માઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર


એવું કહેવાય છે કે માઉન્ટેઈનર્સ આર ઓલવેઝ રફ એન્ડ ટફ, ફિટ એન્ડ ફાઇન.. પર્વતારોહકોનું જીવન કેવું હોય છે, તે કયા પ્રકારના સાધનો પોતાના ખભે ઊંચકીને ઉત્તુંગ શિખરો ચડતા હોય છે, વિશ્વના – એશિયાના – ભારતના ઊંચા શિખર ક્યા? વગેરે પ્રશ્નોના નિરાકરણ લાવતું મ્યૂઝિયમ માઉન્ટ આબુ ખાતે આવેલું છે. જેમાં હિમાલય પર્વતમાળાનાં મોડેલ સાથે પર્વતારોહણની નાવિન્યસભર સમજૂતી રજૂ થયેલી છે, પહાડોની ગોદમાં વસતા આ હિલ સ્ટેશન ઉપર ગુજરાત રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે. જ્યાં છેલ્લા ૫૦ વર્ષથી રોક ક્લાઈમ્બીંગના બેઝિક, એડવાન્સ જેવા કોચીંગ કોર્સ દ્વારા પર્વતારોહકોને તાલીમબદ્ધ કરવામાં આવે છે.

અહીં ગૌમુખ રોડ ઉપર આવેલા સ્વામી વિવેકાનંદ માઉન્ટેનઈરીંગ ઇન્સ્ટિટયૂટમાં પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે ધ્રુવકુમાર પંડ્યા પર્વતારોહણ મ્યુઝિયમ મંત્રાલયના તત્કાલિન કમિશનર એન.કે. મીનાના હસ્તે ઉદઘાટન કરાયું હતું.

ધ્રુવકુમાર પંડ્યા ગુજરાત રાજ્યમાં પર્વતારોહણના પાયાના પથ્થર માનવામાં આવે છે. સ્વર્ગસ્થ ધ્રુવભાઈના પ્રયત્નોથી ૧૯૬૫માં ગુજરાત સરકારે માઉન્ટ માઉન્ટ આબુ ખાતે આ સંસ્થા શરૂ કરી હતી. જે તાલીમાર્થીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે તેમને માઉન્ટેનઈરીંગની અદ્યતન માહિતી ઉપલબ્ધ થાય તેવો આશય જોડાયેલો છે. મ્યુઝિયમના માધ્યમથી યુવાનોને નવી દિશા મળી રહી છે.      SVIM ખાતે હવે દેશભરના અધિકારીઓ માટે પણ એડવેન્ચર સ્પોર્ટ્સના કોર્સ યોજવા કેન્દ્ર સરકારે પગલાં ભર્યા છે. જેમાં ઉત્તરકાશીના નહેરુ ઇન્સ્ટિટયૂટ ઓફ માઉન્ટેનઈરીંગ ઉપરાંત દાર્જીલિંગ, મસુરીની સંસ્થાઓનો પણ સમાવેશ કરાયો છે. એડમિન મોહસિન પઠાણ અને ચેતન ત્રિવેદી જણાવે છે કે ઇન્સિટયૂટના ધ્રુવકુમાર હોલ ખાતે હિમાલયના ઉત્તુંગ શિખરો દર્શાવતી એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. એક મહિલા પર્વતારોહી સહિતની ટીમ ક્લાઈમ્બિંગ કરી રહી છે તો સાથે માઉન્ટેન્સ ઈક્વિમેન્ટ્સ સાધનો જેવા કે અલગ – અલગ પ્રકારના કેરેબિનર, ચોકસ્ટોન, આઈસ-એક્સ, મિટોન્સ, રોપ, ક્લાઈમ્બિંગ શૂઝ, હેલમેટ, પિટોન્સ, સોલર માઉન્ટેન ચાર્જર, સીટ હાર નેસ, એવલાન્ચ કીટ, શુ ગાર્ડ, સ્લીપીંગ બેગ વગેરે નમૂના રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. હોલમાં અરવલ્લી – માઉન્ટ આબુ વિશે, ત્યાંની પ્રાણીસૃષ્ટિ, રોક ક્લાઈમ્બીંગ રેપલિંગ ટેકનિક્સ હાવ ટૂ ટીચ, ડુઝ, ડોન્ટ્સ, ફર્સ્ટ એઇડ, ૧૭૬૬ થી અત્યાર સુધીના પર્વતારોહણના માઇલસ્ટોન વગેરે લખાણની સ્લાઇડસ પણ ગોઠવવામાં આવી છે. અહીં ચાલતા કોર્સીસની થીયરી લેક્ચર મ્યુઝિયમ હોલમાં પ્રેકટીકલ જ્ઞાન સાથે ભણાવવામાં આવે છે. મ્યુઝિયમના કારણે SVIM દેશની અગ્રગણ્ય સંસ્થાઓ સાથે પોતાનું આગવું સ્થાન મજબૂત બનાવેલું છે.     

૮-૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર, ૧૪-૪૫ વયના યુવાનો માટે બેઝીક કોર્સ હોય છે. જેમાં ૭ દિવસના એડવેન્ચર અને ૧૦ દિવસના બેઝિક કેમ્પસમાં તાલીમાર્થીઓને ક્લાઈમ્બિંગ, પાવર બેલેન્સ ક્લાઈમ્બિંગ, થ્રી પોઈન્ટ કોન્ટેક્ટ ક્લાઈમ્બિંગ, સ્ટમક-સાઇડ-લોન્ગ સ્લિંગ રેપલિંગ, રિવર ક્રોસિંગ, પર્વતારોહણના આ સાધનોની મદદથી શીખવવામાં આવે છે. તેમજ બેઝીક કોર્સમાં સારા ગ્રેડથી પાસ થનારા તાલીમાર્થીઓ માટે ૧૫ દિવસનો એડવાન્સ કોર્સ અને ઇન્સ્ટ્રક્ટર બનવા માટે એક મહિનાનો કોચિંગ કોર્સ પણ ચાલે છે. ઉપરાંત ગુજરાતમાં ગીરનારનું પરિભ્રમણ, હિમાલય પરિભ્રમણ પણ યોજાય છે. વધુ વિગતો www.gujmount.com પરથી મેળવી શકાય છે.   

આ વિશેના ઇતિહાસમાં ડોકિયું કરવા જેવું છે. સૌપ્રથમ શરૂઆત અમદાવાદની પરિભ્રમણ સંસ્થાએ કરી હતી. તેના દ્વારા પર્વતારોહણની તાલીમ મેળવીને યુવાનોએ ૧૯૬૦માં સાબરકાંઠાના ઇડર ખાતે  ટૂંકાગાળાની ખડક ચઢાણ  શિબીરો શરૂ કરી હતી. ઇન્સ્ટિટયૂના વાલાભાઈ અલાઇકા કહે છે કે, ૧૯૬૩ માં આ સંસ્થાના ધ્રુવકુમાર પંડયાની આગેવાની હેઠળ ગઢવાલ હિમાલયમાં આવેલા આશરે ૨૨૦૦૦ ફુટ ઉંચા શિખર ઉપર ભાઇઓ-બહેનોની ટુકડીએ સફળ આરોહણ કર્યું હતું. ત્યારબાદ ૧૯૬૫માં ગુજરાત સરકારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં યોજાયેલ તાલીમવર્ગોની મુલાકાત લઇ પર્વતારોહણ સંસ્થાની શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્રના યુવક-યુવતીઓને લાભ મળે તે માટે ૧૯૭૯માં જૂનાગઢની તળેટીમાં તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. ગિરનારની ગોદમાં તળેટી વિસ્તારમાં તેનું ફિલ્ડ વર્ક થાય છે. પર્યાવરણીય પ્રશ્નોને કારણે બિલ્ડીંગ બાંધી શકાતું નથી પરંતુ ટેન્ટમાં નિવાસ સાથે કેમ્પસાઇટ ચાલી રહી છે. જ્યારે આબુ ખાતેનું ઇન્સ્ટિટયૂટ ૧૯૬૫થી નિવાસ સાથે બિલ્ડિંગમાં જ કાર્યરત છે. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુશિખર અને ત્યારબાદનું બીમાલી પણ અહીં છે. તે બંને શિખરોનો વિવિધ કોર્સમાં લાભ મળે છે. આઇસ એન્ડ સ્નો ક્લાઈમ્બિંગ માટે નેહરુ ઇન્સ્ટિટયૂટ ઓફ માઉન્ટેનરીંગ, ઉત્તરકાશી, બાજપાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ માઉન્ટેનઈરીંગ, મનાલી અને હિમાલયન ઇન્સ્ટિટયૂટ ઓફ માઉન્ટેનઈરીંગ, દાર્જીલિંગ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો રોક ક્લાઈમ્બીંગ માટે ગુજરાતના જૂનાગઢ અને માઉન્ટ આબુ ખાતેના ઇન્સ્ટિટયૂટ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.      ગુજરાત માટે બંને નજરાણા સમાન છે, છતાં સરકાર દ્વારા તેની ખેવના કરવામાં આવતી નથી. છેલ્લા ૧૦ વર્ષથી ઇન્સ્ટ્રક્ટર કે કોઈ વહીવટી સ્ટાફની ભરતી થઈ નથી. પરિણામે હાલ તેનું કોઈ કાયમી રણીધણી નથી. બધું ઇન્ચાર્જથી ચાલે છે. ચૌલાબેન જાગીરદાર, કમલસિંહ રાજપૂત, હર્ષદભાઈ પરમાર, નટુભાઈ પટેલ, નંદિનીબેન પંડ્યા જેવા જાણીતા પર્વતારોહકો અગાઉ ઇન્સ્ટ્રક્ટર અને આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. કોચીંગ કોર્ષ પૂર્ણ કરીને ગેસ્ટ ઇન્સ્ટ્રક્ટર તરીકે યુવાનો સેવા આપે છે. પરંતુ વહીવટી માળખું કથળી ગયેલું છે. તેનું સમારકામ થાય તે  ગુજરાત રાજ્યના એડવેન્ચર ભવિષ્ય માટે જરૂરી છે. વકીલ નિકુંજ બલર જેવા ગેસ્ટ ઇન્સ્ટ્રક્ટરોએ PIL પણ દાખલ કરેલી છે. હાલ બંને સંસ્થાઓ ઇન્ચાર્જ થી ચાલી રહી છે. દોડતી થવી જોઈએ પણ ઇન્ચાર્જમાં સ્પીડ અવરોધાઇ જતી હોય છે!     

નખી લેક પાસે માઉન્ટ આબુનું બેઝિક ફિલ્ડ તૈયાર છે. તેમાં ક્રેક, સ્લેબ,વોલ, ઓવરહેન્ગ જેવી અલગ-અલગ ફોર્મેશન ધરાવતા એક થી પચાસ નંબરના રોક ઉપર થ્રી પોઈન્ટ કોન્ટેક્ટ ક્લાઈમ્બિંગ, હેન્ડ જામીંગ, ફૂટ જામીંગ, રીંગલીંગ, બૅક એન્ડ ની, બૅક એન્ડ ફૂટ જેવી વિવિધ ટેકનિકથી પ્રશિક્ષણ આપવામાં આવે છે. ઉપરાંત કોર્સ દરમિયાન નાઈટ ટ્રેકિંગ, નાઇટ હોલ્ડ જેવી ટ્રેનિંગ પણ છે. જેમાં ઉગતા પર્વતારોહકો જંગલમાં રહીને જાતે રસોઈ બનાવે છે, લાકડા કાપે છે, જાણે પુરાતન ગુરુકુળ શિક્ષણ જોઈ લો! અંતિમ દિવસે ૫૦ ગુણની પરીક્ષા હોય છે. લેખિત પરીક્ષાના આધારે ૩૦ ઉપર ગુણ ધરાવનારને ‘એ’ ગ્રેડ મળે છે. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા પર્વતારોહણની આટલી સુંદર પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે તેના વિનાશને બદલે વિકાસ થાય તે ઇચ્છનીય છે. વહેલી તકે ભરતીઓ થશે અને સરકાર રસ લેશે તો જ મ્યૂઝિયમ બચે તેમ છે.

– જિજ્ઞેશ ઠાકર; ફેકલ્ટી, જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ઈગ્નો

આપનો પ્રતિભાવ આપો....