કરોળિયાનું જાળું – વૈશાલી રાડીયા 10


એક, બે, ત્રણ.. તેણે મનમાં જ ગણી લીધા, તરત મોટો અવાજ આવ્યો ને છપાક અવાજ સાથે સ્વિમિંગપૂલમાંથી પાણી ઊડ્યું. પાણી કપાતું રહ્યું તેમતેમ એના મનના વિચારોની ગતિ પણ ઝડપથી ચાલતી રહી! રોજ તો એ પૂલમાં એવી રીતે સ્વિમિંગની મોજ માણતી જાણે દુનિયામાં બીજું કોઈ કામ કે ચિંતા હોય જ નહિ! હકીકતમાં સ્વિમિંગની એક કલાક અને રાતે ચારથી પાંચ કલાકની ઊંઘ લેવા સિવાય એક મિનિટ પણ એની જિંદગીમાં ફુરસદ નહોતી. એટલે નકામા વિચારોનો તો સમય જ નહોતો. તેમ છતાં, તેમ છતાં…

ઘણા દિવસોથી એના અસ્તિત્વમાં કશુંક ગોરંભાતું હતું. એ ખુદ જ સમજી શકતી નહોતી કે એવું શું હતું કે જે એના ચિત્તને બેચેન બનાવી રહ્યું હતું. પાણીમાં તેની ગોરી ત્વચા વધુ ગોરી લાગતી હતી. આમ તો રોજ તે પૂલના પાણીમાં માછલીની જેમ સરકતી રહેતી, પણ હમણાં હમણાં તેને પોતાના પરફેક્ટ ફિગરનું પણ વજન લાગતું હોય એમ થાકી જતી હતી.

‘ઋચા, વ્હિસલ ન સાંભળી? ટાઇમ પૂરો થઈ ગયો!’ કોચના બોલાવવા છતાં એ તો બેધ્યાન જ રહી અને જોશભેર કિક મારતી પાણીની અંદર સરકતી જ રહી. તેની કોચ પણ વિચારમાં પડી ગઈ. આખરે, લેન્થ પૂરી કરીને હમણાંથી અનુભવાતા થાકની અસરથી ઋચા થોભી. ત્યાં કોચને જોતાં તેનું ધ્યાન ગયું કે બધા શાવર લઈને બહાર નીકળતા હતા અને પોતે હજુ પૂલમાં જ હતી!

‘ઓહ! સોરી યારરર…’

‘આર યુ ઓકે ડિયર?’

‘યાયા… એમ ફાઇન, ઇટ્સ ઓકે…’

છોભીલું સ્મિત કરતી ઋચા શાવર તરફ ચાલી. શાવર લેતી વખતે પણ મનની ગતિ તો અટકતી જ નહોતી ત્યાં જ એનું ધ્યાન બાથરૂમની છત પર કરોળિયાએ બાંધેલા જાળા પર ગયું અને ખબર નહિ કેમ અચાનક એને ઘરની છત પર આજે જ જોયેલું કરોળિયાનું જાળું યાદ આવી ગયું! અને અચાનક કોઈ અણગમતી સંવેદનાએ તેને ઘેરી લીધી!

Photo by Mukesh Sharma on Unsplash

ઘરે જવાને બદલે આજે તેનું એક્ટિવા આપોઆપ ડૉ. પ્રીતિ સેનના ક્લિનિક તરફ વળી ગયું. પ્રીતિ એની ફ્રેન્ડ કમ ડૉક્ટર હતી. એટલે એને એપોઇન્ટમેન્ટની જરૂર નહોતી. આમ પણ આ સમયે બહુ ભીડ ન હોય એટલે વાત કરવામાં નિરાંત રહે. ઋચાને જોઈને રિસેપ્શનિસ્ટે પરિચિત સ્માઇલ સાથે તેને વેલકમ કરતાં વેઇટિંગ લૉન્જમાં બેસાડી. બે-ચાર પેશન્ટ હોવા છતાં આજે ઋચાને એ સમય કાઢવો પણ આકરો લાગતો હતો.

તે વિચારતી હતી કે થોડા દિવસથી એ પોતાની ઑફિસે પણ અકારણ જ બીજા પર ગુસ્સે થઈ જતી. ઘરમાં પણ પતિ મિહિર અને દીકરા વેદ પર નાની વાતમાં ગુસ્સે થઈ જવાતું. તેને થયું, પ્રીતિ કેમ આજે એને રાહ જોવડાવે છે? ત્યાંથી ભાગી જવાની ઇચ્છા જોર કરી આવી. તેણે ગુસ્સામાં આમથી તેમ નજર ફેરવી. ત્યાં જ ક્લિનિકની છત પર પણ તેને કરોળિયાનું જાળું દેખાયું અને અચાનક તેને થયું કે તેણે જાતે જ પોતાની આસપાસ એક જાળું રચી લીધું છે!

સવારે ઊઠે ત્યારથી પતિ, દીકરો, સાસુસસરા અને જૉબ. માંડ એક કલાક સ્વિમિંગનો કાઢી શકતી. પોતાને ક્યાંય જવું હોય, તોપણ બધાની એટલી વ્યવસ્થાઓ કરવાની રહેતી કે કેટલીય વાર તો તે પોતે જ ક્યાંય બહાર જવાનું ટાળી દેતી. ફેમિલી માટે થઈને જ તેણે પાર્ટટાઇમ જૉબ સ્વીકારી હતી. આમ છતાં, ઘરે આવ્યા પછી બધાને પ્રેમથી જમાડવા, તેમની કાળજી લેવી, દીકરાના સ્ટડી પર ધ્યાન આપવું, સાસુસસરાને મદદરૂપ થવું અને સાંજે બધાં કામ પતાવીને તેને ઑફિસ વર્કમાં હેલ્પ પણ કરવી- આ બધું જ તે પ્રેમથી કરતી. બધી સ્ત્રીઓની જેમ આ બધાં કામને પોતાની ફરજ સમજીને તેણે ક્યારેય કંટાળો નહોતો અનુભવ્યો. પણ, હમણાંથી તેને જીવનમાં કંઈક ખૂટતું હોવાનો અહેસાસ થતો હતો!

એમાંય થોડા દિવસ પહેલાં મળેલી તેની એક જૂની ફ્રેન્ડે જ્યારે કહ્યું કે તે જૉબ છોડીને મ્યુઝિક શીખવાનું પોતાનું વર્ષો જૂનું સપનું પૂરું કરી રહી છે, એ સાંભળીને રાતે એકલી રડી પડી હતી. બીજે દિવસે એવો વિચાર પણ આવ્યો કે ફ્રેન્ડની વાતથી તેને કેમ આટલી તકલીફ થવી જોઈએ? ને આવી અર્થહીન મૂંઝવણ કહેવી પણ કોને? કારણ કે, પરિવાર જ એટલો પ્રેમાળ છે કે તેની તકલીફ જોઈને બધા જ સભ્યો ટેન્શનમાં આવી જાય. અનેક વખત રાત્રે તે ઊંઘમાંથી બેઠી થઈ જતી. કોઈ અકળ ભીંસ અનુભવતી એકાએક પરસેવે રેબઝેબ થઈને પથારીમાં બેઠી થઈ જતી. એ તંદ્રાવસ્થામાં તે પોતાને કોઈ જાળમાં સપડાયેલી માછલીની જેમ તરફડતી અનુભવતી.

એક રાતે આમ જ અચાનક ઊંઘ ઊડી જતાં એની નજર સામેની દીવાલ ઘડિયાળ પર પડી. જ્યાં એક કરોળિયો જાળું બનાવતો હતો. કરોળિયા દ્વારા વણાતા એક એક તાણાવાણા અને ઘડિયાળના ફરતા કાંટાની સાથે તેની આસપાસ પણ ચક્રવ્યૂહનો એક એક કોઠો રચાતો જતો હોવાનું અનુભવાયું હતું. તેને થયું કે તેનો સમય પણ આવી જ કોઈ જાળમાં ફસાઈ ગયો હોવો જોઈએ. એક પછી એક કોઠામાં તે ઊંડી ને ઊંડી ફસાતી જતી હતી. એ ચક્રવ્યૂહને તોડવાનો દરેક પ્રયત્ન તેના શરીરે વધુ ને વધુ ઘેરો ઊઝરડો આપી જતો હતો.

શાંત પાણીમાં રચાતા વમળોમાં અચાનક કોઈ પથ્થર ફેંકે અને બધું જ ડહોળાઈ જાય એમ તેના વિચારોને હચમચાવતો અવાજ આવ્યો. જોયું તો કેટલીય વાર બોલાવ્યા પછીય જવાબ ન આપતાં રિસેપ્શનિસ્ટ તેનો ખભો હલબલાવતાં બોલતી હતી, ‘મેમ, મેડમ તમને અંદર બોલાવે છે.’ આમ છતાં, પહેલી બે-ત્રણ વખત તો સુન્ન પડી ગયેલા તેના મગજે કશો પ્રતિભાવ જ ન આપ્યો. એકાએક તેના શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ.

ઋચા ઊભી થઈને કેબિન તરફ આગળ તો વધી, પણ ઘરે પાછા ચાલ્યા જવાનો વિચાર સતત તેના મનમાં બળવો પોકારી રહ્યો હતો. ક્યાંક પ્રીતિ મને પાગલ માનશે તો? આવી તે કોઈ બીમારી વળી હોતી હશે? પણ, ત્યાં સુધીમાં તો તેના હાથે કોઈ અગમ્ય સંકેતથી કેબિનનો નોબ ઘુમાવી દીધો હતો. એ સાથે જ પ્રીતિના હૂંફાળા સ્મિતમાં દર્શાયેલા આવકારે તેના પગથી આપોઆપ એ દિશામાં દોડી જવાયું. કશું જ બોલ્યા વિના તે પ્રીતિને વળગીને ધ્રુસકેને ધ્રુસકે રડવા માંડી!

પ્રીતિ ઋચાની ફ્રેન્ડ હોવાની સાથે એક ડૉક્ટર પણ હતી. ઋચાના વાંસા પર પ્રેમથી હાથ પસવારતાં તેણે ઋચાને ખુરશીમાં બેસાડી અને પાણી આપ્યું. ઋચા એકીશ્વાસે બધું જ પાણી ગટગટાવી ગઈ. તેની એ હાલત અને થોડીઘણી વાત સાંભળતાં જ પ્રીતિ તરત સમજી ગઈ કે તેને શું તકલીફ હતી! એકાદ ગોળીની સાથે આપેલું પ્રિસ્ક્રિપ્શન વાંચીને ઋચા એકદમ જ સમજી ગઈ કે તેને શું તકલીફ હતી? ફરી વખત પ્રેમથી પ્રીતિને ભેટી પડી અને તેનો આભાર માનીને ઘર તરફ રવાના થઈ ગઈ.

બીજા જ દિવસથી તેણે પ્રીતિનું પ્રિસ્ક્રિપ્શન ફોલો કરવાનું શરૂ કરી દીધું. બહારથી લાવવાની વસ્તુઓનું લિસ્ટ મિહિરને પકડાવી દીધું, જેમાં એક ગિટારનો પણ સમાવેશ થતો હતો. વેદને એક કલાક બાજુમાં ટ્યુશન ગોઠવી દીધું. કામવાળી પાસે વધારાનું કામ પણ કરાવવાનું સમજી લીધું. હવે માત્ર એક વાત બાકી રહેતી હતી, તેનું વર્ષોથી મનમાં રહેલું એક સપનું. તેણે પોતાના મ્યુઝિક ટીચરને કૉલ જોડ્યો.

અત્યાર સુધી બધાં કામનો ભાર માથે લઈને ફરતી ઋચા હવે તદ્દન હળવાશ અનુભવતી હતી. મિહિર થોડા દિવસથી ઋચામાં આવી રહેલા આ બધા બદલાવ જોઈ રહ્યો હતો. એક સાંજે તે ઋચા માટે એક સરપ્રાઈઝ લાવ્યો અને  હોલમાં રહેલા ઝૂલા પર તેની બાજુમાં બેસી તેને ફ્રેશ કરવા, શું થયું છે તે જાણવા અને તેમાંથી બહાર લાવવા શું કરવું એ વિચારે તે વાતની શરૂઆત કેમ કરવી તે માટે શબ્દો શોધવા મૂંજાતો રહ્યો! મિહિરનું આશ્ચર્ય પામી ગયેલી ઋચાએ તેણે પ્રેમથી લાવેલું ગિટાર સ્વીકારતા સામી કોમ્પ્લિમેન્ટસ આપીઃ ‘લેટ્સ સેલિબ્રેટ માય મેનોપોઝ ટાઇમ, ડિયર.’ અને ઘણા સમય પછી ઋચાને હસતી જોઈને મિહિરે તેને પોતાના આલિંગનમાં જકડી લીધી. બરોબર એ જ સમયે ઘડિયાળે ટકોરા પાડ્યાં. એ સાથે જ ઋચાનું ધ્યાન એ તરફ ખેંચાયું, જ્યાં ‘એક સમયે’ કરોળિયાનું જાળું હતું!

– વૈશાલી રાડીયા


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “કરોળિયાનું જાળું – વૈશાલી રાડીયા