ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય 11
ગ્રંથાલય સ્વયં વિશ્વવિદ્યાલય તો ખરું જ, પરંતુ જેમને મારી જેમ વાંચન નામનો હરિરસ પીવાની આદત પડી ગઈ છે તેમના માટે તો ગ્રંથાલય કેવળ વિશ્વવિદ્યાલય નહીં, વૃંદાવન પણ છે એટલે જ હિન્દુ શાસ્ત્રોના આચાર્યોએ દેવો જ્યાં વાસ કરે છે તેને દેવાલય કહ્યા અને પુસ્તકો જ્યાં હોય તેને પુસ્તકાલય, ગ્રંથોના નિવાસની જગ્યાને ગ્રંથાલય નામ આપીને તેને મંદિર જેવો ઊંચો અને પવિત્ર દરજ્જો આપ્યો છે. જે રીતે એક ભક્ત દેવાલયમાં પ્રવેશ કરતા જ તેના તન, મનમાં એક શાંતિ અને સુખનો અનુભવ કરે છે તેવી અનુભૂતિ એક સાચો વાચક જ્યારે પુસ્તકાલય / ગ્રંથાલયમાં પ્રવેશ કરે છે ત્યારે તેના મન-મસ્તિષ્કમાં થાય છે. ત્યાં હાજર તેના જેવા અન્ય વાચકોની હાજરીથી સમગ્ર ગ્રંથાલયનુંં વાતાવરણ અલૌકિક બની જાય છે, વાંચકને વાંચવા માટે આમંત્રણ આપતા વિવિધ વિષયના અસંખ્ય પુસ્તકોની હારમાળા વાચકના તન અને મનને એક અલગ પ્રકારની શાતા / ઠંડક આપી જાય.