ત્રણ પદ્યરચનાઓ – ચેતના ગણાત્રા 3


૧. કોફીનો કપ.

કેવો રૂડો છે અવસર, હું તું ને કોફીનો કપ,
વાદળ પણ વરસે ઝરમર, હું તું ને કોફીનો કપ.

તારી નજરોનો હૈયે ભીનો સ્પર્શ થયો તો’,
ભીંજાયા બેઉ પરસ્પર, હું તું ને કોફીનો કપ.

નયનોમાં જોયાં સપનાં, સાથીની સાથે સાથે,
ડોકાયાં જો ને પળભર, હું તું ને કોફીનો કપ.

વરસાદી માહોલ, ધબકતા હૈયા, ઢળતી સંધ્યા,
મોસમ રોકાશે પળભર, હું તું ને કોફીનો કપ.

ટેબલના ખૂણે વાત થતી પ્યાર ભરી આંખોથી,
અટકી જાય સમય પળભર, હું, તું ને કોફીનો કપ.

૨. છાંયો

જગના સૌ પોતાના ગણતા, પામી નિજનો છાંયો,
ખુદની જગ્યા ખાલી કરતાં, પામી નિજનો છાંયો.

યૌવન ખીલ્યું છે સાથીઓ સાથેની મસ્તીમાં,
સૌની સાથે હસતાં રમતાં, પામી નિજનો છાંયો.

સપનાંઓના વાવેતરનું આલેખન કરવામાં,
ભાવી સાથે પગલાં ભરતાં, પામી નિજનો છાંયો.

અંતિમની વેળાને પ્રેમે આલિંગન આપીને,
છેલ્લા ભવની યાત્રા કરતાં, પામી નિજનો છાંયો.

ને જીવનની વાત હકીકતમાં એમ હતી “ચેતુ”
સૌને ખુદની છાયા ધરતાં, પામી નિજનો છાંયો.

૩. ચૂંદડી

ઓઢી મેં તો ચૂંદડી મારા સાંવરિયાના નામની,
પહેરી નવરંગ ચૂંદડી મારા સાંવરિયાના નામની.

ચૂંદડીમાં નવલા રંગ કેવા સોહે મારા પિયુના પ્રેમના,
ઝગમગતા આભલા એમાં કેવા દીપે વ્હાલમના સ્નેહના.

પાલવડે સોનેરી રૂપેરી કોર, જાણે મલકાટ મારા સાજનનો.
એમાં ટમટમે હીરલા, જાણે ઉરનો ઉમંગ મારા પ્રીતમનો.

ઓઢી નવરંગ ચૂંદડી હું તો બની શોભંતી પદમણી નાર,
સોળ શણગાર સજીને હરખાવું હું સુંદર સોહામણી નાર.

ધન્ય બન્યું મારું જીવન, પિયુ ઓઢી તારા નામની ચૂંદડી,
ધન્ય બનશે મારું મૃત્યુ, ઓઢીને જાઉં તારા નામની ચૂંદડી.

– ચેતના ગણાત્રા


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ત્રણ પદ્યરચનાઓ – ચેતના ગણાત્રા