ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય 11


ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય તો ખરું જ, પરંતુ જેમને મારી જેમ વાંચન નામનો હરિરસ પીવાની આદત પડી ગઈ છે તેમના માટે તો ગ્રંથાલય કેવળ વિશ્વવિદ્યાલય નહીં, વૃંદાવન પણ છે એટલે જ હિન્દુ શાસ્ત્રોના આચાર્યોએ દેવો જ્યાં વાસ કરે છે તેને દેવાલય કહ્યા અને પુસ્તકો જ્યાં હોય તેને પુસ્તકાલય, ગ્રંથોના નિવાસની જગ્યાને ગ્રંથાલય નામ આપીને તેને મંદિર જેવો ઊંચો અને પવિત્ર દરજ્જો આપ્યો છે. જે રીતે એક ભક્ત દેવાલયમાં પ્રવેશ કરતા જ તેના તન, મનમાં એક શાંતિ અને સુખનો અનુભવ કરે છે તેવી અનુભૂતિ એક સાચો વાચક જ્યારે પુસ્તકાલય / ગ્રંથાલયમાં પ્રવેશ કરે છે ત્યારે તેના મન-મસ્તિષ્કમાં થાય છે. ત્યાં હાજર તેના જેવા અન્ય વાચકોની હાજરીથી સમગ્ર ગ્રંથાલયનુંં વાતાવરણ અલૌકિક બની જાય છે, વાંચકને વાંચવા માટે આમંત્રણ આપતા વિવિધ વિષયના અસંખ્ય પુસ્તકોની હારમાળા વાચકના તન અને મનને એક અલગ પ્રકારની શાતા / ઠંડક આપી જાય.

એક વિશ્વવિદ્યાલયના કોમ્પ્યુટર સાયન્સ ભવનમાં નોકરી હોવાને લીધે વર્ષોથી વિદ્યાર્થીઓ સાથે, પ્રોફેસરો સાથે, કેમ્પસમાં રહેલા નાના મોટા ગ્રંથાલયો સાથે અને નિયમિત રીતે વાંચવાના ઉદ્દેશથી લાયબ્રેરીમાં આવતા વાચકો સાથે એક અતૂટ નાટો બંધાઈ ગયો છે. અહીં સ્થૂળ રૂપે વિચારીએ તો તેઓ પુસ્તકો વાચવા આવે છે પરંતુ સૂક્ષ્મ રીતે તેઓનું કાર્ય જ્ઞાનપ્રાપ્તિના યજ્ઞમાં નિત્ય આહુતિઓ આપવાનું છે. અવારનવાર મારા ભવનની લાયબ્રેરી અને અન્ય લાયબ્રેરીમાં જઈને પુસ્તકો જોઉં છું, સાથે આદતવશ લાયબ્રેરીમાં વાંચતા વિદ્યાર્થીઓને પણ જોઉં છું. મારામાં રહેલા એક અભ્યાસુ  જીવને લઈને લાઇબ્રેરીઅન મેડમ સાથે ક્યારેક ક્યારેક વાતોએ પણ વળગું છું કે અહી રહેલા બધા પુસ્તકોમાં એવા પુસ્તકોની સંખ્યા ખરી કે કોઈએ કદી તેને વાંચ્યા જ ન હોય? અને હા તો તે કેટલા ટકા? પ્રથમ પ્રશ્નનો જવાબ તો હા માં જ હતો પરંતુ બીજા પ્રશ્નનનો જવાબ પણ ઘણી મોટી ટકાવારીમાં હતો, કે વિદ્યાર્થીઓ પોતાના વિષય બહારના પુસ્તકોનુ વાંચન કરતા નથી અથવા તો ખૂબ જ ઓછું કરે છે. કેટલાક પુસ્તકો તો એવા છે જેને આજ સુધી કોઈએ વાંચવા માટે સ્પર્શ સુદ્ધાં કર્યો નથી.

Photo by Janko Ferlic from Pexels

આ સ્થિતિ કેવળ એક શહેર કે કેમ્પસમાંની લાયબ્રેરીની નથી પરંતુ લગભગ દેશ અને વિદેશમાંં રહેલ બધી જ લાયબ્રેરીઓની છે એમાં મારા અને તમારા ઘરમાંં રહેલી વોર્ડરોબ લાયબ્રેરીનો પણ સમાવેશ થઈ જાય છે. આમ પણ ‘દરેક લખાયેલ પુસ્તક વેચાતું નથી અને વેચાયેલુ દરેક પુસ્તક વંચાતું નથી.’ વળી આ સ્થિતિ કઈ આજના સમયની નથી. દરેક સમયે સમાજને એવું જ લાગતું આવ્યું છે કે નવી પેઢી વાંચતી જ નથી અથવા તો વાંચનારાઓની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે, પરંતુ હકીકત એવી નથી. સદીઓથી વાચકો હંમેશા લઘુમતીમાં જ રહ્યા છે. એમના સંખ્યાબળમાં ક્યારે મોટો વધારો કે ઘટાડો થયો નથી. હા એ વાત ચોક્કસ છે કે છેલ્લા કેટલાક વર્ષથી લોકોની વાંચવાની અને સૂક્ષ્મ રીતે કહીએ તો જ્ઞાન પ્રાપ્ત કરવાની કે પોતાની અંદર રહેલી જિજ્ઞાસા વૃત્તિને સંતોષવાની પદ્ધતિમાંં આમૂલ પરિવર્તનો આવ્યા છે. પહેલા વાંચવું એટલે સ્થૂળ રીતે હાથમાં એક પુસ્તક લઈને બેસી જવું, મારી ઉંમરના અને તેનાથી મોટી ઉંમરના વાચકોને હજુ પણ પુસ્તક હાથમાં લઈને શાંતિથી ખુરશી ઉપર બેસીને વાંચવામાં જે આનંદ મળે છે તે તેમને પુસ્તકોની ઇ-ફાઈલ મોબાઇલ ઉપર કે ડેસ્કટોપ / લેપટોપ ઉપર વાંચવામાં નથી મળતો પરંતુ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ અહીં ખૂબ મોટી ઉંમરના વાચકો કે જેમની આંખો હવે વધુ વાંચી શકતી નથી તેમને માટે ઇ-ફાઈલનું સ્વરૂપ વધારે અનુકૂળ આવે છે. કારણકે તેના અક્ષરો મોટા કરી શકાય છે અને જો આંખોથી બિલકુલ જોઈ શકાતું ન હોય તો આ પુસ્તકો ઓડિયો ફાઈલ સ્વરૂપે સાંભળી પણ શકાય છે. આમ આ રીતે ટેકનોલોજી વાચકને વધારે અનુકૂળતા કરી આપે છે અને એ પણ પોતાના ઘરની બહાર પગ મૂક્યા વગર.

બીજો ફાયદો એ છે કે કેટલાક અઘરા લાગતા વિષયોનું વાંચન કરવાનો કંટાળો આવે છે અથવા તો તેમાં વધુ સમય તે વિષયને સમજવામાં ખર્ચાય છે આવી સ્થિતિમાં ટેકનોલોજી ખૂબ ઉપયોગી થાય છે YouTube જેવી સાઈટના માધ્યમથી ખૂબ ટૂંકા પણ રસપ્રદ રીતે નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા video tutorials જોવાથી કંટાળો પણ નથી આવતો અને સમયની પણ બચત થાય છે. હવે તમારે લાયબ્રેરી સુધી જવાની જરૂર નથી કે હાથમા પુસ્તક લેવાની પણ આવશ્યકતા નથી પુસ્તકો હવે pdf ફાઈલ સ્વરૂપે તમારા ડેસ્ક ટોપ, લેપટોપ કે મોબાઇલમાં સંગ્રહી શકાય છે અને તમે ફાવે ત્યાં અને ફાવે ત્યારે તે વાંચી શકો છો આવા હાઇટેક સમયમાં અને સ્થિતિમાં લાઇબ્રેરીમાં ઓછા વાચકો જોવા મળે તે બહુ જ સ્વાભાવિક ઘટના છે બાકી. “વિશ્વમાં વાંચવાનું ખુટવાનું નથી અને સાચો વાચક કોઈ દિવસ ધરાવવાનો નથી”. વર્તમાન સમયની માંગ  કદાચ એ છે કે હવે આપણને વધુ ગ્રંથાલયોની આવશ્યકતા નથી પરંતુ જે ગ્રંથાલયો છે તેમને વધારે ને વધારે હાઇટેક બનાવવાની આવશ્યકતા છે, હવે પુસ્તકોના પ્રિન્ટિંગની પણ જરૂરિયાત નથી, જરૂરિયાત છે તેને નેટ ઉપર મૂકવાની અને તેને લાંબા સમય સુધી નેટ ઉપર સુરક્ષિત રીતે  કેમ સાચવવા તેની જાણકારી મેળવવી જરૂરી છે, એમેઝોન કંપનીએ મુકેલુ કેન્ડલ નામનું ગેજેટ જે લગભગ છ ઇંચ જેટલી સાઇઝ માં મળે છે તે સ્વયં એક લાઈબ્રેરી ની ગરજ સારે છે તેની અંદર હજારો પુસ્તકો (ઈ-સ્વરૂપ માં) સંગ્રહિત થયેલા હોય છે. આવા સમયમાં વાચકોની સાચી ટકાવારી અખબારો વાંચતા લોકો ના આંકડાથી કે લાયબ્રેરીમાં નોંધાયેલા વાચકોની સંખ્યા થી સંપૂર્ણ અને સાચી કાઢી શકાય નહીં તે હકીકત આપણે બધાએ સ્વીકારવી રહી, અત્યારના લોકોની વાચવાની રુચિ વધી કે ઘટી છે, હાલમાં લોકો વધુ પ્રમાણમાં વાંચે છે કે પહેલાના સમયમાં વધુ પ્રમાણમાં વાચતા આ ચર્ચા સમયાતરે ટી.વી.પરની ચર્ચામાં અને સમાજમાં થતી જોવા મળે છે અને તે થોડી સ્વાભાવિક પણ છે કારણ કે હાલના સમયના માનવી પાસે વાંચન સિવાયના ઘણા બધા વિકલ્પો હાજર છે અને હાથ વગા પણ છે, એ વાત સાચી છે પરંતુ મારું વ્યક્તિગત માનવું બહુ જ સ્પષ્ટ છે કે જેમ શરીરને ટકાવવા ખોરાકની આવશ્યકતા છે તેવી જ રીતે માનવીના મનમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિને સંતોષવા વાંચન રૂપી ખોરાક પણ એટલો જ આવશ્યક છે. આજે લેખ નો વિષય  લાઇબ્રેરીનો છે તો એક સાચો અને સરસ પ્રસંગ આપની સાથે શેર કરું છું યુ.એસ.એ ના પ્રમુખ જ્યોર્જ બુશ ના પત્ની લોરા બુશ કે જે પ્રથમ નારી (First Lady) કહેવાતા; તે વિદ્યાર્થીઓ અને યુવાનોને તેણી એક વાત અવશ્ય કહેતા, “લવ યોર લાઇબ્રેરી” અને વાંચનની આદતને કેળવવાની વાત ઉપર ભાર મૂકતા. આ ખૂબ જ સારી આદત છે, તમને ઊંચાઇ ઉપર લઇ જશે, લોરા બુશ પણ વ્યવસાયે લાઈબ્રેરિયન હતા. આજના આ લેખનો વિષય એ મારો કદાચ સૌથી પ્રિય વિષય અને શોખ રહ્યો છે.  ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે વાંચનનો કંટાળો આવે છે તો શું કરવું? તેનો ઉપાય શું? મારો અનુભવ સિદ્ધ ઉપાય કહું તો વાંચનને શરૂઆતમાં ફરજયાત લેવું અને ગમતા વિષયથી વાંચનની શરૂઆત કરવી. ધીમે ધીમે તેમાં રસ વધતો જશે અને તે આદત એટલે કે ટેવ પડી જશે અને આગળ જતાં આ આદત તમારા જીવનનો એક હિસ્સો બની જશે. બીજો સૌથી વધારે પૂછાતો સવાલ એ કે એનાથી શું ફાયદો? જવાબ છે વિશ્વમાં આ એક જ એવી ટેવ છે કે જેની કોઈ સાઇડઈફેક્ટ નથી પરંતુ ઇફેક્ટ ખૂબ જ જબરજસ્ત છે. વાંચન તમને વિચારતા કરે છે, વિચાર તમને નવું કામ કરવાની પ્રેરણા આપે છે, નવું-નવું કરતી વખતે જે અનુભવ થાય છે તે ફરી પાછા તમને વાંચવાની પ્રેરણા આપે છે. આમ આ સાઇકલ અવિરત ચાલે છે અને અંતતઃ વાંચન માણસને સફળ ઉપરાંત એક ઉમદા માનવી બનાવે છે આમ ગ્રંથાલયો સંવેદનશીલ વ્યકિત, સમાજ, દેશ તથા સભ્યતા અને સહાનુભૂતિથી ભરેલા વિશ્વનું ઘડતર કરવામાં, કદાચ ધર્મ કરતા પણ વધારે ઉપયોગી સાબિત થયા છે.

– ચેતન. સી. ઠાકર, રાજકોટ


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય

 • Vishal jograna

  https://matrushreekelvanitrust.blogspot.com/2016/12/blog-post.html?m=1

  Namaste સાહેબ,

  સાહેબ મે પણ પાલીતાણા જેવા નાના શહેર મા લાઇબ્રેરી બનાવી છે, જેમાં અત્યારે તો ફક્ત કોમ્પિતેતિવ એક્ઝામ ને લગતા j પુસ્તકો ઉપલબ્ધ છે હવે આ લાઇબ્રેરી નો વિકાસ કઈ રીતે કરવો તે બાબતે માર્ગર્શન આપશો સર

  આભાર

  ઉપર મારી લાઇબ્રેરી નો બ્લોગ બનાવેલ છે તેનો છે મુલાકાત લેજો સાહેબ

  વિશાલ જોગરાણા – 7819074319

  • mydiary311071

   વિશાલભાઈ આપે મંદિર નિર્માણ જેવુ પવિત્ર કાર્ય કરિયું છે, મને વિશ્વાસ છે આપ ની લાઈબ્રેરી નો લોકોના સહકાર થી, આપની મહેનત અને સૂજ-બૂજ થી ખુબજ વિકાસ થશે અને હા હું ચોક્કસ આપના બ્લોગ ની વિઝિટ કરીશ॰ ધન્યવાદ

 • hsparekh

  સારી માહિતી મળી…બાળકોમાં વાંચન પિપાસાને પ્રદિપ્ત કરવા માટે ‘વિષેશ વાંચન’ નો વર્ગ દરેક શાળામાં હોય તે જરૂરી છે; જે વાંચનપ્રેમી શિક્ષક દ્વારા રોચક અને રસપ્રદ બનાવાય. દરેક ગ્રામ્ય શાળાને નાના અમથા પણ ત્રણ ચાર કોમ્પુટર અને ૩૦૦એક પુસ્તકોથી સજ્જ પુસ્તકાલયની સગવડ મળવી આવશ્યક છે. વાંચનભૂખ બચપણથી જ જાગ્રત થાય અને પોષાય તેની જરૂરત અને તેના ફાયદાઓ તો સુપેરે સૌને વિદિત છે જ.

  • mydiary311071

   આભાર પારેખ સાહેબ આટલો સુંદર અને સચોટ અભિપ્રાય ની સાથે ઉકેલ પણ સૂચવવા બદલ

 • hdjkdave

  સરસ્વતીને જીવ્હા પર બેસાડવા માટે જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન વડીલો અને ગુરુજી પાસેથી મળી શકે. અને ગ્રંથો ગુરુજીની ગરજ મહદઅંશે સારી શકે. બાળપણથી જ જો વાંચનનો રસ કેળવવામાં આવ્યો હોય તો તે દીર્ઘકાળ પર્યંત જળવાઈ શકે. મને પહેલાં થી જ વાંચનનો શોખ હતો. હું એક સાથે ત્રણ ગ્રંથાલયમાં સભ્ય હતો અને પુસ્તકો પણ વાંચતો હતો. મારા જેવા અનેક પુસ્તક પ્રેમી જીવો પોતાને અને અન્યને જ્ઞાન સમૃદ્ધ કરતા રહયા હશે, કરતા રહે છે અને કરતા રહેવાના છે. માધ્યમો બદલાતા રહે પરંતુ લક્ષ્ય બદલાશે નહિ. ગ્રંથો માનવજાતના પરમ મિત્રો છે…એ મિત્રતા જાળવી રાખે છે, ભલે વાચક ન જાળવે કે ન જાળવી શકે તો પણ આ મિત્ર કદાપિ ખોટું લગાડશે નહિ. ગ્રંથિ છોડી ગ્રંથોને મિત્ર બનાવો એમ ભારપૂર્વક દર્શાવતો આ લેખ પણ એ દિશામાં સહુને લઈ જવા પ્રેરક બને છે.