જાંબલી સક્કરખોરો – મયુરિકા લેઉવા બેંકર 21


ત્રણેક વર્ષ અગાઉ જાંબલી સક્કરખોરાને તન્મયતાથી સરગવાના ફૂલોમાંથી રસ પીતો જોયો અને આ મુદ્રામાં તેનો ફોટો ખેંચ્યો ત્યારથી એને નજીકથી જોવાનો, તેની જીવનચર્યા નિહાળવાનું કૂતુહલ ઉપડ્યું હતું. જ્યારે પણ આ પંખી નજરે પડે ત્યારે એનું નિરીક્ષણ કરવાની ખૂબ મજા પડતી.

હા, તો આ સક્કરખોરો આપણી આસપાસ જોવા મળતાં પંખીઓ પૈકીનું એક સુંદર, નાજુક અને ટચૂકડું પંખી છે. (ટચૂકડી વાર્તાની જેમ જ) એને ફૂલપંખી પણ કહે છે કારણ કે એ વિવિધ ઝાડ, ક્ષુપ, છોડ, વેલા પર ઉગતાં ફૂલો અને ફૂલો પર બેસતી જીવાતો પર નભે છે.

સક્કરખોરાને ઘણાં શક્કરખોરો પણ કહે છે. એનું નામ ઘણું સૂચક છે. સક્કરખોરો જાતભાતનાં દ્રુમ, ક્ષુપ, છોડ, વેલા પર ઉગતાં ફૂલોનો રસ એટલે કે ફૂલોનું મધ (સાકર) ચૂસીને નભતું હોવાથી તેનું ‘સક્કરખોરો’ કે ‘શક્કરખોરો’ નામ પડ્યું.

અંગ્રેજીમાં તેને Sun-bird કહે છે. જેમ સૂર્યપુત્ર કર્ણ છે એમ સૂર્યપંખી સક્કરખોરો. જો કે સક્કરખોરાનો ઉદ્ભવ કાંઈ સૂર્યમાંથી નથી થયો પરંતુ સૂર્યનો પ્રકાશ એના શરીર પર પડવાથી રંગોની જે અલૌકિક માયાજાળ રચાય છે એને લીધે એને Sun-bird કહેતાં હશે. જાણીતા વન્યસૃષ્ટિવિદ વનેચર તો સક્કરખોરાને ‘પ્રકાશપુત્ર’ કહીને નવાજે છે. જેમ જેમ આડાં, ઊભાં, ત્રાંસા સૂર્યકિરણો એની ઉપર પડે એમ એમ એના વર્ણની શોભા બદલાય. પ્રકાશ અને છાયામાં તેના રંગની અનોખી છટાનો અનુભવ જોનારને થાય છે. ઘડીકમાં નીલમ જેવો ચળકતો નીલ રંગ તો ઘડીકમાં પન્ના જેવો ચમકતો લીલો રંગ. એક પળે સોનેરી ઝાંય દેખાય તો બીજી પળમાં ઘેરો કાળો રંગ. ધૂપછાંવમાં પળેપળ બદલાતા રંગોની જે ભ્રામક મોહજાળ રચાય છે તેમાં કોઈ પણ રસિકજન કેદ થયા વિના નથી રહી શકતો. સમગ્ર પક્ષીજગતમાં ચળકતા વર્ણપટની તેની સુંદરતા અજોડ છે. નર જેટલી માદા રૂપાળી નથી હોતી. માદા સક્કરખોરાનો વાન લીલાશ પડતાં પીળા-બદામી રંગનો હોય છે. આ તો થઈ સક્કરખોરાની નામગાથા. એની ચપળતા, ચંચળતા અને નજાકતની વાતો તો એથીય ન્યારી છે.

સક્કરખોરાની ચોવીસ જાતો ભારતમાં થાય છે. તે પૈકી ગુજરાતમાં જાંબલી સક્કરખોરો અને પચરંગી સક્કરખોરો લગભગ બારેમાસ જોવા મળી જાય છે.

આ ટચૂકડાં પંખીનું કદ આશરે ચાર ઇંચ જેટલું હોય છે એટલે કે ચકલી કરતાં પણ નાનું. આંખો ઘેરી બદામી અને પગ કાળા રંગના અને પૂંછડી ટૂંકી હોય છે પણ સૌથી વિશિષ્ટ હોય તો એની ચાંચ. લાંબી, પાતળી, વચ્ચેથી કમાનાકારે વળેલી, કાળા રંગની ચાંચની બંને ધાર પર બારીક ઝીણા દાંતા હોય છે, જે ચાંચ બંધ કરતાં એકબીજાની ખાંચોમાં વ્યવસ્થિત બેસી જાય છે. આથી આખીય ચાંચ એક પોલી ભૂંગળી જેવી બની જાય છે, જેમાં લાંબી જીભ હોય છે. જાણે મ્યાનમાં તલવાર. ચાંચ અને જીભ – આ બંને સાધનો વડે જ્યારે સક્કરખોરો તલ્લીન બનીને ફૂલોમાંથી રસ ચૂસતો હોય ત્યારે કોઈ ધ્યાનસ્થ મુનિ જેવો ભાસે છે પણ આ ક્રિયા ક્ષણિક હોય છે. બાકી તો પતંગિયાંની માફક તરવરાટથી એક ફૂલ પરથી બીજા ફૂલ પર તે ઉડાઉડ કર્યા કરતો જોવા મળે. ડાહ્યો દીકરો જેમ આનાકાની કર્યા વગર બધું જમી લે તેમ બાગબગીચાના ફૂલોથી માંડી વન-વગડાના ઝાડના ફૂલો અને તેના મોર ઉપર એકસરખા ઉત્સાહથી આ પરિંદુ ફરતું-ભમતું દેખાય છે.

સક્કરખોરો ફૂલોનો રસ પીવા જાતભાતના અંગપ્રયોગો અજમાવે છે. પોતાને અનુકૂળ પરિસ્થિતિમાં ગોઠવવા ઘણીવાર તે ઊંધો લટકે છે, ઘણીવાર પડખે લટકીને રસ પીવે છે. ઘણીવાર ડાળ પર ઝૂકેલાં ફૂલો પર બેસતાં ન ફાવે તો ઊંધો ચત્તો થઈને, આડીઅવળી અંગભંગિમાઓ કરીને રસ ચૂસતો એને જોવાની મજા પડી જાય. આ જોઈને વિચાર આવે કે જગતમાં અસ્તિત્વ ધરાવતાં સર્વે જીવોને જીવવા માટે મહેનત કરવી પડે છે. સક્કરખોરાને મેં મારા ઘર સામેના સરગવાના ઝાડ પર ખીલેલાં ફૂલોનું મજાથી રસપાન કરતા જોયા છે. નરને બેઠેલો જુઓ તો થોડીવારમાં આસપાસમાંથી ઉડીને માદા આવી જાય અથવા ક્યારેક બંને એકલાં પણ જોવા મળે છે. તેઓ બીકણ કે શરમાળ પ્રકૃતિના નથી કારણ કે અગાસીમાં રાખેલા કૂંડાંમાંનાં છોડમાં ફૂલો ઊગેલા હોય તો બિન્દાસપણે તેનું રસપાન કરવા આવી પહોંચે છે. તેઓ ઝીણો ઝીણો ચ્વીક… ચ્વીક… જેવો – સાંભળવામાં ગમે તેવો અવાજ કરી પોતાની હાજરી નોંધાવે છે.

મારા બગીચામાં આવેલા એક્ઝોરાના ફૂલો એને અત્યંત પ્રિય છે. આ સિવાય પારિજાત, સરગવો, ગરમાળો વગેરે વૃક્ષો, અરડૂસી અને કરેણના ફૂલો, ચમેલીની વેલની ઘટામાં પણ અવારનવાર જોવા મળી જાય. ઉજ્જડ, વેરાન રણપ્રદેશો તથા અતિશય ગીચ જંગલો સિવાય લગભગ બધે જોવા મળે છે. મોટેભાગે ગીચઘટામાં રહેવું તેને ગમે છે.

સક્કરખોરાની બીજી નોંધપાત્ર વાત એ કે ફૂલોનું મધુ ચૂસવા એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય ત્યારે એના શરીર ઉપર ચોંટેલી પરાગરજ બીજા ફૂલમાં લાગે છે અને એ રીતે એ પુષ્પોના ફલિનીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે.

સક્કરખોરાના કદની સરખામણીએ તેના રૂપ, તેની જીવનચર્યા અને તેની ઉપકારકતા જોતાં તેને સર્વોત્કૃષ્ટ પંખી કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

– મયુરિકા લેઉવા-બેંકર


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “જાંબલી સક્કરખોરો – મયુરિકા લેઉવા બેંકર