તું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા 5


…૧…

તું ક્યાં?

શોધની ચરમસીમાએ ઊઠતો આ સવાલ કેટલો પીડાકારક હોય છે એ શી રીતે સમજાવું? ખાસ કરીને એવા સવાલો કે જેનો જવાબ આપણે જાણતાં જ હોઈએ!  ..તું ક્યાં? હા, તારી શોધ.. તારી તલાશ.!

હું તને શોધું છું. ક્ષણે-ક્ષણે, સ્થળે-સ્થળે, માણસે-માણસે, હું શોધું છું.. તને જ.. હા.. તને જ, તું ક્યાં..? કોઈની આંખોમાં ? સમયની પેલે પાર ? વાદળની નગરીમાં ? એવી કોઈ જગ્યા છે જ્યાં હું તને ન મેળવી શકું ? જો, જવાબની શોધખોળમાં વળી કેટલાય સવાલો ઉમેરાયા ને ? તું જ કહી દે ને હવે, આ સમયના જંગલમાં, અસીમિત ધરાતળમાં, આ સવાલોના ગંજમાં.. તું ક્યાં ?? કહે ને ..!

થાકી જાઉં છું ત્યારે તારી તલાશ અટકી જતી નથી પણ ચોપાસ તું જ હોય એવો આભાસ થાય છે. દરેક આંખમાં તું દેખાય છે, દરેક વ્યક્તિમાં તારી છાયા જોવા મળે છે, દરેક આકૃતિમાં તારો જ ચહેરો ઉપસે છે, હવાની સરસરાહટમાં તારો ધ્વનિ સંભળાય છે, સમયની ગતિમાં તારા ધબકાર અનુભવાય છે !

..ને એ બધાં જ આભાસોના ભ્રમ તૂટે છે ત્યારે ફરી પેલો વિકરાળ તીક્ષ્ણ પ્રશ્નશૂળ છાતીએ ભોંકાય છે… તું ક્યાં ?

…૨…

તું ક્યાંય નથી ! કે પછી, બધે તું જ તું જ છે ? બંને સંભાવનાઓ આખરે તો મને દઝાડવા માટે જ તો ઊભી છે એ તું પણ જાણે છે ને ! એવામાં ખરેખર તું મળી જાય તો પણ એ આભાસમાત્ર સમજી હું ખુશ ન થઈ શકું એટલો અધીરો જ રહેવાનો !

એમ તો ક્યારેક એવો આભાસ પણ થાય કે જેમ હું તારી શોધ કરું છું એમ તું પણ મને ક્યાંક શોધી રહી હોઈશ કે? ના, એમ ન જ બને. કારણ કે તું ધારે તો મને પળવારમાં શોધી શકે એટલો નજીક હમેશા હોઉં છું, એટલે એવી તો કોઈ શક્યતા જ નથી. તો પછી એવું તું કેમ ન ધારી શકે કે હું પણ તને પળવારમાં શોધી શકું એટલી નજીક જ તું પણ રહેતી હો તો ?

સમય પસાર થતો જાય છે, તારી તલાશમાં યુગો ની જેમ લંબાતી ક્ષણો વીતતી જાય છે તેમ તેમ મારી અધીરાઈ વધુ ને વધુ તીવ્ર બનતી જાય છે. એક સમયે તને ખૂબ ગમતી મારી આ અધીરાઈ આજે મને જ પરેશાન કરી રહી છે.

પણ.. શો ફેર પડે છે તને ? હું આ બધું લખું છું એ તારા સુધી ક્યાં પહોંચવાનું છે ? તું આ શબ્દો સુધી ક્યારે પહોંચીશ ? ને કદાચ પહોંચ તો પણ આ ક્ષીણ શબ્દોની તારા પર અસર થશે ? ને, અસર થાય તો પણ એ વખતે તારો પ્રતિભાવ ઝીલવા હું હોઈશ કે નહિ ? એ વખતે કદાચ મોડું નહિ થઈ ગયું હોય ? હેં ? મોડું થાય તો પણ.. શો ફેર પડશે તને ? કહે તો ..!

તને…

હા, તને કશો ફેર પડવાનો નથી. પણ મને તો ફેર પડે જ ને ? તારું હોવું અને તારું ન હોવું – બંને વચ્ચે મને જે ફરક પડે એ તું ન સમજી શકે એવું તો નથી જ.

તું હો તો દુનિયા છે, તું હો તો જીવન છે, તું હો તો ઉજાસ છે, તું હો તો સરગમ છે, તું હો તો ઈશ્વર છે, તું હો તો પ્રેમ છે, તું હો તો હું છું. પણ જો.. તું ન હો તો કશું જ નથી, તું ન હો તો જગત નથી, તું ન હો તો દૃષ્ટિ નથી, તું ન હો તો સંગીત નથી, તું ન હો તો કુદરત નથી, તું ન હો તો સંવેદન નથી, તું ન હો તો હું પણ નથી જ ! –બસ માત્ર આટલો જ ફરક પડે છે મને !

પણ તું છે જ એની મને ખાતરી છે, જરૂર માત્ર છે તારામાં તને પુનઃ આરોપિત કરવાની. તારામાં રહેલી મારી જાણીતી આ ‘તું’ અત્યારે સુષુપ્ત થઈ ગઈ છે, એ ‘તું’ને જાગૃત કરવાની જ માત્ર આવશ્યકતા છે. પણ નથી જાણતો કે હું તને શી રીતે ઝંકૃત કરી શકીશ. નથી જાણતો કે આ ‘હું’ ક્યારે ‘તું’ સુધી પહોચી શકશે ? નથી જાણતો કે હું તને ફરી કેવી રીતે મેળવી શકીશ.

તને પામવાના આ હવાતિયામાં નકારાત્મક સંભાવનાઓના કંટકો સતત મને લોહીઝાણ કરતા જ રહે છે, કેમકે, તને મેળવવા માટેના મારા અથાક પ્રયત્નો અવિરત ચાલુ હોવા છતાંયે જો હું તને નહી મેળવી શકું.. તો ??

…૪…

તું જાણે છે કે તું હોવા છતાં મારી પાસે નથી એનું દુઃખ કેવું હોય ?

તું સમજે છે કે વરસ્યા વગર છેહ દઈને છટકી જતા વાદળ નીચે તરડાયેલા સૂકાભઠ્ઠ સરોવરની પીડા શું હોય ? બોલ, તું ઓળખે છે કોઈ તરસ્યા સાગરને ? તું અનુભવે છે ક્યારેય ચાંદનીના ધોમધખતા પ્રખર તાપ ને ? તું જુએ છે આખુંય જગત ક્યારેય કોઈ સુરદાસની નજરે? તું રડે છે ક્યારેય બીજાના સુખ માટે ? તને થયું છે ક્યારેય કશુંક લાગણીનાં તાવ જેવું ? તું સમજે છે એક અણસમજુ અધકચરા અને અધીરા પુરુષની ભરપૂર અધીરાઈને ? તે જોયો છે સૂરજના શીતળ પડછાયાને ? તે માપી છે કદી દરિયાથીયે ઊંડા હૈયાંની અસીમતાને ? આ બળુકા વાસ્તવની મીઠી છતાંયે છેતરનારી ઊંઘમાંથી તું ક્યારે જાગીશ ? પાંખો ફેલાવીને ઉડતા ઉડતા દૂર ગગનમાં ઊંચે ઊંચે જવાને બદલે આ તરફ કિનારે તારો જ માળો સાચવીને અડીખમ ઊભેલા સૂકાયેલા એક ઝાડ તરફ તું ક્યારે જોઈ શકીશ ?

છોડ એ બધું, માત્ર એટલું જ કહે કે તું વિચારે છે કદી કે જગતના કોઈ અંધારા ખૂણે બુઝતી આંખે કોઈ તારી પણ રાહ જોતું ઝુરતું બેઠું હશે ? વિચારે છે ??

…૫…

તું આવે છે ને આ ગુરુવારે ?

તે કહેલું કે બે-ચાર દિવસનો જ સવાલ છે ! આ ગુરુવારે તો હું આવું છું ! માવઠાના વાદળોની જેમ આ દિવસો તો પસાર થઈ જશે. ગણતરીની ક્ષણોમાં જ મારા વિનાની આ રાતો સપનાઓને ચીરતી ક્યાંય નીકળી જશે. આંખના પલકારામાં તો હું પાછી આવી પહોચીશ તારા વાસ્તવની ભૂમિ પર ! રે બુદ્ધુ.. થોડી પળોનો વિરહ એ કઈ વિરહ કહેવાતો હશે ? જરા આ ક્ષણજીવી વિલંબની મજા માણ ત્યાં, હું તો આ ગઈ ને આ આવી !

..તો તું આવે છે ને ? હું રાહ જોઉં છું તારી. માવઠું પત્યા પછી રહી રહી ને આવેલા ચોમાસાના વાદળો પણ થાકીને નીતરી ગયા. ક્ષણોની ગણતરી તો હવે શી વિસાતમાં ! રાતોની રાતો સપના વગરની બંજર ભૂમિની જેમ સૂકાતી ચાલી. અપલક તારો રસ્તો નિહાળતો આ બુદ્ધુ હજીયે આપણા કાયમના મળવાના ચોક્કસ ત્રિભેટે મીટ માંડી ઊભો છે !

અસંખ્ય ગુરુવારો પસાર થતા રહે છે. એક પ્રશ્નનો ઉત્તર મને મળતો નથી; ક્ષણજીવી વિલંબ આટલો પ્રલંબ કેમ ? પણ એમ હું હારી જાઉં એવો તો નથી જ. મને ખબર છે, તું મને હારતો જોવા પણ ન જ ઈચ્છે ને !

..તો તું આવે છે ને આ ગુરુવારે ? કારણ કે, વર્ષો પહેલા તું જ્યારે ગઈ ત્યારે જતા જતા તે એટલું કહેલું કે, આ ગુરુવારે તો હું આવું છું !

…૬…

તું… તું જ નથી ? સાચું કહુ તો તારામાં એ તું નથી જેને હું મનોમન ચાહુ છું.

નહિતર આવું બને ? તું જ કહે, મારે મારા મનની વાત તારા સુધી પહોચાડવા માટે આ શબ્દોને મોહતાજ થવું પડે મારે ? હું ઝુરતો હોઉં.. હિજરાતો હોઉં.. વલખતો હોઉં.. ને તને એની ખબર જ ન પડે એ વાત હું માની શકું એમ નથી જ. તને કંઈ પણ કહેવા માટે શું મારે કોઈ માધ્યમનો સહારો લેવો પડે ? અરે, એવી જરૂરિયાત ઊભી થાય એ પહેલા તો મારા મનની વાત તારા સુધી ક્યારનીયે પહોચી ન ગઈ હોય ?

પળવારમાં જ મારો ચહેરો વાંચી શકનારી તું, દિવસો સુધી.. વર્ષો સુધી.. આ સ્થૂળ શબ્દો પણ ન વાંચી શકે ? સંભવ છે ? આવું તો જ બને કે તું ખરેખર હવે તું ન રહી હો. તારામાંથી તું કશેક ચાલી ગઈ છે ! હા, બની શકે કે આવું હું એટલા માટે ધારી લેતો હોઊં કારણ કે મારે એવું નથી ધારવું અથવા એવું નથી ધારી શક્તો કે; વાસ્તવમાં તો તારામાંથી હું જ વિસરાઈ જવાયો છું !

કદાચ મારી જાત માટે આ એક આશ્વાસન માત્ર હોય ! ને, ..તું જાણે છે ને કે આશ્વાસન માણસને જીવાડતું નથી તો મરવા પણ ક્યાં દે છે ?

…૭…

યાદ કરે છે તું મને ?

તારો જવાબ ‘હા’ હોય તો તું સાબીતી આપ. ક્યારેય આથમતી સંધ્યાએ લાલ આકાશને જોતા હું સાંભરું છું ? કોઈ ગમતું પુસ્તક વાંચતાં વાંચતાં આજે પણ તારી આંખો ભીની થાય છે ? શું તને પવનના સ્પર્શનો રોમાંચ અનુભવાય છે ? અનાયાસ મારી પસંદનું કોઈ ગીત તારા સાંભળવામાં આવી જાય ત્યારે ? થાય છે કશું ? જૂના પુસ્તકની અધવચ્ચે મૂકાયેલા કોઈ બૂકમાર્કમાંથી મારી સુગંધ નીકળે છે ? કોઈ સાવ અંગત માણસ તારી કૅર કરે એવી અપેક્ષા ઊંડે ઊંડે જાગે ત્યારે કઈ ખોટ વરતાય છે ?

કહે, કોઈ એક તો સાબીતી આપ ! તું મને યાદ કરે છે ?

ને, જો તારો જવાબ ‘ના’ હોય તો… કશીયે સાબીતી આપવાની જરૂર રહેતી નથી ! પણ તો પછી;  બારીમાંથી તારી બૅડ પર આવતા ચન્દ્રકિરણોને રોકવા તારે પરદાની શી જરૂર છે ? ક્યારેય વાંચવા હાથમાં નથી લીધું એવા એક પુસ્તકને અકબંધ બૂકમાર્ક સાથે હજુયે કેમ તારા ઓશીકા નીચે રાખ્યું છે ? ડીલીટ થઈ ચૂકેલો એક નંબર હજૂયે કોઈ ડસ્ટબીનમાંથી કાઢવાનો જાણી જોઈને બાકી રાખવાનો શો મતલબ ? જ્યારે આ રસ્તે ફરી આવવાનું જ નથી તો પછી રહી રહીને પાછું વાળીને જોવાનો કોઈ અર્થ ખરો ?

બોલ, તું યાદ કરે છે મને ? ..પણ હવે જવાબ નથી જોઈતો !

…૮…

ચૂઝી… હા, તું બહુ ચૂઝી નીકળી. સલામ તારી પસંદને. પણ કહેવું પડે, વિકલ્પો શોધવામાં તું બહુ મુત્સદ્દી સાબીત થઈ ! જો કે હું તારા વ્યક્તિત્વના આ પાસાથી સાવ જ અજાણ સાબીત થાઉં એ કેવું શરમજનક ? અલબત્ત, પસંદ-નાપસંદ તો આખરે સૌની પોતાની મન્સૂફીની એક અંગત મિરાત હોય છે, ને એ પણ સમયની સાથે સાથે અદલાતી-બદલાતી રહે છે ! એટલે એક સરસ વિકલ્પ પસંદ કરી લેવા બદલ તને ધન્યવાદ ! જો કે તારી આ આવડત મને રડાવી ગઈ હો !.. પણ એ વાત જ જૂદી છે.

અફસોસ એ કે હું કોઈ વિકલ્પ શોધી ન શક્યો ! હસે છે ને તું ? મને વિકલ્પ શોધતાં જ આવડે નહિ એવું તું જાણે છે એટલે એ વિચારીને તું હસતી હોઈશ, ખોટું નથી. તારી આવદત મને રડાવે.., એના કરતા મારી અણાવડત પણ તને હસાવે એ બૅટર તો છે જ ને !

પણ.. સાચું કહું ? મને એવા કોઈ વિકલ્પોની તલાશ પણ નહોતી કે જરૂર પણ નહોતી. પુષ્પનો વિકલ્પ હોય શકે પણ સુગન્ધનો નહિ, હવાનો વિકલ્પ હોય શકે પણ આકાશનો નહિ, ઊજાસનો વિકલ્પ હોય શકે પણ સૂર્યનો નહિ, શબ્દનો વિકલ્પ હોય શકે પણ મૌનનો નહિ, મારો વિકલ્પ હોય શકે પણ તારો તો હરગિજ નહિ !

સૉ.. ઍની વૅ. કોન્ગ્રેચ્યુલેશન્સ ફોર યોર બૅટર ઓપ્શન !

..૯..

લે.. વરસાદ આવ્યો !

હવે શા કામનો આ વરસાદ ? છત પર એકઠો થયેલો કચરો તાણી જાય એટલે બસ. બાકી હવે આ વરસાદમાં કશો રસ નથી પડતો મને હવે.

વરસાદનું જોર વધે છે, બધે પાણી ફરી વળે છે, એનો ધોધમાર અવાજ મને ઊભો કરી દે છે, થાય છે કે આજે ફરી એકવાર દોડી જાઉં ને મન ભરીને ભીંજાઈ લઉં ! પણ ફોટોફ્રેમમાંથી બાપુજી અટકાવે છે, ‘હવે ના જઈશ હો, ફરી ભૂલ કરીશ તો ફરી માંદો પડીશ પાછો.’

એમની ચિંતા ખોટી પણ નથી હોતી. ફરી એ ભૂલ શું કામ કરવી જોઈએ ? આમેય મનની બીમારી તન સુધી ન પહોંચે એ જ સારું. બાકી તને ખબર છે ને, એક જમાનો હતો, બાપુજીની આજ્ઞાનો બિન્દાસ જવાબ આપીને હું તારી સાથે.., પણ એ વખતે એ બધી હિંમત હતી… હવે ? ખબર નથી.

હવે હિંમત જુટાવું છું, હવે આવી કોઈ ઝરમરતી સાંજે ફરી તું આવે ને કહે કે, ‘ચાલ પલળીએ.’ તો હું ડોકું ધૂણાવી ઘસ્સી ને ના કહી દઉં, ‘નથી આવવું જા.’

આવો વરસાદ કોને ગમે જે આંખો ભીંજવે ને હૈયુ કોરું કરે ?

એટલે જ; હિંમત જુટાવું છું, તને ના કહેવાની ! …નથી આવવું જા !

..૧૦..

તોયે.. આ વરસાદ સમજતો જ નથી ! જોકે એમાં એનો શો વાંક ? હું કે તું મેઘ સાથે સંદેશાઓ મોકલવાનું કે ઉકેલવાનું તો ક્યારનુંય બંધ કરી ચૂક્યા છીએ ને ! આપણે જ એને હવે નથી સમજતા તો એ આપણને શું કામ સમજે ?

એકલો પલળું તો છીંકાછીંક કરતું નાક નીતરે છે, ને કોરો રહું તો આંખ ! તને તો આ વરસાદ ક્યારેય પજવી શક્યો જ નહિ હોય ને ! તું તો ઉલટાની ત્યાં દૂર ઊભી ઊભી મારી મજાક ઊડાડતી રહેતી હોઈશ. આવું જ થાય છે, કાગડાને રમત થાય ને દેડકાનો જીવ જાય.. તે આનું નામ.

જો કે આમ પણ મારે વરસાદમાં હવે નહાવું હોતું નથી. વરસાદનો તો હવે એક છાંટોય મને સહેજ પણ રોમાંચ કેમ નહિ આપી શક્તો હોય ? મારા અંદરની લાગણીઓ ખૂટી પડી હશે ? કે બહારના વરસાદ સામે અંદરનો વરસાદ ડૂકી ગયો હશે ?

તને ખબર છે ? હવે તો વરસાદ આવે કે તરત જ સમજણની કાળી છત્રીઓ ખોલીને હું બેસી જાઊં છું !

ભલે ચોમાસાઓ આવે ને જાય. ધોધમાર વરસાદ આવે ને જાય. પણ આ દેડકાભાઈ ફરી કોઈ કાગડાભાઈનું રમકડું બની ન જાય એ માટે છત્રીની બહાર નીકળવાના નથી જ હો !

હેય.. જોજે હો; બી કૅરફૂલ, ક્યારેક કોઈ બળૂકા વાવાઝોડામાં વરસાદની તોફાની હવામાં જો આ ‘છત્રીઓ’ જ કાગડો થઈ જશે ને… તો…? ત્યારે હાલ તો દેડકાભાઈના જ ભૂંડા થવાના નેં ! પ્લીઝ, બી કૅરફૂલ..હાં !

..૧૧..

જો, તારે પાછા આવવું જ હોય તો અત્યારે હમણાં જ આવી જા ને  !

તને ખબર છે કે રાહ જોવી એ મારી તાસીર નથી. સ્વભાવે અધીર ખરો ને ! ક્યાંક એવું ન બને કે પછી રહી રહી ને તું જ્યારે આવે ત્યારે તને આપવા માટે મારી પાસે કશુંય બચ્યું જ ન હોય ! ક્યાંક એવું ન બને કે હું જ..! બધું જ ખરચાય જાય ત્યારે ધીરજ પણ ખૂટી પડતી હોય છે.

માટે જો તારે આવવું જ હોય તો હમણાં જ; નહિતર ક્યારેય નહિ !

કેમ કે સમય વીત્યા બાદ મળતી જીત અને હારમાં કોઈ તફાવત હોતો નથી. વિલંબે મળતી તૃપ્તિ અને અતૃપ્તિમાં કોઈ ફેર હોતો નથી. વિચ્છેદ ભૂલાયા પછી મિલનનો આનંદ પણ અનુભવી શકાતો નથી હોતો. સમય ચૂકી જઈશ તો ક્યાંક એવું ન બને કે તારું આવવું જ વ્યર્થ બની જાય !

કદાચ તેં વિચાર્યું હોય કે કાલે જઈને હું બધું જ સંભાળી લઈશ, તો એ મને મંજૂર નથી. કેમ કે આવતીકાલ ક્યારેય આવતી નથી. હું આજમાં જ માનું છું. આવતીકાલ માત્ર કૅલેન્ડરમાં જ હોય છે, જીવનમાં તો કેવળ ‘આજ’ હોય છે. અને જો તું કાલે આવવાની જ હો તો પછી આજે જ આવી જા ને ?

તો બોલ, શું કહે છે ? હમણાં જ ? કે પછી ક્યારેય નહિ ?

..૧૨..

હેપ્પી દીવાળી !

અરે, તેં ફટાકડા ફોડવાનું ક્યારે બંધ કર્યું એ તો મને ખ્યાલ જ ન આવ્યો ? કેમ ? તું જાણે છે ને હું કેવો બીકણ ? ધડાકાના અવાજોથી તો કેટલો ડરું છું હું ? એટલે હું તો કાન દાબીને, આંખોમાંથી પણ પ્રકાશ કે અવાજ અંદર ન પહોંચે એ રીતે આંખો જીણી કરીને ફટાકડા પૂરા થવાની રાહ જોતા કોઈ બીકણ બાળકની જેમ ઊભો રહ્યો છું ! ને તું તો ફટાકડા ખતમ કરીને ક્યારનીયે ગાયબ ?

હા, બાળક તો હું હજી પણ છું જ, એટલે જ તો તું પૂરી ન કરી શકે એવી આશાઓ તે જગાવી ને પછી તે આશાઓ ને માટે મને રાહ જોતો મૂકીને..-

બીકણ હોવાના ગેરફાયદા પણ મોડા મોડા સમજાય હો. કાન દાબીને ઊભા રહેવામાં સાંભળવા જેવા કેટલાય અવાજો હું સાંભળી જ ન શક્યો ! સમજવા જેવી કેટલીયે વાતો મારા કાન સુધી પહોંચી જ ન શકી. એકવાર પણ જો સમયસર કાન ખુલી ગયા હોત તો..

તોયે આ બાળક સુધરવાનો જ ન હોય એમ થરથરે છે, હજુયે કોઈ એવા બૉમ્બમાથી રહી રહી ને પણ અચાનક વિસ્ફોટ થવાની રાહમાં કાંપે છે જેની જામગરી તેં ચાપી હોય. એટલે એ અજાણ્યા વિસ્ફોટની રાહમાં કાન દાબીને થરથર કાંપતા આ મુગ્ધ બાળક તરફથી હેપ્પી વિશિઝ ફૉર ધ રેસ્ટ ઑફ ન્યુ યર્સ !

..૧૩..

‘હેલો ! આ સર્જકસંવાદની શ્રેણી બહુ સરસ ચાલી રહી છે..હું નિયમિત વાંચું છુ, હોં !’ –હમણાં જ એક વાચકનો ફોન આવ્યો ને તેણે આ બધું વાંચી ને આ રીતે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ઘણી વાર આમ પ્રતિભાવ મળી જતા હોય છે ને મને એ ગમે પણ ખરા, એટલે આમ તો મને ખુશી થવી જોઈએ… પણ..

તને શું લાગે છે ? રહી રહી ને મારા મનમાં કેટલાક યક્ષપ્રશ્નો ઊઠી રહ્યા છે, આ બધું લખાણ કેવળ એક ‘શ્રેણી’ જ બની રહેશે શું ? આ શબ્દોને તારા સુધી પહોંચવામાં કેટલાય યુગો વીતી જશે ? અને તોયે પહોંચશે કે કેમ ? ઈન્ટરનેટ પર અનંત સમય સુધી રહેવા તૈયાર એવા યુનિકોડેડ આ અક્ષરોનું એક પણ સંવેદન જો તારા સુધી પહોંચવાનું જ ન હોય તો ? આ અમરત્વનો શો ફાયદો ? આનાથી મોટી કમનસીબી બીજી કઈ હોય શકે ? મને બીક લાગે છે કે આ કહેવાતી ‘શ્રેણી’ નો પરિશ્રમ ક્યાંક બોજ તો નહિ બની જાય ને ? ઊગતી આ શ્રેણીનું બાળમરણ થાય એ પહેલા તારી આંખોના અમરફળથી એને જીવતદાન આપવું એ હવે તારું જ કામ છે ! તને શું લાગે છે ?

બાકી તો જ્યાં સુધી સંવેદન તારા સુધી પહોંચશે નહિ, ત્યાં સુધી… ‘આ શ્રેણી બહુ સરસ ચાલે છે … નહિ ?’

હં… તારું શું કહેવું છે ?

..૧૪..

હવાતિયાં છે આ બધાં… કેવળ હવાતિયાં ! આટલી નાનકડી વાત પણ મને સમજાતા કેટલાયે વર્ષો થઈ જશે. તોયે કેટલીક વાતો તો ક્યારેય સમજાશે જ નહિ.

આ પત્રો, ઈ-મેઇલ, મેસેજીસ, ઈમોજી, સ્માઈલી, બઝ, પોક્સ, ચેટ… બધું જ કેટલું પોકળ અને વ્યર્થ છે એ સમજતા ખબર નહિ કેટલાયે યુગો વીતી જશે. ને એમાંયે આ બધું એકતરફી હોય ત્યારે વ્યર્થ જ નહિ પીડાકારક પણ એટલું જ હોય છે ! અને તોયે તારી સ્ક્રીન ઉપર નોટીફીકેશન બનવાની નકામી ઘેલછા ! હં..!

મને તો ક્યારેય નહિ સમજાય, બેશક નહિ જ સમજાય; પથ્થર હોય કે પિસ્તોલ, આકાશમાં છેદ નહિ પાડી શકાય. મુટ્ઠી હોય કે પીંજરું, હવાને કેદ નહિ કરી શકાય. આંખ હોય કે દરિયો, ખારાશ રોકી નહિ શકાય. દીવો હોય કે આંખો, અંધારું જોઈ નહિ શકાય. કાન હોય કે સ્પર્શ, મૌનને પામી નહિ શકાય. તલવાર હોય કે તીક્ષ્ણ નજર, સમયને કાપી-ચીરીને આરપાર થઈ નહિ શકાય, અરે મને તો એટલીયે સમજણ આવતી નથી કે પગ હોય કે પાંખો, તારા સુધી આવી નહિ શકાય..

એટલે, દિલ વાપરો કે દિમાગ, આ બધું નહિ જ સમજી શકાય.. કેટલીક વાતો ક્યારેય સમજાશે જ નહિ ?!

કારણ કે.. હવાતિયાં છે આ બધાં.. કેવળ હવાતિયાં માત્ર ?

..૧૫..

ન હોય શકે.. ન જ હોય શકે ! તારો ઓપ્શન કેવી રીતે હોય શકે ?

તું જ શું કામ, આ સૃષ્ટિની તમામ વ્યક્તિઓ અજોડ હોય છે. કોઈનોયે વિકલ્પ હોય જ ન શકે. મારો પણ નહિ. હમ્મ્મ…. ? જો કે તું ક્યાં મારા વિકલ્પની શોધમાં ઓછી નિકળી હતી ક્યારેય ? હું તો તારા માટે એક પગથિયું માત્ર હતો. ને એક પગથિયાં નો વિકલ્પ આગળનું-પછીનું પગથિયું પણ બની શકે કે કેમ ? આઇ ડોન્ટ નૉ…

વિકલ્પની શોધમાં તો હું પણ ક્યાં નિકળ્યો છું કદી ? તોયે કહી શકું છુ; તારો વિકલ્પ હોય જ ના શકે. તું એ તું જ છે. તારી વાત અલગ હોય શકે. તારા જેવું કોઈ ન જ હોય.

પણ એથી શું થયું ? હેં ?

વિકલ્પ ભલે ન હોય શકે, જરુર પણ નથી. પણ, તારાથી વધુ પ્રેમાળ, તારાથી સુંદર, તારાથી વધુ કેર કરનાર, તારાથી વધુ ચાહનારી, તારાથીયે વધુ સંગાથ આપનાર, તારાથી પણ વધુ લાગણીવાળી, તારાથીયે અતિ સંભાળ લેનારી, તારાથી ચડિયાતી ને છતાંયે તારાથી અલગ અને સ્વતંત્ર એવી એક વ્યક્તિ આ સૃષ્ટિમાં તો હોય શકે ને !

..૧૬..

નસીબદાર છે તું..

કોઈ પણ કાળે તને ભૂલી જવાની છે –એ વાત યાદ રાખવી પડે છે.

માનવ સ્વભાવનું આ વિચિત્ર લક્ષણ હશે કદાચ; કોઈ વાર યાદ રાખવા મહેનત કરવી પડે તો કોઈ વાર ભૂલી જવા માટે. તને તો ખબર જ હશે, બોલતા શીખ્યા પછી ચૂપ રહેતા શીખવું કેટલું મુશ્કેલ હોય છે.. ખરું કે નહિ ?

પગથિયાં ચઢીને ઉપર જતી વખતે માત્ર ગુરુત્વાકર્ષણ બળનો જ સામનો કરવાનો હોય છે, પરંતુ નીચે આવતી વખતે કેટલાયે બળોનો સામનો કરવો પડતો હોય છે. ખુલી આંખે દેખાતા દૃશ્યો આંખો બંધ કરવાથી વધુ સ્પષ્ટ થતા હોય છે ને ! શબ્દો અને સ્પર્શ કરતા પણ મૌનની ભાષા અદકેરી જ રહેવાની.

આયનામાં દેખાતા હાઈ ડેફિનેશન પ્રતિબિંબ કરતા પણ કૅનવાસ પર રચાયેલ પૅન્સિલ સ્કેચ લોકોને વધુ ગમતો હોય છે. તારી ગેરહાજરી એટલી કોઠે પડી ગઈ છે કે તારી હાજરી હવે કદાચ જીરવાય નહિ એમ પણ બને.

પૂનમના ચંદ્રની સાક્ષીએ તમે કોઈની સાથે સપ્તપદી જેવા સંકલ્પો કર્યા હોય એ ભૂલી શકો ? તો તમે નસીબદાર છો. કેમ કે ભૂલી જવાની આટલી અઘરી કળા હરકોઈને હસ્તગત હોતી નથી.

ઈર્ષ્યા થઈ આવે એટલી નસીબદાર છો તું,  બાકી અહિ તો તને ભૂલી જવાની વાત પણ હમેશા યાદ રાખવી પડતી હોય છે. એટલે જ કહ્યું ને.. નસીબદાર..

..૧૭..

જોકે; સજા તો મળે જ છે,

કોઈને ચાહવાની કે કોઈને ચાહી ન શકવાની,

કોઈને યાદ ન રાખવાની કે કોઈ ને ભૂલી ન શકવાની,

ફૂકી ફૂકીને પગલા ભરવાની કે આંખો મીંચીને વિશ્વાસ કરી લેવાની,

લાગણીઓને જ લાયકાત માની લેવાની..

સજા તો મળે જ છે !

કેમ કે આ સમાજ છે, ટોટલ જજમેન્ટલ સોસાયટી. એટલે જ અહિ માણસો ઓછા અને ‘ન્યાયધીશો’ વધુ હોય છે. સતત સમાજના ત્રાજવે તોળાતા રહી ઉપરતળે થયા કરવાનું. અહિ લાગણીઓ લાયકાત બની શકે નહિ, અહિ કોમ્પ્રોમાઈઝ કરવાની તમારી તાસીર પણ તમને ઊગારી શકે નહિ. અહિ તો કુંડળીમાં પણ ન હોય એવા એવા પૂર્વગ્રહો જ નડતા-કનડતા રહે છે. કોઈને તમારી અંદર ઝાંકવાનો સમય નથી હોતો, એમ કરવામાં એને કશો ફાયદો નથી હોતો. લોકોને ‘લાભ’ન દેખાય એવી સચ્ચાઈમાં રસ નથી હોતો.

પણ જેને સજા આપવી જ હોય એ તમારી ભૂલોની રાહ શા માટે જોવે ? અહિ તમારું મૌન પણ તમારો અપરાધ ગણાય એ સંભવ છે. તમારી જબ્બર સહનશક્તિ પણ અક્ષમ્ય બની શકે. માટે;

સજા તો મળે જ,

કરવાની રહી ગયેલી ભૂલોની,

બોલવાના રહી ગયેલા શબ્દોની,

ભીતર જ ડૂમાઈ ગયેલા વિચારોની,

ન કરાયેલા ખુલાસાઓની,

ન કરેલા અપરાધોની..

સજા તો મળે જ..

..૧૮..

હજુ તો બાકી હતું.. ઘણું બધું.

મનમાં વિચારેલું એ શબ્દોમાં ઉતારવાનું કેટલું બધું બાકી હતું ! એક મારા જેવા અધકચરા જીવને બૂઝતા પહેલા કશુંક ખૂટી રહેલું દીવેલ મેળવવું બાકી હતું. પણ..



આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “તું.. (સર્જકસંવાદ શ્રેણી) – અજય ઓઝા

  • Trupti

    ખબર નહિ આ પણ ની આગળ શું છે?…જે મન માં વિચારેલું એ શબ્દો ઉતારવાનું કેટલું બધું બાકી હતું!! ક્યાં સુધી રાહ જોવાની??

  • MEERA JOSHI

    હજુ તો બાકી હતું ઘણું બધું…
    ખરેખર બાકી છે હજુ ઘણું બધું.. આ પત્રો લખતાં રહેવા જોઈએ. હ્રદયની સંવેદનાને ઝીરવનાર કોઈ મળે ન મળે છતાં લાગણીનો ધોધ અટકવો ન જોઈએ..
    ખુબ જ સંવેદનસભર લખાણ..!
    એક પુરુષ દ્વારા લખાયેલ પત્રોમાં છલકાતી સંવેદના પહેલીવાર વાંચી..!

  • Harsukh Raivadera

    “તું” ને આપણે દરેક જણ શોધતા હોઈએ છીએ. આ તું એટલે કોણ ! કોઈ પણ હોઈ શકે ! એક એવું જણ કે જે આપણે બનવા ઈચ્છીએ છીએ. જે આપણા માં નથી ! એક સારી વ્યક્તિ કે જે આપણે બનવા માંગીએ છીએ. આપણને બધાને આવા એક “તું ”
    ની તલાશ છે….સુંદર અભિવ્યકિત માટે અભિનંદન !@

  • KISHORE ANDHARIA

    અત્યંત ભાવાત્મક અભિવ્યક્તિ.
    ખૂબ ખૂબ અભિનંદન.