કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૩ (લૉકડાઉનમાં લહેર) 7


ઉપયોગી વેબસાઈટ્સ વિશે જાણકારી આપતી અક્ષરનાદની આ શૃંખલાની દરેક કડીને વાચકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. ક્લિક્સના આંકડા બતાવે છે તેમ આ શૃંખલા અક્ષરનાદની સફળ શૃંખલાઓમાં ઇ-પુસ્તકો પછી બીજા ક્રમે આવે છે. દરેક વખતે ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકીએ છીએ. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ લૉકડાઉનના આ બંધનયુક્ત સમયમાં જાણકારી સાથે સમય પસાર કરવાનું અદ્રુત માધ્યમ બની રહેશે..

https://apolloinrealtime.org/11/

૧૬ જુલાઈ ૧૯૬૯ના રોજ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થયેલ અપોલો ૧૧ સ્પેસફ્લાઇટ એ ઐતિહાસિક મિશન હતું જેણે મનુષ્યને ચંદ્ર પર સૌ પ્રથમ વાર પગ મૂકવાનો અવસર આપ્યો. ફ્લાઇટ કમાન્ડર નીલ આર્મસ્ટ્રોંગ અને ચંદ્ર મોડ્યુલ પાયલોટ બઝ એલ્ડ્રિને અમેરિકન ક્રૂની રચના કરી જે ૨૦ જુલાઈએ એપોલો લ્યુનર મોડ્યુલ પર પહોંચ્યા. ૨૧ જુલાઈના રોજ આર્મસ્ટ્રોંગ ચંદ્રની સપાટી પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ બન્યો; એલ્ડ્રિન ૧૯ મિનિટ પછી જોડાયો. તેઓએ અવકાશયાનની બહાર લગભગ અઢી કલાક જેટલો સમય વિતાવ્યો, અને તેઓ પૃથ્વી પર પાછા લાવવા માટે ચંદ્રની ૨૧ કિલો માટી એકત્રિત કરી. આ મિશનને રિઅલ ટાઈમમાં (જેમ થયું તેમ દરેક સેકન્ડ, પચાસ વર્ષ પહેલાના સમયમાં) ફરીથી અનુભવવા નાસાની એક સરસ વેબસાઈટ છે જે તમને મિશન લૉંચના એક મિનિટ પહેલાથી આખું મિશન સાથે અનુભવવાનો અવસર આપે છે અને બીજા વિકલ્પ રૂપે તે દિવસે આ કલાકે અને સેકન્ડે શું થઈ રહ્યુ હતું એ જોવાનો અવસર આપે છે. ફુલસ્ક્રીન મોડમાં આ જોવાની મજા આવે એવો અનુભવ આપતી વેબસાઈટ છે.

https://www.nasa.gov/content/goddard/what-did-hubble-see-on-your-birthday

હબલ સ્પેસ ટેલિસ્કોપ સ્પેસ ટેલિસ્કોપ છે જે ૧૯૯૦માં પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં તરતું મૂકાયેલું અને ૨૯ વર્ષ ૧૧ મહીના પછી આજે પણ તે કાર્યરત છે. હબલ એક મહત્વપૂર્ણ સંશોધન સાધન અને ગ્રહોના વિશ્વ, આકાશગંગાઓ અને બ્લેકહૉલ વગેરેની તથા વૈજ્ઞાનિકો માટે એ સિવાયની પણ અન્ય ઉપયોગી ખગોળશાસ્ત્ર માટેની જાણકારીઓ માટે વરદાન તરીકે જાણીતું છે. હબલ દ્વારા લેવાયેલા ફોટા આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. તમારા જન્મદિવસની તારીખે હબલે લીધેલ ફોટો જોવા માટે ઉપરની કડી પર જઈ શકો અને એ ફોટો તમારા સોશિઅલ મિડીયા ખાતાની ટાઈમલાઈન પર #Hubble30 હેશટેગ સાથે મૂકી શકો.

http://www.vernonjohns.org/snuffy1186/movies.html#II-3

આપણે ફિલ્મોના રસિયા છીએ, અને વિશ્વભરની ફિલ્મોની યાદીમાં કેટલીક એવી ફિલ્મો પણ છે જે ઐતિહાસિક કથાવસ્તુને આધારે બની હોય, એ ફિલ્મ કઈ છે, કયા સમયકાળની છે, કયા દેશની છે અને એ કયા યુગવિશેષને રજૂ કરે છે એ બધી વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ હોય તો જે તે સમય અને દેશના ઇતિહાસ વિશે અમુક માહિતી મળી શકે. આવી બધી ઐતિહાસિક અને દેશ વિદેશની ફિલ્મોને એક સમયાવલીમાં એને ગોઠવી આખી સમયાવલી પ્રસ્તુત કરતી ઉપરની વેબસાઈટ આ લૉકડાઉનના સમયમાં કઈ ફિલ્મ જોવી જોઇએ એ વિશેની અલગ દ્રષ્ટિકોણની વાત મૂકે છે. પેટ્રિક લૂઈસની આ વેબસાઇટ પર ઢગલો ભારતીય ફિલ્મોનો પણ અનુક્રમમાં સમાવેશ છે.

https://ezstems.com/

જાણીતા ગીતોના ઇન્સ્ટ્રુમેન્ટલ સાંભળવાની મજા અલગ જ છે, એની સાથે ગાવાનો આનંદ.. ઘણી વખત એમ થાય કે કોઈ ગીતનું ઇન્સ્ટ્રુમેન્ટલ ન મળે તો એ આખા ગીતનું એમપી3 અહીં અપલોડ કરવાથી એનું વૉકલ અને મ્યૂઝિક એ અલગ કરી આપશે. મેં ઘણાં ઓછા જાણીતા ગીતોના ઇન્સ્ટ્રુમેન્ટલ આ રીતે આ વેબસાઈટની મદદથી મેળવ્યા છે. જો કે અંતે મળતી બન્ને ફાઈલની ગુણવત્તા જે તે ગીતના ટ્રેકની ગુણવત્તા અને રેકોર્ડિંગ પર આધાર રાખે છે, પણ અહીં રિઝલ્ટ ખૂબ સરસ મળે છે.

https://soundofcolleagues.com

લૉકડાઉનમાં ઘરે બેસીને કંટાળ્યા હોય અને ઑફિસને જો ખૂબ યાદ કરતા હોવ તો ઓફિસના વાતાવરણનો, એના વિવિધ અવાજોનો ઘરે બેઠા અનુભવ કરાવતી આ વેબસાઈટ તમને પ્રિન્ટર, કૉફી મશીન, લોકોની ગણગણ, બારીના કાચ પર પડતાં વરસાદના ટીપાં, કીબોર્ડની ટકટક, ડેસ્ક પરનો ટેલિફોન, ઓફિસની ખુલ્લી બારીમાંથી આવતા અવાજો વગેરે તમે ઈચ્છો એ રીતે સંભળાવી શકે છે.

તમે ઓડિયો ગુણવત્તા પારખી શકો છો? ધ્યાનથી સાંભળો અને આપો નાનકડો ટેસ્ટ

ઑડિયો વિવિધ સ્વરૂપોમાં અને ગુણવત્તામાંં આપણને મળે છે, તમે એના એનકોડિંગ કે ગુણવત્તા પારખી શકો છો? ઉપરની લિન્ક પર નાનકડો ટેસ્ટ છે, ત્રણ ઑડિયો સાંભળી એમાંથી સૌથી સારો અને સ્પષ્ટ અવાજ પસંદ કરો. એક જ ગીત ત્રણ અલગ ગુણવત્તામાં સંભળાવવામાં આવે છે. મજેદાર ટેસ્ટ છે, આપવા જેવો..

આ પ્રકારની બીજી વેબસાઈટ્સ વિશે, એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ વિશે જાણવા અને નેટજગતની હલચલ માણવા અક્ષરનાદની શ્રેણી Know More ઇન્ટરનેટ જુઓ.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૩ (લૉકડાઉનમાં લહેર)