Daily Archives: October 23, 2019


યેલોસ્ટોન નેશનલ પાર્કની મુલાકાતે.. – સ્વાતિ શાહ 12

પ્રવાસ એટલે એવી સફર જેમાં મુસાફરીને અંતે કંઈક પામ્યાનો સંતોષ થાય, એ કુદરતનું સામિપ્ય અને સાન્નિધ્ય હોય, જાણકારી હોય, મિત્રો સાથે સરસ જગ્યાઓએ સમય વીતાવ્યાનો આનંદ હોય કે પછી કુદરતની કારીગરી સમા અદ્રુત યાદગાર રચનાઓની વણઝાર જોવાની ઉત્સુકતા હોય. અમારો અમેરિકાનો પ્રવાસ નક્કી કરતી વખતે મનમાં હતું કે કોન્ક્રીટના જંગલમાં તો કાયમ ફરીએ છીએ – રહીએ છીએ એટલે એ નથી જોવું, અમારાં બહેન બનેવીને અમે વિનંતી કરી કે આપણે કુદરતના આશિર્વાદ જેવા, માણસના ચંચુપાતથી દૂર રહેલા નેશનલ પાર્ક જોવા છે. મારાં મનમાં નાનપણથી યેલોસ્ટોન નેશનલ પાર્કનું એક વિશેષ આકર્ષણ અથવા તો કહું કે તેને જોવાનું કુતુહલ હતું. મારાં ફોઈનાં મોઢે એના વિશે ઘણું સાંભળ્યું હતું અને ત્યારથી ત્યાં જવા મન તલપાપડ થયા કરતું. લગભગ છ મહિના અગાઉથી આયોજન શરુ કરી દીધું હતું કારણ એક જ કે અમારે પાર્કની અંદર રહી કુદરતના આ મબલખ આશિર્વાદને પૂર્ણપણે અનુભવવા હતા, માણવા હતા.