અંધારી રાતે – કેતન મુનશી 12


નચિકેત દ્રુપદલાલ મુનસિફ ઉર્ફે “કેતન મુનશી” ત્રણ દમદાર વાર્તા સંગ્રહો, ‘અંધારી રાતે’ (૧૯૫૨), ‘સ્વપ્નનો ભંગાર’ (૧૯૫૩) અને મરણોત્તર પ્રકાશિત ‘રક્તદાન’ આપ્યાં, એક સામાન્ય ઓપરેશન દરમ્યાન ડૉક્ટરની બેદરકારીને લીધે શ્વાસમાંં ઓક્સિજનને બદલે નાઈટ્રોજન અપાઈ જતાં માત્ર ૨૬ વર્ષની ઉમરે અવસાન પામ્યા. વિષયવસ્તુની નવીનતા અને રચનાશૈલીના સફળ પ્રયોગોથી ધ્યાનપાત્ર બનેલા આ સર્જકની વાર્તા ‘અંધારી રાતે’ કુમાર માસિકમાં ૧૯૪૯ના વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે પુરસ્કારને પાત્ર ઠરી હતી.

વદ તેરસની અંધારી રાત મેઘલી બનીને જામી હતી.

કુદરતે આજે પોતાનું એક નવું જ સ્વરૂપ બતાવી આપ્યું હતું. બપોરે સખત તાપ હતો પણ સાંજ પડતાં તો બધું અણધાર્યું જ બની ગયું. સાંજના સાતેકને સુમારે આકાશમાં વાદળ ચડી આવ્યાં ને જોરમાં વરસાદ તૂટી પડ્યો, આકાશમાં મોટા કડાકા સાથે વીજળી ચમકવા લાગી. આખો દિવસ ગરમી સહન કરી ત્રાસી ગયેલા લોકોએ નિરાંતનો શ્વાસ લીધો. દિવસોથી અતૃપ્ત રહેલી ધરતી પાણી ચૂસવા લાગી ને તેમાંથી મીઠી ફોરમ છૂટવા લાગી.

પણ સાંજનો શરૂ થયેલો વરસાદ રાત પડવા છતાં પણ અટક્યો નહિ. ખાડા-ખાબોચિયાં ભરાવા લાગ્યાં. તે પછી નીચાણવાળા રસ્તાઓનો વારો આવ્યો. પછી તો નાળાં ઊભરાવા લાગ્યાં. લોકોના મનમાં ચિંતા પેસવા માંડી પણ વરસાદનું તાંડવ તો ચાલુ જ રહ્યું.

એવી એ કાજળઘેરી રાતે ગોધરાથી તેર માઈલ દૂર આવેલા સંતપુર ને પાંચ માઈલ દૂર આવેલા ચંચેલાવ નામનાં બે સ્ટેશનો વચ્ચે આવી રહેલી એક રેલવે-કેબિન અંધારપિછોડો ઓઢીને ઊભી હતી. ચારે બાજુ એવો તો ગાઢ અંધકાર હતો કે પાસે ચાલતા માણસનું મોં પણ ન દેખી શકાય. માત્ર એ કૅબિનમાં. એક દીવો બળતો હતો અને એ ધરતીના આખા પટ પર પ્રકાશનું એક માત્ર બિંદુ બની રહ્યો હતો. તેય મુશળધાર પડતા વરસાદને લીધે ઝાંખો લાગતો હતો. વાદળથી ઘેરાયેલા આકાશમાં કોઈ કોઈ વાર વીજળી ચમકી જતી ને ક્ષણભરને માટે પૂર્વ બાજુની ક્ષિતિજ પરથી નીકળી, આખા પટને બે ભાગમાં વહેંચી નાખી, પશ્ચિમની ક્ષિતિજ સાથે મળી જતા રેલવેના બે પાટા ને એની પાસે આવી રહેલી રેલવે-કેબિન દેખાતી. વીજળીનો પ્રકાશ ઓલવાઈ જતો ને ગાઢ અંધકારમાં કેબિનમાં બળતો દીવો વળી પાછો બિનહરીક બની રહેતો, ફરી પાછી વીજળી થતી અને કેબિનમાંથી થોડે દૂર પૂર્વ બાજુએ બે મેઈન લાઈનમાંથી લૂપ લાઈન (બાજુનો પાટો) નીકળતી દેખાતી. થોડેક દૂર જઈને એ લાઈન અટકી જતી ને ત્યાં ‘ડેડ એન્ડ’ આવેલો હતો, બસ, આટલામાં જ બધો દેખાવ સમાપ્ત થઈ જતો.

એ અટૂલી કેબિનમાં એક કેબિનમેન રહેતો. એને ખાસ કશું કામ કરવાનું નહોતું. સામાન્ય રીતે તો એની કશી જરૂર પડતી પણ નહીં. કારણ ટ્રેનો સીધી આવતી અને વણઅટકી સીધી દોડી જતી. રાત્રે બે વાગ્યે દિલ્હી તરફથી આવતો ફ્રન્ટિયર ને ત્રણ વાગ્યે મુંબઈ તરફથી આવતો ફ્રન્ટીયર એ બે ખાસ ગાડીઓ હતી. બાકીની ગાડીઓમાં દિલ્હી એક્સપ્રેસ અને બે પેસેન્જર ગાડીઓ હતી. ઉપરાંત દિવસની ત્રણ-ચાર ગુડ્ઝ ટ્રેનો જતી. કોઈ કોઈ વાર રાજા-મહારાજાઓની સ્પેશિયલ કે ડી.ટી.એસ. (ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ) જેવા કોઈક ઉચ્ચ અધિકારીની રેલવે-બસ (રેલવેના પાટા પર દોડતી પણ મોટરના એન્જિનવાળી ગાડી) પસાર થતી. એવે વખતે આ કેબિનમેનની જરૂર પડતી. વચ્ચે અટવાઈ પડેલી ગુડ઼ઝ ટ્રેનને લુપ લાઈન પર ખસેડી લેવાતી અને સ્પેશિયલ કે બસ પસાર થયે પાછી મેઈન લાઈન પર વાળી લેવાતી. આ સિવાય કેબિનમેનને પસાર થતી ટ્રેનો આગળ દિવસે લીલો વાવટો અને રાત્રે લીલું ફાનસ ધરી રાખવા ઉપરાંત કશી ડ્યૂટી નહોતી.

એ કેબિનમાં બેઠેલો રામલાલ શૂન્ય નજરે બહાર જામી પડેલા અંધકાર તરફ તાકી રહ્યો હતો. વરસાદ અચાનક પડ્યો હતો ને વળી સારા પ્રમાણમાં પડ્યો હતો, પણ આ ભાગની માટી એટલી બધી પોચી નહોતી કે લાઈન ધોવાઈ જાય, એટલે ચિંતા કરવાનું કશું જ કારણ નહોતું. વળી રાત્રે ડી.ટી.એસ. પીપળોદથી નીકળી ગોધરા જવાનો સંભવ હોવાથી મોડી સાંજે જ, એક પાયલોટ ટ્રોલી રસ્તો ‘ચેક’ કરી ગઈ હતી, પણ રામલાલ કંઈક જુદા જ વિચારમાં હતો.

તે વિચારતો હતો : હજી બપોર સુધી તો તડકો હતો ને જોતજોતામાં તો વાદળોએ ચડી આવીને બધે પાણી પાણી ફરી મૂક્યું. કેટલું જલદી બધું બદલાઈ ગયું?

‘કેટલું જલદી બધું બદલાઈ ગયું?’ તે વિચારતો હતો ને તેનું મન પાચ વર્ષનો ગાળો વટાવી ગોધરાના પેલા નાનકડા ઘરમાં જઈ પહોંચતું હતું. તે વખતે અંગ્રેજી નિશાળમાં ચોથી ચોપડી ભણતા અને વર્ગમાં નંબર લાવી હોશિયાર ગણાતા રામલાલને જોઈ કોઈ એમ ન ધારે કે પાંચ વર્ષ પછી એ આ રેલવેની ઉજજડ કેબિનમાં આવી પડશે. તેનું ભવિષ્ય ઊજળું હતું એમ લોકો કહેતા અને રામલાલ પોતે પણ એમ માનતો. શા માટે ન માને? માધવજી પટેલ જેવા અડીખમ બાપ જ્યાં સુધી જીવતાજાગતા બેઠા હોય ત્યાં સુધી તેમનો એકનો એક દીકરી શા માટે સ્વપ્નાં ન સેવે? તેના અભ્યાસની કારકિર્દી ઊજળી હતી; તેના બાપ પૈસાદાર ગણાતા હતાં. ઉપરાંત…. ઉપરાંત.. રામલાલની આંખો સામે તેના મનમાં જીવની પેઠે જડાઈ ગયેલો એક પ્રસંગ તરવરી રહ્યો..

ત્યારે પોતાની ઉંમર બહુ મોટી નહોતી. હજી તો ગુજરાતી નિશાળમાં જ ભણતો હતો. તે દિવસે ચાર-પાંચ ગોઠિયાઓ સાથે રખડવા નીકળી પડ્યો હતો. રસ્તામાં એક વાડીમાં જાંબુડો જોયો. તેના ઉપર ખાસ લીંબુ જેવડાં કાળાં કાળાં જાંબુ હિલોળા લઈ રહ્યાં હતાં. વળી તે ખાસ ઊંચે પણ નહોતાં. પથરા મારીને સહેલાઈથી પાડી શકાય. કોઈનું પણ મન લોભાઈ જાય એવી વાત હતી અને બધા પાછા રખડવા નીકળેલા. જે થાય તે ખરી. પકડાઈ જશું તો બે તમાચા ખાઈ લેશું, એવો વિચાર કરી બધા વાડ કુદાવીને અંદર ગયા.

હજી તો પથરા મારવાની શરૂઆત જ કરી હતી ને દસ-બાર જાંબુ જ ખાધા હતાં, ત્યાં તો કશેકથી એક નાનકડી છોકરી દોડતી આવી. દસેક વર્ષની એની ઉમર હશે. ચોળીચણિયો પહેરેલાં. હજી ઓઢણી પહેરવા જેટલી ઉમર નહોતી. તેણે આવીને માલિકના રુઆબથી બધાને ધમકાવવા માંડ્યાં.

છોકરાઓ પહેલાં તો આ નાનકડી છોકરીની હિંમતથી સ્તબ્ધ થઈ ગયા, પણ પછી ખિજાઈ ગયા. તેમણે છોકરીને મારવા માંડી. છોકરીએ ચીસાચીસ કરી મૂકી. આ નમણી ને નાનકડી છોકરી ઉપર થતો જુલમ પોતાથી ન જોવાયો. પોતે વચ્ચે જઈને છોકરીની આગળ ઊભો રહ્યો.

“ખસી જા રામુ” એક ભાઈબંધે કહ્યું.

“નહિ ખસું.” પોતે બોલ્યો.

“તે તારી કો’ક સગી થતી હશે, નહિ?’ ભાઈબંધ ટોણો માર્યો: “ખસે છે કે નહિ? નહિ તો તને પણ સ્વાદ ચખાડવો પડશે.’

“મોઢું સંભાળ!” પોતે પોતાની પાછળ ભરાતી છોકરીના હાથને જ દબાવી તેને હિંમત આપતાં કહ્યું, “મારી સગી નહિ હોય તેમાં શું ? આનો શો વાંક છે? હું તો આ ઊભો; થાય તે કરી લે.”

“એમ? તો લેતો જા.” કરીને તેના ભાઈબંધોએ તેના પર હુમલો કર્યો. આ છોકરીએ વળી ચીસાચીસ કરી મૂકી. થોડી વાર ઘમસાણ ચાલ્યું. એટલામાં છોકરીનો બાપ ચડી આવ્યો. બીજા બધા છોકરા વાડ ઠેકીને ભાગી ગયા. પોતે લડતાં લડતાં એટલો બધો થાકી ગયો હતો કે દોડી શકાય એમ નહોતું. જ્યાં હતો ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો, “હરામખોર! જાંબુ ચોરવા આવ્યો છે? ક્યાં ગયા બીજા બધા?” છોકરીના બાપે તેને મારવા લીધો, પણ છોકરીએ તેને અટકાવ્યો : “બાપા, એને નૈ મારતા. એ તો મારી તરફથી લડતો’તો.” કહી પોતાના અને રામલાલના શરીર પર પડેલા ઉઝરડા બતાવ્યા.

“એમ! શાબાશ.” છોકરીના બાપે કહ્યું અને થોડી વાર તેની સામે તાકી રહ્યા. પછી પૂછ્યું : “અલ્યા, કોનો છોકરો છે?”

“માધવજી પટેલનો.” પોતે કહ્યું.

અને વીજળી પડી હોય તેમ છોકરી અને તેનો બાપ સ્તબ્ધ થઈ ગયાં. છોકરી તરત બે હાથમાં મોં છુપાવી દોડી ગઈ. પછી એના બાપે કહ્યું : “ઓહો, ચાલો ચાલો, ઘરમાં આવશો?”

“કેમ?”

“કાંઈ નહિ, ચાલો તો ખરા ને જરા ચા-બા પીને જજો. માધવજી પટેલને અને મારે સારી દોસ્તી છે,’ કહી પોતાને ઘરમાં લઈ જઈ ચા નાસ્તો કરાવીને થોડાંક પાકાં જાંબુ બંધાવીને ઘેર મોકલ્યો.

ઘેર આવીને ભાઈબંધોને પોતે આ વાત કરી, તો બધા હસી પડ્યા. કલાક અગાઉ પોતે જેની સામે થયો હતો તેણે પોતાનો વાંસો થાબડ્યો

અને કહ્યું : “શાબાશ, ખરો વરરાજો!’

“એટલે?” પોતાને કશી સમજ પડી નહિ.

“એટલે શું?” પેલાએ હસતાં હસતાં કહ્યું: “તું તારે ભવિષ્યને સાસરે ચા પી આવ્યો. પેલી છોકરી તે તારી…’

વધારે સ્પષ્ટતા કરવાની જરૂર નહોતી. પોતે શરમાઈને દોડી ગયો.

આ પ્રસંગ યાદ આવતાં રામલાલનો ચહેરો અત્યારે પછી પણ હસી ઊઠ્યો. તેને યાદ આવ્યું. પછી કેટલાં વરસ સુધી અવારનવાર તેને સાસરેથી જાંબુની ટોપલીઓ આવ્યા કરતી. જાંબુ મીઠાં લાગતાં પણ તે દિવસની યાદ તો એથી પણ મીઠી લાગતી. કેટલી સુંદર હતી વહુ? નામ પણ કેટલું સુંદર હતું? ગૌરી…

ટ્રિંગ ટ્રિંગ… કેબિનમાંના ટેલિફોનની ઘંટડી વાગી અને આ પોતાની વિચારતંદ્રામાંથી ઝબકી ઊઠ્યો.

ટ્રિંગ ટ્રિંગ… ટ્રિંગ ટ્રિંગ… ફરીથી ઘંટડી વાગી. તેણે રિસીવર ઉપર સંતરોડના સ્ટેશન માસ્તરનો ફોન હતો.

“એલાવ, એલાવ… વોટ? ફોર અપ લેફ્ટ? ફ્રન્ટિયર લેફ્ટ. ઓલ રાઈટ, ઓલ રાઈટ… યસ, ઓલ ક્લિયર, ઓલ ઓ.કે.’ તેણે રિસીવર મૂકી દીધું.

ફ્રન્ટિયર મેલ સંતરોડથી નીકળી ચૂક્યો હતો. હવે પાંચેક મિનિટમાં જ આવી પહોંચવો જોઈએ. ફ્રન્ટિયર મેલ… તે વિચારી રહ્યો

એમ તો રોજ અહીંથી ફ્રન્ટિયર મેલ પસાર થતો હતો, પણ આજે. આજે એમાં ગૌરીના વરની જાન પસાર થવાની હતી.

ગીરીનો વર! તેનું મગજ કામ નહોતું કરતું… માધવજી પટેલ અચાનક મૃત્યુ પામ્યા ત્યારે જ બધાને ખબર પડી કે એમનો ભપકો નામનો જ હતો. રામલાલ માટે એ એકેય પૈસો નહોતો મૂકી ગયા. ઊલટાનું સારું એવું દેવું કરતા ગયા હતા. રામલાલને શાળા છોડી દેવી પડી અને નાની ઉમરે આવી નીરસ નોકરી લઈ લેવી પડી. પણ એનું તેને એટલું બધું દુઃખ નહોતું. એને ખરું તો સાલતું હતું ગૌરીના બાપે પોતાનું કરેલું અપમાન.

ગૌરીનો બાપ લોભી હતો. સારું ઘર અને પૈસો જોઈને એણે પોતાની છોકરીની સગાઈ રામલાલ સાથે કરી હતી. પણ માધવજી પટેલ મૃત્યુ પામ્યા અને કંઈ પૈસો ન મૂકી ગયા એટલે એણે સગાઈ તોડવાના પ્રયત્નો કરવા માંડ્યા. પોતાની ન્યાતમાં ખાસ કારણ વિના સગાઈ તોડવાની રિવાજ નહોતો; પણ લાગવગ અને પૈસા આગળ એનું શું ચાલે? એના અને બીજા થોડાક જુવાનિયાઓના પ્રબળ વિરોધ છતાં સગાઈ તૂટી. એક વાર સગાઈ તૂટ્યા પછી ગૌરીના બાપે ઢીલ ન કરી, તેણે તરત જ એક બહારગામનો પણ પૈસાદાર મુરતિયો શોધી કાઢ્યો ને પંદર દિવસમાં જ લગ્ન લીધાં. હજી કાલે જ રામલાલના એક મિત્રનો કાગળ આવ્યો હતો કે ગૌરીનાં લગ્ન બે દિવસ પછી નક્કી થયાં હતાં અને જાન આજે ફ્રન્ટિયર મેલમાં ગોધરા જવાની હતી.

ફ્રન્ટિયર મેલ અને ગૌરીનો વર..! રામલાલ ક્યાંય સુધી એના એ જ વિચારો કરતો બેસી રહ્યો. જો માધવજી પટેલ મૃત્યુ ન પામ્યા હોત તો આજે ગૌરી તેની પત્ની હોત. ગૌરી! કેટલી સુંદર અને મીઠી તેની ગૌરી હતી પણ હવે તેનો તેના પર શો હક્ક રહ્યો? આવતી કાલે તો બીજાની પત્ની બની જશે. કોણ જાણે એનો વર કેવો હશે! હતો પણ કો’ક બહારગામનો એટલે શી ખબર કેવા સ્વભાવનો અને કેવી ચાલચલગતનો હશે. ગૌરીને પરણીને પછી એને દુઃખ તો નહિ દે? એવું થશે તો પોતાની ગૌરી..

રામલાલને પોતાના મન પર ચીડ પડી. એક વસ્તુ બની ગયા પછી એને સંભાર્યા કરવાથી શો ફાયદો? ગૌરી હવે પોતાની માટી ગઈ હતી, છતાં શા માટે તેને સંભાર્યા કરવી? નકામી પારકી પંચાત! તેણે પોતાના મન સાથે દલીલ કરી.

પણ ના, તેને લાગ્યું. એ પારકી પંચાત નહોતી; પોતાની પંચાત હતી. ગૌરી સાથે તેની સગાઈ બાર વર્ષ સુધી ટકી હતી. બાર-બાર વર્ષો સુધી જેને પત્નીરૂપ માની, તેના પર શું તેનો જરા પણ હક્ક નહોતો? બાર બાર વર્ષ સુધી જેને પોતાની માની તેને કાલે એક અજાણ્યો માણસ ઉપાડી જાય એ કેમ સહન થાય? તેને ગૌરીના બાપ પર ચીડ ચડી, ગૌરીને પરણવા આવનાર મુરતિયા પર ચીડ ચડી. તેને આખા જગત પર ચીડ ચડી. જાન લઈ આવતા ફ્રન્ટિયર મેલ પર પણ ચીડ ચડી. તેનું રોમરોમ ગરમીથી ધખી રહ્યું અને કોઈ પણ ઉપાયે લગ્ન અટકાવી વેર લેવાને તલસી રહ્યું.

આકાશમાં ભયંકર ગડગડાટ થયો. હમણો જરા શાંત પડેલો વરસાદ ફરી પાછો જોરમાં શરૂ થયો. એક વીજળી ચમકી અને ગગનને ચારતી ધરીમાં સમાઈ ગઈ. બારી પાસે બેઠેલા રામલાલની સામે આવી રહેલો પાટા બદલવાનો લોખંડનો હાથો વીજળીના પ્રકાશમાં ઝબકી ઊઠ્યો.

સાથોસાથ રામલાલના મગજમાં વિચાર ઝબકી ઊઠ્યો : જાનને ગોધરા પહોંચવા જ ન દઉં તો?

તેના સામે જ લોખંડનો હાથો આવી રહ્યો હતો. પૂરે એક હાથનું પણ અંતર નહોતું. અને જરાક જોર કરીને પોતાની પાસે ખેંચી લે તો પૂર્વ બાજુથી આવતો ફ્રન્ટિયર સીધો જવાને બદલે લૂપ લાઈન પર થાય જાય. ફ્રન્ટિયરનો વેગ આવી જગ્યાએ સાઠ માઈલથી ઓછો તો ન જ હોય. ડ્રાઈવર ટ્રેનને રોકી શકે એ તો અસંભવિત જ હતું. પછી તો સામે ‘ડેડ એન્ડ’ હતો. જાન શી રીતે ગોધરા પહોંચવાની હતી? ગોધરા પહોંચતા પહેલાં તો ઈશ્વરના દરબારમાં…

પૂર્વ બાજુના ક્ષિતિજ પર એક દીવો દેખાયો : ફ્રન્ટિયર મેલ. રામલાલે પોતાના કપાળ ઉપર હાથ મૂક્યો. તપાવેલી ભઠ્ઠીની જેમ એ ધીખી રહ્યું હતું. આવા વિચારો શાથી આવતા હશે? પણ શા માટે ન આવે? જગતે તેના પર વેર લીધું તો પોતે શા માટે જગત પર વેર ન લે? તેણે ઊઠીને લોખંડના હાથા પર પોતાનો હાથ મૂક્યો.

પૂર્વ બાજુએ દેખાયેલો દીવો નજીક ને નજીક આવી રહ્યો હતો. રામલાલનો હાથ અચકાઈ રહ્યો હતો… દીવો મોટો ને મોટો થતો જતો હતો. પણ જરાક ફિક્કો અને ધીમો હતો. રામલાલ વિચારી રહ્યો હતો : એમાં ગૌરીનો વર હશે. લગ્નના ઉમંગમાં બધાં મસ્ત હશે… હવે તો એ દીવાની પાસે એક નાનકડો બીજો દીવો પણ આમથી તેમ હાલી રહ્યો હતો. વેરથી સળગી ઊઠેલા મનને શું એકના બે દીવા દેખાતા હતા? રામલાલનું મન ‘વેર, વેર’નો પોકાર પાડી રહ્યું…. આખરે એ દીવો જ્યાંથી લૂપ લાઈન છૂટી પડતી હતી ત્યાં આગળ આવી પહોંચ્યો. રામલાલે દાંત પીસી લોહી કાઢ્યું. પોતાનામાં હતું તેટલું જોર કરી તેણે હાથાને પોતાના તરફ ખેંચ્યો. દીવો લૂપ લાઈન પર વળી ગયો! રામલાલ પરસેવો લૂછતો પાસે પડેલી ખુરશી પર બેસી પડ્યો.

આકાશમાં વીજળીનો એક ચમકારો થયો અને એક ભીષણ ગડગડાટ તેના હૈયાસોંસરો નીકળી ગયો. તેને હવે જ પોતે શું કર્યું હતું તેને ખ્યાલ આવ્યો. ફ્રન્ટિયર લૂપ લાઈન પર વળી ગયો હતો. તેને થયું, હમણાં ધડાકો થશે અને આખી ટ્રેનના ભુક્કા બોલી જશે. પોતાનું તો જ થવાનું હશે તે થશે, પણ ફ્રન્ટિયરમાં ગોધરા જઈ રહેલી પેલી જાનમાંથી તો એકે માણસ જીવતો નહિ રહે. તેના મગજને જરા શાંતિ વળી. પણ તરત એને ખ્યાલ આવ્યો : જાન તો મરશે, પણ સાથે બીજા કેટલાં માણસો મરી જશે. કેટલાય માણસો ઊંઘમાં પડ્યા હશે અને પોતાની માતા, પત્ની, બહેન કે પુત્રને મળવાનાં સ્વપ્નો સેવી રહ્યાં હશે. એક ક્ષણમાં તે બધાની લાશ થઈને પડશે અને હજારો માતા, ભગિનીઓ, પત્નીઓ અને પુત્રપુત્રીઓનાં રૂદનથી દુનિયા આખી કાલે ગાજી ઊઠશે. રામલાલનો આત્મા ‘ખૂન ખૂન’ પોકારી ઊઠ્યો. સાચે જ તે ખૂની હતો – એથીય વધારે હતો. એક માનવીને ગોધરા જતો રોકવા એણે હજારોને રડાવ્યાં હતાં. અને એય શા કામનું? એક મુરતિયો મૃત્યુ પામે તોય ગૌરીનો બાપ ગૌરીને એની સાથે થોડો જ પરણાવવાનો હતો? એ તો બીજા કોઈ પૈસાદારને શોધી કાઢશે. તો પછી આટલા બધા માનવીનો સંહાર શા કામનો? રામલાલને લાગ્યું, પોતે માનવી મટીને દૈત્ય બની ગયો છે – કશા પણ કારણ વિના હજારોને સંહારનાર દૈત્ય. તેને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો : “ખૂન, ખૂન’ તેનો આત્મા પોકારી રહ્યો.

‘નીચ! હીંચકારા! રાક્ષસ..” તેનું મન પોકારી રહ્યું.

એટલામાં એક ટ્રેનની વ્હીસલથી આખું વાતાવરણ કંપી ઊઠ્યું. રામલાલ ઝડપથી ઊડ્યો. તેણે જોયું તો એક બીજો દીવો મેઇન લાઇન પરથી આ તરફ આવી રહ્યો હતો. એક પંચાવનની ગુડ઼ઝ! આટલી બધી વહેલી? તેને વિચાર આવ્યો. પણ બીજું કશું વિચારવાનો સમય નહોતો. દિવો લૂપ લાઈન આગળના જોડાણની છેક પાસે આવી લાગ્યો હતો. તેણે હાથો પકડી દૂર ધકેલી દીધો. મેઈન લાઈન ક્લિયર થઈ ગઈ. દીવો મોટો ને મોટો બનતો ગયો. ટ્રેનનો ખડખડાટ પણ વધારે ને વધારે મોટો બનતો ગયો. ફ્રન્ટિયરના અકસ્માતનો અવાજ હજી કેમ ન સંભળાયો એવો વિચાર રામલાલના મગજમાં ઝબકી ગયો, પણ તે પૂરો થાય તે પહેલાં તો ટ્રેનના દીવાથી તેની આંખ અંજાઈ ગઈ. આંખ સહેજ ટેવાતાં તેણે જોયું કે ટ્રેન ગુડ્ઝ નહોતી પણ પેસેન્જર હતી. એની આંખે રોયલ મેઇલનો લાલ ડબ્બો દેખાયો, એર-કન્ડિશન્ડનું સફેદ સલુન દેખાયું, તેની આંખ છેલ્લા ડબ્બાની ઉપર ચોડેલા પાટિયા પર ફરી રહી : FRONTIER MAIL.

ટ્રેન થોડી જ વારમાં પસાર થઈ ગઈ. તેનો પ્રકાશ દૂર ને દૂર થતો ગયો. તેનો ગગડાટ ઓછો થતો થતો પશ્ચિમની ક્ષિતિજ પર શમી ગયો. ફરી પાછી નીરવ શાંતિ પથરાઈ રહી. રામલાલને આ બધું શું બની ગયું તેની સમજ ન પડી.

એટલામાં કેબિનનું બારણું ઠોકાયું. તે ગૂંચવાયેલા મગજે હાથમાં ફાનસ લઈને બહાર આવ્યો. તેના ફાનસનો પ્રકાશ સામે ઊભેલા પીપળોદના ડેપ્યુટી સ્ટેશનમાસ્તરના મોં પર પડી રહ્યો. વરસાદ અટકી ગયો હતો.

“વેલ ડન, યંગમેન!” ડેપ્યુટી સ્ટેશનમાસ્તરની પાસે ઊભેલા એક યુરોપિયન અમલદાર જેવા લાગતા માણસે તેની સામે હાથ ધર્યો. રામલાલે યંત્રવતુ હાથ લાંબો કરી હસ્તધૂનન કર્યું.

‘મિસ્ટર બ્રાઉન, ડી.ટી.એસ, એમને અને રેલવે બસને બચાવવા માટે તારો આભાર માને છે,” રામલાલી પીપળોદના ડેપ્યુટી સ્ટેશનમાસ્તરે કહ્યું.

રામલાલને થોડી થોડી સમજ પડવા માંડી. ડી.ટી.એસની સ્પેશિયલ રેલવેમ્બસ સાતેક વાગ્યે પીપળોદથી ગોધરા જવા નીકળી હશે, ત્યારે વરસાદ નહોતો. સંતરોડ છોડ્યા પછી અચાનક વરસાદ પડવાને લીધે એન્જિન ખોટકાયું હશે. પણ તે ચાલુ થતાંમાં તો ફ્રન્ટિયરનો સમય થઈ ગયો. ડ્રાઈવરે ફ્રન્ટિયરની પહેલાં બસ ગોધરા પહોંચાડી દેવા બસ મારી મૂકી. પણ કેબિન આગળ ફ્રન્ટિયર સાવ પાસે આવી લાગ્યો. ડ્રાઇવરે બીજા દીવાથી નિશાની કરી બસને લૂપ લાઇન પર લઈ લેવા સૂચવ્યું. રામલાલે તો એ કશું સમજ્યા વિના એના દીવાને ફ્રન્ટિયર મેલનો દીવો માની લૂપ લાઇન સાથે જોડાણ કરી દીધું અને પાછળ આવતા ફ્રન્ટિયર મેલને ગુડ્ઝ સમજી તેનું મેઈન લાઈન સાથે જોડાણ કરી દિીધું. પરિણામે બસ અને ફ્રન્ટિયર, બંને અકસ્માતમાંથી ઊગરી ગયાં.

“વેરી વેલ ડન, યુન્ગ મેન! વેરી વેરી બ્રિલિયન્ટ વર્ક!” ડી.ટી.એસ.એ ફરીથી રામલાલનાં વખાણ કર્યા. રામલાલથી એ સહેવાયું નહિ, એણે જમીન પર બેસી જઈ પોતાના બે હાથ વચ્ચે માથું નાખી દીધું.

પંદર દિવસ પછી ખાસ ડી.ટી.એસ.ના ઓર્ડરથી રામલાલને પ્રમોશન મળ્યું, ત્યારે તેણે પોતાના સદભાગ્યથી આનંદ પામવાને બદલે રાજીનામું કેમ આપ્યું એ કોઈ સમજી શક્યું નહિ.

(કુમાર માસિકમાં ૧૯૪૯ના વર્શની શ્રેષ્ઠ વાર્તા તરીકે પુરસ્કાર પામનારી વાર્તા)


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “અંધારી રાતે – કેતન મુનશી

  • Mansukhlal Kakkad Devjibhai Kakkad

    જે અકસ્માત લેખકે તેમની વાર્તામાં નિરૂપેલ છે કઈક ટેવોજ અકસ્માત તેમની જિંદગી સાથે પણ ઘટિત થાય છે.

  • Dr Induben Shah

    સુંદર વાર્તા, કહેવાય છે કે એક વ્યક્તિનું ભાગ્ય સારું હોય તોબધા સહયાત્રી અકસ્માતમાંથી બચી જાય છે!!!

  • ગોપાલ ખેતાણી

    વિષય, વાર્તા ગુંથણી, વાક્ય રચના, રુઢી પ્રયોગ, એડીટીંગ – આ બધું એક સરસ વાર્તાના અનિવાર્ય ગુણ છે, જે અહીં દેખાય છે.
    ખરેખર કેતન મુનશી તેમના સમયથી ઘણા આગળ હતા તે આ એક વાર્તાથી જાણી શકાય છે.

  • સુરેશ

    સ્વ. કેતન મુન્શીનો બાયો ડેટા મેળવી આપશો, તો તેમનો પરિચય મારા પરિચય બ્લોગ પર મૂક્વો છે. મદદ કરશો તો ખૂબ ખૂબ આભારી થઈશ.

    • ગોપાલ ખેતાણી

      https://www.youtube.com/watch?v=R0BUfx0OcOE આ લીંક પર શરીફાબેન બીજળીવાળાજીએ બહુ સરસ વાત કરી છે શ્રી કેતન મુનશી અને શ્રી બકુલેશજી માટે. અહીંથી તમને પરિચય યોગ્ય માહિતી મળી જશે એમ હું માનું છું સુરેશભાઈ.

    • Rajesh Chauhan

      નર્મદ સાહિત્ય સભા,
      c/o સાહિત્ય સંગમ,
      બાવાસીદી,
      ગોપીપુરા,
      સુરત -૧
      કેતન મુનશી અંગેની માહિતી ઉપરોક્ત જગ્યાએથી અવશ્ય મળી રહેશે.

  • હર્ષદ દવે

    રાજીનામુ…પશ્ચાતાપની પ્રતીકાત્મક અભિવ્યક્તિ…મનોમંથન અને પ્રેમની અપ્રકટ વૈચારિક અભિવ્યક્તિ વાસ્તવમાં સ્વસ્થ મનથી ન થઈ શકે તેવો અપરાધ કરવામાં પરિણમી…પરંતુ કુદરત તેને કેવો અકલ્પ્ય વળાંક આપે છે. લેખક વધુ જીવી શક્ય હોત તો સાહિત્ય જગતને વધુ સમૃદ્ધ થવાની તક સાંપડી હોત. કથા આરંભથી અંત સુધી વાચકને જકડી રાખે છે. રામલાલની સગાઈ પછી અને તેના ફોક થયા વચ્ચેના ગાળાને જરા વધારે વિસ્તારી શકાયો હોત… પણ નવયુવક પ્રિયપાત્ર ન મળે એથી રોષે ભરાય એ સ્વાભાવિક છે…વાચકોને શું થઈ શકયું હોત તેવું વિચારતાં ચોક્કસ જણાય કે આ કથામાં એક સારી નવલકથાનું બીજ છે, કોઈ તેની માવજત કરીને કોઈ સુંદર રચના કરે એવી અપેક્ષા અસ્થાને તો નથી જ…
    તમે આટલા વર્ષે એ કથાને અક્ષરનાદ પર પ્રસ્તુત કરી તે માટે અભિનંદન…

  • Minaxi

    નિતાંત સુંદર ટૂંકી વાર્તા…! નાયકના મનોવ્યાપાર અને વાતાવરણમાં આવતા રહેતાં અચાનક પલટાને ખૂબીપૂર્વક એકમેકમાં ગૂંથી લીધા છે. એક ખૂબ જ સુંદર વાર્તા વાંચવાનો સંતોષ અવર્ણનીય છે.

    મીનાક્ષી વખારિયા .