યેલોસ્ટોન નેશનલ પાર્કની મુલાકાતે.. – સ્વાતિ શાહ 12


પ્રવાસ એટલે એવી સફર જેમાં મુસાફરીને અંતે કંઈક પામ્યાનો સંતોષ થાય, એ કુદરતનું સામિપ્ય અને સાન્નિધ્ય હોય, જાણકારી હોય, મિત્રો સાથે સરસ જગ્યાઓએ સમય વીતાવ્યાનો આનંદ હોય કે પછી કુદરતની કારીગરી સમા અદ્રુત યાદગાર રચનાઓની વણઝાર જોવાની ઉત્સુકતા હોય. અમારો અમેરિકાનો પ્રવાસ નક્કી કરતી વખતે મનમાં હતું કે કોન્ક્રીટના જંગલમાં તો કાયમ ફરીએ છીએ – રહીએ છીએ એટલે એ નથી જોવું, અમારાં બહેન બનેવીને અમે વિનંતી કરી કે આપણે કુદરતના આશિર્વાદ જેવા, માણસના ચંચુપાતથી દૂર રહેલા નેશનલ પાર્ક જોવા છે. મારા મનમાં નાનપણથી યેલોસ્ટોન નેશનલ પાર્કનું એક વિશેષ આકર્ષણ અથવા તો કહું કે તેને જોવાનું કુતુહલ હતું. મારાં ફોઈનાં મોઢે એના વિશે ઘણું સાંભળ્યું હતું અને ત્યારથી ત્યાં જવા મન તલપાપડ થયા કરતું. લગભગ છ મહિના અગાઉથી આયોજન શરુ કરી દીધું હતું  કારણ એક જ કે અમારે પાર્કની અંદર રહી કુદરતના આ મબલખ આશિર્વાદને પૂર્ણપણે અનુભવવા હતા, માણવા હતા.

પાંચ અઠવાડિયાનું વેકેશન લઇ અમેરિકાના નેશનલ પાર્ક જેમકે યેલોસ્ટોન, બ્રાઈસ કેનિયન, એન્તેલોપ કેનિયન, ટીટોન નેશનલ પાર્ક, ગ્રાન્ડ કેનિયન જોવાનું નક્કી કરી દીધું. બધે ગાડી લઈને ફરવું હતું એટલે છેલ્લે લાસવેગાસ ગાડી મૂકી દેવાનું નક્કી કરી દીધું. લગભગ તેર દિવસનો પ્લાન બનાવ્યો કારણ કે ખૂબ શાંતિથી ફરવું હતું. મેં યેલોસ્ટોન વિશે લખવાનું કેમ પસંદ કર્યું તે હું આગળ જણાવીશ, આ પાર્ક કેમ મને અતિ વિશેષ ગમ્યો છે!   

Photo Courtesy: Swati Shah
Photo Courtesy: Swati Shah

અમે વર્જીનીયાથી જવાનાં હતાં એટલે બાલ્ટીમોર એરપોર્ટથી બોઝેમન એરપોર્ટ જવાની ફ્લાઈટ લીધી જે વાયા શિકાગો હતી. ત્યાંથી સેલ્ફ ડ્રાઈવ કરી અને ગાડી ભાડે કરી નીકળતાં લગભગ બપોર થઇ ગઈ. અમને પ્લાનીંગ કરતાં ખબર હતી કે પહોંચતા સાંજ પડી જશે એટલે એક રાતનું બુકિંગ અમે પાર્કની બહાર નજીકની હોટલમાં કરાવ્યું હતું. યેલોસ્ટોન પાર્કમાં જવા માટે ચારેય દિશાથી પ્રવેશ છે. અમે ઉત્તરના પ્રવેશદ્વારથી જવાનાં હતાં. મેં યેલોસ્ટોનનું નામ સાંભળ્યું હતું પણ તેનાં વિશે વધું વાંચ્યું નહોતું. મનમાં એમ હતું કે હું જાતે જઈને જોઉં, પહેલેથી મનમાં કોઈ છબી નહોતી બનાવવી. બીજે દિવસે અમે પાર્કમાં જ્યાં રહેવાનું હતું ત્યાં જવા વહેલા નીકળ્યાં. ત્યાંના બધાં પાર્કમાં રુમ સાંજે ચાર વાગે જ મળે છે એટલે અમે ફરતાં ફરતાં બધું જોતાં જોતાં જવાનું નક્કી કર્યું.

ઐતિહાસિક રુઝવેલ્ટ આર્કથી પાર્કમાં પ્રવેશ્યા. પાર્કમાં પ્રવેશ ટિકિટ લેવાની હોય છે પરંતુ જો અમેરિકન સીનીયર સીટીઝન પાસે પાર્કનો એન્ટ્રી પાસ હોય તો તે આખી ગાડીમાં રહેલાં બધાનો પ્રવેશ નિ:શુલ્ક થાય. એટલે અમે આટલા બધા નેશનલ પાર્ક ફર્યા પણ બહેનબનેવી પાસે પાસ હોવાથી અમારે પ્રવેશ ટિકિટ લેવાની જરુર ન પડી.

Photo Courtesy: Swati Shah
Photo Courtesy: Swati Shah

યેલોસ્ટોન નેશનલ પાર્ક એ દુનિયાનો સૌથી પહેલો નેશનલ પાર્ક ગણાય છે, ૧૮૭૨ માં યુ.એસ કોંગ્રેસે આ પાર્કની જાણવણી કરવાનું નક્કી કર્યું. પાર્કમાં અંદર જતાં ખૂબ મનોરમ્ય દ્રશ્ય નજરે પડ્યાં. આ પાર્કની ખાસિયત એમાં રહેલાં દસ હજાર હાઇડ્રો થર્મલ ફીચર્સ છે, ઉપરાંત આ વિશાળ પાર્કમાં વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે. જેમકે બાઈસન, બેર, હરણાં, સાંભર.

આ કેન્યન એટલે કે ખીણ ૮૦૦ થી ૧૨૦૦ ફીટ ઊંડી, ૧૫૦૦ થી ૪૦૦૦ ફીટ પહોળી અને ૨૪ માઈલ લાંબી છે. ઉપરનો અઢી માઈલનો ભાગ ખૂબ રંગબેરંગી છે. ગરમ પાણીના ઝરણાં વર્ષોથી વહેતાં રહેવાને કારણે અંદર રહેલા લાવા અને બીજા આયર્ન અને મિનરલને કારણે પથ્થરના સુંદર રંગ સર્જાય છે. ઉપર ઉડતી વરાળ જોતાં એની ભવ્યતા અને જમીનની નીચે કેટલો લાવા ધરબાયેલો હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે. જુદાં જુદાં આકાર સર્જાયા તે પ્રમાણે એનાં નામ વાંચીએ ત્યારે મને કંઇક દિવ્ય અનુભૂતિ થઈ. જેમકે એક હતો ‘લીબર્ટી કેપ અ હોટ સ્પ્રિંગ કોન’, ‘ડેવિલ્સ થમ્બ’, ‘પેલેટ સ્પ્રિંગ’ જોતાં એમ જ લાગે કે જાણે કોઈ ચિત્રકારની પેલેટમાં જાતજાતનાં રંગ હોય, ઝરણું ભવ્ય હતું. લિવીંગ કલર નામની જગ્યાએ ગયાં તો ખરા અર્થમાં જાણે જુદાજુદા રંગ બદલાતાં હોય તેવું દેખાયું.

આ બધી જગ્યાએ જવા માટે લાકડાનાં પુલ બનાવેલા હતાં. થોડાં થોડાં અંતરે પુલ સિવાય નીચે પગ ન મુકવાની સૂચના લખવામાં આવી હતી. વહેતાં ગરમ પાણીને અને તેમાંથી નીકળતાં ધુમાડાને જોતાં કોણ પગ મુકવાની હિંમત કરે! મિનરવા ટેરેસ જોતાં આંખોમાં એક જુદો ચમકારો થયો. ચારે બાજુ ગરમપાણીના ઝરા અને એની નીચે લાઇમ સ્ટોન પર થતાં પરપોટાં જે ક્યારેક થીજી જતાં હોય અને ક્યારેક એક બીજા ઉપર જામી જતાં ખૂબ સુંદર આકાર સર્જાતા જોવા મળ્યાં. આગળ વધતાં ક્લિઓપેટ્રા ટેરેસ જોઈ. કોઈને કોઈ સાથે વાત કરવાનું મન ન થાય, બસ મન અને આંખ ભરવાનો પ્રયત્ન કરતાં રહીએ. આગળ વધતાં સ્ટીમબોટ ગાઈઝર પહોંચ્યાં. એમાંથી સતત વરાળ નીકળતી દેખાય અને અઠવાડિયામાં એકાદવાર ખુબ ઊંચું ફુવારાના સ્વરૂપે થાય. ઘણાં લોકો ખુરશીઓ લઈને ત્યાં બેઠેલાં જોયાં. તેમને પૂછતાં ખબર પડી કે આ બે દિવસમાં કદાચ ગાઈઝરમાંથી ફુવારો ઉડશે. આમ વહેલી સવારથી મોડી સાંજ સુધી લોકો રાહ જોતાં કડકડતી ઠંડીમાં બેઠાં હતાં. અમારી પાસે એટલો સમય નહોતો કે અમે ફુવારો નીકળે તેની રાહ જોઈએ. પણ એમાંથી નીકળતાં ધુમાડા અને ગરમ પાણીનાં ઝરા જોઈ કલ્પના કરી શકાય કે કેટલાં વેગથી વરાળનો એ ફુવારો બહાર નીકળતો હશે.

Photo Courtesy: Swati Shah
Photo Courtesy: Swati Shah

ત્યાંથી અમે ગ્રાન્ડ પ્રિઝ્મેટિક સ્પ્રિંગ જોવા ગયાં. એ યેલોસ્ટોનનો સૌથી મોટો અને સૌથી રંગીન ગરમ પાણીનો ઝરો છે. એની ગોળાઈ આશરે ૨૦૦ ફીટ છે અને પાણીનું તાપમાન એકસો સાહીંઠ ડીગ્રી ફેરનહીટ (લગભગ સિત્તેર ડિગ્રી સેલ્શિયસ) રહે છે. જમીન નીચેનો લાવા જ્વાળામુખીની સક્રિયતાને લીધે, અને ગરમીને કારણે પાણી ઉપર આવતું હતું જે પથ્થરોમાંથી સતત નીકળ્યા જ કરતું હતું. એનાં પરિણામે લગભગ ૫૦૦ ગેલેન ગરમ પાણી દર મિનિટે બહાર આવતું હતું. આ પાણીમાં રહેલાં મિનરલ ગરમ પાણીમાં ઓગળીને ધીમેધીમે આજુબાજુ જમા થતાં હોવાથી ખુબ સુંદર રંગ દેખાતાં હતાં. ક્યાંક પીરોજા રંગ દેખાય તો ક્યાંક પીળો…

જ્યાં નજર જાય ત્યાં કંઇક નવો નજારો જોવા મળતો. એક જગ્યાએ બોર્ડ જોયું કે મિનિએચર જંગલ આગળ છે. મનમાં થયું, જોઈએ શું છે! ત્યાં પહોંચ્યાં ત્યારે જોયું તો કેસરી, કથ્થઈ અને લાલ રંગનાં માઈક્રોઓર્ગેનીઝમ જમા થઇ એક જાળી જેવું સર્જાયું હતું. તેને જોતાં ગાઢ જંગલની ભ્રાંતિ થાય. આમ થીજેલું લાગે પણ જમીન નીચેના સતત ઉકળતા લાવાને કારણે ઉપરથી ધુમાડા નીકળતાં દેખાય. આ લખું તો છું, પણ વર્ણન કરવા શબ્દો જડતાં નથી. ઈશ્વરની કમાલની રચના જોતાં એના હોવાની શ્રદ્ધા વધુ દ્રઢ થાય. હજી મન ભરીને બસ જોયા જ કરીએ. અમારાં ચારમાંથી કોઈને આગળ વધવાનું મન જ નહોતું થતું. હજી આગળ એક વિશેષ જગ્યા જોવાની બાકી હતી એટલે આતુરતાથી આગળ જવું પણ હતું.

આગળ વધતાં ઓલ્ડ ફેઇથફુલ નામની એક જગ્યાએ પહોંચ્યા. ત્યાંના વિઝીટર સેન્ટર પર માહિતી મેળવતા ખબર પડી કે અહિયાં જે ગરમ પાણીનો ઝરો છે તેમાંથી દર કલાકે ઊંચે સુધી સલ્ફરનું પાણી ફુવારા સ્વરૂપે ઊડે છે. ત્યાં અત્યારથી પહેલા કેટલાં વાગે ફુવારો થયો હતો એ પરથી પછી કયા અંદાજીત સમયે ફરી થશે તે લખતાં હોવાથી અમને બપોરનું જમવાનો સમય લગભગ ત્રણ વાગે મળી ગયો. આ જગ્યાએ ખાવાની વ્યવસ્થા માટે હોટલ હતી ત્યાં વેજીટેરીયન ઘણું ઓછું મળે અને જે માંગીએ તેમાં ચોખવટ કરવી પડે. લગભગ પોણાચારનો સમય હતો એટલે ફટાફટ ખાઈ અમે ઝરા પાસે પહોંચ્યા. ત્યાં જઈ જોયું તો અર્ધ ગોળાકારમાં ગોઠવાયેલી બધી બેંચ પ્રવાસીઓથી લગભગ ભરાઈ ગઈ હતી. જેમતેમ કરી જગ્યા મેળવી ગોઠવાઈ ગયા. આતુરતાથી જોયા કર્યું. થોડીવારમાં નાના નાના બે ચાર વાર ફુવારા નીકળ્યાં એટલે મનમાં વધારે કુતુહલ જાગ્યું. લગભગ દસેક મિનીટ થઇ હશે ત્યાં તો મોટાં અવાજ સાથે ફુવારો લગભગ ૨૦૦ ફુટ જેટલો ઉંચો ઉડ્યો. એક બાજુ લોકોની ચિચિયારી અને કુદરતનાં આ કરિશ્માને પચાવતાં જરા સમય લાગ્યો.

Photo Courtesy: Unsplash
Photo Courtesy: Unsplash

અમે યેલોસ્ટોન જોવાનાં ત્રણ દિવસ રાખ્યાં હતાં એમાંનો આ પહેલો દિવસ એટલો બધો સુંદર રહ્યો કે હોટલ પહોંચી બીજા દિવસની આતુરતાપૂર્વક રાહ જોતાં સૂઈ તો ગયા પણ સવારે વહેલું ઉઠવાનું નક્કી કર્યું જેથી કંઈ જોવાનું ચૂકાય નહિ. બીજા દિવસે એકદમ ખુલ્લા મેદાન તરફનો રસ્તો હતો જે આગલા દિવસ કરતાં તદ્દન જુદા પ્રકારનો વિસ્તાર હતો. અહીં ઘણાં બધાં જંગલી ભેંસ અને બળદ જોવા મળ્યાં. જેમજેમ આગળ વધતાં ગયાં તેમ હરણ, સાંબર વગેરે જોયાની ખુશી થઇ. રસ્તામાં એક જગ્યાએ બેચાર ગાડી ઉભેલી જોતાં અમે પણ ઉભા રહ્યાં. એ લોકોએ ઈશારો કરતાં બતાવ્યું રસ્તાની બીજી તરફ રીંછ જેવું કંઇક દેખાય છે. નજર એ બાજુ માંડી તો દૂર ટેકરી પર એક માતા અને તેનાં બે નાના બચ્ચા સાથે મહાકાય કાળું રીંછ દેખાયું.

Photo Courtesy: Unsplash
Photo Courtesy: Unsplash

દિવસ સફળ રહ્યાંનો એક અનેરો સંતોષ થયો. ત્યાંના જંગલી જાનવરો ગાડી સામે રસ્તા ઉપર પોતાની મસ્તીમાં ચાલતાં આવ્યાં કરે. આપણે માનવ તેઓની ભૂમિ પર ફરી રહ્યાં છીએ અને ત્યાં તેમનું રાજ ચાલે તે સંદેશ તેઓની ચાલ અને અવાજથી મળી જાય. ત્યાં ઘણી જગ્યાએ સૂચના વાંચવા મળે ‘સ્ટે અવે ફ્રોમ બેઅર’

ત્રીજા દિવસે પણ જુદાજુદા ઝરા જોતાં આગળ વધ્યા તો તે પછી ખૂબ સુંદર પર્વતમાળા શરૂ થઇ. દરેક પર્વત જુદાજુદા રંગનો દેખાય. ક્યાંક પીળો વધારે તો ક્યાંક કથ્થઈ તો વળી કયાંક ભૂરો. બે પર્વતની વચ્ચેથી સલ્ફરના પાણીનો ધોધ પડતો દેખાયો. એકજ ધોધ પણ બધી દિશાથી જુદો જુદો દેખાય અને તેના પાણીના રંગ પણ જુદાજુદા દેખાય. પહેલા થયું હતું કે નોર્થ વ્યુ અને સાઉથ વ્યુ આમ કેમ? જ્યારે ખરેખર ત્યાં જઈ જોયું ત્યારે ભવ્યતાનો ખરો અર્થ સમજાયો.

Photo Courtesy: Unsplash
Photo Courtesy: Unsplash

અમે અમારી યાત્રા પૂરી કરતાં યેલોસ્ટોન નેશનલ પાર્કની વિદાય લઇ આગળ વધ્યાં પણ મન હજી કુદરતની કરામત જોઈ ભરાયું નહોતું. કહેવાય છે કે યેલોસ્ટોન નેશનલ પાર્કમાં એટલો બધો લાવા ધરબાયેલો છે કે જો તે એકસાથે બહાર આવે તો આખી પૃથ્વી રસાતાળ થઇ જાય. પણ કુદરત એના સંહારક રૂપને સતત પોતાની અંદર ધરબી રાખે છે, અને એમ આપણે નચિંતપણે એની સુંદરતા માણી શકીએ છીએ, અંદર ધરબાયેલા લાવા છતાં ઉપરની શાંતિ અને સ્થિરતા જ આ પાર્કને વિશિષ્ટ બનાવે છે.

– સ્વાતી શાહ


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “યેલોસ્ટોન નેશનલ પાર્કની મુલાકાતે.. – સ્વાતિ શાહ

  • Neeta Kotecha

    ખૂબ સરસ પ્રવાસ વર્ણન.. દ્રશ્ય સામે જાણે ફરતું રહ્યું.

  • Mayurika Leuva

    સુંદર પ્રવાણવર્ણન. યલોસ્ટોન નેશનલ પાર્કની અક્ષરદેહે પ્રવાસ કરવાની મજા પડી.

  • ગોપાલ ખેતાણી

    સ્વાતીબેન તમારો પ્રવાસલેખ એકદમ રોચક, માહિતીસભર અને જીવંત છે. સૌભાગ્ય મળશે તો આ પાર્ક સદેહે જોઈશું પણ અત્યારે શબ્દદેહે જોઈ આનંદ વિભોર થવાયું.

  • Meena V

    ખુબ સુંદર વર્ણન. ૨૦૧૮ જુલાઈમાં યલોસ્ટોન પાર્ક ગયાં હતાં, તમારો લેખ વાંચીને ફરીવાર ગયાં હોઈએ તેવું લાગ્યું . અદ્ભુત જનારો છે. આભાર.

  • Anila Patel

    આવા સરસ સ્થળની સફર કરાવવા બદલ જેટલો આભાર માનીએ એટલો ઓછો જ પડે..ખરેખર અદ્ભુત સ્થળ.

  • Jain Muni

    બહુ સરસ વર્ણન. બહેન, આપણી ભાષામાં જિપ્સી નામનું પ્રવાસવર્ણનનું અદ્ભુત મેગેઝિન પ્રકાશિત થાય છે. તમે આવા સરસ લેખો એમાં મોકલો તો કેટલું સારું થાય!

  • pravinshah47

    બહુ જ સરસ અનુભવ. વર્ણન પણ એટલું જ સરસ કે જાણે અમે પણ જોડે જોડે ફરતા હોઈએ, એવું લાગ્યું.

  • PH BHaradia

    યેલ્લો સ્ટોન નેશનલ પાર્ક એક કુદરતના નઝારાનો પ્રદેશ છે. જે જોવાનો લાહવો અમારા કુટુંબને
    મે ૨૦૧૭ ના મહિનામાં મળ્યો. તેની યાદ ભૂલાય તેવી નથી.
    લોકો અમેરિકા જઈને સગાવ્હાલાઓને અને મિત્રોને મળવા જાય છે તે ઠીક છે પણ જેમની
    તન્દુરસ્તી સારી હોય ભલે તે ગમે તે ઉમર ના હોય તેમને આ યેલ્લો સ્ટોન પાર્કની
    મુલાકાર લેવાનું ચૂકવું નાં જોઈએ.
    સ્વાતીબેન શાહ નો આભાર તેમને લખીને પોતાનો અનુભવ કહ્યો.

  • Mita Mehta

    અદ્ભુત, ખૂબજ સુંદર આખા પ્રવાસ નું સ્વાતિ બેને વર્ણન કર્યું છે, લાગે છે કે જાણે નજર સામે આજ જોઈ રહ્યા છીએ . કુદરત તો અવર્ણનીય છે, પણ સ્વાતિ ni
    કલમ મેં પણ તેનું અદ્ભુત વર્ણન કર્યું છે . Congratulation Swati, keep on writing about your joujourn