રાજનર્તકી આમ્રપાલી અને ધનિકા
વૈશાલી મગધનાં આક્રમણથી બચવા માટે હંમેશાં તૈયાર રહેતું. મગધ વૈશાલી પર આક્રમણ કરવા માટે નાનો સરખો પણ પ્રયત્ન કરી શકાતું ન હતું. કારણ કે વૈશાલીએ તેમના ગુપ્તચરોને મગધની તમામ હિલચાલ પર બાજનજર રાખવાની સખત તાકીદ કરી હતી. ગુપ્તચરો પણ યેનકેન પ્રકારે કોઈને ગંધ પણ ન આવે એ રીતે ગુપ્ત માહિતી લઇ આવતા હતા.
મગધ પોતાની યોજનાના ભાગ રૂપે નાનાં છમકલાં કરે ત્યારે વૈશાલીને જીતવા દેતું હતું અને કોઈવાર પોતે પણ જીતતું હતું! પરંતુ બિંબિસાર પાટલીપુત્રમાં રહીને પોતાના પુત્ર અજાતશત્રુ સાથે વૈશાલીનું પતન થાય પછી શું કરવું તેની ચર્ચા કરતા હતા. તેમને જ્યાં સુધી વૈશાલી મગધમાં ભળી ન જાય ત્યાં સુધી ચેન પડવાનું નહોતું. પણ જ્યાં સુધી વર્ષકાર તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી ધીરજ ધરીને બેસી રહેવવા સિવાય કોઈ છૂટકો નહોતો.
મગધના ગુપ્તચરો રોજેરોજ માહિતી લાવતા હતા કે વૈશાલી ધીરે ધીરે વિલાસિતામાં ડૂબતું જાય છે. ભવિષ્યમાં એવું બને કે આ વિલાસ તેમનો વિનાશ નોતરે!
***
આમ્રપાલી માયા મહેલમાં હતી અને વૈશાલીના નગરજનોની દૃષ્ટિએ તે પારંગત નૃત્યાંગના હતી અને સહુથી સુખી હતી. ઈશ્વરની તેના પર મહેરબાની હતી. સંગીતના સૂરમાં ખોવાયેલી રહેતી આમ્રપાલીની મનોદશાની વૈશાલીના પ્રજાજનોને ક્યાંથી ખબર હોય? અને તેઓ એ કેવી રીતે જાણી શકે? લિચ્છવીઓ તો નૃત્ય-ભવનમાં તેનું નૃત્ય જોવા માટે એટલી જ હોંશથી ઉમટતા અને તે તાંડવ નૃત્ય હોય કે કથ્થક, મણિપુરી હોય કે ભારતનાટ્યમ આ નાટ્ય-નૃત્યશાસ્ત્ર કુશળ નૃત્યાંગનાને સહજભાવે અલૌકિક નૃત્ય કરતી જોવા આવતા, ઉમટતા અને નિસાસા નાખતા રહેતા.
***
આમ્રપાલીને વહેલી સવારનો સમય બેહદ પ્રિય હતો. તે સૂર્યોદય પહેલા શય્યા ત્યાગ કરી સદ્યસ્નાતા બનીને સૂર્યદેવને અર્ઘ્ય આપતી. પુષ્પ છાબ લઇ શિવમંદિરે જઈ શિવ-પૂજન કરતી અને પછી ધ્યાનમાં બેસતી. તેમાં કેટલો સમય પસાર થાય છે તેની તે પરવા ન કરતી. ત્યારબાદ માયા મહેલની સંગીતશાળામાં આવીને સંગીત સાધના કરતી. વિચિત્રવીણા સંગાથે શિવ રંજની રાગમાં શિવને પ્રસન્ન કરવા ભાવસભર શ્રુતી મધુર સ્વરે સ્તુતિગાન કરતી. થોડો સમય હળવો આરામ કરી અલ્પાહાર લઇ રોજિંદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઇ જતી. તેમાં તે માયા મહેલની, સંથાગારની, રાજનીતિની, રણનીતિ અને વૈશાલીની અન્ય નાની મોટી જરૂરિયાતો પર દૃષ્ટિપાત કરી લેતી. આવશ્યક હોય ત્યાં અનુરૂપ સૂચનો કરતી અને સૂચનોનો અમલ થયો છે કે નહીં તે પણ જોઈ લેતી.
માયા મહેલની દેખરેખમાં ધનિકા તેને સારી એવી મદદ કરતી હતી.
આમ્રપાલીએ તેની સાથે પણ સારો એવો સંબંધ કેળવ્યો હતો. ધનિકા અનુભવ-સમૃદ્ધ ગણિકા હતી. તે વૈશાલીની ચડતી અને પડતીની સાક્ષી હતી. તેને વૈશાલીના માયા મહેલમાં આમ્રપાલી સાથે રહેવા મળ્યું તેથી તેને પોતાનો જનમ સુધરી ગયો હોય તેમ લાગ્યું. આમ્રપાલીનું વર્તન ખરેખર આત્મીય હતું. આમ્રપાલી ઘણીવાર આ ધનિકા પાસે પોતાના મનનો ભાર હળવો કરતી. એકવાર ધનિકા આમ્રપાલીનાં કક્ષમાં આવી. તે કહેવા આવી હતી કે બધું કામ થઇ ગયું છે, કાંઈ બાકી નથી. પણ તે કાંઈ કહે તે પહેલાં આમ્રપાલીએ ધનિકાને કહ્યું, ‘બેસો દાદી, મને લાગે છે કે આજે આપણે થોડી વાતચીત કરી શકશું, આજે હું જરા આરામ કરવા ઈચ્છું છું. પણ મારે નિદ્રાધીન નથી થવું. તમારી સાથે બે-ચાર વાતો કરવાનું મન છે.’
આમ્રપાલીનાં મનના વિચારો જાણવા અને તેની જીજ્ઞાસા સંતોષવા ધનિકાએ લાક્ષણિક ઢબે હસતાં હસતાં કહ્યું, ‘બેટી, હું રહી વૃદ્ધ, મારે શું કામ હોય, મને તો તારી સાથે વાત કરવી બહુ ગમે. પણ તારે કેટલું કામ રહે છે તે મારાથી ક્યાં અછતું છે? વળી અભયકુમાર પણ ભણવા ગયો છે.’ એમ કહી તે આમ્રપાલી પાસે આવીને બેઠી.
‘આજે તો મારે તમારી કથની સાંભળવી છે. તમને વાંધો ન હોય તો!’ સામેની વ્યક્તિ અસ્વીકાર ન કરી શકે તેવી શૈલીમાં આમ્રપાલીએ કહ્યું.
અને ધનિકાએ પોતાની આપવીતી કહી. દરેક ગણિકા, વારાંગના કે બંધુકીની આપવીતી દુખદ જ હોય છે. કોઈપણ સ્ત્રી સ્વેચ્છાથી આ ક્ષેત્રમાં આવે નહીં. કોઈને એ પસંદ ન જ પડે. રોજ પોતાનું જ અપમાન કરવાનું, આત્માના અવાજને દબાવી દેવાનો, પ્રેમના નામે થતા ક્રૂર ખેલનો ભોગ બનવાનું. નતમસ્તકે અવહેલના ભર્યું જીવન જીવવાનું. સમાજમાં ઉપેક્ષિતા બનીને રહેવાનું. અને પછી સમાજમાં આ પ્રથા ક્યારથી શરુ થઇ તે વિષે જમદગ્નિ ઋષિ અને રેણુકાની વાત કરી જેનો આપણે આ કથાના પ્રારંભમાં જ વિગતવાર ઉલ્લેખ કર્યો છે.
દુનિયાનો સૌથી જૂનો ધંધો સત્તા મેળવવી, ધન મેળવવું, સમાજ પર આધિપત્ય ભોગવવું અને ત્યારબાદ આવેલી વર્ણવ્યવસ્થા કે જેથી સમાજમાં અનેક દૂષણો પ્રવેશ્યા. અયોગ્ય સામાજિક (કે અસામાજિક) કુરિવાજોનો ઉદભવ થયો. બાળલગ્નો, વૈધવ્ય, ત્યકતા સ્ત્રીની સામાજિક પરિસ્થિતિની પણ તેણે વાતો કહી.
પુરુષ-પ્રધાન સમાજે સત્તા અને ધનનાં જોરે સ્ત્રીને અબળા બનાવી દીધી. તેને માત્ર સંતાન આપનારી અને ઘર સાચવતી સ્ત્રી ગણી લેવામાં આવી. શિક્ષણનો અભાવ, પોષણનો અભાવ, ગરીબી, લાચારી, પરવશતા જેવા પરિબળોએ સ્ત્રીને કચડાયેલી, ભયભીત બનાવી. અને પુરુષે તેની એવી સ્થિતિનો ગેરલાભ લેવામાં અતિરેક કર્યો. તેમાં રિવાજો અને ધર્મનાં નામે પાખંડો શરુ થયા. પાખંડીઓએ સ્ત્રીને ભોગ્યા બનાવી દીધી. તેના અંગત વિચારો, તેનું મન, તેની લાગણી, તેની ભાવના કોણ સમજે? સમજવાને બદલે એવી બાબતોને કચડી નાખવામાં આવી. પુરુષની ઈચ્છા અને વિચાર સર્વોપરિ બની ગયો. નિરુપાય સ્ત્રીઓને ‘નસીબ’ નાં સ્વરૂપે સાંત્વના આપવામાં આવી.
સ્ત્રી પોતાને અને પોતાના ભાગ્યને દોષ દેતી રહી. સ્ત્રીનો જન્મ એ શાપ છે, દીકરીને ‘સાપનો ભારો’ જેવી ઉપમાઓ આપવામાં આવી અને એવી માન્યતા સમાજમાં સજ્જડ અને દૃઢ થઇ ગઈ! અને બેટા, તારા જેવું લાવણ્ય અને રૂપ હોય ત્યારે સમાજના બધા પુરુષો એક બની જીવવા ન દે. બેટા, તારા જેવું ભાગ્ય સહુનું નથી હોતું. તારી બુદ્ધિનાં પ્રતાપે તને રાજરાણી જેવું સુખ ભોગવવા મળે છે, તું બહુ જ ભાગ્યશાળી છે. ચારિત્ર્ય શબ્દ કેવળ સ્ત્રીને માટે જ સર્જાયો હોય તેમ લાગે છે. પુરુષને એ શબ્દ સ્પર્શતો જ નથી! તેને મળે એ હક્ક અને સ્ત્રીને મળે એ કલંક.
નિયમો બધા સ્ત્રીઓએ પાળવાના. મર્યાદા, નીતિ-સંસ્કાર-સંસ્કૃતિ, લાજ-શરમ બધાની જવાબદારી સ્ત્રીને શિરે. સ્ત્રીઓ પોતે એવું કહે છે કે જો ગણિકા ન હોય તો સમાજ-જીવન છિન્નભિન્ન થઇ જાય. પુરુષનું આધિપત્ય હોવાથી તે બહુગામી છે. તેના પૌરુષને માટે એ યોગ્ય ગણવામાં આવે છે. મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે યુદ્ધમાં લડતા સૈનિકો માટે ભારતવર્ષમાંથી ગણિકાઓ એકત્રિત કરવામાં આવી હતી. મોગલો હોય કે અંગ્રેજો, આ વાત આનુવંશિક બની ગઈ છે.
સોમનાથનાં યુદ્ધમાં ગિજની સોનાની સાથે સ્ત્રીઓને પણ ઉઠાવીને લઇ ગયો હતો, પુરુષોને નહીં.
જો સમાજ વ્યવસ્થા ન હોય તો માણસ જંગલી અવસ્થામાં જ જીવતો હતો. ભલે આ સમાજ વ્યવસ્થાને આપણે કોસીએ પરંતુ તેનો વધારે સારો વિકલ્પ પણ હજુ સુધી ક્યાં કોઈ શોધી શક્યું છે? જયારે મનુને મનુષ્યની જંગલી અવસ્થાનું ભાન થયું એટલે જ મનુએ હજારો વર્ષો પહેલાં આ વ્યવસ્થા દાખલ કરી. મનુસ્મૃતિ આજે પણ એ વાતની સાક્ષી પૂરે છે. તેમણે સમાજ વ્યવસ્થામાં ગણિકા, વારાંગનાને અનિવાર્ય ગણી છે. તેને યોગ્ય માનભર્યું સ્થાન આપ્યું છે! સત્યકામે પોતાની માતા જાબાલિને પ્રશ્ન કર્યો હતો કે ‘મારા પિતા કોણ છે, મારું ગોત્ર કયું છે?’ અને કશ્યપ ઋષિની મહાનતાએ તેની જીજ્ઞાસાનું સમાધાન કર્યું હતું.
માટે બેટી આમ્રપાલી, તને અને મને જે મળ્યું તે આપણે સ્વીકારીને સહન કરી લેવું રહ્યું. હવે મનમાં ને મનમાં આ રીતે રિબાવાનું રહેવા દે. તું કહેવા પૂરતી નહીં પણ ખરેખર દેવી છે. તેં આ વૈશાલીને ઉગાર્યું છે. તેં ઘણા રાજા-મહારાજાઓને ધૂળ ચાટતા કરી તેમની સામે યુદ્ધમાં વિજય મેળવ્યો છે. તારું કઠોર નિયમ-પાલન, તારો ભક્તિ-ભાવ, તારા સંસ્કાર, તારી કુશળતા અને કુશાગ્ર બુદ્ધિ અને તારું જ્ઞાન કોઈનાં પણ કરતા ચડિયાતાં છે. તારું આચરણ ધાર્મિક છે. તને કલંક લાગી ન શકે, તું ગણિકા નથી તું રાજનર્તકી છે. તું જનપદ કલ્યાણી છે, તારા હૃદયમાં વૈશાલીનું કલ્યાણ જ છે. તું રાષ્ટ્ર નિર્માત્રી છે. તારે જરા પણ ઓછું આણવાની જરૂર નથી. તારો પુત્ર જોઈ દરેક સ્ત્રીની પુત્રૈષણા પ્રબળ બની જાય છે. તને ખબર નથી પણ તને જોઈ ઘણી સુશીલ સ્ત્રીઓ પણ તારા જેવું જીવન તેમને જીવવા મળે તેવી કામના કરે છે! મહાદેવ સદા તારું કલ્યાણ કરે.’ આ ધનિકાનાં અંતરના ઉદ્ગારો હતા, આશીર્વાદ હતા.
અવાક થઇ ગઈ આમ્રપાલી! ધનિકા, જેને તે એક સામાન્ય ગણિકા સમજતી હતી, તે આટલું બધું વિચારી શકે? શું તે આટલું બધું જ્ઞાન ધરાવે છે? તેની અંદર તો દુનિયાદારીનો, માનવજાતિનો ઈતિહાસ આલેખાયેલો છે. તેનામાં સમજણનો સાગર ઘૂઘવે છે! વાહ ધનિકા, ધન્ય છે. તેણે ધનિકાનાં ચરણસ્પર્શ કર્યા અને બંને ક્યાંય સુધી એકબીજાના આલિંગનમાં ઓતપ્રોત રહ્યા.
વિશાખા અચાનક જ ત્યાં આવી ચડતાં તેઓ બંને અળગા થયા. વિશાખા વિસ્ફારિત નેત્રે આ દૃશ્ય જોતી રહી. તેને કાંઈ સમજાયું નહીં…
સ્નેહ-પ્રેમનાં કુદરતી સંબંધો સમજવા મુશ્કેલ હોય છે!
‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.
ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.
Pingback: આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૦) – Aksharnaad.com