વરસાદની ૧૭૧ કવિતાનો સંગ્રહ દિનેશભાઈ કાનાણીએ ભેટ આપ્યો ત્યાર પહેલા જ એ વિશે ઘણી પ્રસંશા સાંભળી ચૂક્યો હતો, પણ એમાંથી પસાર થયો ત્યારે ખરેખર અનરાધાર ભીંજાવાની ખૂબ મજા આવી. આ પ્રકારનો મેઘધનુષી સંગ્રહ અદ્વિતિય સર્જન છે. વરસાદના વિવિધ ભાવ, અનેકવિધ લાગણીઓને રજૂ કરતા આ સંવેદનાસભર સંગ્રહમાંથી સપ્તરંગી મેઘધનુષરૂપી સાત કવિતા આજે અક્ષરનાદના વાચકો માટે પ્રસ્તુત કરી છે. દિનેશભાઈને આ સંગ્રહની બીજી આવૃત્તિ થવા બદલ અનેક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. પુસ્તકપ્રાપ્તિની વિગતો આ પોસ્ટને અંતે આપી છે.
૧.
વરસાદમાંં
પલળી ગયેલી
મારી કવિતાની ડાયરી,
સવારે
સૂરજ સામે મૂકી
ત્યાં
તો
એમાંં કૂંપળો ફૂટવા લાગી!
૨.
વરસાદમાં
બધ્ધું જ તણાઈ ગયા પછી…
લોકો
જે
બચાવી રહ્યાં છે
એનું નામ
શ્રદ્ધા!
૩.
એકાંતમાં
ને
છાને ખૂણે
સંજોગો
ખૂબ રડાવે છે
પણ
ખુલ્લેઆમ
ને
છડેચોક
રડવાનું સુખ તો
‘વરસાદ’ જ આપી શકે!
૪.
વરસાદમાં
કાગળની હોડી
તરતી મૂકવાનું સુખ
બધાનાં ભાગ્યમાં
હોતું નથી
પણ
તણાઈ ગયેલા
સપનાંઓને
બારીમાંથી જોવાનું
દુ:ખ
ઘણા બધાના લમણે
લખાયેલું હોય છે!
૫.
‘તેંં’
એક કવિતા લખવા માટે
વરસાદમાં
ભીંજાવાનું માંડી વાળ્યું!
ને
મેં
તને યાદ
કરતાં કરતાં
‘એક કવિતા’
જીવી લીધી
વરસાદમાં!
૬.
એક વખત
‘કુતૂહલ’ ના
ટોળે ટોળાંં
વરસાદમાં ફરવા
નીકળ્યાં
એ
પાછા ફર્યા
ત્યારે જોયુંં તો
બધા ‘આશ્ચર્ય’
થઈ ગયા હતાં
૭.
મારાથી
વરસાદને
કહેવાઈ ગયું
માઇન્ડ યોર બિહેવિઅર
ને
પછી
મને
વરસાદે
એવા તો
પાઠ ભણાવ્યાં
કે
હું જે કૈં લખુંં
એ બની જાય છે
વરસાદની કવિતા!
– દિનેશ કાનાણી
‘વરસાદ’ : વરસાદની ૧૭૧ કવિતા – પુુુુસ્તક મેળવવા માટેની વિગતો – કિંમત – ૧૫૧/- રૂ., પ્રકાશક: કે બુક્સ, કે હાઉસ, નવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નજીક, ક્યુટ બેબી કેર હોસ્પિટલ વાળી શેરી, ફોર્ડ શો રૂમ સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ૩૬૦ ૦૦૭
khub saras.
વરસાદની કવિતાનું અંગે અંગ ભીંજાઈ જાય,
પલાળેલા શબ્દો ભીતર છપાક છઈ રમવા લાગી જાય
ભાવની ભીનાશથી હૈયું આર્દ્ર થઇ જાય
તેવું વરસે આ કવિ અને તરબોળ થઇ જવાય!