાં આવ્યું છે. આજે આપણે અનુભવીએ છીએ કે ઇન્ફોર્મેશન એન્ડ ટેકમોલોજીના માધ્યમ થી આપણી યુવા પેઢીએ એવી ક્રાંતિ લાવી છે કે એક નાના એવા મોબાઇલથી આપણે સમગ્ર વિશ્વ સાથે ભૌતિક અને સામાજિક રીતે સંપૂરણ રીતે જોડાયેલા રહીએ છીએ આપણે વિશ્વના કોઈપણ ખૂણે હોવા છતાં સમગ્ર વિશ્વનો અતૂટ હિસ્સો બનીને રહી શકીએ છીએ. આવીજ વાત હજારો વર્ષો પહેલા વેદોમાં ઋષિ મુનીઓએ પોતાની મેઘાવી બુધ્ધિ શક્તિથી કરી છે તેમણે બ્રહ્માંડની અસિમ વિશાળતા નો ઉલ્લેખ કર્યો છે વળી પાછું ખુબજ વિશ્વાસથી એમ કીધું છે કે દરેક નાનો કણ પણ બ્રહમાંડનો એક અતૂટ હિસ્સો જ છે. ટૂંકમાં “જે  કણમાં છે તે બ્રહમાંડમાં છે અને જે બ્રહમાંડમાં છે તે કણમાં છે”. આ વૈજ્ઞાનિક સત્યને આપણાં જુદા-જુદા ધર્મના ગ્રંથોમાં ઉજાગર કરવામાં આવ્યુજ છે અને સમયાંતરે આપણાં સમર્થ આધ્યાત્મિક સંતો અને લેખકો દ્વારા પોતાની કવિતાઓના કે ભજનોના માધ્યમથી પણ સામાન્ય લોકોને સમજાવાનો પ્રત્યન કરવામાં આવ્યો છે. અહિયાં વાચકોને સુપ્રસિધ્ધ કવિ અને સંત શ્રી નરસિંહ મેતાની કવિતાની એક પંકિત દ્વારા યાદ તાજી કરાવું છુ “અખિલ બ્રહમાંડમાં એક તું શ્રી હરી જૂજવે રૂપે અનંત ભાસે”.

હવે મને અહિયાં નજીકના ભવિષ્યમાં એવું દેખાય છે કે દેશની આ યુવા પેઢી કે જેમને ઇન્ફોર્મેશન એન્ડ ટેકમોલોજીના માધ્યમથી વિશ્વમાં આવી જબરજસ્ત ક્રાંતિ લાવી દીધી તે જો પોતાની અંદર રહેલી મજબૂત ગાણિતિક અને તાર્કિક શકિત આ વેદ અને ઉપનિશદના અભ્યાસમાં જે દિવસે લગાડસે તે દિવસે આની અંદર રહેલું અમ્રુત સમગ્ર વિશ્વને પીવા મળશે તેમાં કોઈ શંકા નથી કારણ ઇન્ફોર્મેશન એન્ડ ટેકમોલોજીના માધ્યમથી યુવાનો આની અંદર રહેલી માનવજાતિના કલ્યાણ અર્થેની વૈજ્ઞાનિક શોધો ડી-કોડ કરિ  સામાન્ય માણસ માટે આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવસે આ માટે આ ટેક્નોક્રેટોની ટિમ બનાવી વેદો અને ઉપનિષદોનો મૂળભૂત અભ્યાસ કરશે આ ટીમમાં સંસ્કૃતના જાણકાર, વેદો અને ઉપનિષદોના ઊંડા અભ્યાસીઓને સામેલ કરવામાં આવસે તેની રુચાઓમાં/શ્લોકોમાં રહેલું ઊંડાણ બહાર લાવી    તેનું એનાલિસિસ કરશે અને તેમાં રહેલી જુદી-જુદી ઉપયોગિતા મુજબ તેની એપ્સ બનાવી દરેકને આંગળીના ટેરવે પોતાના જીવનમાં રહેલું આનંદ તત્વ પીવાની નિત્ય તક મળસે ત્યાર બાદના સમયમાં કદાચ માનવી આજના સમયના માનવી જેટલો તનાવ કે ચિંતામાં તડપાતો નહીં હોય કારણ કે તેની પાસે હવે કુદરતના ખોળે બેસી જીવન જીવવાની તકનિક આવી ગઈ છે.  જે રીતે પતંગિયુ પુષ્પનું પૂર્ણ તત્વ ચૂસીને સતત પ્રકૃતિનો આનંદ લે છે તે રીતે માનવી પણ પ્રકૃતિનો આનંદ લેવાની જીવનશૈલી શીખી જશે અને તે તેનો અધિકાર પણ છે. હવે હું અહિયાં મારી અંદર રહેલી કલ્પના શકિતને વિરામ આપું છુ જો વાચકોને આ વધારે પડતું અવૈજ્ઞાનિક કે અતાર્કિક લાગે તો વાચકો મને માફ કરે.   

— ચેતન ઠાકર


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “નવી પેઢી વેદ અને ટેકનોલોજીનો સમન્વય કરશે – ચેતન ઠાકર