એકાકી રહેવું – સ્વામી સચ્ચિદાનંદ 9


પહેલાં મેં કોઈ સ્થળે જણાવ્યું છે કે જીવન ભલે વાસ્તવિકતાથી ઊંચું કે નીચું થઈ જાય, પણ સમય જતાં અંતે તો વાસ્તવિકતાને સ્વીકારી લેતું હોય છે. પ્રશ્ન માત્ર સમયનો જ હોય છે. મેં આહાર સંબંધ અનેક પ્રયોગો કરીને શરીર વધુ દુર્બળ તથા આહારની નિશ્ચિત વાનગીઓ માટે લાચાર બનાવી દીધું હતું. બહુ સમય પછી ખ્યાલ આવ્યો કે આ બરાબર નથી.

મેં પ્રયોગો છોડીને શક્ય તે જે કાંઈ પથ્થ તથા શાસ્ત્રોનુમોદિત હોય તે બધું જ ખાવા માંડ્યું. મેં જોયું કે તેથી સ્વાથ્ય વધુ સારું રહે છે તથા રોગપ્રતિકારક્ષમતા પણ વધે છે. મસાલાનો પ્રયોગ પણ માપસરનો કરવા માંડ્યો. હળદર, જીરું, રાઈ, મેથી, ધાણા, મરચાં વગેરે મસાલા જો માપસરના હોય તો નુકસાન નહિ પણ ફાયદો કરે છે. પશ્ચિમની નકલ કરીને આપણે મસાલાઓ હાનિકારક માનવાની ભૂલ કરીએ છીએ. પશ્ચિમમાં આ મસાલા પ્રાપ્ત જ નથી, એટલે પેઢી દર પેઢી તેઓ જે રીતનો આહાર લે છે, એમાં આ મસાલાઓ તેમને કદાચ અનુકૂળ ન આવે. પણ આપણા માટે તો ઉપયોગી છે.

આજે હું આહાર બાબતમાં તમામ શાકાહારી વસ્તુઓ ખાઉં છું. મને તેથી લાભ જ થયો છે. આહાર સંબંધી કડક અને કઠોર નિયમો પાળનારા ભાઈઓને આટલું કહેવાનું કે પોતાના શરીરને અનુકૂળ હોય તેવી પ્રત્યેક વસ્તુને લેતા રહેવાથી સંતુલિત આહાર મળી રહે છે. એક જ પ્રકારનો આહાર લેવાથી જોઈએ તેટલાં અને તેવાં તત્ત્વો મળતાં નથી. બીજું, આંતરડાં એવી રીતનાં ટેવાઈ જવાથી આહારમાં જરાક ફેરફાર થાય કે તરત જ શરીર બગડે છે.

મારે આશ્રમ બનાવવો ન હતો, જીવનભર વિરક્ત રહીને ગામેગામ ભમણ કરીને જીવન પૂરું કરવું હતું. યાત્રામાંથી થયેલા મરડાએ અને તે પછી લોકોની પ્રતિક્રિયાએ માથું ઢાંકવા જેટલી કુટિયા બનાવવા ઇચ્છા પ્રગટાવી. પુસ્તકોનો મોહ તેમાં ઉમેરાયો એટલે કુટિયા બનાવવાની ઇચ્છા વધી. જે સાધઓને પોતાની કુટિયા અથવા આશ્રમ નથી હોતો, તેઓ અંતે કોઈ ને કોઈ આશ્રમમાં રહે છે. આવી રીતે બીજાના આધીન થઈને રહેવાનું સ્વમાની સાધુઓને ગમતું નથી. વળી આવું રહેવું જીવનભરની ખાતરી વિનાનું અનિશ્ચિત હોવાથી ચિંતા, ભય પણ રહે છે. સ્વતંત્ર વિચારકોને તો આવું પરાધીન જીવન પોષાય જ નહિ. આવી સ્થિતિમાં જીવનની વાસ્તવિકતાએ જે મારે નહોતું કરવું તે જ કરવા તરફ દોર્યો. મને થયું કે એકાદ નાની કુટિયા બનાવી હોય તો લોકોની લાચારી ભોગવવી ન પડે.

મારું ધ્યાન બે જગ્યાએ હતું. એક તો વૃંદાવન અને બીજું નર્મદાકિનારે. વૃંદાવનમાં શ્રીકૃષ્ણનું આકર્ષણ હતું, તો નર્મદાકિનારે નર્મદાજીનું આકર્ષણ હતું.

પ્રથમ હું વૃંદાવન ગયો. થોડા દિવસ રહ્યો તથા આશ્રમ માટે યોગ્ય સ્થળ વગેરેની તપાસ કરવા લાગ્યો. ૧૯૫૫માં હું આ જ વૃંદાવનમાં રહીને લઘુકૌમુદી ભણ્યો હતો. આજે તેર વર્ષ વીતી ગયાં હતાં. તેર વર્ષમાં વૃંદાવન ઘણું બદલાઈ ગયું હતું. પરમહંસ આશ્રમ પણ બદલાઈ ગયો હતો. મેં જોયું કે પહેલાં કરતાં વૃંદાવનમાં ગુંડાગીરી વધી છે. યાત્રાળુઓ તો આવીને જાય એટલે તેમને વાસ્તવિકતાનો ખ્યાલ ન આવે. પણ આ તીર્થો ગુંડાગીરીથી પણ ખદબદતાં હોય છે. ઘણા મઠો તથા આશ્રમો હોવાથી સાધુઓની પારસ્પરિક ઈર્ષાવૃત્તિ પણ ખરી. થોડા જ દિવસમાં મેં નક્કી કર્યું કે અહીં આશ્રમ કરવા જેવો નથી. હું ગુજરાત પાછો ફરવાની તૈયારીમાં હતો તેવામાં એક શૃંગારરસવાળા મહાત્મા મળી ગયા. તેઓ વૃંદાવનમાં કોઈ વક્તાને લેવા આવ્યા હતા. તે વક્તા તો મળી ન શક્યા. ફીરોજાબાદ (યુ.પી.)માં એક ભવ્ય કાર્યક્રમ ચાલતો હતો ત્યાં પ્રવક્તાઓની જરૂર હતી. મારે અને તેમને પરિચય ન હોવા છતાં, ખાલી જવું તેના કરતાં ચાલોને આ સાધુને જ લઈ જાઉં. કીર્તનબીર્તન તો કરશે તેમ સમજીને મને ફીરોજાબાદ આવવા આમંત્રણ આપ્યું. વૃંદાવન સંબંધી કાર્ય પતી જવાથી હું નવરો જ હતો. મેં ફીરોજાબાદ જવાની હા પાડી. અમે સાથે જ કારમાં રવાના થયા. ફીરોજાબાદ કાચની બંગડીઓની ફેક્ટરીઓનું ઔદ્યોગિક નગર છે. અહીંનો ખાસ કરીને વૈશ્ય સમાજ સપ્તાહો વગેરેમાં સારો રસ લઈને પ્રવચનો ગોઠવતો રહ્યો છે. પેલા સંત એક-બે મહિનાથી કથા કરતા હતા, તેમનો પ્રભાવ પણ સારો હતો. માત્ર તેમની શૃંગારવૃત્તિથી કેટલાક વૃદ્ધોને અણગમો હતો. 

અમે ફીરોજાબાદ પહોંચ્યા. બીજા જ દિવસથી સવારના સમયે પ્રાર્થના પછી મારું પ્રવચન શરૂ થયું. એક બીજા મહાત્મા પણ હતા. જેમને ‘મહંતજી’ કહીને લોકો બોલાવતા. મારો પરિચય ન હોવાથી મારી સાથે બન્ને મહાત્મા જુનિયર જેવો વ્યવહાર કરે તે સ્વાભાવિક હતું. પ્રવચનોની પરિપાટી એવી હોય છે કે જુનિયરોનાં પ્રવચનો પ્રથમ થાય, સિનિયરોનાં પાછળ થાય. સર્વપ્રથમ મારું પ્રવચન થયું. થોડો જ સમય આપ્યો હોવા છતાં લોકો પર સારી અસર પડી. પેલા મારી પાછળ બોલનારા મહંતજીએ તેની નોંધ લીધી. બીજા અને ત્રીજા દિવસે પ્રજા મારા તરફ આકર્ષાવા લાગી. મહંતજી ઉપર દબાણ કરીને મારો સમય વધારાવ્યો. પ્રજાનું પરિવર્તન મહંતજીને ન ગમ્યું. તેઓ નિયમિત રીતે મારું ખંડન કરવા લાગ્યા. એક જ મંચ ઉપરથી પ્રથમ વક્તાનું પાછળના વક્તા ખંડન કરે તે ઉત્તમ લક્ષણ તો ન જ કહેવાય. તેમની ખંડનવૃત્તિથી તેઓ લોકોમાં વધુ અળખામણા થવા લાગ્યા. દસ-બાર દિવસ થયા હશે, લોકો મહંંત્તજી તરફથી મોંઢું ફેરવી ચૂક્યા હતા. મને આ ગમતું નહિ. પણ મહંંત્તજી પોતે જ સદ્ભાવની જગ્યાએ કુભાવ પ્રસરાવી રહ્યા હતા. જોકે આટલા દિવસમાં તેમને ખ્યાલ આવી ગયો હતો કે આ નવા સાધુ તરફ લોકો આકર્ષાયા છે તે સકારણ છે, નિષ્કારણ નથી. – હવે એવું થયું કે લોકોએ મહંંત્તજીનું પ્રવચન પહેલાં અને મારું પ્રવચન પાછળ ગોઠવ્યું જેથી હું પૂરતો સમય લઈ શકું. અંતે મહંંત્તજીએ બોલવાનું જ બંધ કરી દીધું. લોકો પણ એવું જ ચાહતા હતા. સાધુવક્તાઓમાં પણ સ્પર્ધા તથા રાગદ્વેષ ઓછાં નથી હોતાં. મારી મુકેલી બીજી પણ હતી. મારો આહાર તદ્દન સાદો (મગની દાળ અને રોટલી) અને દક્ષિણાનું નામ નહિ. લોકો મારા આ આચારથી પણ પ્રભાવિત થતા. મહત્તજી તથા બીજા મહાત્માઓને નવાં નવાં મિષ્ટાન્ન વગેરે ભાવે. જમાડનારને સ્વયં કહે કે આ વસ્તુ બનાવજો. મારા આહારે લોકોને તુલના કરતા કરી દીધા. આ કારણે પણ લોકો મારા તરફ વળવા લાગ્યા. હું જાણતો હતો કે મારા આવવાથી પ્રથમના સાધુઓમાં ઓટ આવી રહી છે, પણ તેમાં હું શું કરું ? તેમના જેવો હું થઈ શકે તેમ ન હતો. મારા પૂજ્ય ગુરુદેવે મને કહેલું કે એકલો રહેજે, ને ટોળામાં રહીશ તો અશાન્તિ થશે, ખટપટો થશે. અહીં મને તેનો અનુભવ થવા લાગ્યો

ધીરે ધીરે સાધુઓ વધવા લાગ્યા. હૃષીકેશ-હરદ્વારથી મોટા મોટા સંતો પધાર્યા. ખૂબ ધામધૂમથી કાર્યક્રમ ચાલવા લાગ્યો. રાત્રે પણ પ્રવચનો થાય. હિન્દીમાં બોલવાનો મને અભ્યાસ હતો એટલે કામ ચાલતું. હજારો માણસોની સભા ભરાયેલી હોય. લોકોની ચિઠ્ઠીઓ ઉપર ચિઠ્ઠીઓ આવે: “સ્વામી સચ્ચિદાનંદકો સમય દે, હમ ઉનકો સુનને આર્યે .” આયોજક ગભરાય, મને પણ ચિંતા થાય. આ બીજા મહાત્માઓને કેવું લાગતું હશે ? સવારે તો એક હું અને એક હૃષીકેશના વૃદ્ધ જ્ઞાની મહાત્મા, બે જ પ્રવચન કરીએ. રાત્રે બીજા વારાફરતી એક-બે જણા બોલે, પણ સૌથી છેલ્લે મારું પ્રવચન હોય. મારું નામ બોલાતાં લોકો તાળીઓ વગાડે. પેલા મોટા મહાત્મા બહુ જ ભલા હતા. તે પોતે જ જાણી કરીને પોતાનાં પ્રવચન ટૂંકાવી દે અને મારી પાસે માઇક ગોઠવી દે. તેમની મારા ઉપર મીઠી દૃષ્ટિ રહે, પણ મહત્તજી તથા બીજા કેટલાકને મારા પ્રત્યે અણગમો રહે. લગભગ એક મહિના સુધી આ કાર્યક્રમ ખૂબ જાહોજલાલીથી ચાલ્યો. છેવટમાં મહત્તજીના ભાવ બદલાયા. એક વાર અમે જમવા બેઠેલા. તેઓ મારી પાસે આવ્યા, કહે કે તમારો એંઠવાડ મને પ્રસાદમાં આપો. સૌનાં દેખતાં મારે ખાવો છે. મેં તમારા પ્રત્યે બહુ ઈર્ષા-દ્વેષ કર્યા છે. મને ક્ષમા કરજો. મને ક્ષમા કરજો. તેમના આવા વલણથી હું ગદ્ગદિત થઈ ગયો. મેં કહ્યું કે તમે મોટા ભાઈ છો, હું તો તમારો નાનો ભાઈ છું. બસ આપની તો અમીદ્રષ્ટિ જ જોઈએ. પણ તે માન્યા નહિ. તે તો મારો એંઠવાડ લેવા તત્પર હતા. હું આપવા તૈયાર ન હતો. એવામાં મારા કોળિયામાંથી બટાકાનું એક પતિકું છટક્યું અને દૂર જઈ પડ્યું. મહત્તજીએ ઝટ દઈને ઝપાટો લગાવ્યો અને તેને પોતાના મોઢામાં મૂકી દીધું. મને ગ્લાનિ થઈ, પણ મહન્તજી બદલાઈ ગયા હતા.

ત્યારે સસ્તાનો જમાનો હતો. સૌની વિદાય થઈ. શેઠિયાઓ સૌ પ્રથમ સૌથી મોટી રકમ લઈને મારી પાસે વિદાય ભેટ આપવા આવ્યા. મેં તેમને સમજાવીને સૌ સાધુ-સંતોને પ્રથમ આપવા સમજાવ્યો. હું સૌની પાછળ વધશે તો લઈશ, નહિ તો ચાલશે. સાધુઓને યથાયોગ્ય વિદાય અપાઈ, પણ ઘણાનો કચવાટ તેમના ચહેરા પર જોઈ શકાતો હતો. કેટલાક કાંઈક પરસ્પરમાં બડબડ કરતા હતા. છેલ્લે મારા પાસે સૌથી મોટી રકમ લઈને આવ્યા. મેં કહ્યું કે મારી રકમ આ સાધુ-સંતોમાં વહેંચી દો. હું તો મારા જ કામે વૃંદાવન આવ્યો હતો. શેઠિયાઓની નાના હોવા છતાં મેં મારી ભેટ વહેંચી દીધી. આ બધાંનું પરિણામ એ આવ્યું કે સૌ મારા પત્યે અત્યંત આકર્ષિત થઈ ગયા. મેં કાંઈ જ લીધું નથી તેવું જાણતાં જ લોકોનો ધસારો વધ્યો. સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે આગ્રહ કરી કરીને મારી આગળ પૈસા મૂકવા લાગ્યા. મારા આશ્ચર્ય વચ્ચે મારી વિદાય ભેટ-કરતાં ત્રણ ગણી રકમ મારી પાસે આવી. ગઈ. કોઈએ ઠીક જ કહ્યું છે કે “માગે સો ભાગે, ત્યાગે સો આગે.” સૌ વીખરાયા. હું પણ વિદાય થયો, પણ ત્યારથી મેં નક્કી કર્યું કે જ્યાં ઘણા વક્તાઓ તથા સાધુ-સંતો ભેગા થતા હોય ત્યાં જવું નહિ. પરસ્પરની ઈર્ષ્યા અને દ્વેષબુદ્ધિથી દૂર રહેવા એકાકી રહેવું જરૂરી લાગે છે. આ નિયમથી મને ઘણો લાભ થયો. 

– સ્વામી સચ્ચિદાનંદ

(‘મારા અનુભવો’માંથી સાભાર, પ્રાપ્તિસ્થાન ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૦૧.)


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “એકાકી રહેવું – સ્વામી સચ્ચિદાનંદ

 • Ketankumar Parmar

  स्वामीजी ना क्रांतिकारी विचारो नो हु प्रसंशक छु।

 • anil1082003

  SHRI SWAMIJI SACCHINANAD. I HEAR HIS AUDIO CASSET. LIKE RUBRU SAMBHLO TETLIJ VISHESH CHE, SACHU NE SACHU KAHEVU TEJ TEMNI MOTI VISHISHTA CHE. SACHU KHO NE ANAND PAMO TEMNU NAM SARTHK CHE “SACHCHIDANAND.”

 • મનસુખલાલ ગાંધી

  નીરાભીમાની અને બહુ સુંદર વક્ત્વ્ય.. શ્રી સ્વામિ સચ્ચિદાનંદના પ્રવચનોમાં ભારોભાર નિસ્વાર્થ ભાવનાસભર અને સમાજોપયોગી ઉપદેશ હોય છે.

  Mansukhlal Gandhi
  Los Angeles, CA
  U.S.A.

 • Shreyas Shah

  An excellent illustration of self disciplin. It is very difficult to cultivate selflessness and popularism. Thanks to Aksharnad for publishing this.

 • મેહુલ

  મેં સ્વામીજીના બે પુસ્તકો વાંચ્યા છે. એક મારા અનુભવો અને વિદેશ યાત્રાના પ્રસંગો. સ્વામીજી સ્પષ્ટ વકતા છે. તેમને રૂબરૂ નથી સાંભળ્યા પણ તેમના પુસ્તકો વાંચતા એવું જ લાગે છે કે સ્વામીજી રૂબરૂ કહી રહ્યા છે.

 • હર્ષદ દવે

  સ્વામી સચ્ચિદાનંદ નામ તેવા ગુણ ધરાવે છે. વિચારશીલ અને સ્પષ્ટવક્તા છે. તેઓ વયસમૃદ્ધ છે અને જ્ઞાનસમૃદ્ધ પણ છે. દંતાલીમાં તેઓ વૃદ્ધાશ્રમ ચલાવે છે. તેમણે ઘણાં પુસ્તકો લખ્યા છે જે ત્યાંથી મળી શકે છે. તેમને વંદન.