આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૩)


પ્રકરણ ૨૩ : અકળ રહસ્ય

સમયને માપી શકે તેવું કોઈ યંત્ર હજુ સુધી બન્યું નથી! માણસોએ  પોતાનો વ્યહાર ચલાવવા ઘટિકા-યંત્ર ભલે શોધ્યું પરંતુ તે ઘડી અથવા પળ, પ્રહર, દીવસ અને રાતની તથા વધુમાં વધુ વર્ષોની ગણતરી કરી શકે. અગણિત સમય વહી ગયો અને વહેવાનો તે વિષે કયું યંત્ર ચોકસાઈથી કહી શકે કહો?

વર્ષો વિતતાં ક્યાં વાર લાગે છે? આમ્રપાલી અને દેવેન્દ્ર એકબીજાને સાથે   પ્રેમ કરવા લાગ્યા. દેવેન્દ્ર નિયમિતપણે વૈશાલી આવતો જતો થઇ ગયો. બંને એકબીજાનાં પ્રેમમાં ચકચૂર થઇ ગયા હતા. અલબત તેમનાં પ્રેમ સંબંધની ગંધ માત્ર વિશાખા અને ધનિકા સુધી સીમિત હતી. માયા-મહેલની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સખત હતી. એ મહેલની મુલાકાત આજ સુધી ગણપતિ કે રાક્ષસે પણ લીધી ન હતી.

આમ્રપાલીનો જનપદકલ્યાણી, નગરવધૂનો વ્યવહાર અને વ્યવસ્થાતંત્ર  બરાબર ચાલતું હતું. આમ્રપાલીએ કરેલી ચુસ્ત ગોઠવણ, તેની ચિકિત્સા પદ્ધતિ, પોતાની નિયત ઉચ્ચ મુદ્રા-રાશિ વગેરેથી વૈશાલીના લિચ્છવીઓના તેને પામવાના અભરખા ઓછા થઇ ગયા હતા. દશ સહસ્ર મુદ્રા એટલે શું કહેવાય? તેમ છતાં આમ્રપાલીનો પ્રભાવ, તેના રૂપનો જાદુ એવો અને એટલો જ હતો.

આમ્રપાલીએ ગણનાયિકા સાથે બુદ્ધિ વાપરી એક નવી વ્યવસ્થા ચાલુ કરી. ‘મહિલા ઉત્કર્ષ સંસ્થા’ નામથી એક સંસ્થા સ્થાપી. તેમાં તેણે સૌન્દર્ય પ્રસાધનોનું ઉત્પાદન શરુ કરાવ્યું. તેણે વૈશાલીની યુવાન અને આધેડ સ્ત્રીઓને પ્રસાધનોનું શિક્ષણ આપવાનું શરુ કર્યું. સ્ત્રીઓને પોતાની સુંદરતા કેવી રીતે વધારવી, સૌન્દર્યને કેવી રીતે ટકાવી રાખવું અને કયા પ્રસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ સમજાવવાનું શરુ કર્યું. પતિને પોતાના સૌન્દર્યથી કેવી રીતે આકર્ષી શકાય અને તે કેવી રીતે ગણિકા તરફ ન વળે તે શીખવવાનું ચાલુ કર્યું. શૃંગાર કરીને, બનીઠનીને પતિને કેવી રીતે રીઝવી શકાય તે જણાવવાનું શરુ કર્યું.

આ વ્યવસ્થાથી વૈશાલીનાં સામાજિક જીવનમાં અને ત્યાંની સ્ત્રીઓનાં  દામ્પત્યજીવનમાં ઘણો બધો ફરક પડી ગયો.

વૈશાલીમાં સૌન્દર્ય પ્રસાધન એક મોટો ઉદ્યોગ બની વિકસવા લાગ્યો. ભારતવર્ષમાં વસ્ત્રો ઉપર રંગોનો ઉપયોગ કરવાની પહેલ વૈશાલીએ કરી. તેમાં લાખના રંગો, વનસ્પતિના રંગો અને ખનીજ રંગોનો ઉપયોગ કર્યો. રંગ ઉપરાંત આભૂષણોની અવનવી ભાત (ડીઝાઈનો) બનાવવાની નવીનતા ઉમેરી. આમ એ ક્ષેત્રને તેણે વૈવિધ્ય બક્ષ્યું. આ ઉપરાંત તેમણે સ્ત્રીઓને આરોગ્ય સંબંધી જ્ઞાન પણ આપ્યું. તેથી મહિલાવર્ગ એ બાબતમાં જાગૃત થયો અને તે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખતો થઇ ગયો. આમ આમ્રપાલીએ વૈશાલીને ભારતનું આગ્રગણ્ય રાજ્ય બનાવ્યું.

માયા-મહેલમાં આવતા મુલાકાતીઓને લીધે જે આર્થિક ઉપાર્જન થતું તેની ટકાવારી પ્રમાણે જ તેનો ઉપયોગ થાય એ બાબત પર પણ તેની ચકોર નજર રહેતી હતી.

આમ્રપાલીએ વૈશાલીની પ્રજાને ઉત્સવપ્રિય બનાવી દીધી, રંગીલી  બનાવી. જે જ્ઞાન મેળવવામાં આવે તેનો વ્યાવહારિક ઉપયોગ ન કરવામાં આવે તો તે જ્ઞાન મેળવવા માટે કરેલો શ્રમ અને સમય અને વ્યય વ્યર્થ ગણાય. આમ્રપાલી આ વાત બરાબર સમજતી હતી. તેને જયારે થોડી પણ નવરાશ મળતી ત્યારે તે પોતાના જ્ઞાનનો સારામાં સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જ વિચારતી અને જે સારો ઉપયોગ જણાય તેને તરત જ અમલમાં મૂકતી હતી. ઘણીવાર તો તે પોતે પણ નવાઈ પામતી કે આ બધું તે કેવી રીતે કરી શકે છે! સ્ત્રી માટે પોતાના પતિને પોતાના વશમાં રાખવો એ બહુ મુશ્કેલ બાબત નથી. પરંતુ વૈશાલીના સમગ્ર લિચ્છવીઓને વશમાં રાખવા એ સહેલું કાર્ય નથી. વૈશાલીને આમ્રપાલી ન મળી હોત તો તેનું ભવિષ્ય કદાચ અંધકારમય બની ગયું હોત. ઓછી આવક ધરાવતા વૈશાલીના લિચ્છવીઓ વૈકલ્પિક વ્યવસ્થા પ્રમાણે અન્ય ગણિકાઓ પાસે જઈ શકતા. આમ્રપાલી પોતાની તબિયતની પણ ખૂબ જ કાળજી રાખતી હતી. આમ્રપાલી ખરેખર વૈશાલી માટે વરદાન હતી.

***

દેવેન્દ્ર અને આમ્રપાલીનો પ્રેમ ઉત્તરોત્તર વધતો જતો હતો. તેઓ એકબીજાના મોહજાળમાં એટલાં તો બંધાઈ ગયા હતા કે તેમને એકબીજા વગર ચેન નહોતું પડતું. દેવેન્દ્ર આમ્રપાલી માટે પોતાનું સર્વસ્વ લુટાવી દેવા તૈયાર હતો. તે ‘દેવી’ પાછળ અઢળક ખર્ચ કરતો. મુદ્રાઓ ઉપરાંત અનેકવિધ ઉપહારોથી તે માયા-મહેલના અન્ય સેવકોને પણ ખૂબ ખુશ રાખતો હતો.

***

વૈશાલીના સંથાગારમાં એક દિવસ ઘોષણા કરવામાં આવી કે: ‘આજથી એક વર્ષ સુધી આમ્રપાલી કોઈ મુલાકાતીને મળશે નહીં. પરંતુ આમ્રપાલીને સ્થાને વિશાખાની મુલાકાત લઇ શકાશે. તેને વિશ્રાંતિની જરૂર છે. તેને થાક લાગ્યો છે એટલે આરામ કરવા ઈચ્છે છે.’ સંથાગારે આ વાત સ્વીકારવા સિવાય કોઈ બીજો રસ્તો ન હતો તેથી તેમણે કચવાતા હૈયે આ વાત સ્વીકારી. તે તેની શરતનો એક ભાગ હતો. અને આમ્રપાલીનાં દર્શન દુર્લભ થઇ ગયા.

પરંતુ રાજ્યમાં વૈકલ્પિક વ્યવસ્થા હતી તેથી આમ્રપાલીની આ વાતનો ખાસ બહુ વિરોધ ન થયો.

***

ગણપતિએ જયારે આ વાત સાંભળી ત્યારે તેને ખાસ કાંઈ વાંધાજનક ન લાગ્યું. પરંતુ રાક્ષસ અને વર્ષકારને થયું નક્કી દાળમાં કાંઇક કાળું છે. વર્ષકારે પોતાની શંકા વ્યક્ત ન કરી પરંતુ તેને આ વાતમાં કોઈ અકળ રહસ્ય હોય તેમ લાગ્યું. તેમણે ગુપ્તચરોને આ વિષે માહિતી મેળવવા કહ્યું. રાક્ષસને ચિંતા થવા લાગી કે આમ્રપાલી એક વર્ષ સુધી આરામ કરશે તો વૈશાલીની આવકમાં મોટો ઘટાડો થઇ જશે. વર્ષકાર પણ તેની આ વાત સાથે સંમત હતો. વર્ષકારે તક જોઇને ચાલ ચાલી અને રાક્ષસને કહ્યું, ‘વૈશાલીની આવક વધારવાનો એક  ઉપાય છે.’

આતુરતાથી રાક્ષસે કહ્યું, ‘એમ? કયો ઉપાય છે?’

વર્ષકારે કહ્યું, ‘વિદેશી ગણિકાઓને વૈશાલીમાં બોલાવીએ, તમને તો ખબર જ છે કે મગધમાં તેઓ કેટલી સસ્તી છે અને વળી વૈશાલીની બે-પાંચ ગણિકાઓ કરતાં તે બધી ઘણી વધારે સુંદર પણ છે.’

રાક્ષસને પોતાની મગધની મુલાકાત યાદ આવી ગઈ. તે વર્ષકારની દૃષ્ટિ ઉપર વારી ગયો. તેણે કહ્યું, ‘વાહ, વાહ! તમારી વાત બિલકુલ બરાબર છે, આપણે આમ્રપાલીની શરતોનું પાલન કરવા બંધાયેલા છીએ પરંતુ આ બાબતમાં તે જરૂર પરવાનગી આપશે.’

વર્ષકાર ખંધું હસ્યો…એ હાસ્ય પાછળ તેની ગહન ચાલ હતી તેની ખબર અમાત્ય રાક્ષસને કેવી રીતે પડે!

‘આમ્રપાલી’ નવલકથાના આ પહેલાના ભાગ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ઑડિઓકોશ.કોમ – અમારી નવી શરૂઆત પર આ નવલકથાને ઓડિયો સ્વરૂપે માણવા અહીં ક્લિક કરીને જઈ શક્શો.

આપનો પ્રતિભાવ આપો....