ટામેટું રે ટામેટું.. – આરોહી શેઠ 8


ટામેટું રે ટામેટું,
ઘી ગોળ ખાતું’તું,
નદીએ ન્હાવા જાતું’તું…

યાદ આવી ગયું બાળપણ? પણ આ ટામેટું કેવી રીતે નદીએ ન્હાવા જશે? નદી તો સૂકાઈ ગઈ. જ્યાં પીવાના પાણીના સાંસા હોય ત્યાં નહાવાની તો વાત જ જવા દો.

ગયા ઉનાળે હું સરસ મજાનો ટામેટીનો ટિંચુકડો છોડ લઇ આવી હતી. માટી- ખાતરને બરાબર મિકસ કરી તેને કુંડામાં વાવ્યો. રોજ પાણી નાખું, સમયાંતરે લીમડાનું તેલ છાંટુ કે જીવાત ન પડી જાય. થોડા મહિનાની માવજત પછી ટામેટીના છોડ પર સરસ મજાનાં ૫૦ પૈસાના સિક્કાના માપનાં ટામેટાં બેઠાં.

ઓહ માફ કરજો.. ૫૦ પૈસા તો કોઈને યાદ પણ છે? યાદ કરો ૫૦ પૈસામાં આમળા, બોર, ફાલસા, અરે શું શું નહોતું મળતું? પેલી પેપ્સીકોલા પણ તો મળતી હતી! હૅપીનેસ્સ ઇઝ – “૫૦ પૈસાવાળું બાળપણ” જે હવે અમૂલ્ય થઇ ગયું છે. ટામેટાં હવે પીળા, પીળામાંથી  કેસરી એમ શેડ બદલતા જાય ને હું રાજીની રેડ થતી જાઉં. પહેલું ટામેટું લાલ થતાંની સાથે જ આખા ફેમિલીને ફોટો ફોરવર્ડ.

અચાનક ટામેટાં કાળા થવા લાગ્યાં. ઘણાં પ્રયત્નો પછી પણ ટામેટી સૂકાઈ ગઈ. હું જેટલી વાર તેના કુંડા પાસે જાઉં એટલી વાર દુઃખી થઇ જાઉં કે આટઆટલી કાળજી પછી શું થયું હશે? કેમ સૂકાઈ ગયો છોડ? મારા માટે કદાચ એ હવે છોડ નહોતો. એને તરસ લાગી હશે, પાણી આપતી – ભૂખ લાગી હશે તો ખાતર નાંખતી, તેને નવડાવી પર્ણો પરની ધૂળ સાફ કરતી એ જ રીતે જાણે કે તે મારા પરિવારનો ભાગ છે. એ છોડ સૂકાઈ ગયો એનું દુઃખ આજે પણ એટલું જ છે. તમને થતું હશે કે એક ટામેટી માટે એટલો તો શું જીવ બાળવાનો, ખરી વાત ને? હવે આજ આખી ઘટનાને એક ખેડૂતની દ્રષ્ટિએ થોડા મોટા પાયે વિચારી જુઓ. એક છોડ આટલી કાળજી માંગતો હોય તો ખેડૂત તો આશાના બીજ વાવી, પોતાના શ્વાસનું સિંચન કરતો કરતો હોય છે. માત્ર મૂડી નહિ પણ દેવું કરીને ખેતી કરે છે, એ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. જયારે પાણી માટે વલખાં મારવા પડે ત્યારે એય ઠૂંઠા જેવો થઇ જાય છે.

આપણે ત્યાં ખેતીની બે ઋતુઓ છે.ચોમાસામાં થતાં પાક તે ખરીફ પાક કહેવાય અને શિયાળામાં થાય તે રાબી કે રવિ. ખરીફ પાકની વાવણી ચોમાસા પહેલા કે શરૂઆતમાં થાય અને રાબી પાક ઠંડી શરુ થાય તે પહેલાં. હવે ગત માર્ચ મહિનામાં જ નર્મદામાં પાણી નથી તેવી બૂમો સંભળાઈ હતી. આપણને ઘરે આવતાં પાણીની ચિંતા છે પણ ખેડૂતોને તો ડબલ ચિંતા, એક પાણી તો પહેલેથી જ નથી અને બીજી કે ચોમાસું નબળું રહ્યું તો? હવે નર્મદા નદીમાં પાણી ન હોય તો નહેરોનું શું? અરે નદીમાં પાણી હોય તો આપણને તો પ્રોબ્લેમ જ છે.સાબરમતી રિવરફ્રન્ટ પાર આંટો મારવા જાવ તો પોલીસો ઉભી હોય છે, પૂછો તો જવાબ મળશે કોઈ આત્મહત્યા ના કરે એટલે! ડિમોનિટાઇઝેશનમાં આવી નોટો એક્સચેન્જ ન થઇ તેનો અફસોસ થાય તો તે વ્યાજબી જ છે!

પાણીનો પ્રોબ્લેમ ભારતમાં કંઈ આજનો નથી. વર્ષો જૂનો ઘાવ ઉનાળામાં સક્રિય થઇ જાય છે. પણ ચોમાસું પણ રાત ગયી બાત ગઈની જેમ જતું રહે છે અને આપણે ઠેરનાં ઠેર. મને શું અને મારે શું ના ચક્કરમાં આપણે સાવ જ ભૂલી ગયા કે ભારતનો ૨/૩ ભાગ ખેતી પાર નભેલો છે. ખેડૂત બિચારો શહેરોથી દૂર તરછોડાયેલો, આધુનિક સુવિધાઓથી અજાણ. આપણે તેનું સ્થાન ગામડાં પૂરતું સીમિત કરી દીધું છે. સરકાર ઘણી બધી સારી યોજનાઓ લાવે છે પણ તે કોઈને કોઈ  કારણસર જેના માટે બનાવાઈ છે તેના સુધી પહોંચતી નથી અથવા યોજનાઓ સમજી શકે એટલો તે શિક્ષિત નથી. ખેડુતોને પાકનું ઇન્સ્યોરન્સ આપવાની યોજની સરાહનીય જ છે પણ શું ઇન્સ્યોરન્સનાં ક્લેમ કર્યા પછી પૈસા મળે છે? મિત્રો ફાઇનાન્શિયલ કંપની તો આવા વીમા સામે ડેરિવેટીવ્સ લેતી હોય એટલે એમને તો બંને બાજુ ફાયદો જ છે. નુકશાન હંમેશા મારા અને તમારા જેવા સામાન્ય લોકોનું થાય છે. સ્વ. શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ૧૯૬૫ માં “જય જવાન, જય કિસાન” નું સૂત્ર આપ્યું હતું પણ આજ સુધી ન તો જય જવાન થયા ન તો કિસાન. બંનેની પોતાનાં હક માટેની લડત અવિરત ચાલુ જ છે.

ભારત ‘૨૧મી સદીની મહાસત્તા બનશે’ ના જે મોટાં મોટાં બણગાં ફૂંકીએ છે તેમાં ક્યાંક બિચારા ખેડૂતોનો અવાજ ગૂંગળાઈ ગયો હોય એવું લાગે છે. તમે વિશ્વની કોઈ પણ મહાસત્તા તરફ નજર નાંખો તો ખબર પડશે કે આ દેશનાં આગેવાનોએ તેમની મૂળભૂત જરૂરિયાતો એટલે કે વીજળી પાણી અને સડક વર્ષો પહેલાં સંતોષી છે અને આપણને તો આ જ પ્રોબ્લેમ્સની ઘૂટી બનાવી એવી તો પીવડાવી છે કે હવે તે એન્ટીવાયરસની જેમ કામ કરવા લાગી છે. જડ થઇ ગયા છે બધાં, હવે કંઈ ખાસ ફરક પડતો નથી. બાકી દર વર્ષે ચોમાસાં રસ્તાઓ ધોવાય છે, તેની સાથે યોજનાઓ ધોવાય છે પણ પાણીનો સંગ્રહ થતો નથી. વહી જાય છે, બસ આમ જ ગામમાં કે શહેરમાં બનાવાતાં તળાવોનો ફાયદો એ છે કે પાણી તો સંગ્રહ થાય જ સાથે સાથે જો પૂર પણ આવે તો સૌથી પહેલાં તળાવો ભરાય અને પછી પાણી રહેણાંક વિસ્તારોમાં આવે. હવે આ તળાવોય કચરાં ને લીધે છીછરાં થવા લાગ્યા છે, એને ભરીને મોટા અપાર્ટમેન્ટ્સ બનાવાઈ રહ્યાં છે. જાણે એય કહેતા હોય આ માણસની સંગત સારી નથી. દેશને ચોખ્ખો રાખવાની જવાબદારી દરેક નાગરિકની પોતાની છે. “પાણી બચાવો”, ” વૃક્ષો બચાવો”, “હવા બચાવો” આવા જેટલાં પણ સૂત્રો છે તેનો સરવાળો કરો તો તેનું ટોટલ “માણસ બચાવો” થાય. પણ હજુ ઘૂંટીની અસર ઉતરી નથી.

આવતા માર્ચ મહિનામાં તાપમાન ૪૦ ડિગ્રીથી પણ વધી જાય તે ગ્લોબલ વોર્મિંગ નથી તો બીજું શું છે? મને તો એવું લાગે છે કે આ વાદળ જયારે પાણી ભરવા સમુદ્ર-કિનારે બેસતાં હશે ત્યારે સમુદ્ર વાદળને કાનમાં ફરિયાદ કરતાં હશે.આ કોરાકટાક વાદળો અને કાળઝાળ ગરમી જાણે કે આ ફરિયાદની જ સજા ન હોય! ખેડૂતોએ કેટલી મોટી સંખ્યામાં રેલી કરે છે તે પણ કોઈને નુકસાન કર્યા વગર. આટલી વિનમ્રતા ધરાવતો જગતનો તાત મુશ્કેલીમાં આવી જશે તો દેશ આખાને ખાવાનાં વાંધા પડી જશે. ઓછા થઇ જતાં ખેતરો, આછાં થઇ જતાં જંગલો જમીનને બિનઉપદ્રવી બનાવે છે. વૃક્ષોના મૂળ જમીનને ખેંચી રાખે છે એટલે કે તેનું ધોવાણ અટકાવે છે. ખેડૂતોની મુશ્કેલી કંઈ એક થોડી છે? સારા બિયારણનો અભાવ, મોંઘા ખાતર, શાહુકારોના વ્યાજ, અનાજ-સંગ્રહ કરવાની અપૂરતી સગવડ – આ બધું અંતે મોંઘવારી વધારે છે એટલે છેલ્લે નુકસાનની ભરપાઈ તો આપણે જ કરવાની છે, બસ તેનું વળતર ખેડૂતોને નહિ વેપારીઓને થાય છે. ખેડૂતોને ભાવ જ ક્યાં મળે છે? આ બધા ભાર નીચે કચડાયેલો ખેડૂત હવે આત્મહત્યા કરવા લાગ્યો છે. હવે ધરા જો લોહી પીશે તો જમીન બંજર જ થવાની ને! આપણે બધાએ આ ખેડૂતને હાંસિયામાં હડસેલી દીધો છે તેને ફકરાનો ભાગ બનાવાની જરૂર છે. ખેતીને લગતાં કાર્યક્રમો માત્ર દૂરદર્શન કે આકાશવાણી પર જ પ્રસારિત થાય છે! કેમ કોઈ પ્રાઇવેટ તેવી ચેનલ કે એફ એમ પર કોઈ પ્રોગ્રામ નથી આવતાં? આ બાબત જ આપણો દ્રષ્ટિકોણ બતાવવા પૂરતી નથી? વિચારવા જેવી વાત તો ખરી જ ને? અંતે બસ એટલું જ કહીશ ,

“એક છોડ વાવી તો જુઓ,
બુંદ થઇ વરસી તો જુઓ,
અસહ્ય પીડા છે એની,
ક્ષણ-ભર ખેડૂત બની તો જુઓ.”

– આરોહી શેઠ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ટામેટું રે ટામેટું.. – આરોહી શેઠ

  • gopal khetani

    તમે વિષયની શરૂઆત રસપ્રદ રીતે કરી તે માટે ધન્યવાદ. આખો લેખ વાંચ્યો. હું મારો પ્રતિભાવ રજૂ કરું છું પણ તેને કોઇ પણ રાજનૈતિક રીતે કે વિરોધ તરીકે ન લેશો એવો વિનંતી. પોતાનું ગુજરાન ચલાવતા મોટા ભાગના લોકો સામે હંમેશા ચેલેન્જીસ આવે છે અને તેનો ઉકેલ શોધવા માટે તેઓ મથે છે. હું જ્યારે આ લખું છું ત્યારે કશ્મીર – હિમાચલ -સિયાચીન બોર્ડર પર -૩૦ ડીગ્રી તાપમાન છે અને સૈનિકો ત્યાં ફરજ બજાવે છે. દુર્ગમ પહાડીઓની ચોકી પર માલ સામાન પહોંચાડવા ઘણા લોકો પોતાની પીઢ પર આ સામાન લાદી ત્યાં પહોંચાડે છે કારણકે બધી જ જ્ગયાએ હેલીકોપ્ટર કે અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ નથી. મુંબઈની લોક્લમાં સવારે પાંચ વાગ્યે નિકળેલો કર્મચારી રાત્રે ૧૧ વાગ્યે ઘરે પરત ફરે છે, કેટલીયે મોસમના માર પોતાના તન અને મન પર ઝીલીને! સુદુર ગામડામાં રહેતી એક દીકરી પોતાની કળાને જીવંત રાખવા કંઇ કેટલીયે મહેનત કરી લાઇમ લાઇટમાં આવે છે. રાત્રે ચોકીદારી કરીને દિવસે પોતાની કળાને સમય આપનાર પણ આ ધરતી પર છે. >>> આટલા બધા મુદ્દા લખવાનો સાર એક જ છે.. ડાર્વીન થીયરી ” જે ટકી ગયું એ બચી ગયું”! આજે જેટલી યોજનાઓ, જેટલી ટેક્નોલોજૉ અને જેટલી મદદ ખેતીને કે ખેડૂતને મળે છે તેટલી પહેલા મળતી? જો સમય સાથે આપણે (આપણે બધાં જ) નહીં ચાલીએ તો વર્તમાનમાં નહી જીવી શકીએ, ભૂતકાળ બની જઈશું. લોકો માટી વગર ફાર્મીંગ કરે છે અને નફો કમાય છે. નોકરી છોડી ઓર્ગેનીક અને આધુનીક ફાર્મીંગ કરનારાઓ સફળ થયાના દાખલા આપણા દેશમાં જ છે. (ગૂગલ દેવતાના ડેટાબેઝમાં હાથવગું છે!) અને અહી નિરક્ષરતાને વચ્ચે ન લાવીએ તો સારું કારણકે ખેતી વિષે કંઈ પણ ભણ્યા વિના એક પરંપરાગત આપણો ભારતીય ખેડૂત ય – ટ્યુબ પર ખેતીનુ જ્ઞાન આપી લાખો કમાય છે. ભાગ્યેજ કોઈ એવો ખેડૂત છે જેની પાસે ફોન નથી. જો ફોન ચલાવતા આવડે તો ખેતી તો એમના લોહીમાં છે. ખેડૂત મારા માટે પણ પૂજનીય છે. પરંતુ એનો અર્થ એ નહીં કે તેઓએ અપગ્રેડ ન થવું.

    • Arohi

      Thanks, Gopalbhai. માટી વગરની ખેતીને “Hydroponics” કે “vertical farming “કહેવાય. જે ખેતીની ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ છે. જેની માટે કદાચ private ઇક્વિટીનું ફંડિંગ જોઈએ.તમે જે ફાર્મિંગ success સ્ટોરીની વાત કરી જે ઘણી સરસ છે પરંતુ આ શું સૅમ્પલનો મીન આખી પોપ્યુલેશનનો મીન રેપ્રેઝન્ટ કરી શકે તો જવાબ છે ના.કારણ કે હું Bombay કે Delhi જેવી મેટ્રો સિટીઝ ફરીને એમ ના કહી શકું કે આખું India આવું જ છે. રીયલ વર્લ્ડમાં થતી ખેતી પાછળ ઘણા ફેક્ટર્સ હોય છે તે youtube ની જેમ virtual નથી. બાકી ઇન્ડિયાની હાલત તેના GDP નમબર્સ બોલે જ છે આ એટલા માટે લખું છું કારણ કે યોજનાઓ જાહેર કરવી અને લોકો સુધી તેની મદદ પહોંચાડવી એ તદ્દન અલગ વસ્તુ છે.I agree with you that everyone must evolve over time.
      Thanks again for your feedback.:)

  • Anila Patel

    બધા વિકાસ વગર ચાલશે પણ ખેતીના વિકાસ વગર નથી ચાલવાનું. જગતનો તાત દુ:ખી હોયતો તેના સંતાનો કયાંથી સુખી થાય?બહુજ મનનીય આલેખન.

  • jagdishchandra Trivedi

    લાંબો બહુ કોણીય લેખ.ક્યાંક સમસ્યાઓ જ.છેલ્લે માણસ બચાવો ચિંતા ગમી. ટુંકો હોત તો વધુ અસર કરતે.

  • Pratik Shah

    Aarohi Superb Article…. Nicely explained the tragic situation of our farmers…. This article must be reached to all citizens, Politicians and powerful people who can support and construct the infrastructure in India.

  • anil1082003

    NICE ARTICLES FOR FARMER & POLITICIAN BY AAROHI SHETH, POLITICIAN LOVE THEIR CHAIR. AFTER SECURED CHAIR, STORY START FOR HELP FOR FARMER & OWEN POCKET FILFULL TIME IS COMING TO SAVE FARMER’S LIFE. WAKE UP.