કાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર 19


અંજલિ દરેક વર્ષની કાળીચૌદશની જેમ આજે પણ સવારમાં વહેલી ઊઠી ગઈ. એને ખબર હતી કે હીરાબાનો આજે સાદ પડવાનો નથી, મોટા અવાજે ઝીણી ઝીણી સૂચનાઓ આપવાના નથી. છતાં પણ એ હીરાબાના સાદને ઝંખી રહી હતી. અંજલિના લગ્નને સતર વર્ષ થયાં હતાં ને પોતાના સાસરે તેની આ અઢારમી દિવાળી હતી. અંજલિને હીરાબા વગરની આજની કાળીચૌદશ સૂની સૂની લાગતી હતી. એણે ગેસ પર ચા માટે પાણી ગરમ કરવા મૂક્યું ને વિચારે ચડી ગઈ.

Photo by Yogendra Singh from Pexels

હીરાબા અને અંજલિ સાસુ-વહુ હતાં અને એ બંને વચ્ચે ગજબનું જોડાણ હતું. અંજલિની દરેક સવાર હીરાબાના પૂજાપાઠના અવાજથી શરૂ થતી. પોતાની દૈનિક ક્રિયાઓ પૂરી કરીને અંજલિ સૌ પહેલા પોતાના અને સાસુ માટે ચા બનાવતી. ચા પીતી વખતે જો અંજલિ થોડો પણ નાસ્તો ઓછો કરે તો હીરાબાનો દેકારો ચાલુ થઈ જાય, “હા, કરો ડાટીંગ, ભલેને હાલવાનો વેંત નો રે, કરો તમતમારે.”

હીરાબાના મોંએ ડાટીંગ સાંભળી અંજલિને ખૂબ હસવું આવતું. ઘણીવાર તો હીરાબા ઠપકો આપે છે કે લાડ કરે છે તે સમજવું અઘરું પડતું. ભૂખ્યા પેટે કામ નહિ કરવાનું એમ હીરાબા કહેતા અને તેથી જ સૌ પહેલાં સાસુ વહુ ચા-નાસ્તો કરી લેતાં. અંજલિનો પતિ અજય જિલ્લા વિકાસ અધિકારી હતો એટલે એમનું ઘરે આવવાનું કોઈ જ ટાઈમટેબલ નહોતું, અંજલિને તો તે બિલકુલ ટાઈમ આપી શકતો નહોતો. અંજલિ એની જવાબદારીઓ જાણતી એટલે કદી ફરિયાદ ન કરતી પણ અજય વગર અંજલિના જીવનમાં પડતો ખાલીપો હીરાબા જાણતા, સમજતા, અને એટલે જ અંજલિનો એ ખાલીપો ભરવાનો પ્રયત્ન કરતાં રહેતાં. અંજલિએ પોતાની નોકરી મૂકીને પરિવારને સમય આપવાનું પસંદ કર્યું હતું. વિધવા હીરાબાએ બીજા લોકોના ઘરકામ કરીને અજયને ભણાવ્યો હતો. એકદમ ગરીબ પરિસ્થિતિમાં ભણીને પણ અજય ડી.ડી.ઓ. જેવી ઊંચી પોસ્ટ ઉપર પહોંચ્યો હતો.

અંજલિ અને અજયના સંતાનો કાવ્યા અને મંથન હતા. હીરાબા અને અંજલિ સાથે મળી એ બંનેને તૈયાર કરીને શાળાએ મોકલતા, સાથે મળી રસોઈ બનાવતાં, ખરીદી કરવા સાથે જતાં, લગ્નપ્રસંગોએ પણ સાથે જ જતાં. દરેક કામમાં હીરાબા સાથે જ હોય ને એમનું સતત બોલવાનું ને એમના સલાહસૂચનો પણ સાથે જ હોય. અજયની બદલી થતી રહેતી એમ શહેરો બદલાતા પણ સાસુ વહુની જુગલબંદી ન બદલાતી. અંજલિ બાળકોના વેકેશનમાં પિયર જાય ત્યારે ચોથા દિવસે તો હીરાબાએ અંજલિને ફોન કરેલો જ હોય.

“આ ઘૈડી ડોશીને મૂકીને જાવ છો ને પાછા આવવાનું નામ પણ લેતા નથી.”

અંજલિ પણ જાણે હીરાબાના ફોનની રાહ જોતી હોય એમ તરત પાછી પહોંચી જતી. અજય હીરાબા અને અંજલિની આત્મીયતા જોઈ રહેતો.

“હે ભગવાન, અંજલિ તારે તો આ ઉપવાસ રે’વા જ દેવાના. એ તારું કામ નૈ. ચક્કર આવશે ને પડી જૈશ તો ઉપાધિ તો મારે જ ને!” આવું બોલતા હીરાબા પોતાને ભૂખી નથી જોઈ શકતા એ અંજલિ જાણતી. 
   
હીરાબાને બાળકો પ્રત્યે ખૂબ વહાલ. ઘરના ને આજુબાજુના તો ઠીક પણ અજાણ્યાં બાળકો પણ ઘડીકમાં એમના હેવાયા થઈ જતાં. તેઓ અંજલિને લઈને ઘણીવાર ગરીબ બાળકોને ખવડાવવાં, કપડાં આપવા કે ભણવાની વસ્તુઓ આપવા જતા. અંજલિને કહેતા પણ ખરાં કે આ બાળકો જાણે એમના ભગવાન છે.

દરેક તહેવાર હીરાબા આનંદ અને ઉત્સાહથી ઉજવતા અને ઉજવાવતા પણ. એમના પતિ ઘણા વર્ષો પહેલા જ મૃત્યુ પામ્યા હતા અને આ ઉત્સવો જ એમનું જીવનબળ બની રહ્યા હતાં.

કાળીચૌદશે તો તેઓ ધમાધમી કરી મૂકતાં. ”અંજલિ ચોખ્ખા ઘી નો જ દીવો જ કરજે, એની ઉપર ચોખ્ખી વાટકી રાખજે, થૈ ને કાળી! હાલો બધાએ આ વાટકીની મેશથી આંજણ કરવાનું છે. કાળીચૌદશના આંજ્યા નો જાય ગાંજ્યા.”

આવું બધું બોલતા હીરાબા કાવ્યા અને મંથનને જાતે આંજણ લગાવી દેતા. કાવ્યા અને મંથન ના પાડતા તો હીરાબા કહેતા, “આંજણ કરો એટલે ટાઢા લાગશો.” બાળકો પૂછતાં કે આ ટાઢા એટલે શું? જવાબમાં હીરાબા કહેતા, ”તમે ઓલું ઈંગ્લીશમાં કો છો ને ઈ; કૂલ.”

કાળીચૌદશની બપોર થાય એટલે હીરાબા મોટા પાટલા પર હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરતા ને બધાને બાજુમાં બેસાડી હનુમાન ચાલીસા ગાતાં ને આજુબાજુના બાળકોને ભેગા કરીને એમની પાસે પણ ગવડાવતાં. છેલ્લે બધાં બાળકોને પોતાના હાથે પ્રસાદી આપતાં.

સાંજ પડતાં તેઓ મોટા અવાજે અંજલિને પૂછતાં, ”બટેટા બાફવા મૂક્યાં કે નહિ? ભજીયા બનાવવાના છે ખબર છે ને!” હીરાબા કહે એટલે અંજલિ બનાવવાની જ હોય છતાં એ પૂછતી, “બા, ભજીયા કેમ બનાવવા છે?”

“હે ભગવાન, આને મારે દર વર્ષે શીખવવાનુંં! હું નહિ હોઉં ત્યારે કકળાટ તો કાઢશો જ નહિ ને!”

હીરાબાની વાત સાંભળી અંજલિ ઢીલી પડી જતી. “હેં બા, કકળાટ કેવો હોય? તમે બોલ બોલ કરો એવો?” મંથન વાતાવરણ હળવું બનાવી દેતો.

“ના ગાંડા. બોલીએ એટલે કાંઈ કકળાટ થોડો થાય? ઘર હોય ત્યાં થોડો ઝાઝો ઝઘડો તો થાવાનો જ. પણ આજના દિવસે ભેગા બેસી ભજીયા ખાવાના ને જે ગેરસમજો હોય ઈ કકળાટ કાઢી નાખવાનો.”

હીરાબાને ભજીયા ખૂબ ભાવતાં, પણ કાળી ચૌદશ સિવાય એ ભજીયા ખાતા નહિ, એ દિવસે તો ધરાઈ ધરાઈને ભજીયા ખાતા. જેમ જેમ વર્ષો વીત્યા એમ હીરાબાનું શરીર અશક્ત બન્યું અને અંજલિને એમના તરફથી કામમાં મળતો સાથ બંધ થયો, પણ હીરાબાની વક્તૃત્વ ક્ષમતા તો અકબંધ રહી. બેઠા બેઠા પણ એમની સૂચનાઓનો દોર તો ચાલુ જ રહેતો. ઘણીવાર હીરાબાનો બોલવાનો અવાજ દસ મિનિટ સુધી ન આવે એટલે અંજલિ સમજી જતી કે હીરાબા સૂઈ ગયાં છે.

પણ ગયા વર્ષે કાળીચૌદશની સાંજે ધરાઈને ભજીયા ખાધા પછી હીરાબા ઊઠ્યાં જ નહિ. અંજલિનો સંગાથ કાયમ માટે છૂટી ગયો. અંજલિ હીરાબાને યાદ કરતી દિવસો સુધી રડી, પણ હીરાબા પાછા આવવાના ન હતા. હીરાબા વગર ઘરમાં એક નિરવ શાંતિ પથરાઈ ગઈ.

ચા નું પાણી ઊકળી રહ્યું હતું. અંજલિની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં. આજે બરાબર એક વર્ષ થયું હતું હીરાબાને. આખા વર્ષનો એકપણ દિવસ એવો નહિ હોય જેમાં અંજલિએ હીરાબાને યાદ નહિ કર્યા હોય.

અંજલિએ દીવા વડે મેશ બનાવી અને બાળકોને આંજી. બાળકોએ કશી આનાકાની કર્યા વગર મેશ લગાવવા દીધી. બધાએ હનુમાન ચાલીસા પણ ગાઈ. સાંજે અંજલિએ ભજીયા બનાવ્યાં, હીરાબા માટે પણ બનાવ્યાં, પણ ખાતી વખતે પોક મૂકીને તેનાથી રડી પડાયું. અજય એ બંને સાસુવહુની આત્મીયતા જાણતો હતો એટલે તેણે અંજલિને મન ભરીને રડી લેવા દીધી.

અંજલિ શાંત થઈ એટલે અજયે કહ્યું, “જો અંજલિ, બા આખું જીવન ઉત્સવ જેવા આનંદમાં જીવ્યાં છે, એમની મરણતિથિએ એમની પાછળ રડીશ તો એમનો આત્મા દુઃભાશે. તું ગમે એટલું રડીશ તો પણ એ પાછા આવવાના નથી તો પછી હસીને આનંદ કર જેથી એ પણ ઉપર ખુશ થાય.”

અંજલિ એકદમ ઊભી થઈ ગઈ.

“ક્યાં જાય છે અંજલિ?”

“બાને બાળકો બહુ ગમતાં ને! નદીકિનારે છે એ વસ્તીના બાળકોને ભજીયા ખવડાવીશ. પછી જ હું ખાઈશ.” હસીને અંજલિ ભજીયા ડબ્બામાં ભરવા લાગી.

– દિપિકા પરમાર


આપનો પ્રતિભાવ આપો....

19 thoughts on “કાળીચૌદશનો કકળાટ – દિપિકા પરમાર

  • તૃપ્તી

    મનેય મારા સાસુ યાદ આવી ગયા……. મારા સાસુ પણ હીરાબા જેવા જ હો…..મારી માની યાદ આવવા નથી દીધી…..હું જૂનાગઢ ની ….નવી નવી અહી આવી ત્યારે રસોઈ ની જ્ઞાન ખરું પણ બહુ ઝાજુ નહિ….. એક વાર પાલખ ચણા ની દાળ કરવાનું કહી ને મોરારી બાપુ ની કથા માં ચાલ્યા ગયા…..મે કોઈ દિવસ કરેલી પણ નહિ …અને અ આવી કોઈ દાળ હોય તે પણ ત્યારે જ ખબર પડી…..પછી શું થાય….. દાળ તો આવડી જ નહિ…..પણ ત્યારે સાસુ સાથે મળીને જે શીખવાડ્યું તે અજ પણ યાદ રહી ગયું…… કે કોઈ પણ કામ ના આવડે તો એ કામ વિશે પૂછવામાં કોઈ દિવસ નાનાપ નહિ રાખવાની

    ……….

  • Rajul Kaushik

    વાહ ! આવું સરસ વ્હાલસોયું વાતાવરણ હોય ત્યાં કકળાટ તો ક્યાં પગ પણ મુકી શકવાનો?

  • Anil Sheth

    when love each other by heartly ,speak any word by mouth, not effected. true love of SASU AND WAHU. READ 2ND STORY OF DIPIKA PARMAR. BOTH IS EFFECTED TO HEART. AS A NEW WRITER WELL DONE.

  • hsparekh

    સાસુ-વહુના વાગોવતાં રહેતાં સંબંધો વચ્ચે આવાં અપવાદરૂપ દાખલાં દ્રષ્ટિગોચર થાય ત્યારે થતો આનંદ અકથ્ય જ રહેવાનો. સુખ-શાંતિ અને સુમેળભર્યું ઘરનું વાતાવરણ એટલે શું તે પણ સમજાય છે. “કકળાટ”નો અર્થ પણ સચોટતાપૂર્વક સારો સમજાવ્યો. બહું પસંદ પડી. લેખિકાબેનને ધન્યવાદ.

  • Mansukhlal Kakkad Devjibhai Kakkad

    સાસુ વહુના મીઠા સબ્ન્ધોનું નિરૂપણ અંતમાં આંખો ભીની કરી દે છે.