આમ્રપાલીની વિચારસૃષ્ટિ :
વૈશાલી અને આમ્રપાલી જાણે એકબીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા હતા. જ્યારથી આમ્રપાલી વૈશાલીની નગરવધૂ બની ત્યારથી વૈશાલીની હંમેશાં ચડતી જ થઇ હતી. તે પણ એક બે ક્ષેત્રોમાં નહીં, પણ તમામ ક્ષેત્રે. અને તેનો યશ આમ્રપાલીને ન મળે તેવું કેવી રીતે બને? તેણે વૈશાલી માટે શું નથી કર્યું? વૈશાલીમાં હંમેશાં આમ્રપાલીની અને તેનાં કાર્યોની જ ચર્ચા ચાલતી રહેતી.
આમ્રપાલીનું રૂપ, તેનું ગૌરવ, તેની શાન અને તેનો રાજરાણી જેવો ઠસ્સો એવો ને એવો જ હતો. રતિના અવતાર સમી આમ્રપાલીનું રૂપ દિવસે દિવસે વધતું જતું હતું. એ રૂપ પણ અવનવાં રૂપો ધારણ કરતું હતું: દેવી સ્વરૂપ, ચતુર સ્ત્રીનું રૂપ, માયા મહેલનું નિર્માત્રીનું રૂપ, શાસન કરતું રૂપ, સખી સ્વરૂપ, માતૃ સ્વરૂપ, જનપદ કલ્યાણી તથા નગરવધૂ સ્વરૂપ, પ્રેમિકા અને અભિસારિકા…કેટકેટલાં અવનવાં રૂપો તે ધારણ કરતી હતી!
***
વર્ષકાર નૌકાયુદ્ધ વખતે જોતો જ રહી ગયો. ગજબ છે આ લિચ્છવીઓ! તેમનું મનોબળ એવું ને એવું જ છે અને જે જુસ્સાથી તેમણે મગધના નૌકાસૈન્યનો સામનો કર્યો તે જોઈ તેને લાગ્યું કે મારે કાંઇક વધારે નક્કર આયોજન કરવું પડશે. તેની યોજના પ્રમાણે આ યુદ્ધ પણ દેખાવ પૂરતું અને વૈશાલીના લિચ્છવીઓને ભ્રાંતિમાં રાખવા માટેનું હતું કે જેથી તેઓ ગાફેલ થઇ પોતાના ભોગ-વિલાસમાં વધારે ડૂબી જાય! પણ તેની ગણતરી ખોટી હતી. લિચ્છવીઓ ધાર્યા કરતા વધારે મજબૂત હતા.
***
આમ્રપાલી હવે જાણ્યે અજાણ્યે ગૃહસ્થ જીવન જીવવા લાગી હતી. તેમાં પણ જયારે દેવેન્દ્ર તેની સામે હોય ત્યારે તે કોઈને પણ મળતી નહીં. તે દેવેન્દ્ર અને તેના પુત્ર સાથે વધારેમાં વધારે સમય ગાળતી. એવે સમયે તેનાં ઘણાં કાર્યો વિશાખા સંભાળી લેતી હતી.
તે ક્યારેક વિચારે ચડી જતી કે સમાજમાં ગણિકાની જરૂર જ શી છે? આ પ્રશ્ન તેણે ઘણી વાર ધનિકાને અને કોઈ વાર દેવેન્દ્રને પૂછ્યો હતો. તે પોતાનાં પદની અને વ્યવહારની મર્યાદા સમજતી હતી અને તેને સાચવતી હતી. અનેક માણસોના સંપર્કમાં આવવાથી તેને ઘણા સારા-માઠા અનુભવો મળ્યા હતા. કોઈ સજ્જન, મૃદુ, વિનય-વિવેકી તો કોઈ પાશવી, ક્રૂર. ધીમે ધીમે તેણે આવી પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી. તેણે પોતાની જાત સાથે સમાધાન કરી લીધું હતું. પણ દેવેન્દ્ર સાથે તેને જે આનંદ અને શાંતિ મળતાં તે અવર્ણનીય હતાં. ત્યારે તે પોતાને સહુથી વધારે સુરક્ષિત માનતી હતી.
તે ઘણીવાર મનોમન વૈશાલીના ગણતંત્રને, સંથાગારને, ગણપતિને અને રાક્ષસને અને લિચ્છવીઓને કોસતી રહેતી. પોતાનાં જીવનની આવી પરિસ્થિતિ માટે તે તેમને ક્યારેય માફ કરી શકે તેમ નહોતી. તે એક લાગણીશીલ સ્ત્રીનું હૃદય ધરાવતી હતી. તેની નાજુક ભાવનાઓ સાથે આવી રીતે ખેલતી દુનિયા પ્રત્યે તેને અણગમો હતો. તેને પણ પોતાની જિંદગી પોતાની રીતે જીવવી હતી. તેની પાસે શું નહોતું, બધું જ હતું, પરંતુ તેને પોતાના જીવનમાં નગરવધૂનું પદ એકદમ ખટકતું હતું, ભલે એ તેણે મનને મનાવીને મક્કમપણે કરેલો ફેંસલો હતો તેમ છતાં તેને વસવસો થતો હતો. તેના પુત્રને તો તે ગમેતેમ સમજાવી દેતી હતી પરંતુ તે પોતાને કઈ રીતે સમજાવે. ડંખતા મનને કઈ રીતે સાંત્વના આપે? તેના આત્માના અવાજને શી રીતે દબાવી શકે? ત્યારે તેની ધીરજ, તેનું જ્ઞાન, તેની બુદ્ધિ બધા તેનો સાથ છોડી દેતા હોય તેમ તે અનુભવતી અને તે અશાંત થઇ જતી. તેની આ બેચેનીનો જાણે ક્યારેય અંત આવશે કે નહીં? શું તેની વેદનાનો ક્યારેય અંત નહીં આવે? માયા મહેલના અલૌકિક વાતાવરણમાં તેનું મનોમંથન તેને ગાઢ નિદ્રા લેતા રોકતું હતું. તે ઘણીવાર અધરાતે ઝબકીને જાગી જતી. હાંફવા લગતી, તરસ લાગતી, જલપાન કરી બહુ વારે શાંત થતી, ફરી શય્યામાં લંબાવતી…અને તેની રાત લંબાતી જતી…
***
બુદ્ધ ઘણી વખત વૈશાલી આવતા અને આમ્રકુંજમાં વિહાર કરતા. તેમને ગણતંત્રની પદ્ધતિ ગમતી હતી. તે વર્ણભેદમાં માનતા ન હતા. તેમનું માનવું હતું કે ગણતંત્રમાં પ્રજાને પોતાની રીતે જીવન વ્યતીત કરવાનો માનવ તરીકેનો અધિકાર પ્રાપ્ત થાય છે. અને તેથી સમાજની સુખાકારી વધે છે. બુદ્ધ પોતે પૂર્વાશ્રમમાં રાજા હોવા છતાં પદ, ધન-સંપત્તિ અને મોહ-માયાનો ત્યાગ કરીને સાધુ બન્યા હતા.
સમાજમાંથી મનુષ્યોનું દુખ દૂર કરવું અને તેમનું કલ્યાણ કરવું એ જ તેમની ભાવના હતી. પ્રત્યેક માનવી ગૌરવથી જીવન જીવી શકે તેવી તેમની અંતરની ઈચ્છા હતી. પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા દર્શાવવી જોઈએ એવો ઉપદેશ તેઓ આપતા અને તે વાત પોતાના આચરણથી સિદ્ધ કરતા. તેથી જ સાંપ્રત સમાજમાંથી તેમને બહુ સારો પ્રતિસાદ મળતો જતો હતો.
તેમણે આમ્રપાલી વિષે તેમના શિષ્યગણ પાસેથી ઘણું સાંભળ્યું હતું. અને જેમ જેમ તે તેમના વિષે સાંભળતા જતા તેમ તેમ તેમની તેને મળવાની ઈચ્છા તીવ્ર બનતી જતી હતી!
***
નાલંદાથી આવતો ત્યારે અભય પણ ક્યારેક બુદ્ધની, તેમના ઉપદેશની અને અંગુલિમાલ વિષે વાતો કરતો. પણ આમ્રપાલી તો બસ મુગ્ધ બનીને પોતાના પુત્રને બૌદ્ધિક ચર્ચા કરતાં જોયા કરતી અને ત્યારે તેના હૃદયમાં અતિશય આનંદ થતો. અભય હવે કિશોર થઇ ગયો હતો, તે બુદ્ધિશાળી અને સમજણો થઇ ગયો હતો અને તે અભ્યાસમાં પણ તેજસ્વી હતો. સુંદરતા તો તેને માતા-પિતા પાસેથી વારસામાં મળી જ હતી પરંતુ તેના પ્રશ્નો પણ બુદ્ધિપૂર્વકના અને કોઈ વિદ્વાન પૂછે તેવા હતા. દેવેન્દ્ર અને આમ્રપાલી સાથે અભય હર્ષ અનુભવતો અને કોઈપણ પ્રશ્ન પૂછતાં જરા પણ અચકાતો નહીં. તે નાલંદામાં પોતાના સહાધ્યાયીઓને લગતી ઘણી વાતો કરતો અને ત્યાં મળતા જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછ્યા કરતો. પરંતુ તેના પ્રશ્નો બાળસહજ ન રહેતાં. આમ્રપાલી વિચારતી કેટલો તેજસ્વી છે મારો પુત્ર! તે દરેક વિષયમાં આગળ આવે છે. શું તે રાજકુમાર બની શકશે? કેવી રીતે બની શકે? તે દેવેન્દ્રનાં મક્કમતાથી ઉચ્ચારાયેલા શબ્દોને પોતાના કર્ણ મહીં ગૂંજતા-પડઘાતા સાંભળી રહી: ‘દેવી, આપણો અભય એક મહાન રાજ્યનો રાજકુમાર બનવાને જ સર્જાયેલો છે અને તેને રાજકુમાર બનતો કોઈ અટકાવી નહીં શકે…કોઈ નહીં…’ આ સાંભળીને તે દેવેન્દ્રને વળગી પડી હતી…તેના હોઠો પર આવતો પ્રશ્ન ગાળામાં જ અટકી ગયો હતો, ‘ખરેખર, દેવ?’
‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.
What about next chapter???
No next episode since long???
Wait
ઉત્તમ શબ્દશૈલી… Vanchan રસ ઉપજાવે તેવુ આલેખન..
શ્રી હાર્દિકભાઈ,
તમને આ કથા ગમી હોય તો તેના અગાઉના પ્રકારનો પણ આ જ સાઈટ પર વાંચવા મળી શકશે. તેને ઓડીયોકોશમાં સાંભળી પણ શકાય છે. તે માટે તમારે પ્રકરણના અંતે લખેલા ‘ઓડિયોકોશ’ પર ક્લિક કરવાનું રહેશે. આ ઉપરાંત ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાં (ઉપર જમણી તરફ ‘હોમ’ પછી) પુસ્તક ક્રમાંક ૮૬
પણ વાંચવું ગમે તેવું છે. તે પણ આખું સાંભળી શકાય તેમ છે. તેમાં ૧૦૦ વર્ષ પહેલાના મુંબઈની ફિલ્મી દુનિયાની કથા છે. તમારા પ્રતિભાવ બદલ આભાર.