વેકેશન તો બાળકોનું પણ મરજી કોની? – ચેતન ઠાકર 2


વેકેશનના સમયમાં બાળકોને તેમની મરજી મુજબની પ્રવૃત્તિઓ કરવા દેવી જોઈએ કે વાલીઓએ તેમના માટે અગાઉથી વિચારેલી પ્રવૃત્તિઓમાં તેમને જોતરવા જોઈએ? આ વર્ષોથી ચાલી આવતી બે પેઢીઓ વચ્ચેની કશમકશ છે અને વાલીઓ માટે મુંઝવણ એ છે કે કયો માર્ગ બાળકો માટે ઉત્તમ છે! ભારતમાં દરેક જગ્યાએ વાર્ષિક પરીક્ષાઓ પૂરી થયા પછી ચર્ચાતો આ સૌથી હોટ ટોપિક છે. આ એવા વિષયની ચર્ચા છે કે જેનો અંત આવતો નથી. ચર્ચાને અંતે લોકો છુટ્ટા પડે ત્યારે કોઈ નિષ્કર્ષ ઉપર આવી શક્તા નથી. હંંમેશા આ ચર્ચા અપૂર્ણ જ રહે છે, વિષયની આસપાસ કાયમ ગોળગોળ ફર્યા કરે છે.

આ સમસ્યા પ્રમાણમાં નવી છે, સૈકાઓ જૂની નથી. મારી પેઢીના સમયની પણ નથી જ, પરંતુ છેલ્લા ૨૦ વર્ષથી સમાજમાં જાણે અચાનક જાગૃતિનો જુવાળ આવ્યો છે, શિક્ષણના મહત્વના પ્રમાણમાં અચાનક ધરખમ વધારો જોવા મળે છે જેને લીધે આજના સમયના માતાપિતા બાળકોની પરીક્ષા બાબતે જેટલા ચિંતિત હોય છે તેનાથી થોડાક જ ઓછા ચિંતિત પરીક્ષા પૂર્ણ થયા પછીના વેકેશનના સમયગાળા બાબતે પણ હોય છે. અમારા સમયના વેકેશન વિશે જો ખૂબ જ ઓછા શબ્દોમાં કહેવું હોયતો તે એ છે કે પરીક્ષા પૂરી થતાંં જ…

સાચો આનંદ એવી રીતે જીવવામાં છે જાણે દરેક દિવસ તમારા વેકેશનનો અંતિમ દિવસ હોય - લિઓ ટૉલ્સટોય
સાચો આનંદ એવી રીતે જીવવામાં છે જાણે દરેક દિવસ તમારા વેકેશનનો અંતિમ દિવસ હોય – લિઓ ટૉલ્સટોય

કરી થેલાથેલી ભેગા, અમે થયા મામાના ઘર ભેગા
હવે નહીં વિલંબ પળનો પણ, માંડીશું ડગ તે ભણી મોટા મોટા.

કરી ભેળા ભાઈબંધોને કહી દીધું, હમણાં નહીં મળીએ આપણે મોટા,
કરી થેલાથેલી ભેગા અમે થયા મામાના ઘર ભેગા.

ખાશું-પીશું ને કરીશું ટેસ, બાળપણને વળી શેની ઠેસ
હવે ન કોઈ રોકશે, ટોકશે કે વઢશે, સૌ ભેગા મળી આનંદ વહેચશે,
કરી થેલાથેલી ભેગા, અમે થયા મામાના ઘર ભેગા.

અમારી પેઢીના મન-મસ્તિષ્કમાં વેકેશનનો એકમાત્ર એજન્ડા કહો કે અમારા માટેની બાદશાહી કહો તો તે મામાનું ઘર. તે સમયે સામા પક્ષે મામાના ઘરે પણ બધાનો એજન્ડા આ જ રહેતો કે હમણાં દીકરીઓ અને ભાણીયાઓ આવશે, રોકાશે અને બધા સાથે મળીને ખૂબ મજા કરીશું. હું આને દુન્યવી બાબતોથી પર થઈ ને કહુંં તો, જીવનને સાર્થક બનાવી દેતો શબ્દ એટલે વેકેશન અને મામાનું ઘર. ને જો ઊંડાણથી વિચારવામાં આવે તો મા+મા અર્થાત માની માનું ઘર. હવે જો અહિયાં સ્વર્ગની અનુભૂતિ ન થાય તો બીજે ક્યાં થાય? આ તો પુરુષપ્રધાન સમાજરચનાને લીધે માની મા ને બદલે મામાની ઓળખ સ્થાપિત કરવામાં આવી હશે આવું મારૂંં અંગત માનવું છે. વેકેશનના સમયમાં મામાને ત્યાં મામા, માસી અને ફઈના બાળકોનો જબરજસ્ત મેળાવડો થાય. આખો દિવસ રમવામાં જાય, ભાવતા ભોજન મળે, ઉનાળાના સમયમાં વેકેશન હોય, રાત્રે બધા બાળકો અગાસીમાં ગોદડા પાથરીને રીતસર લાઇનમાં સૂવાનું (છોકરા બધા જ ખુલ્લા ડિલે લંબાવે) છેક સવારે તડકો આવે ત્યાં સુધી, આ બાદશાહી અને સુખ અમારી પેઢી ક્યારેય ભૂલી શકશે નહીં. આમ અમારા સમયમાં વેકેશન બાબતે વાલીઓના અને બાળકોના બે મત હતા જ નહી.

હવે વાત માંડીએ આજના સમયની તો મામાના ઘરે જવા-આવવામાં કોઈને વાંધો નથી કે નથી મામાના પક્ષે પ્રેમમાં કોઈ ઓછપ આવી, પરંતુ સમય સાથે મોટો બદલાવ ચોક્કસ આવ્યો છે. આજે સમાજમાં આર્થિક અને શૈક્ષણિક વિકાસ થવાથી બધાને સમયની કિમત સમજાઈ ગઈ હોય એમ લાગે છે. સમાજરચના પૈસા કેન્દ્રિત થતી જાય છે તેમાં પણ જો બે પરિવાર વચ્ચે વધુ માત્રામાં આર્થિક અને શૈક્ષણિક તફાવત હોય તો હળવા મળવાનું અને સાથે રહેવાનુ ઓછું થઈ જાય છે. અને જ્યાં આવો મોટો તફાવત નથી ત્યાં પણ સમય સાથેના કેટલાક ફેરફારોતો ઉડીને આંખે વળગ્યા વગર રહેતા નથી. જેમ કે હાલ ના સમયમાં  બધાને બાળકોની સંખ્યા એક કે બે જ હોય છે આથી મામાના ઘરે કોઈ પણ સંજોગોમાં મોટું ટોળું બનતું જ નથી, બહુ ઓછા મામાઓના ઘરે વેકેશનમાં છકડી રમાતી હશે (અમારા વખતના પતાની એક નિર્દોષ રમત જેમાં એકીસાથે ૬ લોકો રમી શકે) આજના બાળકોમાં નાનપણથી જ પસંદ નાપસંદના ધોરણો ઘર કરી ગયેલા જોવા મળે છે, બાળકોની ઓછી સંખ્યા અને વધુ સાધન સગવડને કારણે બાળકોમાં વહેંચીને માણવાની ભાવના ઓછી થતી જાય છે. આને લીધે આજના બાળકો અન્ય બાળકો સાથે એકબીજાના ઘરે વધારે સમય રોકાવાનું પસંદ કરતાં નથી. અને જેટલો સમય સાથે રહે છે તેમાં પણ મોબાઇલમા અને ટી.વી.માં ખૂંચેલા હોય છે. છતાં આજની તારીખે પણ એવા બાળકોની અને પરિવારોની સંખ્યા ખાસ્સી મોટી છે કે જે બધા સાથે હળીમળીને આ નિર્દોષ આનંદ લૂંટે છે અને સૌથી આનંદની વાત એ છે કે આજે એવા ઘણા મામા છે જે અંદરથી લાગણીભીના છે. સમય સાથે તાલમેલ કરવાનું જાણે છે તેવા મામાઓ પોતાની બહેનો અને ભાણેજોને ડેસ્ટિનેશન વેકેશન (કોઈ ફરવાના સ્થળે ભેગા કરવા) પર લઈ જાય છે અને ત્યાં પારિવારિક મેળાવડો કરી આનંદ લૂટે છે. આપણી આ જૂની પણ વૈભવી પરંપરાને જીવંત રાખે છે તે બદલ આ બધા મામાઓને લાખ લાખ વંદન.

હવે આ લેખના શરૂઆતમાં જે યક્ષ પ્રશ્ન છે તેના જવાબ તરફ આવીએ તો વેકેશન ક્યારે સાર્થક થયું કહેવાય? મારો વ્યકિતગત અભિપ્રાય કારણો અને તર્ક સાથે આપુંં તો બાળકોની સ્કૂલ પસંદગીથી અભ્યાસ સુધી રોજીંદી પ્રવૃતિઓમાં, સ્કૂલ અને વાલીઓની મરજી મુજબ વધારે ચાલતું હોય છે. બીજું એ પણ કે આજના આ સુપર ફાસ્ટ અને હરિફાઈથી છલોછલ યુગમાં આગળ જઈ તેને આ સમય કે તક મળવા કરતાં ન મળવાની શક્યાતાઓ ખૂબ વધારે દેખાયછે, તો  વેકેશન આપવા પાછળનો હેતુ મારી દ્રષ્ટિએ જો કઈ હોય તો તે એજ હોય કે આ દિવસો દરમ્યાન બાળકો પોતાની મરજી મુજબની પ્રવૃતિઓ કરી શકે અને જીવનમાં એકવાર મળેલ બાળપણનો લખલૂટ આનંદ લૂંંટી શકે જે આગળ જતાં સમગ્ર જીવનનું મહામૂલું ભાથું બની ને તેની જીવનપર્યંંત સ્મૃતિમાં રહી જાય.

બધા જ વાચકમિત્રોને એક અર્થસભર વેકેશનની શુભકામનાઓ..

– ચેતન. સી. ઠાકર 
કોમ્પુટર સાયન્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ૩૬૦૦૦૫


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “વેકેશન તો બાળકોનું પણ મરજી કોની? – ચેતન ઠાકર

  • Harsukh

    બાળપણ એટલે ભોળપણ ! 1 વર્ષ થી લઈને 10 કે 12 વર્ષ
    નો સમય. નિર્દોષ અને સ્નેહથી ભરપૂર આ સમય ચાલ્યા ગયા પછી
    પાછો આવવાનો નથી ! તો પછી જીવવા દિયો બાળકોને મન મરજીથી….લૂંટવા દિયો આનંદ..