આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૮)


…અને ફરીવાર યુદ્ધ

આમ્રપાલી અને દેવેન્દ્રનો પુત્ર ધીમે ધીમે મોટો થતો જતો હતો. તેને અભ્યાસ માટે નાલંદા મૂકવામાં આવ્યો. આમ્રપાલીએ હૃદયને કઠણ કરીને અભયને પોતાની આંખ સામેથી અળગો કર્યો. નાલંદા વિશ્વવિદ્યાલયની નામના ભારતવર્ષમાં ઘણી ઊંચી હતી.

ભારતવર્ષનાં બિહારની વાયવ્ય દિશામાં વિશ્વનાં પ્રથમ મહાવિદ્યાલય નાલંદાનો પ્રારંભ આશરે ઈસવીસન પૂર્વે સાતસો વર્ષ પહેલાં થયો હતો. ગાંધારનાં સામ્રાજ્યમાં આવેલાં વિશ્વવિદ્યાલયમાં ૬૮ વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું! તેમાં પ્રવેશ મેળવવા માટે ઓછામાં ઓછી સોળ વર્ષની ઉંમર હોવી જરૂરી ગણાતી. એક સમયે ત્યાં દસ હજાર પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જેમાં બેબીલોન, ગ્રીસ, સિરિયા અને ચીન સહિતના દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

જેમના આચાર્ય પદે આર્યભટ્ટ હતા કે જેમણે વિશ્વને ‘શૂન્ય’ની ભેટ આપી હતી. નાલંદા વિશ્વવિદ્યાલયમાં અનુભવી અધ્યાપકો વેદ, પાલી, અર્ધમાગધી, સિંહાલી, સંસ્કૃત, માગધી, જેવી ભાષાઓ, વ્યાકરણ, તત્વ-દર્શન, ઔષધશાસ્ત્ર, શસ્ત્રવૈદક, ધનુષવિદ્યા, રાજનીતિ, ખગોળશાસ્ત્ર, જ્યોતિષ, સામુદ્રિકશસ્ત્ર, યુદ્ધકૌશલ્ય, હિસાબ-કિતાબ, વેપાર-વાણીજ્ય, દસ્તાવેજ લેખન, સંગીત, નૃત્ય અને અન્ય કલાઓ તથા ગૂઢ વિદ્યા વગેરે વિષયોનું ઉત્તમ શિક્ષણ આપતા હતા. ત્યાં અભ્યાસ કરી ચુકેલા પ્રતિભાશાળી વિદ્વાનોમાં કુટિલ રાજનીતિજ્ઞ કૌટિલ્ય, પ્રસિદ્ધ સંસ્કૃત વૈયાકરણી પાણિનિ, સુશ્રુત પરંપરાના જીવક અને વિષ્ણુ શર્માનાં નામો આપણે આજે પણ આદરપૂર્વક લેવાય છે. આમ વિશ્વમાં પૂર્ણ કહી શકાય તેવાં વિશ્વવિદ્યાલયની સ્થાપના સહુ પ્રથમ ભારતવર્ષમાં થઇ હતી. જરા વિચારી તો જુઓ કે એ સમયે તેમાં ૩૦૦ જેટલા વર્ગખંડો હતા! બેસવા માટે પથ્થરની શીલાઓ હતી. તેમાં પ્રયોગશાળા હતી તેની શાન સમું આશરે પાંચ લાખ પુસ્તકોની હસ્તપ્રતો ધરાવતું ધર્મગુંજ નામનું વિશાળ પુસ્તકાલય પણ હતું. તેમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષામાં દસમાંથી કેવળ ત્રણ વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થતા હતા. આઠસો વર્ષ સુધી સક્રિય રહ્યા બાદ હુમલાખોરોએ તેનો નાશ કર્યો હતો. ત્યાં આજે પણ સારીપુત્ત સ્તૂપના અવશેષો જોવા મળે છે. એ જોઇને અફસોસ થાય.

***

ગણપતિ સમજતો હતો કે પ્રજાનું માનસ જુગાર, દારૂ, ગણિકા તરફ ઢળી ચૂક્યું છે. જો આ રીતે જ ચાલે તો ધંધા-રોજગાર પડી ભાંગે, આર્થિક રીતે પણ પાયમાલ થઇ જવાય. ગણતંત્રનો નાશ થઇ જાય. રાક્ષસ અને વર્ષકાર પણ તેમની ચિંતામાં પોતાનો સૂર પુરાવતા હતા. પણ આનો ઉપાય શો કરવો તેની સમજ કોઈને પડતી નહોતી.

***

દેવેન્દ્રની યુક્તિથી પરદેશી નૌકા, એ નૌકાના ખલાસીઓ, તેમના કર્મચારીઓ – બધા જ લોકો નૌકા સાથે વૈશાલીમાં ઘૂસી ગયા. શું દેવેન્દ્રને પોતાનો વેપાર વધારવાની આટલી બધી હોંશ હશે? રાક્ષસને દેવેન્દ્રનું આ પગલું કાંઇક અજુગતું લાગ્યું. તેણે મનમાં જ વિચાર્યું કે આ શ્રેષ્ઠી પર નજર રાખવી જોઈએ. અને તેણે કોઈની ય સલાહ લીધા વગર કે કોઈને ય કહ્યા વગર પોતાનાં ખાસ અંગત ગુપ્તચરને તેના પર નજર રાખવાની વ્યવસ્થા કરી. આ વાતની જાણ તેને ગણપતિને અને વર્ષકારને પણ થવા ન દીધી!

રાક્ષસનો અનુભવ તેને કહેતો હતો કે લોકશાહીમાં જનતાનું રાજ હોય છે અને તેથી જનતાની નબળાઈઓ હોય છે તેની કિંમત ભવિષ્યમાં એ રાજ્યે ચૂકવવી પડતી હોય છે. રાજાશાહી (મોનાર્કી) અને ગણતંત્રમાં ઘણો તફાવત હોય છે. રાજાશાહીમાં રાજાનો હુકમ એટલે એવો આદેશ કે જેનું ઉલ્લંઘન કોઈ કરી ન શકે. અને જે એવું કૃત્ય કરે તે જીવિત ન રહી શકે, તેને પ્રાણદંડ દેવામાં આવતો. એટલે રાજાશાહીમાં લોકોને ફફડાટ હોય છે અને એ બીકને લીધે પણ તેઓ શિસ્તબદ્ધ રહે છે. જયારે ગણતંત્રમાં સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમે છે. અને એ સ્વચ્છંદતા ઘણીવાર યોગ્ય નિર્ણય લેવામાં બાધક બની જતી હોય છે.

રાક્ષસની ચકોર નજરથી એ વાત છૂપી ન રહી કે દેવેન્દ્રનાં બધા જ ખલાસીઓ, કર્મચારીઓ અનુભવી અને કેળવાયેલા હતા. તે બધા એ જાણતા હતા કે તેમણે વૈશાલીમાં શું કરવાનું હતું! આ કાંઈ ફક્ત વેપાર-ધંધો વિકસાવવા માટેનાં પગલાં ન જ હોઈ શકે.

***

નવા ઉમેરાયેલા ખલાસીઓ તથા બીજા માણસો આખા વૈશાલીનાં નૌકા-વિહાર અને નૌકાદળ વિશેની માહિતી એકત્રિત કરવા લાગ્યા. ભવિષ્યમાં વૈશાલી સામે લડવું હોય તો શું કરવું જોઈએ અને નૌકાસૈન્ય કેવી ભૂમિકા ભજવી શકે તેની માહિતી પણ તેઓએ મેળવી.

વર્ષકાર એ તરફ આંખ આડા કાન કરતો હતો! ઉલટાનું તેણે વૈશાલીના નૌકાદળના માણસોને પણ જુગાર, દારૂ અને ગણિકાનાં વ્યસનો વળગાડી દીધા. તેનું સૂત્ર હતું ‘કોઈ વ્યસન મુક્ત ન રહે, કોઈ વિરોધ કરવા સમર્થ ન રહે.’

રાક્ષસ વૈશાલી માટે વધારે ચિંતિત રહેવા લાગ્યો હતો. એકવાર તેના ગુપ્તચરોએ તેને એવી વાત કહી કે તે જાણી તેની ચિંતામાં અત્યંત વધારો થઇ ગયો. તે રાત-દિવસ બેચેન રહેવા લાગ્યો. તેણે કોઈ દિવસ નહોતી અનુભવી તેવી અસ્વસ્થતા ભોગવવા લાગ્યો. ‘હવે વૈશાલીનું શું થશે?’

***

અને રાક્ષસની આશંકા એ દિવસે હકીકતમાં બદલાઈ ગઈ જયારે મગધે વૈશાલી ઉપર નોકાદળ દ્વારા અચાનક હુમલો કર્યો. ફરી ભીષણ યુદ્ધ થયું. વૈશાલીના લિચ્છવીઓનું મનોબળ અને દેવેન્દ્રની ભવ્ય નૌકા, તેના સૈનિકો, આધુનિક શસ્ત્રો રાક્ષસની સાવચેતી વગેરેના સહારે એટલી જ ઝડપથી વૈશાલીએ મગધ સામે જોરદાર આક્રમણ કરી વળતો હુમલો કર્યો. મગધની નૌકાઓ તીરવેગે પાછી ફરી ગઈ! અને વૈશાલીનો ફરી એકવાર વિજય થયો!

આ યુદ્ધને લીધે દેવેન્દ્રને ઘણો ફાયદો થયો! ભલે એ ફાયદો આર્થિક નહોતો પરંતુ આમ્રપાલીની નજરમાં તેનું માન ઘણું વધી ગયું અને વૈશાલીના અમાત્ય, ગણપતિ અને વર્ષકાર એ વાતની નોંધ લીધા વગર ન રહી શક્યા કે દેવેન્દ્રની મદદથી આજે વૈશાલી સલામત રહી શક્યું હતું.

પરંતુ હવે ગણપતિ, રાક્ષસ અને વર્ષકારે મળીને વધારે કાળજી રાખવાનું નક્કી કર્યું. ગણપતિએ કહ્યું, ‘વર્ષકાર, તમે યુદ્ધ કૌશલમાં વધારે અનુભવી છો, મગધ અનેક રાજ્યો સામે લડે છે અને સહુને પરાસ્ત કરે છે. તે વૈશાલીને ક્યારેય પરાસ્ત ન કરી શકે તેવો રસ્તો તમે જ દર્શાવી શકશો. અમાત્ય રાક્ષસને તમે તમારા અનુભવનો લાભ આપો!’ 

વર્ષકારે સૂચન કર્યું કે, ‘વૈશાલીનાં દળમાં વધારો કરો, શસ્ત્રો વધારો અને આધુનિક શૈલી અપનાવો. બાકીનું બધું હું અને રાક્ષસ સંભાળી લેશું.’ ગણપતિ આ સાંભળી ખુશ થયો. તેને મનમાં થયું કે હવે વૈશાલી ફરી પહેલા જેવું થઇ જશે અને હવે તો મગધ પણ તેની સામે યુદ્ધ કરવાની હિંમત નહીં કરે.

શું મગધ વૈશાલી પર ફરી આક્રમણ કરશે?…

આપનો પ્રતિભાવ આપો....