માઉન્ટ આબુનું અનોખું પર્વતારોહણ મ્યુઝિયમ – જિજ્ઞેશ ઠાકર
એવું કહેવાય છે કે માઉન્ટેઈનર્સ આર ઓલવેઝ રફ એન્ડ ટફ, ફિટ એન્ડ ફાઇન.. પર્વતારોહકોનું જીવન કેવું હોય છે, તે કયા પ્રકારના સાધનો પોતાના ખભે ઊંચકીને ઉત્તુંગ શિખરો ચડતા હોય છે, વિશ્વના – એશિયાના – ભારતના ઊંચા શિખર ક્યા? વગેરે પ્રશ્નોના નિરાકરણ લાવતું મ્યૂઝિયમ માઉન્ટ આબુ ખાતે આવેલું છે. જેમાં હિમાલય પર્વતમાળાનાં મોડેલ સાથે પર્વતારોહણની નાવિન્યસભર સમજૂતી રજૂ થયેલી છે, પહાડોની ગોદમાં વસતા આ હિલ સ્ટેશન ઉપર ગુજરાત રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે. જ્યાં છેલ્લા ૫૦ વર્ષથી રોક ક્લાઈમ્બીંગના બેઝિક, એડવાન્સ જેવા કોચીંગ કોર્સ દ્વારા પર્વતારોહકોને તાલીમબદ્ધ કરવામાં આવે છે.