પ્રકરણ ૨૪ : સમય-ચક્ર ફરે છે
ગૌતમ બુદ્ધ વિહારમાં (બિહારમાં) યાત્રા કરીને સર્વત્ર ઉપદેશ આપતા હતા. લોકો તેમને શાંતિપૂર્વક સાંભળતાં હતા. તેમના શિષ્યો પણ તેમની જેમ જ સંયમી અને શિસ્તબદ્ધ તથા ધર્મનું પાલન કરવાવાળા હતા. આથી બૌદ્ધ ધર્મનો ઝડપથી પ્રસાર થવા લાગ્યો હતો.
બૌદ્ધ ધર્મમાં એવું માનવામાં આવે છે કે મહાન સર્વોપરી અને જેને વર્ણવી ન શકાય એવા કોઈ પરમઅસ્તિત્વની અવસ્થા છે. તથા તેઓ ચાર ઉમદા સત્યને માને છે: ૧) દુઃખનું અસ્તિત્વ છે. ૨) ઈચ્છા દુઃખનું કારણ છે. ૩) ઈચ્છાના સમૂળગા અંતથી દુખોનો અંત આવે છે. ૪) ઈચ્છાનો અંત લાવવા માટે આપણે અષ્ટ-માર્ગીય જીવનનું અનુસરણ કરવું જોઈએ.
વળી તેઓ મધ્યમ માર્ગ અપનાવવામાં માને છે. પ્રમાણસર જીવન જીવવાનું અને જીવનમાં ક્યાંય પણ અતિરેક ન થવા દેવો જોઈએ, ન વિલાસમાં કે ન તપમાં. ગીતાએ પણ મધ્યમાર્ગને જ સ્વીકૃતિ આપી છે:
યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ|
યુક્તા સ્વપ્નાવશોધસ્ય યોગો ભવતિ દુ:ખહા || (ગીતા)
અર્થાત જે યુક્ત આહાર કરે છે અને જે યુક્ત વિહાર (ભોગો ભોગવે છે) કરે છે, જે યોગ્ય રીતે કર્મો કરે છે, જે યુક્ત રીતે ઊંઘે છે, અર્થાત પૂરી નિદ્રા લે છે અને જે યુક્ત રીતે જાગરણ કરે છે તેનો યોગ જ ખરો યોગ છે. તે દુખ દૂર કરે છે.
અષ્ટ માર્ગીય જીવનમાં સાચી માન્યતા, સાચું ધ્યેય, સાચી વાણી, સાચાં કાર્યો, સાચો વ્યવસાય, સાચો પ્રયત્ન, સાચી દરકાર અને સાચું ધ્યાન ઈત્યાદીનો સમાવેશ થાય છે.
તેઓ દરેક જીવને નિસ્વાર્થ પ્રેમ અને કરુણા આપવાની બાબતને મહાન માને છે. તેઓ માને છે કે ઈશ્વરને ધરવામાં આવતું ઉત્તમ કાર્ય જ સર્વોત્તમ નૈવેદ્ય છે. એ જ સાચી આહુતિ છે.
જ્યારથી દેવેન્દ્ર આમ્રપાલીનાં મનમાં વસી ગયો હતો ત્યારથી તે વૈદ્યરાજે આપેલી અમુક ઔષધિઓ જાણીજોઇને ગ્રહણ કરતી ન હતી! આમ્રપાલીને વિશાખાની શિખામણ બરાબર યાદ હતી: ‘નિત્ય વૈદ્ય પાસે તારી કાયાની તપાસ કરાવી લેવી જેથી કોઈ રોગ, કે સંક્રમણ તને સ્પર્શે નહીં, ગર્ભ ન રહે તે માટે દરરોજ ઔષધ સેવન કરતી રહેજે અને તે લેવાથી થતી આડ અસરથી પણ બચતી રહેજે. આપણા નસીબમાં માતૃત્વ નથી. પરંતુ ભૂલચૂકે જો એવું બને તો બાળકને જન્મ જરૂર આપજે.’
આમ્રપાલીએ હવે બહાર નીકળવાનું બંધ કર્યું. તે પોતાના કક્ષમાં વાચન અને પ્રકૃતિની નિકટ રહીને જ સમય વિતાવવા લાગી. તે ફક્ત વિશાખા અથવા ધનિકાને જ મળતી હતી. માયા-મહેલમાં રહેતી અન્ય ગણિકાઓને તેણે બીજે સ્થળાંતર કરી. તે જાણે સંપૂર્ણપણે અજ્ઞાતવાસમાં હોય તે રીતે રહેવા લાગી.
***
માયા-મહેલમાં દેવેન્દ્રની અવરજવર પણ હમણાંથી બહુ ઓછી થઇ ગઈ હતી. ગણિકાઓ અંદરોઅંદર વાતો કરતી હતી કે ‘દેવી અને દેવેન્દ્ર વચ્ચે ખટરાગ જેવું ચાલે છે કે કેમ? આ ત્રાવણકોરનો શ્રેષ્ઠી દેવીના મનનો માણીગર હતો અને આમ કેમ? ઘણી સખી સહેલીઓ હિંમત કરી વિશાખાને પૂછતી ત્યારે વિશાખા કોઈ બીજી વાત કરીને જવાબ આપવાનું સિફતથી ટાળી દેતી. આથી તો બધામાં એ વિષે ઉત્સુકતા વધતી જતી હતી. આવા વાતાવરણમાં દેવીની એક વર્ષ આરામ લેવાની ઘોષણાથી સહુને નવાઈ લાગી. તેઓ ગુપ્ત-ગોષ્ઠિ કરવા લાગી પણ કોઈ મેળ બેસતો ન હતો. કોઈ ગણિકાને એમ લાગતું કે હવે પોતાનું મહત્વ વધશે તો કોઈને એમ લાગતું કે હવે દેવી નહીં હોય ત્યારે કોઈ પોતાના ઉપર ધ્યાન નહીં આપે અને તેથી તે ચિંતિત રહેવા લાગી.
પરંતુ વિશાખા અને ધનિકા અસાધારણ ગણિકાઓ હતી. જયારે તેમને દેવેન્દ્ર હવે છ મહિના પછી આવશે એવી જાણ થઈ ત્યારે તેમને આમ્રપાલી વિષે પોતાનો અંદાજ સાચો પડતો હોય તેમ લાગ્યું…
***
સંથાગારમાં થતી ઘોષણાઓ વિષે દેવેન્દ્ર તમામ માહિતી રાખતો હતો. જયારે આમ્રપાલીએ એક વર્ષની ઘોષણા કરી ત્યારે તેને પણ નવાઈ લાગી હતી. ત્યારબાદ તે જયારે આમ્રપાલીને એકાંતમાં મળ્યો ત્યારે તેનાથી ન રહેવાયું એટલે તેણે આમ્રપાલીને સીધો જ પ્રશ્ન પૂછ્યો: ‘દેવી, શું મારાથી કોઈ ભૂલ થઇ ગઈ છે. મને આ એક વર્ષની કઠોર સજા શા માટે?’
આમ્રપાલીએ જરા મદમસ્ત અવાજમાં કહ્યું હતું, ‘નહીં રે દેવ, મને લાગે છે કે આપણને પ્રેમનો મૂર્તિમંત સ્વરૂપનો ઉપહાર મળશે!’
દેવેન્દ્રનું હૃદય ધડક ધડક થવા લાગ્યું. સમજવા છતાં ન સમજ્યો હોય તેમ તે વધારે સ્પષ્ટતા કરવા ગયો પણ આમ્રપાલીએ હળવા, મૃદુ છત્તા મક્કમ સ્વરમાં આગળ કહ્યું, ‘દેવ, મારી ઈચ્છા છે કે આપણે હમણાં ન મળવું જોઈએ.’
દેવેન્દ્ર દેવી આમ્રપાલીની દરેક ઈચ્છાને માન આપતો. તેના ચહેરા પર થોડી ઉદાસી છવાઈ ગઈ. આમ્રપાલીએ દેવનાં ચહેરા પરના એ ફેરફારની નોંધ લીધી. પછી સ્મિત સહ કહ્યું, ‘તમને કઈ ચિંતા સતાવે છે?’
‘નહીં, દેવી, કોઈ ચિંતા નથી પરંતુ તમારું સાન્નિધ્ય ન મળે તો મારી હાલત…’
‘આ કાંઈ કાયમની વાત નથી…બસ એક વર્ષ તો આમ પસાર થઇ જશે.’ એમ કહી આમ્રપાલીએ કલાત્મક ચપટી વગાડીને દેવેન્દ્રની સામે વેધક દૃષ્ટિએ જોયું. સંમોહિત થઇ દેવેન્દ્ર માત્ર એટલું જ કહી શક્યો, ‘દેવીની ઈચ્છા એ જ મારી ઈચ્છા.’
દેવેન્દ્ર ગયો પણ વિરહ વિરહ છે. વિરહમાં પ્રેમની કસોટી થાય છે કે પ્રેમીઓની તે નક્કી કરવું મુશ્કેલ છે. તેને લાગ્યું કે સમય-ચક્ર બદલાયું છે.
***
આમ્રપાલી રોજ વૈદ્યરાજને મળવા જતી. વૈદ્યરાજ સાથે તે બહુ આત્મીયતાથી વાતચીત કરતી. વૈદ્યરાજને આમ્રપાલીનું હાસ્યસભર મુખ બહુ ગમતું. તેની એક પુત્રી નાની વયે જતી રહી હતી. તે વિચારતા કે જો તેની પુત્રી જીવતી હોત તો તે આમ્રપાલી જેવડી જ હોત. તેને આમ્રપાલીને જોઇને તેની નાની શી સુંદર પુત્રી માધવીની યાદ આવી જતી. આમ્રપાલી હંમેશાં આવીને વૈદ્યરાજનાં ચરણસ્પર્શ કરતી, તેથી વૈદ્યરાજની આંખમાં આંસુ આવી જતા. તેઓ તેને પુત્રીવત ગણતા હતા. એક દિવસ તેમણે આમ્રપાલીને કહ્યું, ‘પુત્રી, આયુષ્માન ભવ…તું સંભાળજે…તું માતૃત્વ ધારણ કરી ચુકી છે!’ આમ્રપાલી આ સાંભળીને અત્યંત પ્રસન્ન થઇ ગઈ. પરંતુ મનોભાવ છુપાવી તેણે વૈદ્યરાજને કહ્યું, ‘ખરેખર? ત્યારે તો ઈશ્વરે મારી મનોકામના પૂર્ણ કરી… તમારી વાતથી મને સારું લાગ્યું…’ તે માયા-મહેલ જવા રથમાં બેઠી. જતા પહેલાં આમ્રપાલીએ વૈદ્યરાજ શંભુપ્રસાદને દૃષ્ટિ ઝુકાવી કહ્યું, ‘તમે મારા પિતાતુલ્ય છો, તમને એક વિનમ્ર અનુરોધ છે, શક્ય હોય તો આ વાત પિતા-પુત્રી વચ્ચે જ રાખજો. રાખશોને?’ પાઘડીધારી મસ્તક હકારમાં હલાવતા તેમણે મૌન રહીને સ્મિત કરી તેની સામે નજર મેળવી સાંકેતિક સ્મિત કર્યું હતું.
પરંતુ વૈદ્યરાજ વૈશાલીનાં લિચ્છવીઓને સારી રીતે જાણતા હતા…તેઓ સચિંત નયને આમ્રપાલીને જતી જોઈ રહ્યા…’હે પ્રભુ, તારી લીલા અકળ છે, તું આ નિર્દોષ બુદ્ધિમાન બાલિકા સાથે કોઈ ખેલ તો નથી ખેલી રહ્યોને…?’
‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.
ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.
best story grat writing. wachi ne khub j srs lagi u
INTERESTING >>>>>