ધખતી જોવાનાઈથી છલોછલ, એવો એક જોરૂકો ઘોડેસવાર ધૂળના ગોટેગોટા ઉડાડતો ગામ વચાળે આવેલાં કૂવાના થાળે પાણી પીવા આવી પૂયગો. જાણે સાક્ષત કામદેવ જ જોઈ લ્યો..! એમાંય પરણેલી ને કુંવારી પનિહારીઓ વચાળે આવેલ જણને પાણી પીવડાવવાની હોડ લાગી… ને ઈ બધીયુંમાં કાચી કુંવારી, વિજીના સીમસીમ કરતાકને નસીબ ખૂલી ગયાં.. ગાગરમાંથી પડી રહેલી પાણીની ધારે ધારે તરસ્યો, ઘુટુક ઘુટુક કરીને પાણી હાયરે, વિજીની નિતરતી જવાનીનેય પી રહ્યો.. ગાગર ખાલી થઈ પણ બેય જણ જાણે પૂતળાં બની ગયાં.
ઈ તો એની સખીઓએ ખોંખારો ખાધો તંઈયે બેય ભાનમાં આયવા. જુવાનિયો ઓઝપાઈ તો ગયો પણ એ ઢાંકવા ઝટ દઈને ઘોડાને અવેડા પર પાણી પાવા લઈ ગયો. વિજી પણ શરમાઈને ત્યાંથી ખસીને સહિયારોનાં ટોળામાં ભળી ગઈ. આ સહિયરોય મારી બેટી બહુ માથાભારે, બેશરમની ઘોળે એકટક ઓલા ઘોડેસવારને નજરૂથી પીતી રહી, તંઈ ન્યાં વિજી બચારીનો હુંં વાંક?
આ બધિયું ભેગી, ઠરેલ શાંતામાડીયે ન્યાકણે હાજર હતાં. “ગગા કેણી કોર નિહર્યો?” એમણે ઝટ દેતાં પૂછી જ નાયખું.
“માડી, હારું થ્યું, તમે પુસી નાયખું. હું અબઘડી પુસવાનો હતો, આ દેવડા ગામ કે નૈ?”
“હા ગગા, દેવડા ગામની ધરા પર જ ઊભો સે તું. કોના ખોરડે પરોણો થાવાનો?”
“માડી મારે ગામના મુખીને ન્યાં જાવું’તું.”
મુખીનું નામ હાંભળતા વેંત વિજીને થ્યું કે હમણાં જ આ દલડું ઉડીને બારે પયડું કે હું…! ધબકારાં વધી ગ્યાં. ઈ ગોરાંદે તો લાલ ચટક નીચલા હોઠને દાંતેથી દબાવી, મનમાં મલકાતી ઓઢણીના છેડાને આંગળીમાં ભરાવી રમાડવા લાગી. ભેગો પગનો અંગુઠોય કામે વળગી ભોંય ખોતરવા લાગ્યો. એવો હતો ઈ કામણગારો જુવાનિયો!
“હાલ લે વિજુડી. આ અસવાર તો તારા બાપુનો મે’માન ! લઈ જાજે ઈને તારી હાયરે.”
બે ડગલાં આગળ વિજુડી, માથે પાણીએ છલકાતી હેલ લઈને હાલવા માંડી. પાછળ પાછળ ઘોડાની રાશ પકડીને, વિજુડીનાં પગલાં દબાવતો અસવાર વહેતો થ્યો. લચકાતી કમર અને છલકાતાં પાણીથી ભીના થયેલા કાપડા મહીંથી વિજીની કમનીય કાયા ડોકિયા કરવા માંડી. જુવાનિયાના ધબકારાએ પણ માજા મૂકી. ભલભલા તોફાની ઘોડાઓને પળમાં વશ કરી નાખતા ઈવડા ઈ જણને ધબકારા પર કાબૂ મેળવવો બહુ આકરો લાયગો.
અંતે જેમતેમ મુખીનો મોટો ડેલો આવી ગ્યો. વિજીના માથે હેલ હતી એટલે અસવારે જ આગળ થઈ ડેલાની સાંકળ ખખડાવી ને ડેલો ખોલી નંંખાયો. ફળિયામાં જ ખાટલો ઢાળી હુક્કો ગગડાવતા મુખી, વિજી હારે આવેલા જુવાનિયાને જોતા વેંત મુખીનું સોરઠી લોહી બોલી ઉઠ્યું, “કે’વું પડે વિજી તારું તો. ધનભાગ ને ધનઘડી. આજ તો મુખીને આંગણે પરોણાના પગલાં કરાયવા!”
અસવાર આગળ આવી નમ્યો ને મુખીને પાયલાગણ કરી, “આપા રામ રામ…” કહી હાથ જોડ્યા.
“એ રામ રામ દીકરા, હાચું કવ? ઓળખાણ નો પડી હોં…”
“ઈમ આયપા વગર ઓળખાણ થોડી પડે આપા? હું રામપરવાળા તમારા ભેરુ જગલાનો નાનકો.”
“તું તો મારા મોહાળના ગામનો ને મારા જિગરીનો દીકરો. ઓહો.. હો.. તીં એકલો ચ્યમનો આયવો? જગલાને નો લાયવો.”
“મારા બાપુ તો મોટી જાતરાએ ઉપડી ગ્યા. આજે એક મહિનોય થઈ જ્યો. જાતા જાતા તમારું જ નામ ઈમના મોઢે હતું. એટલે થ્યું કે તમને મોઢામોઢ ખબર આલી દઉં.”
જગલાનું નામ સાંભળતા જ ભીખો ભૂતકાળમાં ધકેલાઈ ગ્યો. બાળપણમાં મોહાળમાં રેવાનું થ્યું ત્યારે ભેરુબંધ હાયરે નિશાળમાંથી ભાગીને કરેલાં તોફાનો, આંબલી-કાતરા, જામફળની જયાફત, આંબાવાડીમાં કરેલી ધિંગામસ્તી, ગારાથી લીંપાઈને નદીમાં મારેલા ધુબાકા. હંધુંય નજર હામે આવી ગ્યું. એકબીજાની જાનમાય જઈને લગ્નનાં સાક્ષી બનેલાં. વાતવાતમાં, જો જોગ હોય તો બંનેના સંતાનોને મોટા થયે પરણાવવાના વચને બંધાયેલા. ઈયે યાદ આવી ગ્યું. ‘આવો જોરૂકો, પાણીદાર જુવાન જમાઈ થાય ઈ કોને નો ગમે?’ ભીખો મનમાં જ બાબડ્યો, ‘જોઉં તો ખરો ઈ ક્યાં કામે આયવો સે.’
“જીવતા એકવાર મળાયું હોત તો હારું થાત. થવાકાળ થઈ ગયું પણ હૈયે હામ રાખજે ગગા, મને તારા બાપને ઠેકાણે જોજે, ને મનમાં કાંય ઓછું નો આણતો. લે, હજી તો તે તારું નામ નો કીધું?”
“આપા, મારું નામ પરતાપ, બાપુ કેતા’તા તમને રાણા પરતાપ બવ ગમતો, એટલે જ મારું નામ પરતાપ પાયડું!” બોલતા તેના ચહેરો મલકાઈ ઉઠ્યો. જવાબ સાંભળી મુખી પણ મલકાઈ ઉઠ્યા.
વિજી દીકરા, મે’માનને હાથપગ ધોવરાવ ને ઘોડાને ચારોપાણી નાખજે. તારી માને કેજે મે’માન આયાવા સે તો જમાડવાની તૈયારી કરે.”
રોંઢો પત્યા કેડે મુખી અને પરતાપ પરસાળમાં ખાટલો ઢાળી આડે પડખે થયા. ફળિયામાં તો તડકાએ અડ્ડો જમાવી દીધો હતો. પરતાપ તીરછી નજરે, માની હાયરે ફૂર્તિથી ઢાંકોઢુંબો કરી રહેલી વિજીને જોઈ રહ્યો જ્યારે ઈયે અંદરના ઓરડામાં ઓઝલ થઈ ત્યારે મનમાં વિચારી રહ્યો, ‘મરતા બાપુએ કીધી’તી ઈ વાત કવ કે નો કવ? ને જો ઈ વાત કેવાય જાય તો આ વિજીને જોઈને આવેલાં વિચારોનો અમલ ચ્યમનો થાહે?’
બપોરા પત્યે મુખી અને પરતાપ ગામમાં આંટો દેવા નીકળ્યા. અલકમલકની વાતો કરતાં ગામને શેઢે આવી પુયગા. “જો પરતાપ તારી નજરું પોંચે ન્યાં લગણની ખેતરાઉ જમીન આ તારા ભીખાકાકાની સે. મોહાળ સોડીને આંય ગામમાં રેવા આયવો ત્યારે મારા બાપા, મારા માટે પાંચ વીઘા જમીન, તૂટેલું ખોરડું ને થોડો કરજો મૂકીને જ્યા’તા. આ તારી કાકી સે ને ઈ તારા જ ગામની. મારા હાટુ એને ન્યાં કે’ણ મુકાવ્યું ત્યારે ઈના બાપા ક્યે કાચા ખોરડે ને કરજદારને ન્યાં સોડી પરણાવે ઈ બીજા. મારું માંગુ પાછું ઠેલાય ઈ વાત જગલાને નો ગમી. એણે રાતોરાત મદદ મોકલી. ડેલાબંધ પાકું ઘર બની ગ્યું ને કરજેય ચૂકવાઈ ગ્યું ને ઘીના ઠામમાં ઘી પડી જ્યું. તે દિ’ની તારી કાકી આ ઘરને અજવાળી રઈ સે. તારી કાકીના નસીબ અને ટાણાસરની તારા બાપુની મદદે આજે હું પાંચમા પૂછાતો મુખી બની જ્યો.”
‘ભીખકાકાએ તો કાંય હંતાડ્યા વિના જૂનો સોપડો ખોલી નાયખો. પરતાપ તો જૂની વાત યાદ કરાવી પૈસાની ઉઘરાણીએ આયવો’તો. ઉઘરાણીવાળી નો હકે તો ઈમની સોડીને મેલીને પોતાના ગામની સોડીને પરણવાની ધમકી દેવી’તી. એનું તો મોઢું જ નો ખૂલે. એક તો કાકાની નિખાલસતા અને વિજીનું નીતરતું રૂપ. એની તો જીભડીજ ઝલાઈ ગઈ. ઉઘરાણી નો આવે તો? મોટે ઉપાડે ફતેહ કરવા નીકળેલો, તે ઘરે મોટા ભાઈઓને હુંં જવાબ દેવો?’ એના મનમાં વિચારોનું ઘોડાપૂર હાયલું તો કાકા મનમાં જુદું ગણિત માંડી રહેલા.
રાતે વાળું પતાવીને બેય ફળિયાનાં ઓટલે આવી બેઠા. દૂર દૂરથી કોઈ ભજનિકનો સૂર રાત્રીના અંધકારને વીંધીને ફળિયાના મૌનને છંછેડી રહ્યો. પરતાપે આકાશ તરફ મીટ માંડી તો ત્યાં અડિંગો જમાવી બેઠેલા તારલાઓ આંખો મીંચકાવી એને મનની વાત કહી દેવા પાનો ચઢાવી રહેલાં. એણે આજુબાજુ નજર કરી કંઈક બોલવા ધાર્યું ત્યાં તો ફાનસના અજવાળામાં બંનેને જોઈ રહેલો પડછાયો દેખાયો. ફરી એના હોઠ સિવાઈ ગયા. આખરે સાંજથી વિચારી રહેલાં ભીખાકાકાએ મૌન તોડ્યું, “પરતાપ દીકરા, કાલ હવારે પેલ્લું કામ, જે ખેતરો તને બતાવ્યાં એમાંથી અડધા જગલાના પરિવારના નામે કરવાનું સે. બાકી જે રે’શે ઈ અમારાં પસી હંધુય વિજીનું. બીજું કામ, જગલાને દીધું વચન પૂરું કરવાનું, ઈ હાટુ તારી ને વિજીની રઝા લેવી પડે..” બોલી મુખી પરતાપના ચહેરાને વાંચવામાં રોકાયા.
ન કહેવાયેલી બાપુની વાત સમજી, વિજી શરમાઈને ઝાંઝર રણકાવતી ઘરમાં દોડી ગઈ. મનમાં જ ઘીના ઠામમાં ઘી પડતું જોઈ, પ્રભુનો પાડ માનવા પરતાપે ફરી આકાશ સામે જોયું. તોફાની તરલાઓનો વધી ગયેલો ટમટમાટ જોઈ તેને લાગ્યું કે જાણે તારલાઓની અધીરાઈ તેને ઇશારાઓ કરીને કહી રહી છે કે, ‘તો હાલો ઉઠો, પરાતાપભાઈ કરો કંકુના!’
– મીનાક્ષી વખારિયા
vakhariaminaxi4@gmail.com
Very interesting Story.
ખુબ સરસ….મજા આવી
મોય્જ આયવી હો! આવી હાયરી પરેમવાળી વારતાઉ વાસવા મળે તો દિ ઉઘડી જાય.. મેં તો આજ નવા વરહે વાંયસી… આખુ વરહ ઉઘડી જાયસે…!
nice …………….
વાહ વાર્તા બહુ સરસ છે.
વાહ ખૂબ સરસ મજાની વાર્તા છે ધન્યવાદ
શાબાશ ! આજના જમાનામા ભીખાકાકા , જગલા જેવા મળશે ?
ખુબ સરસ વાર્તા.
આભાર મીનાબેન
EXCELLENT SHORT STORY. KEEP WRITING. GOOD LUCK.
આભાર અનિલભાઈ
Namaste Minaxiji,
Wow! What a beautiful short story. I could feel the emotions of Partap and Viju.
You have written so vividly that I could actually visualise the various scenes in the story.
I truly enjoyed. Most wonderful!
Would love to read more from you.
Keep writing.
You have a unique talent.
Best regards
Pravin M Pankhania
London
આભાર પ્રવિણભાઈ
Gheena tham ma-n ghee!
હા…આભાર