ફેબ્રુઆરી મહિનો તેની સોળે કળાએ ખીલેલો હતો. દિલ્હીમાં મોસમની રંગત અનેરી હતી. શ્રીમતીજી એ અચાનક શનિવાર, ૨૨મી ફેબ્રુઆરીએ ગણગણવાનું શરુ કરી દીધેલું.
मैंने कहा फूलों से; हंसो तो वो खिलखिला के हंस दिए;
और ये कहा जिवन है भाइ मेरे भाइ हसने के लिए।
મને થયું હાલો આપણેય એકાદ ગીત ઠપકારીએ.
फूलों के रंग से
दिल की कलम से
तुझको लिखी रोज़ पाती।
ત્યાં જ મારા મધુરા(?!) સૂરને અટકાવતાં શ્રીમતિજી બોલ્યા, “બસ બસ, કાલે મુઘલ ગાર્ડનમાં બાકીનું ગીત સંભળાવજો.” મને ત્યારે સમજાયું કે આ ફૂલોના ગીત મારા માટે નહોતાં!!!
આમ તો દિલ્હી આવ્યા ત્યારથી લગભગ દરેક વર્ષે મુઘલ ગાર્ડન ગયા છીએ. આખા વર્ષ દરમ્યાન માત્ર ફેબ્રુઆરીમાં મુઘલ ગાર્ડન જનતા માટે ખુલ્લું મૂકાય છે. રાષ્ટ્રપતિ ભવનના ગેટ નં ૩૫થી પ્રવેશ આપવામાં આવે છે.
અંદાજે ૧૫ એકરમાં ફેલાયેલા આ મુઘલ ગાર્ડનનો વિચાર આર્કિટેક્ટ સર એડવર્ડ લુટિયેન્સને ૧૯૧૭માં આવેલો પણ ગાર્ડન બન્યું ૧૯૨૮-૨૯માં.
મુઘલ ગાર્ડનમાં અંદર પુરુષોને વોલેટ અને મોબાઇલ ફોન – માત્ર આ બે વસ્તુ લઈ જવા દેવાય છે. મહિલાઓને પર્સ, ઇયરફોન , બેટરી, નાસ્તો, પાણી કંઈ પર અંદર લઈ જવા દેશે નહીં. હા પ્રવેશ પહેલાં જે કાઉન્ટર બનાવેલા છે ત્યાં પર્સ, ડીજીટલ કેમેરો વગેરે જમા કરાવી શકાય.
મુઘલ ગાર્ડન જોવા જવું હોય તો સવારે બને એટલું વહેલું એટલે કે સાડા નવ વાગ્યાની આસપાસ જ પહોંચી જવું. નજીકનું મેટ્રો સ્ટેશન સેંટ્ર્લ સેક્રેટેરીયટ છે જેના ગેટ નં ૩ પર નીકળવું. ત્યાંથી રિક્ષા આરામથી મળી જાય.
અમે રવિવારે ૨૩ ફેબ્રુઆરીના રોજ ૧૦ વાગ્યા આસપાસ મુઘલ ગાર્ડન પહોંચી ગયા. અંદર જતાં વેત જ પીવાના પાણીની (મિનરલ વોટર)ની સગવડ હતી એટલે હાઇડ્રેટ થયા. થોડું ચાલ્યા બાદ “હર્બલ ગાર્ડન” પહેલાં એક ચેકીંગ આવ્યું તે પતાવ્યું. એ દિવસે અમારી જોડે ઇંગ્લેંડથી આવેલા સિનિયર સિટીઝનનું ગૃપ હતું. કેટલાક માજીઓ નાના ભૂલકાને જોઈને સ્માઇલ આપતા હતાં જ્યારે કેટલાંક માજી હજુયે તોબડા ચડાવીને ફરતા હતાં.
હર્બલ ગાર્ડન અમે અગાઉ પણ જોઈ ચૂક્યા હતાં એટલે આ વખતે ખાસ રસ ન દાખવતા સીધાં જ બોન્સાઇ ગાર્ડન તરફ આગળ વધ્યાં. વડના ઝાડ પાસે ભૂષિતાનો એક ફોટો પાડ્યો કારણકે તેણૅ હજુ સુધી વડનું ઝાડ અહીં દિલ્હીમાં જોયું ન હતું. (આમ તો અમને નજરે નહોતું ચઢ્યું.)
બોન્સાઇ ગાર્ડનમાં નામ યાદ ન રહે એવા અજાણ્યા છોડ ઘણાં હતાં.
બોન્સાઇ ગાર્ડન બાદ “મ્યુઝીકલ ફાઉન્ટેન” પાસે પહોંચ્યા. આમ તો એટલો બધો હાઇટેક મ્યુઝીકલ ફૂવારો નથી પણ તોયે તમને મજા આવશે એ નક્કી. વળી અહીં દેશભક્તી ગીત વગાડે એટલે આપણને જુસ્સો ચઢે જ. મ્યુઝીકલ ફાઉન્ટેનની સામે થોડો આરામ કરવાની વ્યવસ્થા છે. મારા હિસાબે બે મિનિટ “પોરો” ખાઇ લેવો હિતાવહ કારાણકે અહીંથી આગળ જાઓ ત્યારે મુખ્ય મુઘલ ગાર્ડન શરુ થાય!!!
આહા…ચારે બાજુ પબ્લીક પબ્લીક! વળી આ દિવસે તો મહારાષ્ટ્રથી એક સ્કૂલના બાળકો પણ આવેલા. ગુલાબ, તુલિપ, ગલગોટા અને કેટલાક ન આવડતા નામ જેવા કે કેલેન્ચોઈ, રૈનનક્યુલસ સહીત એવા નામો પણ જોવા મળી જાય જે પ્રખ્યાત વ્યક્તી અને પાત્રો આધારીત છે. (રાજા રામ મોહન રાય, ક્વીન એલીઝાબેથ, ભિમ, અર્જુન વગેરે)
ગુલાબ અને તુલીપ તમને અવનવા રંગોમાં જોવા મળશે જે એક અદભૂત નજારો છે. વળી રાષ્ટ્રપતિ ભવનનો જે વ્યુ મુઘલ ગાર્ડન તરફથી જોવા મળે એ અનુભવ, ફિલિંગ કંઈક અલગ જ છે.
વચ્ચે સરસ મજાની લોન હોય ત્યાં દર વર્ષે ફૂલોની આકર્ષક રંગોળી બનાવવામાં આવે છે. એ તમારું મન મોહી જ લે.
અમે એ જોઈ આગળ વધ્યાં તો અવનવા કેક્ટસને બહુ મસ્ત રીતે ગોઠવ્યા હતાં. હવે આવે છે ગુલાબ વાટિકા. અવનવા ગુલાબ જોઈને તમારું દિલ ગાઇ ઉઠે “ફૂલ ગુલાબ કા, લાખોં મેં હજારો મેં; એક ચહેરા જનાબ કા!” (આ ગીત તમારી જવાબદારી અને જોખમે ગાજો!) ખરેખર ગુલાબના રંગ અને સાઇ જોઈને તમે ભાવવિભોર થશો એ નક્કી. આ ગુલાબ વાટિકા પૂરી થાય ત્યાં એક દિવાલ આવે જે આખી વેલ મઢેલી છે. જેના પસ કેસરીયા દાંડી જેવી કંઈક ભાત પડે છે. (આપણને ટપ્પો ન પડ્યો, મૂળે હું પરિમલ ત્રિપાઠી નહીં ને #ચૂપકે_ચૂપકે). પણ એ દિવાલ પાસે તમે સેલ્ફી પડાવશો એ નક્કી.
સૌથી છેલ્લે એક ગોળાકાર બગીચો જોવા મળશે જે તમને “ચેરી ઓન ધ ટોપ” જેવી ફિલીંગ આપશે એ નક્કી. આખું વર્તુળ ફરી બહાર નીકળશો ત્યાં “ટાંટીયાની કઢી થઈ જાય” એ પણ નક્કી. પણ એ આખું વર્તુળ ફરતાં ફરતાં તમે મોબાઇલને બહુ બધી વાર કલીક્સ કરશો એની સો ટકા ગેરંટી!
બહાર નીકળશો એટલે ફરી તમને મિનરલ વોટરની સુવિધા મળશે. અમે ફરી જળ ગ્રહણ કર્યું. આગળ જોયું તો આઇસ્ક્રીમ અને નાસ્તાનો સ્ટોલ હતો. અમે સોફ્ટી કોનને ન્યાય આપ્યો. મને ભૂખ વધારે લાગી એટલે છોલે-કૂલચા પણ પેટમાં પધરાવ્યા.
બાજુના સ્ટોલમાંથી ખાતર લીધું અને સોવેનિયર શોપમાંથી કિચેન પણ યાદગીરી રુપે ખરીદ્યું.
આગળ ચાલતાં સૌથી અંતમાં પ્રેસીડેન્ટ (ભૂતપુર્વ) પ્રણબ મુખર્જી લાઇબ્રેરી પાસે પણ ફોટા તો પડાવી જ લીધાં. અને છેલ્લે ફરી ૩૫ નંબરના દરવાજેથી બહાર નીકળ્યા.
ઘરે પરત ફર્યાં ત્યાં સુધી અમારા ફેફસા બસ એક જ પંક્તિ ગાઇ રહ્યા હતાં,
दिल को बनादे जो पतंग साँसे
ये तेरी वो हवाएं हैं|
દિલ્હી ફક્ત લાલ કિલ્લા, ઇંડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, ચાંદની ચોક, કુતુબ મિનાર, લોટસ ટેમ્પલ, અક્ષરધામ, જામા મસ્જીદ, સરોજીની માર્કેટ વગેરે જેવા સ્થળોથી જ જાણીતું નથી; એ સિવાય પણ ઘણાં સ્થળ છે જે દિલ્હીને “દિલ્હી હૈ દિવાનો કી દિલ્હી” બનાવે છે.
ખરેખર, જો દિલ્હી ફરવાનો પ્લાન બનાવો તો ફેબ્રુઆરીમાં બનાવવો જેથી આખા વર્ષ દરમ્યાન એક જ વખત “આમ” જનતા માટે ખુલતાં આ “ખાસ” ગાર્ડનનો લાભ લઈ શકાય.
~ ગોપાલ ખેતાણી
Pingback: રાષ્ટ્રપતિ ભવન – ગોપાલ ખેતાણી – Aksharnaad.com
રસિક તો અચૂક પહોંચી હશે પણ નિરસ માણસ પણ એકવાર તો આ મુઘલ ગાર્ડન જોવા ચોક્કસ જશે એવી સુંદર અને સરળ અને સાચી રજૂઆત છે આપની ગોપાલભાઈ.
Thank you so much
Excellent article.
Hope one day I will also get a chance to visit it.
Pingback: મુઘલ ગાર્ડન – રાષ્ટ્રપતિ ભવન – ગુજરાતી રસધારા
ગોપાલભાઈ આપનો લેખ ઉનાળાની ગરમીમાં ઠંડક અને સુગંધ આપી ગયો.
thank you so much
વિમળાબેન, આપનો વિસ્તૃત અભિપ્રાય વાંચીને ખૂબ આનંદ થયો. અનિલ ભાઈ, તક મળે તો ફરી એક વાર દિલ્હીની મુલાકાત ફેબ્રુઆરીમાં (પહેલું અઠવાડીયું મૂકીને) લેજો. ખૂબ ખૂબ આભાર.
GOPAL BHAI . NICE WITH PHOTO, ENJOYED IN USA WITH DELHI MUGHALAI GARDEN. I WAS VISITED DELHI TWICE BUT BOTH TIME IN APRIL, SO LOST VISIT OG GARDEN NOW TO DAY MY REAL VISIT OF MUGHALAI GARDEN. THANK YOU,
નમસ્તે ગોપાળભાઇ, આપનો ‘મુગલગાર્ડન’ લેખ વાંચીને આનંદ થયો સાથે એક અફસોસ કે આપણા દેશમાં આવી કેટલીય સુંદર ને અવર્ણનીય, શિલ્પસ્થાપત્ય છે કે જોવાનો અવસર નથી મળ્યો ને એમાં કયારેક અજ્ઞાન પણ હોય છે.
જોવાની વાત એ કે નાયગરા ધોધ, એફેલ ટાવર એવા પ્રખ્યાત સ્થળની મુલાકાત લેનારને જોગનો ધોધ કે તાજમહાલ કયા છે કે કેવો છે એ ખબર નથી. અરે, આપણા ગામ કે રાજ્યમાં આવા અનેક સ્થળો હોય છે પણ કયારેક ‘ડુંગરા દુરથી
રળીયામણા’ એવી વૃતિ કામ કરી જાય. ગમે એમ પણ આપણા દેશમાં આવી સુંદર જગ્યાઓ છે એ જાણી ને તમારી કલમે માણીને આનંદ થયો. આભાર સાથે વિમળાબેનના વંદન
હર્ષદભાઇ આપના અમૂલ્ય પ્રતિભાવ માટે આભાર. મિત્ર ઉદય, શિક્ષિકા કોટેચાજી, જગદીશભાઈ, અનિલાબેન અને મનસુખભાઈ આપ સૌએ આ લેખ પ્રેમપૂર્વક માણ્યો અને પ્રતિભાવ આપ્યો એ માટે ખૂબ ખૂબ આભાર.
ખુબ સરસ વર્ણન..
જે જોવાની કયારેય તક ન મળત તે આજે આપના દ્વારા મળી ગઇ.ધન્યવાદ.
Excellent
ખૂબ સરસ વણઁન અને મસ્ત ફોટોગ્રાફી અમને તો મુઘલ ગાર્ડન જોવાનું મન થઈ ગયુ.
ગોપાલભાઈ,આજે અહીં બેઠા તમારી સાથે મુઘલ ગાર્ડનની ઊડતી મુલાકાત લીધી.મજા પડી.આભાર.
Wah. Thank you for details. Nice photos.
સરળ, સરસ વર્ણન…સુંદર ક્લિકસ…અન્ય સ્થળોની મુલાકાત લેતા રહેશો (પોસ્ટ કોરોના કાળ) જેથી અમારા જેવા લોકોને (કે જેઓ જઈ નથી શકતા અથવા જવું જોઈએ એવી જાણ જ ન હોય તેવા) માતબર લાભ મળે. આભાર.