ચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી.. 4


૨૬ એપ્રિલ ૧૯૮૬ની મધરાતે ચર્નોબિલ ન્યૂક્લીયર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના પછી રિએક્ટર નંબર ચારના કન્ટ્રોલ રૂમમાં હાજર હતા અને આ દુર્ઘટનાના સાક્ષી બનેલા એવા એ વખતના ચર્નોબિલ પ્લાન્ટના એન્જિનીઅર ઓલેક્સિ બેરુસ એચ.બી.ઓ – સ્કાય ટીવીની મિનિ વેબસીરીઝ ચર્નોબિલ વિશે પ્રતિભાવ આપતાં કહે છે, “એક વૈશ્વિક દુર્ઘટના જેણે હજારો લોકોનો જીવ લીધો અને લાખો લોકોના જીવનને અસર કરી એને – ચર્નોબિલ ન્યૂક્લીયર પ્લાન્ટની દુર્ઘટનાને એ લોકોએ ખૂબ સશક્ત રીતે દર્શાવી છે, અને સાથે સાથે એ દુર્ઘટના વખતની લાગણીઓ, અનુભવો અને માનસિકતાને પણ સરસ રીતે તાદ્દશ કરાઈ છે. જો કે તેના અમુક ટેકનિકલ પાસા વિવાદાસ્પદ છે, ભલે એ સંપૂર્ણપણે ખોટાં નથી, પણ ઘણા અંશે કાલ્પનિક જરૂર છે.”

ચર્નોબિલ દુર્ઘટના એ પાવર પ્લાન્ટમાં એક ટેસ્ટ વખતે થયેલો ભયાનક પરમાણુ અકસ્માત હતો જે ૨૬ એપ્રિલ ૧૯૮૬ના રોજ જૂના સોવિયેત યુનિયનના યુક્રેનના ઉત્તરમાં પ્રિપયેટ શહેરની નજીક ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ૪ નંબરના ન્યુક્લિયર રિએક્ટરમાં થયો હતો. અને આજે જેની વાત કરી રહ્યાં છીએ એ એચ.બી.ઓ અને સ્કાય યુ.કે દ્વારા બનાવાયેલી મિનિ ટી.વી શ્રેણી ચર્નોબિલ એ દુર્ઘટનાને, એ વખતની પરિસ્થિતિને, દુર્ઘટના પછીની સરકારી કાર્યપદ્ધતિને અને દુર્ઘટનાના કારણોને – એની અસરોને છુપાવવાની જૂના સોવિયેત રશિયાના પ્રયત્નોની વાત ખૂબ સુંદર રીતે રજૂ કરે છે.

Chernobyl web series review

ફક્ત પાંચ હપ્તાની મિનિ શ્રેણીનો પ્રથમ હપ્તાનું શીર્ષક છે 1:23:45 જે દુર્ઘટનાનો સમય છે. દુર્ઘટનાની તપાસ માટે નિમાયેલી સમિતિમાં મુખ્ય છે વેલરી લગાસોવ, જે પ્રથમ હપ્તામાં આ આખી દુર્ઘટનાની વાત વિશેની ટેપ રેકોર્ડ કરતા, એ માટે સરકારને, બચત માટે કરેલ સુરક્ષા સાથેના સમાધાનને અને ચર્નોબિલના ડેપ્યુટી ચીફ એન્જીનીઅર એન્ટની ડિએટ્લોવને જવાબદાર ઠેરવે છે, એ ટેપ છુપાવે છે અને આત્મહત્યા કરે છે એમ દેખાડાયું છે. અને પછી શ્રેણી બે વર્ષ પહેલાના દુર્ઘટનાના સમયમાં પહોંચી જાય છે, એક ગર્ભવતી સ્ત્રી રાત્રે ઉલટી કરતી દેખાય છે અને બારીમાંથી એને પ્લાન્ટમાં થયેલ ધડાકાને લીધે લાગેલી આગની જ્વાળાઓ દેખાય છે, એનો પતિ વેસિલી ઈગ્નેટેન્કો અગ્નિશમન દળમાં કામ કરે છે અને ધડાકાને લીધે ડિએટ્લોવ અગ્નિશમન દળને અને અન્ય કામદારોને બોલાવે છે. પ્લાન્ટના રિએક્ટરમાં ધડાકો થયો છે એ વાતને તેઓ નકારે છે, અને એન્જીનીઅરોને પ્લાન્ટના સળીયા ફરીથી રિએક્ટરમાં પહોંચાડી અકસ્માતને રોકવા કહે છે, અને પોતે આ અંગેની ચર્ચા કરવા જતો રહે છે. પ્લાન્ટ મેનેજર, ચીફ એન્જીનીઅર અને ડિએટ્લોવ નક્કી કરે છે કે રિએક્ટર ફાટી શકે નહીં, એટલે આ અકસ્માત ફક્ત હાઈડ્રોજનનો ધમાકો છે અને જરાય ગંભીર નથી. આ તરફ અગ્નિશમન માટે પ્રયત્ન કરતા ઈગ્નેટેન્કો અને એના સાથીઓ રેડીએશનને લીધે લગભગ બળી ગયા જેવી હાલતમાં આવી જાય છે. આસપાસ જે કાટમાળ પડ્યો છે એ રિએક્ટરમાં ધડાકાને લીધે ઉડેલા ગ્રેફાઈટના ટુકડા છે, જેને હાથમાં પકડતાં જ એક ફાયર ફાઈટરનો હાથ બળી જાય છે. પણ આ ત્રણ જણાની સમિતિ એ વાત માનવા તૈયાર જ નથી કે રિએક્ટર ફાટી શકે. પણ ખરેખર રિએક્ટર ફાટ્યું છે અને એમાંથી નીકળતું રેડીએશન જોઈ શકાતું નથી, પણ એ ઘાતક છે. ઘડાકાની ગંભીરતાને નકારતા આ ત્રણેય લોકોને એ રેડીએશનથી દૂર લઈ જવાની જરૂર છે એ વાતને પણ નકારે છે. સોવિએત રશિયાની એ સમયની રૂઢીવાદી માન્યતાઓનો અનોખો પડઘો એ મિટીંગના દ્રશ્યમાં દેખાય છે. અગ્નિશમન દળના લગભગ બધા જ લોકો, અમુક કાર્યકરો વગેરેને રેડીએશનની ઘાતક અસરો થઈ રહી છે, દૂર પ્રિપ્યેટ શહેરના રેલ્વે બ્રિજ પરથી આ ધડાકાને લીધે લાગેલી આગ જોતા બધા જ લોકો ત્યાર પછી રેડીએશનને લીધે મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે અને એટલે રેલ્વેના એ પુલને બ્રિજ ઓફ ડેથ કહે છે.

દૂર બેલારૂસના મિન્સ્કમાં ઉલાના ખોમ્યુકને રેડીએશનમાં અચાનક વધારો જણાય છે પણ સરકારી અધિકારીઓ એ વાતને નકારી કાઢે છે. એ પ્રિપ્યેટ શહેર જવા નીકળે છે. આ તરફ ઈગ્નિટેન્કોની પત્ની પોતાના પતિને શોધતી હોસ્પિટલ પહોંચે ત્યારે તેને ખબર પડે છે કે રેડીએશનની અસર પામેલા લોકોને મોસ્કો ખસેડાઈ રહ્યાં છે. મોસ્કોમાં તે સમયના રશિયાના પ્રમુખ ગર્વાચોવને લગાસોવ એ વાત સમજાવે છે કે તેમને કહેવાયું તે કરતા આ દુર્ઘટના ક્યાંય વધારે ગંભીર છે. એ બહાર વેરાયેલા ગ્રેફાઈટના ટુકડા અને આગની વચ્ચેથી નીકળતી ભૂરી જ્વાળાઓ વિશે સમજાવીને અકસ્માતની ભયાનકતા વિશે તેમને કહે છે અને એથી ગર્વાચોવ તેમને અને તેમની સાથે મંત્રીઓના પ્રમુખ બોરિસ શર્બિનાને મોકલે છે. ત્યાં જઈને પહેલું કામ એ પેલા ત્રણેયને ખસેડવાનું કરે છે અને પછી આ આખી દુર્ઘટના કઈ રીતે થઈ, તેનો નિવેડો કઈ રીતે લાવવો, લોકોને કઈ રીતે ખસેડવા, રેડીએશન કઈ રીતે રોકવું વગેરે બાબતો પર ચર્ચા કરે છે અને સફળતા – નિષ્ફળતા વચ્ચે આ આખું કામ કઈ રીતે કરે છે એ અસરકારક રીતે દેખાડાયું છે.

Emily Watson as Ulana Khomyuk & Jared Harris as Valery Legasov, 

જે મહત્વના પાત્રોનો અભિનય ઉડીને આંખે વળગે છે એમાં વેલરી લગાસોવ બનતા જેરેડ હેરિસ અને ઉલેના ખોમ્યુક બનતી એમિલી વોટ્સન મુખ્ય છે. ધ હન્ટ્સમેન તથા હેંગઓવર ફિલ્મના બીજો અને ત્રીજો ભાગ લખીને જાણીતા થયેલા ક્રેઇગ મઝિન આ શ્રેણીના લેખક છે. ૨૦૧૪થી તેમણે આ શ્રેણી માટે કામ શરૂ કરેલું. તેમણે એ સમયના યુક્રેનના લોકોને મળી ત્યારના સોવિએત રશિયાના લોકો અને જીવનધોરણ વિશે માહિતી મેળવી તો ન્યુક્લીઅર વૈજ્ઞાનિકોને મળીને તથા સરકારી અને અન્ય દસ્તાવેજોને આધારે આખીય દુર્ઘટનાના કારણોની ખૂબ વિગતે અને વ્યવસ્થિત તપાસ કરી. એને આધારે દુર્ઘટનાના સમયનું સોવિએત રશિયા, રાજકીય પરિસ્થિતિઓ અને જીવનધોરણ વગેરે ખૂબ ઝીણવટભરી ચોકસાઈથી શ્રેણીમાં દેખાડી શકાયું છે. એક ઇન્ટર્વ્યુમાં તેઓ કહે છે કે આજના દિવસ સુધી ઘણાં લોકોને ખબર નથી કે ચર્નોબિલ દુર્ઘટનાના મૂળમાં કયું કારણ હતું. તેમણે ચર્નોબિલના પ્રતિબંધિત વિસ્તારની આસપાસ ઘણી મુલાકાતો કરી, મોટાભાગનું શૂટિંગ રશિયાના અલગ ભાગોમાં થયું અને પાવરપ્લાન્ટના દ્રશ્યો બંધ પડેલા ઇગ્નલિના પાવરપ્લાન્ટમાં ફિલ્માવાયા જેને ચર્નોબિલની બહેન તરીકે ઓળખાય છે કારણકે દેખાવની રીતે બંને પાવર પ્લાન્ટ લગભગ સરખાં છે.

ચર્નોબિલને રશિયાના કેટલાક પત્રકારો અને ફિલ્મકારો ખૂબ સરસ રીતે બનાવાયેલ પણ સત્ય સાથે વધારે પડતી છૂટછાટ લીધેલ સીરીઝ તરીકે જુએ છે. તેઓના મતે બ્રિજ ઓફ ડેથ એક તથ્યહીન વાત છે, જે હેલિકોપ્ટર રેડીએશનને લીધે તૂટતું બતાવાયું એ હકીકતમાં ક્રેન સાથે અથડાઈને તૂટી ગયેલું, એ સમયની ઈમારતોની બારીઓ પ્લાસ્ટિકની બતાવાઈ છે.. પ્લાન્ટના જે લોકોને અહીં વિલન તરીકે બતાવાયા છે એ જ ફક્ત જવાબદાર નહોતા એવું તેમનું માનવું છે. પણ એ બધી છૂટછાટ છતાં પ્રેક્ષકોનો અભૂતપૂર્વ પ્રેમ અને આવકાર આ શ્રેણીને મળ્યો છે કારણ કે એ વૈજ્ઞાનિક તથ્યોને વળગી રહીને દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવાનો અને એના કારણોને સ્પષ્ટતાથી મૂકવાનો પ્રયત્ન કરતી શ્રેણી છે. સામાન્ય લોકોની મૂંંઝવણ અને પીડાને અહીં સંવેદનશીલતાપૂર્વક દેખાડાઈ છે, ઉલેના ખોમ્યુકનું કાલ્પનિક પાત્ર એ બધા વૈજ્ઞાનિકોનો પર્યાય છે જેમણે આ દુર્ઘટનાના સત્ય સુધી પહોંચવાનો પ્રમાણિક પ્રયત્ન કર્યો હતો. આઈ.એમ.ડી.બી પર તેને ટી.વી શ્રેણીઓમાં સૌથી વધુ, ૧૦ માંથી ૯.૬ રેટિંગ મળ્યું છે, જે તેની અનહદ લોકપ્રિયતા દર્શાવે છે. આર.બી.એમ.કે રિએક્ટર ફાટે જ નહીં એવી રશિયન માન્યતા કેટલી ભૂલભરેલી હતી અને એની કેવડી મોટી કિંમત લોકોએ ચૂકવવી પડી એ વાત અહીં ખૂબ સ્પષ્ટતાથી મૂકાઈ છે. રશિયન આંકડા મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો ૧૯૮૭થી ફક્ત ૩૧ છે જ્યારે અનાધિકૃત આંકડો ૪૦૦૦ થી ૯૩૦૦૦ સુધી પહોંચે છે.

People watching the Chernobyl blast from Railway bridge – afterwards known as bridge of death

શ્રેણીના છેલ્લા અને પાંચમા હપ્તાના અંતની થોડીક મિનિટ્સ હકીકતો અને આંકડાઓ માટે ફાળવાઈ છે, એમાં સૌથી પહેલો પ્રશ્ન પૂછાય છે કે જુઠાણાંની કિંમત કેટલી ચૂકવવી પડે છે? વેલરી લગાસોવનો વિડીઓ છે અને સાથે લખાયું છે કે દુર્ઘટનાના બે વર્ષ પછી ૫૧ વર્ષની ઉંમરે સત્યને જાહેરમાં લાવવા માટે તેમણે આત્મહત્યા કરવી પડી. જે વૈજ્ઞાનિકો એ પહેલા સાચું બોલ્યા હતા કે સરકારી નીતીઓનો વિરોધ કરેલો એમને કાં તો જેલમાં નંખાયેલા અથવા અન્ય રીતે ભારે હેરાન કરાયેલા. લગાસોવના મૃત્યુ પછી એમની ઓડીઓ ટેપ સોવિએત રશિયાના વૈજ્ઞાનિકોમાં ખૂબ ફેલાઈ, એમની આત્મહત્યાએ સત્યને દબાઈ જવાથી બચાવી લીધું. આખરે સોવિએત સરકારે આર.બી.એમ.કે રિએક્ટરની ડિઝાઈનમાંની ભૂલો સ્વીકારી અને સુધારી, લગાસોવની સાથે જે વૈજ્ઞાનિકોએ ખંતપૂર્વક કામ કર્યું એમને સમ્માન આપવા ઉલેના ખોમ્યુકનું પાત્ર બનાવાયું છે.

ચર્નોબિલ વેબશ્રેણીની સિનેમેટોગ્રાફી, પાત્ર વરણી, સંવાદો અને એનું હપ્તા વધારવા માટે લલચાયા વગરનું મુદ્દાસરનું અને સચોટ લેખન તેને જોવાલાયક માસ્ટરપીસ બનાવે છે. દુર્ઘટનાની વૈજ્ઞાનિક સમજણ ખૂબ સરળતાથી પણ અસરકારક રીતે અપાઈ છે અને લોકોની મનોવૃત્તિ, સંવેદનશીલતાથી સંવેદનહીનતા સુધીનો આખો દ્રષ્ટિકોણ ખૂબ અસરકારક રીતે દર્શાવાયા છે.

ચર્નોબિલ ચોક્કસપણે જોવી જ જોઈએ એવી શ્રેણી છે. HBO અને હોટસ્ટાર પર એ ઉપલબ્ધ છે. ચર્નોબિલની આ મિનિ ટી.વી શ્રેણી જોયા પછી એક જ વિચાર મનમાં સતત રમે છે કે આપણે ત્યાં પણ હિંમત કરીને કોઈ ભોપાલની ગેસ દુર્ઘટના વિશેની આવી જ, સત્યની નજીક રહીને ભૂલ દર્શાવતી, એની અસર અને એના ઉપાયોની ચર્ચા કરતી શ્રેણી ન બનાવી શકે? કદાચ ચર્નોબિલ જોયા પછી બીજી દુર્ઘટનાઓને જોવાની – સમજવાની આપણી દ્રષ્ટિમાં ફેર પડે તોય ઘણું!

– જિજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ચર્નોબિલ : દુર્ઘટનાના મૂળ સુધી પહોંચતી અસરકારક અદ્રુત વેબ શ્રેણી..

  • gopal khetani

    આ સિરિઝ વિષે ઘણી ચર્ચા થયેલી. તમારી સમિક્ષા વાંચીને હવે સિરિઝ જોવી જ રહી.

  • Hetal Khakhkhar

    વર્ષ: ૨૦૧૪માં “ભોપાલ – પ્રેયર ફોર રેઇન” મૂવિ રિલિઝ થયેલી, ઘણા અંશે સમતુલિત અને અસરકારક વિઝ્યુલ્સ હોવા છતાં મોટાભાગના લોકો સુધી પહોંચી જ નહીં..

  • vimla hirpara

    જીજ્ઞેશભાઇ, લેખકને માહીતીસભર લેખ આપવા બદલ આભાર. અત્યાર સુધીમાં વિશ્વમાં આવા ઘણા અકસ્માત થયા છે. ભારતમાં યુનિયન કાર્બાઇડ, અમેરીકામાં થ્રી માઇલ આઇલેન્ડ, રશિયામાં ચર્નોબો ને જાપાનમાં સુનામી સમયે બે પાવરપ્લાન્ટના રિએકટર ફાટયા હતા. જે જે દેશોમાં એક યા બીજા રુપમાં એક હથ્થૂ સતા છે ત્યા આવા અકસ્માતની સાચી હકીકત સામાન્ય લોકો સુધી પંહોચતી નથી. સામાન્ય લોકોની હસ્તી મશીનના એક પુર્જાથી વધારે નથી હોતી. સત્ય હકીકત જાણનારાને ધાકધમકીથી મોં બંધ કરાવી દેવામાં આવે છે. એ પણ વરવી વાસ્તવિકતા છે કે માનવસર્જિત કે કુદરતી વિનાશમાં ગરીબ પ્રજાનો ભોગ પહેલો લેવાય છે. કોઇ વિચારકે કહયુ છે કે એટલે જ ભગવાને એમને મોટી સંખ્યામાં બનાવ્યા છે. આવા વિનાશનો ભોગ બનેલી ધરતી કાયમ માટે વંધ્યા બની જાય છે. સદીઓ સુધી ઘાસનું એક તણખલુ કે કોઇ નાનો સરખો, જીવ ત્યા જન્મી શકતો નથી.મહાભારતમાં કર્ણે કૃષ્ણ પાસે પોતાના અંતિમ સંસ્કાર માટે એક પણ અનિષ્ટ ન બન્યુ હોય એવી જગ્યા માગી હતી. છેવટે કૃષ્ણે એને પોતાની હથેળીમાં અગ્નિ દાહ આપ્યો હતો. આજે દુનિયામાં માનવસર્જીત હોનારતથી કલુષિત થયેલી જગ્યાઓ છે. આ પાવરપ્લાન્ટના ફોટા ટી.વી પર જોવા મળે ત્યારે એની આસપાસનો ઉજ્જડ વિસ્તાર જોઇને એક ગહેરી ઉદાસી અનુભવાય છે.