લોકડાઉન : અનલોક માઈન્ડ – ધ્રુવ ગોસાઈ 8


સાંપ્રત સમય માં જ્યારે કોરોના વૈશ્વિક મહામારીની દહેશતને પગલે ભારત સહિત સમગ્ર વિશ્વ લોકડાઉન હેઠળ છે ત્યારે આ નવરાશની પળોની એક અનોખી ભેટ મળી છે. આ સમયે રોજિંદી દોડધામમાં ભારોભાર અવગણના પામનાર તમારા સર્જનાત્મક મનને ખીલવાની તક છે.

હા, એ જ મન જે સતત કામના બોજા હેઠળ હતું, એ જ મન કે જેને સાંભળવા સમયનો અભાવ હતો. બસ એ જ આ સમયે તમારી સાથે વાતો કરવા તત્પર છે. એકાદ વિડિયો કોલ એને તો કરી જુઓ! એની પાસે તમારી કેટકેટલી યાદો છે, એ તમને કેટલું સરસ રીતે ઓળખે છે, એને યાદ છે તમને તમને ચાર્જ અને ડિસ્ચાર્જ કરતા પ્રસંગો. એણે તમારા જીવનને જેટલી સલૂકાઈથી અને નજીકથી જાણ્યું જોયું છે કે એના જેવો બીજો સાચો અને પોતાનો અરીસો નહીં મળે! એ પ્રતિબિંબ પણ તમારું, એ અરીસો પણ તમારો અને એ દ્રષ્ટિ પણ ફક્ત ને ફક્ત તમારી. તમારી સિદ્ધિ, તમારા શોખ, તમારા હુન્નર, અરે તમારી શાળા કાળમાં યાદ રહી ગયેલી કવિતા, તમે નક્કી કરેલા પ્રવાસ , ને ન જોયેલા સ્થળો વિશેની જિજ્ઞાસા, વિજ્ઞાનના પેલા જે સોલ્વ કરવાના હતા એ કોયડા, કંઈક લખવાનું હતું, કંઈક કહેવાનું હતું એ બધું.

કોઈક જે દિલની ખૂબ પાસેથી નીકળી ગયું એની યાદ, કોઈક જે તમને સ્પર્શી ગયું એનું ભીનું સ્મરણ.. તમારા અણગમા, તમારી ભૂલો, તમારી ભ્રમણાઓ અને તમારા ખોટા નિર્ણયો જે તમને પછીથી સમજાયા, તમે સ્વીકારી લીધેલી પોતાની ખામીઓ અને વિશેષતાઓ.. જાત સાથે પણ મનગમતા સ્મરણોની ને જીવનગીતોની એક અંતાક્ષરી અને તમારી જ તમને ગમતી ખૂબીઓ અને તમને ખબર છે એવી ખામીઓ વચ્ચે લૂડો રમી જુઓ, સ્મરણોને પણ કોઈક ફૉટો ચેલેન્જ આપી જુઓ, જીવનની ચોપડીના વણખુલ્યા પાનાં વાંચી જુઓ.. જીવનના મહત્વના પ્રસંગો જે ક્યારેક તમને ખૂબ આનંદ આપી ગયેલા કે ખૂબ હતાશ કરી ગયેલા એ બધાં કોઈક વેબસીરીઝની જેમ ત્રીજા પાત્ર તરીકે જોઈ જાવ.. જિંદગીએ તમને શું શીખવ્યું છે એની યાદી કરો.. આ સમય જીવનના Lessons Learnt ની યાદી બનાવવાનો અમૂલ્ય અને કદાચ એકમાત્ર અવસર છે. એકલતાને આશિર્વાદ ગણી એક તપસ્વીની જેમ તમને જેનામાં શ્રદ્ધા હોય એની સાધના કરી જુઓ!

અરે, ખ્યાલ આવે છે? કેટકેટલું બાકી છે કરવાનું!

જીવનનાંં એ મૂલ્યો જેને માટે તમને પોતાના પર સતત ગર્વ રહેતો, તમારો એ હાવભાવ, તમારો મૂળ સ્વભાવ, તમે જે હેતુથી કંડાર્યું છે એ જીવન શિલ્પનું મૂળ. ખરેખર સુવર્ણ સમય છે જિંદગીની નવી વ્યાખ્યા આલેખવાનો, અને એ પણ આપણી રીતે, આપણી ગમતી રીતે, જિંદગીની રેસિપીમાં જે જે ખૂટે એ તમામ સામગ્રીનો ઉમેરો કરવાનો, એને લહેજતદાર અને મઘમઘતી બનાવીએ !

એક રીતે આ જિંદગીને રિબૂટ કરવાનો સમય છે! કંઈક જે ખોટું લાગ્યું, અત્યાર સુધી જાણ્યે અજાણ્યે ખોટું થયું એ બધીય ગલફતો ડીલીટ કરીએ. કંઈક હકારાત્મક ઉમેરીએ! એ ખુશીઓને ફરીથી અનલોક કરીએ! જીવનની વિશાળતા જાણીએ! આપણા અંતરમનને અનલોક કરીએ!

– ધ્રુવ ગોસાઈ, જિજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “લોકડાઉન : અનલોક માઈન્ડ – ધ્રુવ ગોસાઈ

  • PALASH SHAH

    લોકડાઉનમાં કાવ્યો વાંચવાની ખૂબ મજા પડી ગઈ.. આભાર અક્ષરનાદ

  • Janak Bhagora

    આ ભાગતી – દોડતી જીંદગી માં થોડો સમય મળ્યો છે એ સમય કુટુંબ ને પણ આપો. જેણે તમારા માટે પોતાના સપના લોક કરી દીધા છે.

  • Natwarlal Modha

    નાના હતા ત્યારે પેન્સીલ અને રબર બહુ ઘસ્યા. હવે જિંદગીના કેટલાંક આખે આખાં પાના ને છેકી નાખવાનો સમય આવ્યો છે.
    હવે નવેસરથી નવા પાંનાં કંડારવાના પ્રયત્ન શરૂ કરી દો, અને પછી જૂઓ જિંદગીની મઝા!!

  • hdjkdave

    વાહ…મનનો મોબાઈલ અત્યારે ફુલ્લિ ચાર્જડ છે, સમયની સુવિધા છે, કેશલેસ કરિશ્મા છે. મનના સ્ક્રીનની કોઈ મર્યાદા નથી. જીવનનું ફેસબુક અને અનુભવોનું વોટ્સએપ ગજબનાક ક્ષમતા ધરાવે છે. તે વૈચારિક સ્પર્શે અતીત, ભવિષ્યમાં અણધારી ઝડપે લઈ જશે. તમે ટોમ એન્ડ જેરીને ભાગમભાગ કરાવી શકો. તમે શિનચેનને સબક શીખવાડી શકો. તમે વર્ચ્યુઅલ વિશ્વમાં સૃષ્ટિની સુરક્ષા કરવા જઈ શકો. અને એવું ન ગમતું હોય તો તમને જે સહુથી વધારે ગમ્યો હોય એ અધૂરા અનુભવને પૂરેપૂરો આત્મસાત કરવાની કોશિશ કરી શકો. સ્વપ્નાં સાકાર કરી શકો.નહિ, અહીં કોઈ આર્થિક સમસ્યા નથી નડવાની. ભવિષ્યના આયોજનમાં જે ગફલત કરી હતી તે સુધારવાની તક મળી છે. ધ્યાન, અવધાન, ધારણા માટે નેટ વર્ક સોલિડ છે. તમારો સોફ્ટવેર પણ સડ સડાટ ચાલે છે. તો કોઈની રાહ જોવાની ક્યાં જરૂર છે. ઘરમાં સલામત અને સુરક્ષિત રહી લડો તમારા તન-મન ના એન્ડ્રોઇડ સાથે અને વિજેતા બનો. રખે તક સરકી ન જાય…ઓલ ધ બેસ્ટ…